ચંદ્રયાન-2 પર મજાક ઉડાવનાર પાક. મંત્રીને પાકિસ્તાનીઓ એ ટ્રોલ કર્યા

47 દિવસની યાત્રા બાદ ચંદ્રયાન-2નો ચંદ્રની સપાટીથી માત્ર 2 કિલોમિટરના અંતરથી વિક્રમ લૅન્ડર સાથે સંપર્ક તૂટી ગયો એની ચર્ચા પાકિસ્તાનના સોશિયલ મીડિયામાં પણ ખૂબ થઈ રહી છે.

અત્યાર સુધી અમેરિકા, રશિયા અને ચીન જ ચંદ્ર પર પોતાના અંતરિક્ષયાનનું સૉફ્ટ લૅન્ડિંગ કરાવી શક્યા છે.

ભારત આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરવાથી માત્ર બે પગલાં પાછળ રહી ગયું.

જ્યારે ઈસરો સાથે સંપર્ક તૂટવાની વાત સામે આવી તો લોકોને નિરાશા થઈ પરંતુ ઈસરોના વૈજ્ઞાનિકોનું સૌ કોઈએ મનોબળ વધાર્યું.

બીજી તરફ પાડોશી દેશ પાકિસ્તાને આ મામલે ભારતની મજાક ઉડાવી છે.

આ બધાની વચ્ચે પાકિસ્તાનના વિજ્ઞાન અને ટેકનૉલૉજી મંત્રી ફવાદ હુસૈન ચૌધરીએ ટ્વીટ કરી લખ્યું, "ચંદ્રયાન જેવા વિક્ષિપ્ત મિશન પર પૈસા બગાડવા અને અભિનંદન જેવા મૂર્ખને એલઓસી પાર ચા પીવા મોકલવાને બદલે ગરીબી પર ધ્યાન આપો."

તેમણે વડા પ્રધાન મોદીની પ્રતિક્રિયાના વીડિયોને રીટ્વીટ કરતા કહ્યું, "મોદી જી સેટેલાઇટ કૉમ્યુનિકેશન પર ભાષણ આપી રહ્યા છે."

"ખરેખર તો તેઓ એક નેતા નહીં, પરંતુ એક અંતરિક્ષયાત્રી છે. લોકસભાએ મોદી સામે એક ગરીબ દેશના 900 કરોડ રૂપિયા બરબાદ કરવા માટે સવાલ પૂછવા જોઈએ."

અલ્તાફ બટ્ટ નામના પાકિસ્તાની ટ્વિટર યુઝરે જવાબ આપતા લખ્યું, "અલ્લાહને ખાતર થોભી જા. તમે વિજ્ઞાન અને ટૅકનૉલૉજી મંત્રી છો. ભારતને ચંદ્રયાન મુદ્દે ભાષણ આપવાને બદલે તમે આપણે ક્યારે ચંદ્ર પર જઈશું તેની તારીખ જણાવી શક્યા હોત."

યુવરાજ નામના યુઝરે લખ્યું "ફવાદ કેવી રીતે વિજ્ઞાન અને ટૅકનૉલૉજી મંત્રી હોઈ શકે? અવકાશ મિશનને તેઓ પૈસાનો વેડફાટ કહે છે."

અન્ય એક પાકિસ્તાની યુઝર હમ્મદ અઝીઝે લખ્યું, "મંત્રીજી તેઓ પ્રયાસ કરે છે અને નિષ્ફળતાને સ્વીકારે તો છે."

અભય કશ્યપ નામના એક ભારતીયએ ફવાદ ચૌધરી સામે નારાજગી વ્યક્ત કરી તો તેના પર પ્રતિક્રિયામાં કહેવામાં આવ્યું, "ઊંઘી જાઓ ભાઈ, મૂનના બદલે મુંબઈમાં રમકડું ઊતરી ગયું. જે વાતમાં ખબર ન પડે તેમાં ઝઘડો કરવો નહીં.. ડિઅર એંડઇયા."

ફવાદ ચૌધરીના જવાબમાં ભારતના ટીવી પત્રકાર આદિત્ય રાજ કૌલએ કહ્યું, "આ વ્યક્તિ પાકિસ્તાન માટે પણ યોગ્ય નથી. જેવી રીતે સૂચનામંત્રીના પદ પરથી હટાવવામાં આવ્યા એ જ રીતે વિજ્ઞાન અને ટેકનિક મંત્રાલયના પદ પરથી પણ હટાવી દેવા જોઈએ."

"તેમનું એક જ કામ છે સૂર્યોદય અને ચંદ્રમા પર ટાઇમિંગ નોટ કરવાનું. શું આ અનાડીવેડા છે? તમે બુદ્ધિ વેચી નાખી છે?"

પાકિસ્તાનના ટ્વિટર પર હેશટેગ ઇન્ડિયાફેઇલ્ડ ટૉપ ટ્રૅન્ડમાં છે.

#IndiaFailedથી પાકિસ્તાનમાં ભારત સફળ ન થવા પર મજાક ઉડાવવામાં આવી રહી છે.

પાકિસ્તાની સેનાના પ્રવક્તા આસિફ ગફૂરે ટ્વીટ કરીને કહ્યું છે, "ખૂબ સારું કામ ઈસરો. કોની ભૂલ છે? પહેલા નિર્દોષ કાશ્મીરીઓની જેમને કેદ કરીને રાખવામાં આવ્યા છે? બીજી - મુસ્લિમ અને અલ્પસંખ્યકોની? ત્રીજી - ભારતની અંદર હિંદુત્ત્વ વિરોધી અવાજ? ચોથી - ISI? તમને હિંદુત્ત્વ ક્યાંય લઈ જશે નહીં."

પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પર ભારતના મિશનની મજાક ઉડાવવામાં આવી રહી છે. જોકે, અનેક પાકિસ્તાનીઓ આની ટીકા પણ કરી રહ્યા છે.

ઘણા લોકો તો તેને વિંગ કમાંડર અભિનંદન સાથે પણ જોડી રહ્યા છે.

ચંદ્રયાન 2ની પાકિસ્તાનનું મીડિયા પણ નોંધ લઈ રહ્યું છે. ડૉન ન્યૂઝની વેબસાઇટે પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પર રિઍકશનની નોંધ લીધી અને તેનો અહેવાલ મંત્રીઓની ટ્વીટ અને તેની ટીકાઓ સહિત છાપ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો