વૈભવ સૂર્યવંશી : એ ખેલાડી જેના થકી બિહારની ટીમે 50 ઓવરમાં 574 રનનો વર્લ્ડ રેકૉર્ડ સર્જી દીધો

વૈભવ સૂર્યવંશી, બિહાર, ક્રિકેટ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બિહારે 574/6 સાથે લિસ્ટ એ મૅચમાં સૌથી વધુ સ્કોરનો નવો 'વર્લ્ડ રેકૉર્ડ' બનાવ્યો છે.

ભારતના 14 વર્ષીય બૅટ્સમૅન વૈભવ સૂર્યવંશીએ 84 બૉલમાં 190 રન ફટકારીને બિહારને 574 રન સુધી પહોંચાડ્યું હતું.

વૈભવ બિહારના મિથિલા ક્ષેત્રના સમસ્તીપુર જિલ્લાના તાજપુર શહેરના છે. 2011માં જન્મેલા વૈભવ સૂર્યવંશી ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રાજસ્થાન રૉયલ્સ માટે રમે છે.

બીબીસી સ્પૉર્ટ્સના અહેવાલ અનુસાર, નવેમ્બર 2024માં વૈભવને ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) 13 વર્ષની ઉંમરે રાજસ્થાન રૉયલ્સ દ્વારા રૂપિયા 1.1 કરોડ (130,000 અમેરિકન ડૉલર)માં પસંદ કરવામાં આવ્યા હતા.

આજે અરુણાચલ પ્રદેશ સામે રમાયેલી બિહારની ટીમે 2022માં અરુણાચલ સામે નોંધાયેલા તામિલનાડુના 506/2ના કુલ સ્કોરને પાછળ છોડી દીધો છે અને 574/6ના 'વર્લ્ડ રેકૉર્ડ' ઇનિંગ સ્કોર સાથે યાદીમાં પ્રથમ નંબરનું સ્થાન મેળવ્યું.

સૂર્યવંશીએ અનેક વિશ્વ રેકૉર્ડ તોડ્યા

પીયૂષકુમાર સિંહ (77), આયુષ લોહારુકા (116) અને સાકીબુલ ગની (128) રન ફટકારીને ટીમને આ લક્ષ્ય સુધી પહોંચાડવામાં મદદ કરી હતી.

વૈભવ સૂર્યવંશીએ ફક્ત 36 બૉલમાં પોતાની સદી પૂરી કરી હતી, જે કોઈ ભારતીય દ્વારા બીજી સૌથી ઝડપી સદી હતી. જ્યારે તેઓ 84 બૉલમાં (15 છગ્ગા સહિત) 190 રન બનાવીને આઉટ થયા ત્યારે બિહારે ફક્ત 27 ઓવરમાં 260 રનનો સ્કોર પાર કર્યો હતો.

190 રનની પોતાની સદી દરમિયાન સૂર્યવંશીએ અનેક વિશ્વ રેકૉર્ડ તોડ્યા હતા, લિસ્ટ એ ક્રિકેટમાં સદી ફટકારનાર સૌથી નાની ઉંમરના ખેલાડી બન્યા હતા અને સાથે જ તેમણે એબી ડી વિલિયર્સનો ફૉર્મેટમાં સૌથી ઝડપી 150 રન બનાવવાનો રેકૉર્ડ પણ તોડ્યો હતો.

સાકીબુલ ગનીની પણ ઝંઝાવાતી બેટિંગ

વૈભવ સૂર્યવંશી, બિહાર, ક્રિકેટ, બીબીસી ગુજરાતી

સાકીબુલ ગનીએ પણ માત્ર 32 બૉલમાં સદી ફટકારી હતી, જે કોઈ ભારતીય દ્વારા ફટકારાયેલી સૌથી ઝડપી સદી હતી.

ત્યારે આજ મૅચમાં બિહારના સાકીબુલ ગનીએ અરુણાચલ પ્રદેશ સામેની તેમની વિજય હઝારે ટ્રૉફીમાં જ વૈભવ સૂર્યવંશીને ઢાંકી કાઢે તેવો વિશાળ રેકૉર્ડ હાંસલ કર્યો હતો.

કોઈ ભારતીય દ્વારા લિસ્ટ એ સદીનો સૌથી ઝડપી રેકૉર્ડ બનાવનાર ભારતીય સાકીબુલ ગની છે. ત્યારે ગનીએ 2024માં અરુણાચલ પ્રદેશ સામે પંજાબના બૅટ્સમૅન અનમોલપ્રીતસિંહના 35 બૉલમાં બનાવેલી સદીને પાછળ છોડી દીધી હતી.

ગનીએ આખરે માત્ર 40 બૉલમાં 12 છગ્ગા અને 10 ચોગ્ગા ફટકારીને અણનમ 128 રન બનાવ્યા.

ઑલરાઉન્ડર 26 વર્ષીય ગની બિહારના મોતીહારી શહેરના વતની છે. તેમનો લિસ્ટ એ સ્ટ્રાઇક-રેટ ફક્ત 71.95 હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન