You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચંદ્રયાન-2 મુદ્દે મજાક ઉડાવનાર પાકિસ્તાનના સ્પેસ પ્રોગ્રામની હાલત શું છે?
ભારત શનિવારની સવારે ઇતિહાસ રચવાથી બે ડગલાં દૂર રહી ગયું.
જો એમ ન થયું હોત તો ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવની સપાટી પર અંતરિક્ષયાન ઉતારનારો દુનિયાનો પહેલો દેશ બનત.
પરંતુ સૉફ્ટ લૅન્ડિંગ પહેલાં જ લૅન્ડર વિક્રમનો ચંદ્રયાન સાથે સંપર્ક તૂટી ગયો.
આ મામલે ભારતમાં ઈસરોના પ્રયાસના ગુણગાન ગવાઈ રહ્યા હતા, ત્યારે પાડોશી દેશ પાકિસ્તાનમાં આ અંગે મજાક ઉડાવવામાં આવી રહી છે.
પાકિસ્તાનના વિજ્ઞાન અને ટેકનૉલૉજી મંત્રી ફવાદ ચૌધરીએ ટ્વિટર પર ટ્વીટ કરીને ભારતની મજાક ઉડાવી હતી.
તેમણે લખ્યું હતું, "ચંદ્રયાન જેવા વિક્ષિપ્ત મિશન પર પૈસા બગાડવા અને અભિનંદન જેવા મૂર્ખને એલઓસી પાર ચા પીવા મોકલવાને બદલે ગરીબી પર ધ્યાન આપો."
પરંતુ અહીં સવાલ એ થાય છે કે જે પાકિસ્તાનના મંત્રી ભારતના મૂન મિશન મામલે આવી મજાક ઉડાવી રહ્યા છે, તે પાકિસ્તાન સ્પેસ પ્રોગ્રામમાં પોતે ક્યાં છે.
પાકિસ્તાની સ્પેસ એજન્સીનું અસ્તિત્વ
પાકિસ્તાનની નેશનલ સ્પેસ એજન્સી SUPARCO (સ્પેસ ઍન્ડ અપર ઍટમૉસ્ફીયર રિસર્ચ કમિશન)ની સ્થાપના વર્ષ 1961માં થઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સ્પેસ એજન્સીની સ્થાપના બાદ પાકિસ્તાને પોતાનું પ્રથમ કૉમ્યુનિકેશન સેટેલાઇટ 50 વર્ષ બાદ લૉન્ચ કર્યું હતું જેના માટે તેણે ચાઇનીઝ લૉન્ચ વ્હીકલનો ઉપયોગ કર્યો હતો.
તેના માટે ચાઇના ઍરોસ્પેસ ઍન્ડ ટેકનૉલૉજી કૉર્પોરેશન પાસેથી પાકિસ્તાને મદદ પણ મેળવી હતી.
જોકે, રસપ્રદ વાત એ છે કે પાકિસ્તાનની એજન્સીની સ્થાપના ભારતના ઈસરોની સ્થાપનાના 8 વર્ષ પહેલાં થઈ હતી.
તે છતાં ઈસરોએ થોડાં વર્ષોમાં રેકર્ડ સ્થાપી દીધા. ઈસરોએ વર્ષ 2017માં એકસાથે 104 સેટેલાઇટ લૉન્ચ કરીને રેકર્ડ બનાવ્યો હતો.
જ્યારે બીજી તરફ પાકિસ્તાનને હંમેશાં નિષ્ફળતા જ મળી છે.
બજેટ અને સંસાધનોની ખામીનો સામનો કરતી સુપારકો
છેલ્લાં 58 વર્ષની સફરમાં પાકિસ્તાનની સ્પેસ સંસ્થા સુપારકોએ પ્રગતિ કરવા માટે આર્થિક સહાયતા મેળવવા માટે મુશ્કેલીઓ વેઠવી પડી છે.
પાકિસ્તાન દેવામાં ડૂબેલું હોવાને કારણે એજન્સીનું બજેટને વધારવાની શક્યતા નહિવત્ છે.
જોકે, સુપારકોની કપરી પરિસ્થિતિ માટે પાકિસ્તાનની આર્થિક સ્થિતિ જ જવાબદાર છે એવું નથી.
ત્યાંના નેતાઓને તેમાં રસ ન હોવાને કારણે તેની પરિસ્થિતિ ખરાબ થઈ છે.
એજન્સી માટે સૌથી ખરાબ સમય 1980 અને 1990ના દાયકા વચ્ચેનો હતો, જ્યારે તત્કાલીન રાષ્ટ્રપતિ ઝિયા-ઉલ-હકે એ બધા જ પ્રમુખ પ્રોજેક્ટના ફંડીંગ પર રોક લગાવી દીધી.
તેની ઝપેટમાં પ્રમુખ સેટેલાઇટ કૉમ્યુનિકેશ લૉન્ચ કાર્યક્રમ પણ આવી ગયો હતો.
સેનાના કારણે અંતરિક્ષનો રસ્તો બન્યો મુશ્કેલ
પાકિસ્તાનમાં અલ્પસંખ્યકો પ્રત્યે ભેદભાવની નીતિ એજન્સીમાં પણ જોવા મળી.
પ્રસિદ્ધ ભૌતિક વૈજ્ઞાનિક અને નોબેલ પુરસ્કાર વિજેતા અબ્દુસ સલામને એજન્સીમાંથી કાઢી મૂકવામાં આવ્યા કેમ કે તેઓ અહેમદિયા હતા.
અબ્દુસ સલામને કાઢતા જ પાકિસ્તાન સલામના એ સંભવિત યોગદાનથી પણ દૂર થઈ ગયું જે પાકિસ્તાનને અંતરિક્ષમાં દૂર સુધી લઈ જઈ શકતું હતું.
સેનાના જનરલોએ એજન્સીમાં શીર્ષ પદો પર પોતાના લાગતાવળતગા વૈજ્ઞાનિકોની નિયુક્તિ કરી અને એ એજન્સી સ્વતંત્ર રિસર્ચથી ભટકીને ભારત સાથે પ્રતિયોગિતા કરવાના પ્રયાસ કરવા લાગી.
2022માં પહેલા માનવ મિશને લૉન્ચ કરવાનો દાવો
સુપારકોને ફાળવાયેલા નિરાશ કરનારા બજેટ છતાં ફવાદ ચૌધરીએ હાલ જ દાવો કર્યો હતો કે પાકિસ્તાન વર્ષ 2022માં અંતરિક્ષમાં પોતાનું પહેલું માનવમિશન લૉન્ચ કરશે.
પરંતુ આ દાવાને પગલે ખુદ પાકિસ્તાનના મંત્રી જ હાસ્યને પાત્ર બની ગયા.
તે છતાં જો એક મિનિટ માટે પાકિસ્તાનના મંત્રીના આ દાવાને વ્યવહારિક માની લેવામાં આવે તો આમ થવું એ દેશ માટે વૈજ્ઞાનિક અને ટેકનિકલ રૂપે નવા યુગની શરૂઆત હશે, જે પોતાના પાડોશી દેશોના આંતરિક મુદ્દાઓને દુનિયાની સામે લાવવા માટે હાથ-પગ મારી રહ્યો છે.
પહેલા પણ હાંસીપાત્ર બન્યા છે ફવાદ ચૌધરી
ચંદ્રયાન-2 પર ચૌધરીએ મજાક તો ઉડાવી પરંતુ પોતાના ટ્વીટમાં પોતે સેટેલાઇટનો સ્પેલિંગ જ ખોટો લખી નાખ્યો.
ખોટા દાવા કરતા ફવાદ ચૌધરીએ પહેલી વખત આમ કર્યું છે એવું નથી. આ પહેલાં પણ તેઓ તર્ક વગરના અને આધારહીન દાવા કરતા રહ્યા છે.
મે મહિનામાં તો તેમણે એવું પણ કહી દીધું હતું કે હબલ ટેલિસ્કોપને અંતરિક્ષમાં નાસાએ નહીં, પણ સુપારકોએ મોકલ્યું હતું.
પાકિસ્તાનની ન્યૂઝ ચેનલ જિયો ન્યૂઝના એક કાર્યક્રમમાં ચૌધરીએ કહ્યું હતું, "દુનિયાનું સૌથી મોટું ટેલિસ્કોપ... સુપારકોએ મોકલ્યું હતું."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો