You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આદિત્ય-L1 મિશનથી ઇસરો સૂર્ય વિશે કેવાં સંશોધનો કરશે?
- લેેખક, શ્રીકાંત બક્ષી
- પદ, બીબીસી સંવાદદાતા
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન - ઇસરોએ ચંદ્રયાન-3 દ્વારા વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. ઇસરોએ હવે ચંદ્ર બાદ સૂર્ય તરફ નજર કરી છે અને તે સૂર્ય વિશે સંશોધન કરવા માટેના પોતાના પ્રથમ મિશન માટેની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે.
ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન ઇસરોએ સોમવારે જણાવ્યું છે કે સૂર્યના અધ્યયન માટે મોકલવામાં આવી રહેલો ઉપગ્રહ ‘આદિત્ય એલ-1’ બીજી સપ્ટેમ્બર, 2023ના રોજ સવારે 11-50 કલાકે શ્રીહરિકોટાથી લૉન્ચ કરવામાં આવશે.
ઇસરોએ જણાવ્યું છે કે સુર્યના અધ્યયન માટે આ ભારતનું પહેલું અભિયાન છે. ઇસરોએ એમ પણ જણાવ્યું છે, "આદિત્ય એલ-1 સુર્યનું અધ્યયન કરવા માટેનું પહેલું મિશન હશે. અંતરિક્ષયાનને સૂર્ય-પૃથ્વી પ્રણાલીના લેગ્રેન્જ બિંદુ 1(એલ-1)ની ચારેતરફ એક પ્રભામંડલ કક્ષામાં મોકલવામાં આવશે, જે પૃથ્વીથી લગભગ 15 લાખ કિલોમીટર દૂર છે."
"એલ-1 બિંદુના ચારેતરફ અને પ્રભામંડલ કક્ષામાં એક ઉપગ્રહ રાખવાનો મુખ્ય ફાયદો એ થાય છે કે તે કોઈ પણ ગ્રહણના અવરોધ વગર સુર્યને લગાતાર જોઈ શકે છે. તેનાથી વાસ્તવિક સમયમાં તથા સૌર ગતિવિધીઓ અને અંતરિક્ષ મોસમ પર તેના પ્રભાવને જોવા માટેનો વધારે લાભ મળશે."
ઇસરોએ ચંદ્ર વિશે જાણવા માટે તેના પર રોવર અને લેન્ડર મોકલવાનું મિશન હાથ ધર્યું ત્યારબાદ હવે આદિત્ય-L1 પ્રોજેક્ટથી સૂર્ય વિશે જાણવાનો પ્રયાસ શરૂ થશે.
ચંદ્રયાન અને મંગળયાન પછી, આદિત્ય-L1 એ ઇસરો માટે સૌથી અગત્યનો પ્રોજેક્ટ બનવા જઈ રહ્યો છે.
સૂર્ય વિશે સંશોધન શા માટે?
બ્રહ્માંડ અબજો તારાઓથી બનેલું છે. આ તારાઓમાંથી સતત ઊર્જા વહે છે. બ્રહ્માંડની ઉત્પત્તિ અને ભવિષ્ય વિશે સમજવા માટે તારાઓને સમજવા ખૂબ જરૂરી છે.
પૃથ્વીની સૌથી નજીકનો તારો સૂર્ય છે. જો આપણે સૂર્યને સમજી શકીએ તો આપણે બ્રહ્માંડ વિશે વધુ જાણી શકીશું. સૂર્ય જેવા અત્યંત તેજસ્વી તારા પર હોય તેવી સ્થિતિ (ગરમી અને ઉર્જા) પૃથ્વી પર ઊભી કરી શકાય નહીં અને સંશોધન કરી શકાય નહીં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એથી સૂર્યની શક્ય એટલી નજીક પહોંચીને સંશોધન માટે દુનિયાભરની સ્પેસ એજન્સીઓ પ્રયાસ કરી રહી છે. આદિત્ય-L1 સૂર્ય વિશેના સંશોધન માટેનો ઇસરોના પ્રયોગનો એક ભાગ છે.
નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સીએ સૂર્યનું અવલોકન કરવા માટે ઘણા પ્રયોગો કર્યા છે. ઇસરો માત્ર સૂર્ય વિશે જાણવા માટે જ નહીં, પરંતુ સૂર્ય પરની ગતિવિધિઓ પર સતત નજર રાખવા માટે પણ આ પ્રયોગ કરી રહ્યું છે.
સૂર્યમાં ઉદ્ભવતા સૌર તોફાનોને વહેલાસર પામી શકાય તે માટે પણ આ મિશન ઉપયોગી થશે.
સૌર તોફાનો પર શા માટે નજર રાખવી જોઈએ?
આપણા સૂર્યમંડળ માટે સૂર્ય ઊર્જાનો સ્ત્રોત છે. સૂર્ય 450.15 અબજ વર્ષ જૂનો છે. તે પૃથ્વીથી લગભગ 150 કરોડ કિલોમિટર દૂર છે. સૂર્યના કેન્દ્રમાં સતત ફ્યુઝન પ્રક્રિયા થાય છે અને તેના દ્વારા હાઇડ્રોજન હિલિયમમાં રૂપાંતરિત થાય છે. આ પ્રક્રિયાને કારણે જબરદસ્ત ઊર્જાનું ઉત્સર્જન થાય છે.
સૂર્યના કેન્દ્રને કોર કહેવામાં આવે છે, જ્યાં તાપમાન 1 કરોડ 50 લાખ ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે. કોર એટલે કે કેન્દ્રથી સપાટી તરફ આગળ વધીએ તેમ તાપમાન ઘટે છે.
સૂર્યની સપાટીને રંગમંડળ (ક્રોમોસ્ફિયર) કહેવામાં આવે છે. અહીં તાપમાન 5500 ડિગ્રી સેલ્સિયસનું હોય છે. સૂર્યની આસપાસની સપાટી ફરતે રહેલા વિસ્તારને કોરોના કહેવામાં આવે છે. સૂર્યગ્રહણ દરમિયાન કોરોનાના વિસ્તારને નરી આંખથી જોઈ શકાય છે.
સૂર્યની સપાટી ફરતે તમામ દિશામાં મોટી માત્રામાં સૌર પવનો અથવા તો ઊર્જાનો પ્રવાહ વહેતો હોય છે. કેટલીકવાર સૂર્યના અમુક હિસ્સામાં તીવ્ર પરમાણુ ફ્યુઝનની પ્રક્રિયા થાય છે. એવું થાય ત્યારે અચાનક મોટા વિસ્ફોટો થાય અને તેમાંથી જ સૌર તોફાનો જન્મે છે.
આવાં સૌર તોફાનોને કારણે ઊભા થયેલા ઊર્જાના વધારે તીવ્ર પ્રવાહો પૃથ્વી સાથે ટકરાય ત્યારે તેની અસરને કારણે ઘણી આફતો આવી શકે. જોકે પૃથ્વીના વાતાવરણ અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રોને કારણે આ તોફાની સૌર પવનો સીધા પૃથ્વી પર આવી શકતા નથી.
પરંતુ આકાશમાં રહેલા ઉપગ્રહો, પૃથ્વી પરની કમ્યુનિકેશન્સ સિસ્ટમ અને વીજળીની ગ્રીડને તેના કારણે જોખમ થઈ શકે છે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જેવી જગ્યાઓ પર કામ કરતા અવકાશયાત્રીઓ જો આવા સૌર વાવાઝોડાના સીધા સંપર્કમાં આવે તો તેમને મોટું જોખમ હોય છે.
આ જોખમોને ધ્યાનમાં રાખીને સૌર તોફાનો થાય તે અગાઉથી તેમને ઓળખી લેવા જરૂરી છે. આદિત્ય-L1 આવી જાણકારી માટેનો મુખ્ય આધાર બની શકે છે.
આદિત્ય-L1 એવું નામ કેમ અપાયું?
ભારત સૂર્યની શક્ય એટલી નજીક મિશન મોકલીને આ પ્રકારે સંશોધન કરનારો વિશ્વનો ચોથો દેશ બનવા જઈ રહ્યો છે. અત્યાર સુધી, અમેરિકા, રશિયા અને યુરોપિયન સ્પેસ એજન્સીએ સૂર્ય વિશે સંશોધન માટેના પ્રોજેક્ટ કર્યા છે. તેમણે પોતાની રીતે અથવા ક્યારેક સંયુક્ત રીતે સૂર્યને જાણવા અવકાશમાં યાન મોકલ્યા છે. હવે આદિત્ય-L1ના લોન્ચિંગ સાથે ઇસરો આ દેશોની હરોળમાં આવી જશે.
આદિત્ય-L1 એક પ્રકારની વેધશાળા છે, જેને સૂર્ય અને પૃથ્વી વચ્ચે રહેલા શૂન્યાવકાશમાં રહેલી ખાલી ભ્રમણકક્ષા છે તેમાં ફરતી કરવામાં આવશે. આને લેગ્રન્જ પૉઇન્ટ કહેવામાં આવે છે. આદિત્યને લેગ્રન્જ પૉઇન્ટ વનની આસપાસની ભ્રમણકક્ષામાં ગોઠવવામાં આવશે.
આદિત્યને ટૂંક સમયમાં છોડવામાં આવશે અને અંદાજે ચાર મહિનાની સફર બાદ તે આ ચોક્કસ ભ્રમણકક્ષામાં ગોઠવાઈ જશે. આ ઉપગ્રહ પ્રકારની વેધશાળાનો હેતુ સૂર્ય પર પ્રયોગો કરવાનો છે એથી તેનું તેનું નામ આદિત્ય રાખવામાં આવ્યું છે. આદિત્ય એટલે સૂર્ય.
ઇસરોએ મિશનને આદિત્ય-L1 નામ આપ્યું છે, કારણ કે તે સૂર્ય અને પૃથ્વીની વચ્ચેના લેગ્રન્જ પૉઇન્ટ વન પર ગોઠવાશે.
લેગ્રન્જ પૉઇન્ટ શું છે?
કોઈ વસ્તુને કોઈપણ બે અવકાશી પદાર્થો જેમ કે સૂર્ય, ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો વગેરેની વચ્ચે અવકાશમાં મૂકવામાં આવે તો તે કોઈ એક તરફ વધારે આકર્ષાશે. જેના ગુરુત્વાકર્ષણનું જોર વધારે હોય તેના તરફ તે ખેંચાશે.
પરંતુ આવા કોઈ બે અવકાશી પદાર્થો વચ્ચે પાંચ જગ્યાઓ એવી હોય છે, જ્યાં બંનેનું ગુરુત્વાકર્ષણ શૂન્ય છે. તેમને લેગ્રન્જ પૉઇન્ટ કહેવામાં આવે છે. આનો અર્થ એ થયો કે પૃથ્વી અને સૂર્ય વચ્ચે પણ પાંચ લેગ્રન્જ પૉઇન્ટ આવેલાં છે.
સૂર્ય ફરતે પૃથ્વીની પરિક્રમાનું વર્તુળ દોરીએ અને પછી બંને વચ્ચે સીધી રેખા દોરીને પૉઇન્ટ નક્કી કરવામાં આવે છે. બંનેને જોડતી સીધી રેખા દોરીએ, તેનો બરાબર વચ્ચેનો ભાગ અને હવે કુલ અંતરના દસમા જેટલો ભાગ પૃથ્વી તરફ ગણવાનો.
દસમા ભાગ જેટલું અંતર પૃથ્વી તરફ ખસેડીને પૉઇન્ટ મૂકાય ત્યાં લેગ્રન્જ પૉઇન્ટ-1 કહેવાય.
એ જ રેખા પર પૃથ્વીની બીજી બાજુ દસમા ભાગે દૂર પૉઇન્ટ મૂકાય તેને પૉઇન્ટ-2 ગણવામાં આવે.
ભ્રમણકક્ષાના તદ્દન સામેના છેડા પર, સૂર્યથી દૂર પૉઇન્ટ-3 થાય. પૃથ્વી અને સૂર્યને પૉઇન્ટ ગણીને રેખા પર ત્રિકોણ દોરવામાં આવે ત્યારે તે ત્રિકોણના છેડે પૉઇન્ટ આવે તે 4 અને 5 થાય.
ઉપરની તરફ ત્રિકોણ દોરાય તે પૉઇન્ટ-4 અને નીચેની તરફ દોરાય તે પૉઇન્ટ-5.
આદિત્ય-L1 પૃથ્વી અને સૂર્ય વચ્ચેના લેગ્રન્જ પૉઇન્ટ-1 નજીક વૅક્યૂમ ઑર્બિટમાં મૂકવામાં આવશે.
ફ્રેંચ ખગોળશાસ્ત્રી જોસેફ લૂઇ લેગ્રન્જ નામ પરથી આ પૉઇન્ટને નામ આપવામાં આવ્યા છે.
શા માટે લેગ્રન્જ પૉઇન્ટ અગત્યનાં છે?
આ પ્રકારના લેગ્રન્જ પૉઇન્ટ ખગોળશાસ્ત્રીય સંશોધન અને અવકાશમાં ભ્રમણ માટે અગત્યનાં ગણાય છે. ખાસ કરીને સૂર્ય પર સંશોધન માટે આ પૉઇન્ટ્સ નિર્ણાયક છે.
બ્રહ્માંડના દરેક અવકાશી પદાર્થ, એટલે કે, સૂર્ય, પૃથ્વી, ચંદ્ર, ગ્રહો અને તારાઓ એ બધામાં ગુરુત્વાકર્ષણનું બળ છે. આ પદાર્થનું દળ કેટલું મોટું છે, તેના આધારે તેનું ગુરુત્વાકર્ષણ બળ નક્કી થાય છે. આનો અર્થ એ થયો કે સૂર્ય અને ગુરુ બહુ મોટા અવકાશી પદાર્થો છે, એટલે તેનું ગુરુત્વાકર્ષણ બળ વધારે હોય છે.
પૃથ્વી, શુક્ર, બુધ અને ચંદ્ર જેવા પ્રમાણમાં ઓછું દળ ધરાવતા ગ્રહો ઓછું ગુરુત્વાકર્ષણ બળ ધરાવે છે. સૂર્યમંડળના કુલ દળના 99.86 ટકા એકલા સૂર્યનો હિસ્સો છે. બાકીના તમામ ગ્રહો અને ઉપગ્રહોનું દળ માત્ર 0.14 ટકા છે.
સૂર્ય પૃથ્વી કરતાં 33,313 ગણો મોટો છે. આ રીતે સૂર્ય એટલો બધો વિશાળ છે કે સૂર્યનું ગુરુત્વાકર્ષણ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ કરતાં 27.9 ગણું વધારે છે.
ચંદ્ર પૃથ્વી કરતાં નાનો હોવાથી ત્યાંનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના છઠ્ઠા ભાગનું છે. પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના પરિઘમાંથી બહાર નીકળીને અવકાશમાં જવા માટે રૉકેટને 11.2 કિલોમિટર પ્રતિ સેકન્ડની ઝડપે ઉપર જવું પડે છે. જો તમારે સૂર્યના ગુરુત્વાકર્ષણથી આગળ વધવું હોય તો... 615 કિલોમિટર પ્રતિ સેકન્ડની ઝડપ હાંસલ કરવી પડે.
તેથી આ બે ગુરુત્વાકર્ષણ ગરગડી એટલે વર્તુળ જ્યાં ભેગા થતા હોય ત્યાં સામસામા બળને કારણે સંતુલિત થાય છે. તેથી આદિત્ય-L1 જેવા યાનને બંને તરફથી સમાન બળ હોય તેવી જગ્યાએ એટલે લેગ્રન્જ પૉઇન્ટ પર મૂકવામાં આવે છે, જ્યાં પ્રમાણમાં સ્થિર રહીને અને ઓછા બતળણથી ફરતા રહીને સૂર્ય વિશે સંશોધન કરતા રહેવાય.
જો પાંચ લેગ્રન્જ પૉઇન્ટ હોય, તો શા માટે L1 ની નજીક?
પૃથ્વી અને સૂર્ય વચ્ચે પાંચ લેગ્રન્જ પૉઇન્ટ છે. પરંતુ ઇસરો આદિત્ય-L1ને લેગ્રન્જ પૉઇન્ટ-1 પર મોકલી રહ્યું છે. કારણ કે તે પૃથ્વી અને સૂર્ય વચ્ચેના કુલ અંતરના દસમા ભાગ જેટલું પૃથ્વીથી દૂર છે. એટલે કે લગભગ 15 લાખ કિલોમિટર દૂર છે.
L2 પૉઇન્ટ પૃથ્વીની પાછળ હોવાથી સૂર્ય વિશે સંશોધન કરવું મુશ્કેલ બને, કેમકે સીધી રેખામાં પૃથ્વી જ સૂર્યની આડે આવે. પૉઇન્ટ-L3 સૂર્યની પાછળ અને એકદમ સામે છેડે છે, જેથી ત્યાં પહોંચવું ખૂબ મુશ્કેલ છે.
પૉઇન્ટ-L4 અને પૉઇન્ટ-L5 પણ ખૂબ દૂર છે. તેથી ઇસરો યાનને L1 પૉઇન્ટ પર મોકલી રહ્યું છે. આ પાંચ પૉઇન્ટમાં, L4 અને L5 પાસે અવકાશી પદાર્થો હોય તે પ્રમાણમાં સ્થિર ભ્રમણકક્ષામાં હોય છે, જ્યારે બાકીના ત્રણ બિંદુઓ પર પદાર્થો અસ્થિર હોય છે.
એટલે કે આ પૉઇન્ટ પર રહેલા પદાર્થોને બેમાંથી કોઈ એક તરફનું ગુરુત્વાકર્ષણ ક્યારેક પોતાની તરફ વધારે ખેંચી લે. તે વખતે ફરી પોતાને બરાબર વચ્ચે રાખવા માટે બળતણ વાપરીને પૉઝિશનને ફરી બરાબર વચ્ચે કરવી પડે.
લેગ્રન્જ પૉઇન્ટ 1ના ફાયદા શું છે?
સૂર્ય વિશે સંશોધન માટે પૃથ્વી પર ઘણી જગ્યાએ સૌર વેધશાળા છે. પરંતુ પૃથ્વી પરના વાતાવરણને કારણે સૂર્ય વિશે સંપૂર્ણ સંશોધન કરવું શક્ય નથી. ખાસ કરીને સૂર્યના કોરોના વિશે સંશોધન કરવું હોય તો તે પૃથ્વીના વાતાવરણની દૂર જઈને જ કરવું પડે.
પૃથ્વી અને સૂર્ય વચ્ચે લેગ્રન્જ પૉઇન્ટ 1 નજીક યાન તરીકે વેધશાળા ગોઠવેલી હોય તો તે દરેક ક્ષણે સૂર્યને સીધો જોઈ શકે છે. તેની અને સૂર્ય વચ્ચે કોઈ અવરોધ હોતો નથી.
આવું યાન સૂર્યમાં ઉદ્ભવતાં સૌર તોફાનોને આગોતરી રીતે જાણી શકે છે.
આદિત્ય-L1 કેવી રીતે સૌર તોફાનોને પારખશે?
સૂર્યની સપાટી પર કોરોના પર સતત નજર રાખવામાં આવશે. આ માટે આદિત્ય-L1 સાત પ્રકારનાં ઉપરકરણોથી સજ્જ હશે. આમાંથી ચાર ઉપકરણો સતત સૂર્યની દિશામાં તકાયેલાં રહેશે.
અન્ય ત્રણ ઉપકરણો લેગ્રન્જ પૉઇન્ટ 1 નજીકની સ્થિતિનું વિશ્લેષણ કરશે અને માહિતી ઇસરોને મોકલશે. આ સાત સાધનો મુખ્યત્વે કોરોનાનું તાપમાન, કોરોનામાંથી કેટલું દળ છૂટું થયું, પ્રિ-ફ્લેર્સ, ફ્લેર વખતની સ્થિતિ, તેની પ્રોપર્ટીઝ, અવકાશના વાતાવરણમાં થતા ફેરફારો, મૉલેક્યુલ્સ અને પ્રવર્તમાન સ્થિતિનું વિશ્લેષણ કરશે.
સૂર્યના ક્રોમોસ્ફિયર અને કોરોનામાં થતા ફેરફારોનું વિશ્લેષણ થતું રહેશે. આ ઉપકરણો સૂર્યની ગરમી, ત્યાં હાજર પ્લાઝ્મા, સૂર્યની સપાટી પર ઉદ્ભવતા સૌર પવનો અને તેની જ્વાળાઓનું વિશ્લેષણ કરશે.
સૂર્યના કોરોનાની સ્થિતિનું અવલોકન કરવું, તેની ગરમીની પદ્ધતિ અને કોરોનાનું તાપમાન, ગતિ અને પ્લાઝ્માની ઘનતાનું અવલોકન કરવું. કોરોનાનું ઉત્સર્જન થાય તેની ગતિશીલતા, તેમની અસરો અને તેના કારણે સર્જાનારા પરિબળોની પણ ચકાસણી કરાશે, સૂર્યની આસપાસના ચુંબકીય ક્ષેત્રની અસર અને સૌર પવનની ઉત્પત્તિ, તેમની ગતિ અને તેમની સ્થિતિની પણ ચકાસણી થતી રહેશે.
આ માટે, ચાર રિમોટ સેન્સિંગ પેલોડ્સ યાનમાં રાખવામાં આવ્યા છે: અવલોકન કરી શકાય તેવા કોરોનોગ્રાફ, સૌર અલ્ટ્રા-વાયોલેટ ઇમેજિંગ માટેનું ટેલિસ્કોપ, સૂર્યમાંથી ઉત્પન્ન થતી ઓછી એક્સ-રે જેવી ઓછી ઊર્જા માટેનું સ્પેક્ટ્રોમીટર અને ઉચ્ચ કક્ષાની ઊર્જા માટેનું એક્સ-રે સ્પેક્ટ્રોમીટર. આ બધા દ્વારા સૂર્યની સપાટીની તપાસ થતી રહેશે.
આ ઉપરાંત, સૌર પવનના કણોનું નિરિક્ષણ, પ્લાઝ્મા એનેલાઇઝર, આધુનિક ત્રિઅક્ષીય ઉચ્ચ રિઝોલ્યુશન ડિજિટલ મૅગ્નેટોમીટર પણ હશે, જે આદિત્ય-L1ની આસપાસની સ્થિતિને ચકાસશે અને તે બધી માહિતી અને ડૅટા ઇસરોને મોકલશે.
શું લેગ્રન્જ પૉઇન્ટ માત્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે જ હોય છે?
આ પ્રકારના લેગ્રન્જ પૉઇન્ટ માત્ર પૃથ્વી અને સૂર્ય વચ્ચે જ હોય છે એવું નથી. બ્રહ્માંડમાં કોઈપણ બે અવકાશી પદાર્થો વચ્ચે આવા પૉઇન્ટ હોય છે. સૌરમંડળમાં પૃથ્વી અને સૂર્ય વચ્ચે પાંચ લેગ્રન્જ પૉઇન્ટ છે, તેવી જ રીતે બધા ગ્રહો અને સૂર્ય વચ્ચે આ લેગ્રન્જ પૉઇન્ટ હોય છે.
ઘૂમકેતુ જેવા ઘણા ઍસ્ટ્રોઇડ સૂર્ય અને ગુરુ વચ્ચેના L4 અને L5 પૉઇન્ટ પર સ્થિર ભ્રમણમાં છે. આવા ઍસ્ટ્રોઇડ સૌપ્રથમ 1906માં શોધી કઢાયા હતા. 2022 સુધીમાં આવા 124થી વધુ ઍસ્ટ્રોઇડ મળી આવ્યા છે. તેમાંથી L5 પૉઇન્ટની નજીકના ઍસ્ટ્રોઇડને ઇલિયોઇડ કહેવામાં આવે છે અને પૉઇન્ટ L4ની નજીકના ઍસ્ટ્રોઇડને ટ્રોજન ઍસ્ટ્રોઇડ કહેવામાં આવે છે. પૃથ્વી અને સૂર્ય વચ્ચે L4 પૉઇન્ટની નજીક બે ટ્રોજન ઍસ્ટ્રોઇડ છે.
ચીને પૃથ્વી અને ચંદ્રની વચ્ચેના લેગ્રન્જ પૉઇન્ટ-1 નજીક પોતાનું ચાંગી યાન મૂક્યું છે અને તે ચંદ્ર વિશે સંશોધનો કરી રહ્યું છે.
એ જ રીતે, પૃથ્વી અને સૂર્ય વચ્ચેના લેગ્રન્જ પૉઇન્ટ 2 નજીક યુરોપિયન સ્પેસ એજન્સી દ્વારા લોન્ચ કરવામાં આવેલું ગેયા ટેલીસ્કોપ અને યુરોપિયન સ્પેસ એજન્સી અને અમેરિકા દ્વારા સંયુક્ત રીતે લોન્ચ કરવામાં આવેલું જેમ્સ વેબ ટેલિસ્કોપ છે.
આ લેગ્રન્જ પૉઇન્ટ 2 પર છે, જેનો અર્થ એ છે કે પૃથ્વીની પાછળની બાજુએ છે અને તેથી સૌર પવન આ ટેલિસ્કોપ પર પડતા અટકે છે. આ ટેલિસ્કોપ પર સૂર્યના કિરણો પડતાં નથી તેથી બ્રહ્માંડમાં દૂર સુધી ડોકિયું કરવું શક્ય છે.
જોકે, લેગ્રેન્જ પૉઇન્ટ 1, 2 અને 3 પરના ઉપગ્રહો અસ્થિર રહે છે. તેથી જ દર 21 દિવસમાં એકવાર, જેમ્સ વેબ ટેલિસ્કોપ બળતણ બાળે છે અને તેની સ્થિતિને પોતાના મૂળ સ્થાને પાછું આવી જાય છે.
શું સૂર્યની ખૂબ નજીક જવું શક્ય છે?
સૂર્યની સપાટી પરનું તાપમાન 5500 ડિગ્રી સેલ્સિયસ છે. આનો અર્થ એ છે કે તે અવસ્થામાં કોઈપણ પદાર્થ ટકી શકતો નથી. મોટા ભાગને શક્ય એટલા સૂર્યની નજીક સુધી પહોંચાડવા કોશિશ છે, જેથી સપાટી પરના કોરોનાને જોઈ શકાય.
નાસાએ લોન્ચ કરેલું પાર્કર નામનું યાન અત્યાર સુધીમાં સૂર્યની સૌથી નજીક સુધી પહોંચ્યું છે. 2018માં તે લૉન્ચ થયું હતું અને અત્યાર સુધીમાં 27 જૂન, 2023 સુધીમાં 16 વખત સફળતાપૂર્વક સૂર્યની પરિક્રમા કરી છે.
આ પાર્કર યાન સૂર્યની સૌથી નજીક પહોંચ્યું છે. તે શુક્રના ગુરુત્વાકર્ષણ બળ સાથે સંતુલિત થઈને સૂર્યના ગુરુત્વાકર્ષણ બળને વશ થયા વિના નિશ્ચિત લંબગોળ ભ્રમણકક્ષામાં પરિભ્રમણ કરે છે.
22 જૂન 2023ના રોજ, તે 3,64,610 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે સૂર્યની સૌથી નજીક એટલે કે 5.3 મિલિયન માઇલના અંતર સુધી પહોંચ્યું હતું. પાર્કર યાને અત્યાર સુધીમાં નાસાને સૂર્યના કોરોના વિશે મૂલ્યવાન ડૅટા પહોંચાડ્યો છે.
ઇસરોનું આદિત્ય L1 પણ સૂર્ય વિશે આવી જ રીતે મૂલ્યવાન માહિતી પ્રદાન કરશે અને સૂર્ય પરના સૌર તોફાનોને સતત ટ્રૅક કરતું રહેશે તેવી આશા છે.