ચંદ્રયાન-3 દક્ષિણ ધ્રુવ પર સફળ લૅન્ડિંગ બાદ હવે ચંદ્ર પર શું કરશે?

    • લેેખક, જાહ્નવી મૂળે
    • પદ, બીબીસી સંવાદદાતા

ભારતના ચંદ્રયાન-3નું ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર સફળ લૅન્ડિંગ થઈ ગયું છે. દક્ષિણી ધ્રુવ પર લૅન્ડિંગ કરનારો ભારત વિશ્વનો પહેલો દેશ બન્યો છે.

સાથે જ અમેરિકા, ચીન અને સોવિયત યૂનિયન બાદ ચાંદની સપાટી પર સૉફ્ટ લૅન્ડિંગ કરનારો ભારત ચોથો દેશ બની ગયો છે.

ચંદ્રયાન-3માં એક લૅન્ડર, એક રોવર અને એક પ્રૉપલ્સન મૉડ્યુલ લાગેલાં છે. જેનું કુલ વજન 3,900 કિલોગ્રામ છે. ચંદ્રયાન-3 ભારતના ચંદ્ર-અભિયાનનું ત્રીજું અવકાશયાન છે.

ચંદ્રયાન-2 નિષ્ફળ રહ્યા બાદ ચંદ્રયાન-3 મિશન 14 જુલાઈના રોજ લૉન્ચ કરવામાં આવ્યું હતું. 5 ઑગસ્ટના રોજ ચંદ્રયાન-3એ ચંદ્રમાની કક્ષામાં પ્રવેશ કર્યો હતો.

17 ઑગસ્ટના રોજ બંને મૉડ્યૂલ રોવર અને લૅન્ડર સ્પેસક્રાફ્ટથી અલગ થયા.

ઇસરોના વૈજ્ઞાનિકોનું માનવું છે કે તેમણે ચંદ્રયાન-2ની નિષ્ફળતામાંથી ઘણું શીખ્યા છે અને તેની ક્ષતિને આવરી લેતી તકનીકોનો સમાવેશ આ મિશનમાં કર્યો છે.

લૅન્ડિંગની જગ્યા સાવધાનીથી નક્કી કરવામાં આવી હતી. આ ક્ષેત્રમાં પાણીની નિશાનીઓ મળી આવી છે. 2009માં ઇસરોના ચંદ્રયાન-1 અને નાસાના કેસિની તથા ડીપ ઇમ્પેક્ટ મિશનોએ ચંદ્રમા પર હાઇડ્રોજન અને ઑક્સિજનના અણુઓના રૂપમાં હાઇડ્રેટેડ ખનીજોના સંકેતો શોધી કાઢ્યા હતા.

ચંદ્રયાન-3 મિશનનો ઉદ્દેશ

ચંદ્રયાન-3 મિશનનું બજેટ રૂ. 615 કરોડનું હોવાનું કહેવાય છે.

ઇસરોના જણાવ્યા મુજબ, ચંદ્રયાન-3 મિશનના મુખ્ય ત્રણ ઉદ્દેશ છે. (1) ચંદ્ર પર સફળ ઉતરાણ (2) ચંદ્રની સપાટી પર સંચાર કરી શકવાની રોવરની ક્ષમતાનું પ્રદર્શન (3) વૈજ્ઞાનિક અવલોકનની નોંધ.

ચંદ્રયાન-2ની જેમ ચંદ્રયાન-3માં પણ એક લૅન્ડર (એક વાહન, જે ગ્રહ પર ઊતારવામાં આવશે) અને એક રોવર(ગ્રહની સપાટી પર સંચાર કરનાર યાન)નો સમાવેશ થાય છે.

ચંદ્રયાન-3ના લૅન્ડર તથા રોવરને ચંદ્ર પરના એક દિવસના સૂર્યપ્રકાશ પર કામ કરી શકે તે રીતે ડિઝાઇન કરવામાં આવ્યાં છે. તેનો અર્થ એ થાય કે તેઓ પૃથ્વીના 14 દિવસના સમયગાળા સુધી અવલોકન નોંધવાનું ચાલુ રાખશે.

આ મિશનમાં ચંદ્ર પર સૉફ્ટ લૅન્ડિંગ કરવામાં આવશે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીકના પ્રદેશમાં અવકાશયાનના ઉતરાણનું આયોજન છે.

ભારતે ચંદ્રયાન-2 મિશન વખતે યાનને ચંદ્ર પર ઉતારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વિક્રમ લૅન્ડર ચંદ્ર પર તૂટી પડ્યું હતું. તે નિષ્ફળતામાંથી પાઠ ભણીને ચંદ્રયાન-3માં જરૂરી ફેરફાર કરવામાં આવ્યા છે.

આઈએએનએસ ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, ઇસરો ચંદ્રયાન-3 માટે પણ લેન્ડર માટે વિક્રમ અને રોવર માટે પ્રજ્ઞાન નામ જાળવી રાખે તેવી શક્યતા છે.

આ મિશન ચંદ્રની સપાટી પરની રાસાયણિક તથા કુદરતી સામગ્રી, માટી અને પાણીનો અભ્યાસ કરીને ચંદ્ર વિશેના આપણા જ્ઞાનમાં વધારાનો પ્રયાસ કરશે.

આ યાન પર સિસ્મોમીટર (ભૂકંપની તીવ્રતા માપવાનું યંત્ર) જેવાં ઉપકરણો પણ લગાવવામાં આવ્યાં છે.

આ સાધનો ચંદ્રની સપાટીની ઊર્જા અને વાતાવરણની રચનાનો અભ્યાસ કરશે તેમજ મિશનના કેટલાંક અન્ય સાધનો ચંદ્રની ભ્રમણકક્ષામાંથી પૃથ્વીનો અભ્યાસ કરશે.

ચંદ્રયાન-3 મિશન મહત્વનું શા માટે?

ચંદ્રયાન-3 ભારત માટે જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે પણ વિજ્ઞાન માટે મહત્વપૂર્ણ છે. આ મિશનમાં લેન્ડરને ચંદ્રની સપાટી પર એવી જગ્યાએ ઉતારવામાં આવશે, જ્યાં પહેલાં કોઈ પહોંચ્યું ન હોય.

એ ઉપરાંત આ અવકાશયાન અગાઉના ચંદ્ર મિશનમાંથી મળેલા જ્ઞાનમાં ઉમેરો કરી શકે છે. તે ભવિષ્યના ચંદ્ર મિશન માટે માનવ ક્ષમતાનો વધુ વિકાસ કરી શકે છે.

ચંદ્રયાન-3 ઇસરોનું ઇન્ડિયન લ્યુનર ઍક્સપ્લોરેશન પ્રોગ્રામ એટલે કે ચંદ્ર સંશોધન કાર્યક્રમનું ત્રીજું મિશન છે. ભારતે 2008માં ચંદ્રયાન-1 મોકલ્યું હતું અને એ સાથે ચંદ્ર મિશન પર ગયેલા દેશોમાં ભારતનો સમાવેશ થયો હતો.

ચંદ્રયાન-1 મિશનમાં એક ઑર્બિટર એટલે કે ભ્રમણકક્ષામાં ફરનાર એક કૃત્રિમ ઉપગ્રહ અને ઇમ્પેક્ટર એટલે કે ચંદ્રની સપાટી પર ટકરાનાર નાનાં અવકાશયાનનો સમાવેશ થતો હતો.

તે ઈમ્પેક્ટર ચંદ્ર પરના શેકટલન ક્રેટર સાથે અથડાયું ત્યારે ભારત ચંદ્ર પર ઝંડો ફરકાવનારો ચોથો દેશ બન્યો હતો. 312 દિવસ પછી ઑગસ્ટ, 2009માં ચંદ્રયાન-1 સાથેનો સંપર્ક તૂટી ગયો હતો, પરંતુ ઇસરોએ જાહેર કર્યું હતું કે મિશનનો 95 ટકા ઉદ્દેશ સફળ થઈ ગયો છે.

જોકે, ભારત માટે આ મિશ્ર સફળતા એક મોંટી છલાંગ હતી. ચંદ્રયાન-1 મિશને ચંદ્રની સપાટી પર પાણીના અણુઓનું અસ્તિત્વ શોધવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

10 વર્ષ પછી 2019ની 22 જુલાઈએ ચંદ્રયાન-2 અવકાશમાં રવાના કરવામાં આવ્યું હતું.

એ મિશનમાં ઑર્બિટરની સાથે વિક્રમ નામનું લૅન્ડર ચંદ્ર પર ઉતારવાનું અને પ્રજ્ઞાન રોવર દ્વારા ચંદ્રની સપાટીના અભ્યાસનું આયોજન હતું, પરંતુ 2019ની 6 સપ્ટેમ્બરે ચંદ્ર પર ઉતરાણનો પ્રયાસ કરતી વખતે વિક્રમ લૅન્ડર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. તેનાં અવશેષ ત્રણ મહિના પછી મળી આવ્યાની જાહેરાત અમેરિકન અવકાશ સંશોધન સંસ્થા નાસાએ કરી હતી.

વિક્રમ લૅન્ડર નિષ્ફળ રહ્યું હતું, પરંતુ ઑર્બિટરે તેનું કામ સારી રીતે કર્યું હતું. તેનાથી ચંદ્ર અને તેના વાતાવરણ વિશે નવી વૈજ્ઞાનિક માહિતી મળી હતી.

હવે ચંદ્રયાન-3 મિશન સફળ થવાની આશા ભારતીય ખગોળપ્રેમીઓને છે.

આર્ટેમિસ એકોર્ડ્સ

હાલ ભારત ચંદ્ર મિશન પર કામ કરતો હોય તેવો એકમાત્ર દેશ નથી. તમે નાસાના આર્ટેમિસ પ્રોગ્રામ વિશે વાંચ્યુ જ હશે. એ મિશનના ભાગરૂપે આર્ટેમિસ-1 અવકાશયાન ગયા વર્ષે ચંદ્રની પરિક્રમા કરીને પૃથ્વી પર પાછું ફર્યું હતું.

આગામી આર્ટેમિસ મિશનમાં 2025 સુધીમાં માણસને ફરી ચંદ્ર પર મોકલવાનું આયોજન છે.

અમેરિકા ઉપરાંત જાપાન, દક્ષિણ કોરિયા, ચીન અને રશિયા પણ હાલમાં ચંદ્ર મિશન પર કામ કરી રહ્યા છે. યુરોપિયન યુનિયનના દેશો પણ આ પૈકીના કેટલાક અભિયાનોને સમર્થન આપી રહ્યા છે.

આ દેશો વચ્ચે સંકલન તથા સહકાર સાધવા નાસા તથા અમેરિકાના વિદેશ વિભાગે આર્ટેમિસ એકૉર્ડ્સ નામના કરારની રચના કરી છે. આ કરારનો ઉદ્દેશ ચંદ્ર તેમજ મંગળ તથા અન્ય ગ્રહોનો ઉપયોગ શાંતિપૂર્ણ હેતુ માટે જ કરવાનો છે.

ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં અમેરિકાની મુલાકાત લીધી ત્યારે આ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા અને ભારત સત્તાવાર રીતે આ કરારમાં પક્ષકાર બન્યું હતું.

સવાલ એ છે કે બધા દેશ ચંદ્ર પર આટલો ખર્ચ શા માટે કરી રહ્યા છે?

ચંદ્ર મિશન પર તોતિંગ ખર્ચ શા માટે?

કેટલાક લોકો માને છે કે આ નવા યુગની અંતરિક્ષમાં પહોંચવાની સ્પર્ધા છે. કેટલાક લોકો માટે તે પોતાના દેશમાં ટેકનૉલૉજી કેટલી વિકસીત છે તે દેખાડવાની તક છે.

ભારતની દૃષ્ટિએ વિચાર કરીએ તો ચીન સાથેની સ્પર્ધાને નકારી શકાય નહીં. ચીન હાલમાં ચાંગ-6, ચાંગ-7 અને ચાંગ-8 મિશન પર કામ કરી રહ્યું છે. ચીન ચંદ્ર પર સંશોધન કેન્દ્ર બનાવવાના પ્રયાસ પણ કરી રહ્યું છે, પરંતુ આ સ્પર્ધાની પેલે પાર જઈને વિચારીએ તો મોટાભાગના ચંદ્ર મિશન ભવિષ્યના અન્ય અવકાશ મિશનના પ્રારંભિક પગલાં છે.

આમાંના ઘણા મિશનમાં જીવનજરૂરી સામગ્રી ચંદ્ર પર મોકલવામાં આવશે. તેથી એક દાયકામાં કેટલાક લોકો ચંદ્ર પર રહેવા જઈ શકશે અને ત્યાં અભ્યાસ કરી શકશે.

ભવિષ્યમાં માણસે મંગળ પર પહોંચવું હશે તો તે મિશનની તૈયારી માટે આ તબક્કો મહત્ત્વપૂર્ણ બની રહેવાનો છે.

આદિત્ય ઍલ-1

ચંદ્રયાન-3 ભારતનું આ વર્ષનું એકમાત્ર સ્પેસ મિશન નથી. ઇસરો આ વર્ષના ઑગસ્ટના અંત સુધીમાં સૂર્યનો અભ્યાસ કરવા માટે અવકાશયાન મોકલવાની તૈયારી કરી રહ્યું છે.

આદિત્ય ઍલ-1 ભારતનું સૌપ્રથમ સૌરઅભ્યાસ મિશન હશે. આ અવકાશયાન સીધું સૂર્ય તરફ નહીં જાય, પરંતુ પૃથ્વીથી 15 લાખ કિલોમીટર દૂર અંતરિક્ષમાં રહીને સૂર્યનો અભ્યાસ કરશે.

ઍલ-1 (લંગ્રેજ પૉઇન્ટ-1) એ સૂર્ય તથા પૃથ્વી વચ્ચેનું એક કાલ્પનિક બિંદુ છે, જ્યાંથી કોઈ પણ ગ્રહણ કે અવરોધ વિના સૂર્યને નિહાળી શકાય છે.

આદિત્ય ઍલ-1 સૂર્યના પ્રભામંડળ અથવા કોરોનાનો અભ્યાસ કરશે. તે તાપમાન તથા ચુંબકીય તરંગોને માપશે અને સૌર પવનનો અભ્યાસ કરશે.

અત્યાર સુધીમાં નાસા, જર્મની અને યુરોપિયન સ્પેસ ઍજન્સીએ જ સૂર્યના અભ્યાસ માટે યાન મોકલ્યાં છે.