ચંદ્રયાન-2 : ઍન્જિનની ખરાબીના કારણે તો નથી તૂટી ગયોને વિક્રમ સાથેનો સંપર્ક?

સ્પેસ કમિશનના પૂર્વસભ્યનું કહેવું છે કે ચંદ્રયાન-2ના લૅન્ડરના મુખ્ય ઍન્જિનમાં ખરાબી ઊભી થઈ હોય અને તેને લીધે તેને સપાટી પર ઉતારવાનું મિશન નિષ્ફળ રહ્યું હોય એમ બની શકે છે.

શનિવાર સવારે ઈસરોના અધ્યક્ષ ડૉ. સિવને ફક્ત એટલું કહ્યું કે જ્યારે લૅન્ડર ચંદ્રની સપાટીથી ફક્ત 2.1 કિલોમિટર દૂર હતું ત્યારે તેનો ગ્રાઉન્ડ સ્ટેશન સાથેનો સંપર્ક કપાઈ ગયો.

ઈસરોના ચૅરમૅને આ નિવેદન સિવાય કોઈ નિવેદન બહાર નથી પાડ્યું.

જોકે, ઈસરોએ એવું ચોક્કસ કહ્યું કે લૅન્ડરની સફળતા સિવાય મિશન હેતુઓ મુજબ 90થી 95 ટકા સફળ રહ્યું છે.

અંતરિક્ષ પંચના સભ્ય રહી ચૂકેલા પ્રોફેસર રોડ્ડમ નરસિમ્હાએ બીબીસીને કહ્યું કે અસફળતાનું મુખ્ય સંભવિત કારણ મુખ્ય ઍન્જિનમાં ખરાબી આવવી તે હોઈ શકે છે. શક્ય છે કે ખરાબી આવી હોય અને તે એટલી ઊર્જા પેદા ન કરી શક્યું હોય કે જેટલી લૅન્ડરને ઉતારવા માટે જરૂરી હોય. આશંકા છે કે આને લીધે લૅન્ડર સાથેનો સંપર્ક તૂટી ગયો હશે.

પ્રોફેસર નરસિમ્હા ભારપૂર્વક કહે છે કે અસફળતા અંગેનું એમનું આ સંભવિત વિશ્લેષણ જીવંત પ્રસારણ દરમિયાન સ્ક્રીન પર દેખાતી ગતિવિધીઓ પર આધારિત છે. વક્ર રેખાએ દર્શાવ્યું કે લૅન્ડિંગના અંતિમ તબક્કામાં કઈ રીતે સમય સાથે લૅન્ડર પોતાની ઊંચાઈથી અલગ થયું.

પ્રોફેસર રોડ્ડુમ નરસિમ્હાનું વિશ્લેષણ

જો લૅન્ડરની ગતિવિધીઓને દર્શાવતી રેખા નિર્ધારિત સીમાઓ વચ્ચે ચાલ્યા કરતી તો એ ઠીક ગણાત કેમ કે તે યોજના મુજબ નક્કી હતું. પરંતુ જેવું કે મે જોયું કે લૅન્ડરે બે તૃતિયાંશ સફર યોજના મુજબ જ કાપી. એના પછી જ્યારે લૅન્ડરની રેખાએ સીમારેખાને પાર કરી તો એક સીધી રેખા દેખાઈ અને એના પછી તે સીમારેખાની બહાર નીકળી ગયું.

આની સંભવિત વ્યાખ્યા આ મુજબ થઈ શકે કે કંઈક તો ગરબડ થઈ જેના લીધે લૅન્ડર ખૂબ જ ઝડપથી નીચે પડવા માડ્યું. ખરેખર તો એ ધીમી ગતિએ નીચેની તરફ જવું જોઈતું હતું.

જ્યારે લૅન્ડર ચંદ્રની સપાટીને સ્પર્શતું ત્યારે બે મીટર પ્રતિ સેકન્ડની ગતિથી નીચે આવવું જોઈતું હતું. આવું નહીં કરવાની સ્થિતિમાં ચંદ્રનું ગુરુત્વાકર્ષણ એને ઝડપથી નીચે ખેંચી લે.

શનિવારે 1 કલાકને 38 મિનિટ પર લૅન્ડરને ચંદ્રની સપાટી પર ઉતારવાની પ્રક્રિયા શરૂ થઈ ત્યારે તે 1,640 મિટર પ્રતિકલાકની ઝડપથી આગળ વધી રહ્યું હતું.

એ દરમિયાન રફ બ્રેકિંગ અને ફાઇન બ્રેકિંગ ઑપરેશનના પ્રથમ બે તબક્કાઓ સુધી લૅન્ડર યોગ્ય રીતે કાર્યરત હતું. એવું લાગ્યું કે લૅન્ડર વળાંકની અવસ્થામાં હતું ત્યારે જ તે સ્ક્રીન પર વક્ર નિર્ધારિત રસ્તાથી બહાર નીકળી ગયું.

મૂળ યોજના મુજબ લૅન્ડરે બે મોટા ખાડાઓ વચ્ચે બે સ્થળોમાંથી એકને પસંદ કરવાનું હતું. એ પછી લૅન્ડર ખૂલત અને રોવર પ્રજ્ઞાન ચંદ્રની સપાટી પર ફરત.

પ્રજ્ઞાનના સૅન્સરનું કામ ખાસ કરીને દક્ષિણ ધ્રુવમાં પાણી અને ખનિજોની સ્થિતિ વિશે પુરાવાઓ એકઠાં કરવાનું હતું.

ઑબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન (ઓઆરએફ) ન્યુક્લિયર ઍન્ડ સ્પેસ પૉલિસી ઇનિશિએટિવના પ્રમુખ ડૉ. રાજેશ્વરી રાજગોપાલને પણ સ્ક્રીન પર લૅન્ડરના આગળ વધવાનો રસ્તો જોયો.

જ્યારે વક્ર પોતાના નિર્ધારિત માર્ગથી ફંટાયું તો એમણે પણ પ્રોફેસર નરસિમ્હાની જેમ અનુભવ્યું કે કંઈક તો ગરબડ છે.

ડૉ. રાજેશ્વરી રાજગોપાલનનું વિશ્લેષણ

સંભવિત કારણોમાં એક એ હોઈ શકે કે અંતરિક્ષ યાનના ચારે ખૂણાઓ પર ચાર ઍન્જિનોએ અડધું જ રકામ કર્યું હોય.

બીજી આશંકા એ છે કે તમે જો વધારે ગતિથી લૅન્ડિંગ કરો છો તો વધારે ધૂળ પેદા થાય છે જે ગુરુત્વાકર્ષણ ખેંચાણને લીધે અંતરિક્ષ યાનને હલાવી દે છે. જોકે, આ મામલે એકાદ ઍન્જિનમાં ખરાબીની આશંકા વધારે છે.

પ્રોફેસર નરસિમ્હાનું માનવું છે કે આંકડાઓનું વિશ્લેષણ ખૂબ સમય લેશે અને આગામી મિશનની યોજના ઘડવામાં લાંબો સમય લાગશે કેમ કે વર્તમાન મુશ્કેલીઓનું સમાધાન શોધવું પડશે.

ડૉ. રાજગોપાલનનું કહેવું છે કે ચંદ્રયાન-2નું ઑર્બિટર હજુ એક વર્ષ માટે કામ કરતું રહેશે. તે આંકડાંઓને ભેગા કરવામાં અને તેને ગ્રાઉન્ડ સ્ટેશન પર મોકલવામાં સક્ષમ છે. જે ચંદ્રની સપાટીને સમજવામાં એક મહત્ત્વની ભૂમિકા ભજવશે.

જોકે, ઇસરોના કોઈ પણ વૈજ્ઞાનિક અને પૂર્વ વૈજ્ઞાનિકે ચંદ્રની સપાટી પર ઊતરવામાં મળેલી અસફળતાના સંભવિત કારણો પર ચર્ચા કરી નથી. પરંતુ અંતરિક્ષ વિજ્ઞાનના જાણકારોને ખ્યાલ છે કે ચંદ્રની સપાટી પર લૅન્ડ કરવાની સફળતાનો દર 35 ટકાથી વધારે નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો