ઈરાનની કોલસાની ખાણમાં વિસ્ફોટ, 51નાં મોત

    • લેેખક, થૉમસ મેકિન્ટોશ
    • પદ, બીબીસી સંવાદદાતા

પૂર્વ ઈરાનના તબાસની એક કોલસાની ખાણમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછાં 51 લોકોનાં મૃત્યુ થયાં છે. સરકારી મીડિયાએ આ ઘટનાની પુષ્ટિ કરી છે.

ખાણના બે બ્લૉકમાં મીથેન ગૅસના લીકેજને કારણે આ વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ ભારતીય સમય અનુસાર રાત્રે 11 વાગ્યે થયો.

આ ખાણ ઈરાનની રાજધાની તહેરાનથી લગભગ 540 કિલોમીટર દૂર દક્ષિણના ખુરાસાન પ્રાંતમાં છે.

સમાચાર એજન્સી એપી મુજબ દક્ષિણ ખુરાસાનના ગવર્નર જવાદ ઘેનાત્જાદેહે જણાવ્યું, “વિસ્ફોટ સમયે અહીં ખાણમાં બ્લૉક બી અને બ્લૉક સીમાં લગભગ 69 કર્મચારીઓ હતા.”

“બ્લૉક બીમાં 22 લોકો હતા જ્યારે કે બ્લૉક સીમાં 47 લોકો હતા.”

એ હજુ સ્પષ્ટ નથી કે કેટલા લોકો જીવીત છે અને કેટલા લોકો અંદર ફસાયેલા છે.

જોકે, સરકારી મીડિયાએ મૃતકોના આંકડો આપ્યો છે. પહેલાં તેમણે જણાવ્યું હતું કે 30 મજૂરોનાં મૃત્યુ થયાં હતાં. જ્યારે હવે આ આંકડો વધ્યો છે.

સમાચાર એજન્સી આઈઆરએનએએ જાણકારી આપી છે, “આ અકસ્માતમાં મરનારાની સંખ્યા વધીને 51 થઈ ગઈ છે જ્યારે કે ઘાયલોની સંખ્યા 20 છે.”

રાષ્ટ્રપતિએ આપ્યા તપાસના આદેશ

રૉયટર્સ સમાચાર એજન્સીના જણાવ્યા પ્રમાણે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાને મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના પ્રકટ કરી છે.

પેજેશ્કિયાને ટીવી પર પ્રસારિત વીડિયોમાં જણાવ્યું, “મેં મંત્રીઓ સાથે વાતચીત કરી છે. અમે આ મામલા પર નજર રાખી રહ્યા છે.”

અલ જજીરાના જણાવ્યા પ્રમાણે, રાષ્ટ્રપતિ પેજેશ્કિયાન સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભામાં સામેલ થવા માટે ન્યૂ યૉર્ક જવાની તૈયારી કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે ખાણમાં ફસાયેલા તમામ લોકોને સુરક્ષીત બહાર કાઢવાના તમામ સંભવિત પ્રયાસો કરવાના અને પીડિત પરિવારોને મદદ કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે.

તેમણે આ સાથે આ ઘટનાની તપાસના આદેશ પણ આપી દીધા છે.

આઈઆરએનએના જણાવ્યા મુજબ તબાસ ખીણ 30 હજાર વર્ગ કિલોમીટરથી વધારે ક્ષેત્રમાં ફેલાયેલી છે.

તેને ઈરાનની સૌથી મોટી અને સૌથી સમૃદ્ધ ખાણ માનવામાં આવે છે.

સરકારી મીડિયાએ સ્થાનીક સરકારી વકીલ અલી નેસાઈના હવાલે જણાવ્યું, “ખાણમાં ગૅસ જમા થવાને કારણે રાહત અને બચાવ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છે.”

નેસાઈએ કહ્યું, “હાલ અમારી પ્રાથમિકતા ઘાયલોનો ઇલાજ કરાવવાની છે અને કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની છે.”

તેમણે કહ્યું, “આ અકસ્માત સાથે જોડાયેલા લોકોની ભૂલો અને નિષ્કાળજી મામલે કાર્યવાહી કરવામાં આવશે.”

પહેલાં પણ થયા છે અકસ્માતો

ઈરાનમાં ખાણમાં આ પહેલાં પણ અકસ્માતો થઈ ચૂક્યા છે.

ગત વર્ષે દામગનના ઉત્તરી શહેરમાં આવેલી ખાણમાં થયેલા વિસ્ફોટમાં છ લોકોનાં મૃત્યુ થયાં હતાં. સ્થાનિય મીડિયા અનુસાર આ અકસ્માત મીથેન ગૅસ લીકેજને કારણે થયો હતો.

મે, 2021માં આ જ ખાણમાં બે લોકોનાં મૃત્યુ થયાં હતાં. સ્થાનીય મીડિયા અનુસાર ખીણમાં ભૂસ્ખલનને કારણે આ અકસ્માત થયો હતો.

2017માં ઉત્તર ઈરાનના આઝાદ શહેરસ્થિત એક કોલસાની ખાણમાં વિસ્ફોટ થયો હતો. જેમાં 43 લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ અકસ્માતને કારણે લોકોનો સરકારી અધિકારીઓ સામે ગુસ્સો વધ્યો હતો.

અલ જજીરાના જણાવ્યા પ્રમાણે વર્ષ 2013માં બે અલગ-અલગ અકસ્માતોમાં 11 મજૂરોના જીવ ગયા હતા.

2009માં આ પ્રકારે અકસ્માત સર્જાયો હતો જેમાં ઓછામાં ઓછા 20 મજૂરો માર્યા ગયા હતા.

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.