You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચંદ્રયાન-2 : નાસાએ કહ્યું કે વિક્રમ લૅન્ડરનું હાર્ડ લૅન્ડિંગ થયું હતું, તસવીરો જાહેર કરી
અમેરિકાની સ્પેસ એજન્સી નાસાનું કહેવું છે કે ચંદ્રયાન-2ના વિક્રમ લૅન્ડરે ચંદ્રની સપાટી પર હાર્ડ લૅન્ડિંગ કર્યું હતું. આ સાથે જ તેની સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.
નાસાએ કહ્યું છે કે તેમની ટીમ ચંદ્રયાન-2 સાથે સંપર્કનો પ્રયાસ કરી રહી છે, પરંતુ હજી સુધી સફળ થઈ નથી.
અમેરિકાની સ્પેસ એજન્સી તરફથી કહેવામાં આવ્યું છે કે ચંદ્રયાન-2ના લૅન્ડરે સપ્ટેમ્બર 7ના રોજ લૅન્ડ કરવાની કોશિશ કરી હતી પણ સૉફ્ટ લૅન્ડિંગ થઈ શક્યું નહોતું.
નાસાએ વિક્રમ લૅન્ડરની લૅન્ડ થયાની જગ્યાની તસવીરો જાહેર કરી છે, પરંતુ એજન્સી વિક્રમ લૅન્ડરને શોધી શકી નથી.
આ તસવીરોને નાસાના ઑર્બિટરે લીધી છે, ત્યાં હાલ અંધારું હોવાને કારણે વિક્રમ લૅન્ડરને શોધી શકાયું નથી.
નાસાનું કહેવું છે કે ઑક્ટોબર મહિનામાં જ્યારે પ્રકાશ વધશે ત્યારે ફરીથી એક વાર ઑર્બિટર વિક્રમ લૅન્ડરના લોકેશનની તસવીરો મોકલશે.
વિક્રમના લોકેશનની જાણકારી નહીં
આ તસવીરો લૂનર રિકૉન્સેન્સ ઑર્બિટર કૅમેરા (LROC) દ્વારા લેવામાં આવી છે. આ કૅમેરા 17 સપ્ટેમ્બરના રોજ લૅન્ડિંગ સાઇટ ઉપરથી પસાર થયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ તસવીરો કેન્દ્રથી 150 કિલોમિટર દૂરથી લેવામાં આવી છે. નાસાએ કહ્યું છે કે વિક્રમ લૅન્ડરનું લોકેશન મળી શક્યું નથી.
નાસાએ પોતાની વેબસાઇટમાં કહ્યું છે કે આ તસવીરો લેવામાં આવી ત્યારે અંધારું હતું એવી શક્યતા છે કે વિક્રમ લૅન્ડર મોટા પડછાયામાં દેખાયું ના હોય.
નાસાએ કહ્યું છે કે સ્પેસક્રાફ્ટ કયા લોકેશન પર લૅન્ડ થયું હોય તે અત્યારે ચોક્કસ રીતે કહી શકાય નહીં.
ભારતનો ચંદ્રની સપાટી પર આ સૉફ્ટ લૅન્ડિંગ કરવાનો આ પ્રથમ પ્રયાસ હતો પરંતુ તે સફળ થયો ન હતો.
વિક્રમ લૅન્ડરે એક સમતલ સપાટી પર લૅન્ડિંગ કરવાની કોશિશ કરી હતી પરંતુ અપેક્ષા મુજબ તે થઈ શક્યું નહીં અને ઈસરોનો તેની સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.
7 સપ્ટેમ્બરના રોજ શું થયું હતું?
7 સપ્ટેમ્બરના રોજ ચંદ્રયાન-2નો વિક્રમ લૅન્ડર સાથેનો સંપર્ક ચંદ્રની સપાટી પર ઊતરવાની થોડી ક્ષણો પહેલાં જ તૂટી ગયો હતો.
ઈસરોના અધ્યક્ષ કે. સિવને મિશન બાદ કહ્યું, "વિક્રમ લૅન્ડર યોજના પ્રમાણે જ ઊતરી રહ્યું હતું અને સપાટીથી 2.1 કિલોમિટર દૂર હતું ત્યાં સુધી બધું સામાન્ય હતું."
"જોકે, બાદમાં તેની સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. ડેટાની સમીક્ષા કરવામાં આવી રહી છે."
'વિક્રમ' 7 સપ્ટેમ્બરના 1:30 વાગ્યાથી 2:30 વાગ્યાની વચ્ચે ચંદ્રની સપાટી પર ઊતરવાનું હતું.
ભારતીય અંતરિક્ષ વૈજ્ઞાનિકની ઉપલબ્ધિને જોવા માટે અને તેમનો ઉત્સાહ વધારવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી બેંગલુરુમાં આવેલા ઈસરોના મુખ્યાલયે પહોંચ્યા હતા.
બધું બરાબર ચાલી રહ્યું હતું અને વૈજ્ઞાનિકો લૅન્ડર વિક્રમને સપાટીની નજીક પહોંચવાની દરેક ક્ષણ પર નજર રાખી રહ્યા હતા.
જોકે, અંતિમક્ષણોમાં ઈસરોના કેન્દ્રમાં તણાવ જેવી સ્થિતિ બની ગઈ અને વૈજ્ઞાનિકોના ચહેરા પર ચિંતાની લકીરો દેખાવા લાગી.
થોડી વાર બાદ ઈસરોના અધ્યક્ષ વડા પ્રધાન પાસે આવ્યા અને તેમને આ મામલે જાણકારી આપી.
જે બાદ ઈસરોના અધ્યક્ષે દેશને જણાવ્યું કે ચંદ્રયાન-2ના વિક્રમ લૅન્ડર સાથેનો સંપર્ક તૂટી ગયો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો