You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચંદ્રયાન 3: ઇસરોના મિશનને અમેરિકાના NASA કરતાં આટલો વધુ સમય કેમ લાગે છે?
અમેરિકન અવકાશ સંશોધન સંસ્થા 'નાસા'નું અવકાશયાન ચાર દિવસમાં ચંદ્ર પર પહોંચી જાય છે, પરંતુ શ્રીહરિકોટા ખાતેથી લૉન્ચ થનાર ચંદ્રયાન-3ને ચંદ્ર પર પહોંચતાં 40 દિવસ થશે.
નાસા દ્વારા 1969માં મોકલવામાં આવેલું ઍપોલો-11 ક્રૂ સ્પેસક્રાફ્ટ ચાર દિવસમાં તેના ગંતવ્યસ્થાને પહોંચી ગયું હતું અને ચંદ્ર પર ઉતરાણ કર્યું હતું, પરંતુ ઇસરોના ચંદ્રયાન-3ને ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચવામાં 40 દિવસનો સમય લાગે છે.
નાસા 50 વર્ષ પહેલાં આટલી ઝડપથી પહોંચી શકતું હતું તો ઇસરોને આટલો સમય કેમ લાગે છે?
નાસાએ 1969ની 16 જુલાઈએ કેનેડી સ્પેસ સેન્ટરમાંથી સેટર્ન ફાઇવ એસએ 506 રૉકેટની મદદ વડે ત્રણ અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગ, ઍડવિન ઍલ્ડ્રિન અને માઇકલ કૉલિન્સને ચંદ્ર પર મોકલ્યા હતા.
સવારે 8.32 વાગ્યે તે રૉકેટ લૉન્ચ કરવામાં આવ્યું હતું. ઍપોલો-11 અવકાશયાન 102 કલાક અને 45 મિનિટ પછી 20 જુલાઈએ ચંદ્રની સપાટી પર ઊતર્યું હતું. તેનો અર્થ એ થયો કે તેઓ માત્ર ચાર દિવસ અને છ કલાકમાં તેમના લક્ષ્યસ્થાને પહોંચી ગયા હતા.
માઇકલ કૉલિન્સે ચંદ્રની પરિક્રમા કરતા એક કમાન્ડ મિશનમાંથી મિશન પર દેખરેખ રાખી હતી. લૅન્ડર મૉડ્યુલ ઇગલમાંથી નીલ આર્મસ્ટ્રોંગ અને ઍડવિન ઍલ્ડ્રિન ચંદ્ર પર ઊતર્યા હતા. તેમણે ત્યાંથી કાદવ તથા પથ્થર એકઠા કર્યા હતા અને 21 જુલાઈએ પૃથ્વી પર પાછા ફરવાની યાત્રા શરૂ કરી હતી.
ઍપોલો-11 મોડ્યુલે અવકાશયાત્રીઓ સાથે ઉત્તર પેસિફિક મહાસાગરમાં 24 જુલાઈએ સલામત ઉતરાણ કર્યું હતું. તેનો અર્થ એ થયો કે તેમને પૃથ્વીથી ચંદ્ર પર જવામાં, ત્યાં સંશોધન કરવામાં અને પૃથ્વી પર પાછા ફરવામાં માત્ર આઠ દિવસ તથા ત્રણ કલાકનો સમય લાગ્યો હતો.