ક્વાડની બેઠકમાં પીએમ મોદીએ કેમ કહ્યું- 'અમે કોઈની વિરુદ્ધમાં નથી'

અમેરિકાના વિલમિંગટનમાં ક્વાડ નેતાઓની બેઠકમાં ઑસ્ટ્રેલિયા, ભારત, અમેરિકા અને જાપાનના વડા સામેલ થયા છે. ભારત વતી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ બેઠકમાં ભાગ લીધો છે.

વડા પ્રધાન મોદીએ કહ્યું છે કે, ''અમારી બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે સમગ્ર વિશ્વ તણાવ અને ઘર્ષણથી ઘેરાયલું છે. આવી સ્થિતિમાં સહિયારાં લોકશાહી મૂલ્યોના આધારે રચાયેલું ક્વાડ ચાલતું રહે તે સમગ્ર માનવતા માટે ખૂબ જ જરૂરી છે.''

વડા પ્રધાન મોદીએ કહ્યું કે, અમે કોઈના વિરુદ્ધમાં નથી. અમે બધા કાયદા પર આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા, સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનો આદર અને તમામ મુદ્દાઓના શાંતિપૂર્ણ ઉકેલ લાવવાના સમર્થનમાં છીએ."

આ સિવાય ક્વાડ ગ્રૂપના દેશોએ એક સંયુક્ત નિવેદન પણ બહાર પાડ્યું છે જેમાં દક્ષિણ ચીન સાગરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ મુદ્દે અત્યાર સુધી ચીન તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

‘દક્ષિણ ચીન સમુદ્ર' મુદ્દે ચિંતા

શનિવારે (ભારતીય સમય મુજબ રવિવારે વહેલી સવારે) વડા પ્રધાન મોદીએ બાઇડનના હોમટાઉન વિલમિંગટન ખાતે આયોજિત ક્વાડ શિખર સંમેલનમાં ભાગ લીધો હતો. તેમણે રાષ્ટ્રપતિ બાઇડન સાથે પણ દ્વિપક્ષીય મંત્રણા કરી હતી.

પોતાના સંબોધનમાં વડા પ્રધાન મોદીએ આ બેઠકની યજમાની કરવા બદલ જો બાઇડનનો આભાર માન્યો હતો. અમેરિકાના પ્રમુખ તરીકે જો બાઇડનની આ છેલ્લી ક્વાડ સમિટ છે.

મોદીએ કહ્યું, "સાલ 2021માં તમારી આગેવાની હેઠળ ક્વાડની પ્રથમ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આટલા ઓછાં સમયમાં આપણા બધાએ અકલ્પનીય રીતે દરેક દિશામાં સહયોગ વધાર્યો છે."

"આ દિશામાં વ્યક્તિગત રીતે તમે ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. હું ક્વાડ પ્રત્યેની તમારી મજબૂત પ્રતિબદ્ધતા, નેતૃત્વ અને યોગદાન માટે તમારો હૃદયપૂર્વક આભાર માનું છું."

માનવામાં આવે છે કે હિન્દ-પ્રશાંત મહાસાગર ક્ષેત્રમાં ચીનના વર્ચસ્વને ઘટાડવા માટે ક્વાડની રચના કરવામાં આવી છે, જેમાં ચાર સભ્યો છે. ક્વાડના ગઠન થયા બાદથી સતત સભ્ય દેશો વચ્ચે એ પ્રકારના કરાર થઈ રહ્યા છે જેથી હિન્દ-પ્રશાંત મહાસાગર ક્ષેત્રમાં ચીનનો પ્રભાવમાં ઘટાડો લાવી શકાય.

બેઠક બાદ ક્વાડ નેતાઓએ સંયુક્ત નિવેદન બહાર પાડીને પૂર્વ અને દક્ષિણ ચીન સાગરની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે.

સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “વિવાદિત મુદ્દાઓમાં સૈન્યના ઉપયોગ સામે અમે ગંભીર ચિંતા વ્યક્ત કરીએ છીએ. સાથે-સાથે દક્ષિણ ચીન સાગરમાં બળનો ઉપયોગ અને ગભરાવવા - ધમકાવવા માટે જે રીતે યુદ્ધઅભ્યાસ કરવામાં આવી રહ્યો છે તેની સામે પણ અમારી ગંભીર ચિંતા વ્યક્ત કરવાનું ચાલુ રાખીએ છીએ. અમે કહેવા માગીએ છીએ કે દરિયાઈ વિવાદોનો શાંતિપૂર્ણ રીતે અને આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર ઉકેલવા જોઈએ."

આતંકવાદની ચર્ચા

ક્વાડ નેતાઓએ કહ્યું, "અમે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારો કરીશું."

ક્વાડ નેતાઓએ પોતાના સંયુક્ત નિવેદનમાં કહ્યું કે, સુરક્ષા પરિષદમાં પ્રતિનિધિઓ વધારવા માટે બેઠકમાં ચર્ચા થઈ છે. ઉપરાંત સુરક્ષા પરિષદને વધુ સમાવિષ્ટ, પારદર્શક, કાર્યક્ષમ, અસરકારક, લોકતાંત્રિક અને જવાબદાર બનાવવાની તાત્કાલિક જરૂરિયાત હોય તેમાં કાયમી અને અસ્થાયી સભ્યોની સંખ્યામાં વધારો કરવા વિશે પણ ચર્ચા કરવામાં આવી છે.

ક્વાડ નેતાઓએ સંયુક્ત નિવેદનમાં આતંકવાદ અને હિંસાની પણ ટીકા કરી છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે, “અમે આતંકવાદ અને દરેક પ્રકારના હિંસક ઉગ્રવાદ, જેમાં સરહદ પારથી થઈ રહેલા આતંકવાદનો પણ સમાવેશ થાય છે, તેની સ્પષ્ટપણે નિંદા કરીએ છીએ. આતંકવાદી હુમલામાં સામેલ ગુનેગારોની જવાબદારી નક્કી થાય તે માટે અમે કામ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. 26/11 મુંબઈ હુમલા અને પઠાણકોટ હુમલા સહિતના આતંકવાદી હુમલાની અમે સખ્ત શબદોમાં નિંદા કરીએ છીએ.''

રશિયા-યુક્રેન યુદ્ધ અંગે ચિંતા

સંયુક્ત નિવેદનમાં ક્વાડ નેતાઓએ યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે.

“જ્યારથી યુદ્ધ શરૂ થયું છે ત્યારથી દરેક સભ્ય દેશે યુક્રેનની મુલાકાત લીધી છે અને પ્રત્યક્ષ રીતે ત્યાંની સ્થિતિ જોઈ છે. અમે આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર વ્યાપક, ન્યાયી અને કાયમી શાંતિની જરૂરિયાત વિશે પુનરોચ્ચાર કરીએ છીએ."

ઉત્તર કોરિયા દ્વારા કરવામાં આવતાં બેલિસ્ટિક મિસાઇલ પરીક્ષણો અને સંયુક્ત રાષ્ટ્રના પરિષદના વિવિધ ઠરાવોનું ઉલ્લંઘન કરીને પરમાણુ શસ્ત્રોના સતત સંશોધનની પણ સંયુક્ત નિવેદનમાં નિંદા કરવામાં આવી છે.

ક્વાડ નેતાઓએ કહ્યું છે કે, “આ પરીક્ષણો આંતરરાષ્ટ્રીય શાંતિ અને સ્થિરતા માટે ગંભીર જોખમ ઊભું કરે છે. અમે ઉત્તર કોરિયાને યુએનએસસીઆર હેઠળ પોતાની તમામ જવાબદારીઓનું પાલન કરવા, ઉશ્કેરણીથી દૂર રહેવા અને નક્કર વાતચીતમાં જોડાવા માટે વિનંતી કરીએ છીએ."

ક્વાડ શબ્દ 'ક્વાડ્રીલેટરલ સુરક્ષા સંવાદ'ના ક્વાડ્રીલેટરલથી લેવામાં આવ્યો છે. ક્વાડમાં ભારતની સાથે અમેરિકા, જાપાન અને ઑસ્ટ્રેલિયા છે.

2004ની સુનામી બાદ સૌપ્રથમ ક્વાડની રચના વિશે ચર્ચા કરવામાં આવી હતી. સુનામી વખતે ભારતે પોતાની સાથે-સાથે બીજા અસરગ્રસ્ત પાડોશી દેશોમાં બચાવ અને રાહત પ્રયાસો હાથ ધર્યા હતા. તે વખતે અમેરિકા, ઑસ્ટ્રેલિયા અને જાપાને ભારતની મદદ કરી હતી.

પરંતુ ક્વાડનો શ્રેય જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેને આપવામાં આવે છે. સાલ 2006 અને 2007ની વચ્ચે શિન્ઝો આબેએ ક્વાડનો પાયો નાખવામાં સફળ થયા હતા. ઑગસ્ટ 2007માં મનિલા ખાતે ક્વાડમાં સામેલ દેશોના વરિષ્ઠ અધિકારીઓની પ્રથમ અનૌપચારિક બેઠક યોજાઈ હતી.

મોદીએ દ્વિપક્ષીય વાતચીતમાં શું કહ્યું?

અમેરિકામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનના વડા પ્રધાન ફુમિયો કિશિદા સાથે પણ મુલાકાત કરી હતી. ભારત અને જાપાન વચ્ચે વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને દસ વર્ષ પૂરાં થયાં છે. આ બેઠકમાં બંને નેતાઓએ ખાસ ભાગીદારીની પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો.

આ બેઠકમાં પીએમ મોદીએ છેલ્લા કેટલાંક વર્ષો દરમિયાન ભારત-જાપાન વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને આગળ વધારવામાં જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદાના સમર્પણ અને નેતૃત્વનો આભાર માન્યો હતો.

મોદીએ ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાન ઍન્થની અલ્બનીઝ સાથે પણ મુલાકાત કરી હતી.

બંને નેતાઓએ રાજકીય, વ્યૂહાત્મક, સંરક્ષણ, સુરક્ષા, વેપાર, રોકાણ, શિક્ષણ અને સંશોધનમાં દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવા બાબતે ચર્ચા કરી હતી. આ સિવાય જળવાયુ પરિવર્તન અને પુનઃપ્રાપ્ય ઊર્જા જેવાં વ્યાપક ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ વધારવા વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી.

બંને દેશોના વડા પ્રધાનોએ પરસ્પર પ્રાદેશિક અને વૈશ્વિક હિતના મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું.

બંને નેતાઓએ બહુપક્ષીય મંચોમાં સહકારને મજબૂત કરવા અને ભારત-ઑસ્ટ્રેલિયા વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ઊંચાઈએ લઈ જવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.