ભારતથી અલગ દેશ માગનારા ઝીણાને ‘ઇન્ડિયા’ નામ સામે શો વાંધો હતો, તેઓ તેને કેમ ભ્રામક માનતા?

    • લેેખક, તાબિંદા કોકબ
    • પદ, બીબીસી ઉર્દૂ ડોટ કૉમ, ઇસ્લામાબાદ

હિંદુસ્તાન, ઇન્ડિયા કે ભારત... તમે આ ત્રણેય નામોનો ઉપયોગ ભારત માટે થતો જોયો હશે. જોકે અધિકૃત નામ 'ઇન્ડિયા' જ છે, પરંતુ હવે ઇન્ડિયાના સ્થાને માત્ર ‘ભારત’ નામ કરવાની ગતિવિધિ ચર્ચાએ દેશભરમાં વેગ પકડ્યો છે.

પહેલાં પણ દેશમાં આ માગ ઊઠતી રહી છે, પરંતુ રસપ્રદ વાત તો એ છે કે વિભાજન વખતે પાકિસ્તાનના સંસ્થાપક મહમદઅલી ઝીણાએ ‘ઇન્ડિયા’ નામ અંગે આપત્તિ વ્યક્ત કરી હતી. તેમણે એને ગેરમાર્ગે દોરતું કે ‘ભ્રામક’ કહ્યું હતું.

ઇતિહાસકારો લખે છે કે શરૂઆતના દિવસોથી જ દેશની અંદર 'ઇન્ડિયા' નામના કારણે વિવાદ રહ્યો છે. અંગ્રેજોએ ઉપમહાદ્વીપમાં પોતાના સામ્રાજ્યને નામ આપવા માટે ‘ઇન્ડિયા’ શબ્દની પસંદગી કરી હતી જે ખરેખર તો એક ગ્રીક શબ્દ છે. કારણ કે આ નામ અંગ્રેજોએ આપ્યું હતું, જે એક સંસ્થાનવાદી સમયગાળાની ઓળખ છે, તેથી બંધારણસભામાં તેના ઉપયોગને લઈને આપત્તિ વ્યક્ત કરાઈ હતી.

'કોઈ પણ દેશ બ્રિટિશ નામ અપનાવવા નહીં ઇચ્છે'

ઇતિહાસકાર જૉન કીએ પોતાના પુસ્તક ‘ઇન્ડિયા : અ હિસ્ટ્રી’માં લખ્યું છે કે ‘ઇન્ડિયા’ શબ્દ અંગે કઈ વિવાદ નહોતો, કારણ કે નવા મુસ્લિમ દેશ માટે મહમદઅલી ઝીણાએ ઇસ્લામિક નામ ‘પાકિસ્તાન’ પસંદ કર્યું હતું.

જૉન કી લખે છે કે, “સ્વતંત્રતાના શરૂઆતના તબક્કામાં ‘ભારત’ એક સારું નામ હતું, કારણ કે ‘ઇન્ડિયા’ શબ્દ સામ્રાજ્યવાદી ઉપહાસથી ખૂબ જ પ્રભાવિત હતો.”

તેમના પ્રમાણે, એ સત્યથી ઇનકાર ન કરી શકાય કે સંસ્કૃતના સમગ્ર સાહિત્યમાં ક્યાંય પણ ‘ઇન્ડિયા’નો ઉલ્લેખ નથી કરાયો. બૌદ્ધ કે જૈન ગ્રંથોમાંય આ નામ દેખાતું નથી.

આ સિવાય દક્ષિણ એશિયામાં બોલાતી અન્ય કોઈ ભાષામાંય આ શબ્દની હાજરી નોંધાઈ નથી.

જૉન અનુસાર, “મહમદઅલી ઝીણાનું માનવું હતું કે કોઈ પણ દેશ બ્રિટિશ સરકારે આપેલ નામ ‘ઇન્ડિયા’ને અપનાવવા નહીં ઇચ્છે.”

જોકે, તેમને પોતાની એ ગેરમાન્યતાનો અહેસાસ એ સમયે થયો જ્યારે અંતે બ્રિટિશ વાઇસરૉય લૉર્ડ માઉન્ટબેટને નહેરુની એ માગ સ્વીકારી લીધી હતી કે તેમના દેશને ‘ઇન્ડિયા’ કહેવામાં આવશે.

તેઓ આગળ લખે છે કે માઉન્ટબેટન પ્રમાણે, ઝીણાને આ વાતની ખબર પડી કે તેઓ (નહેરુ અને કૉંગ્રેસ પાર્ટી) પોતાની જાત માટે ઇન્ડિયા નામનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે ત્યારે તેઓ ખૂબ ગુસ્સામાં હતા. આ શબ્દનો ઉપયોગ એ ઉપમહાદ્વીપની શ્રેષ્ઠતાનો અહેસાસ કરાવત, જેને પાકિસ્તાન ક્યારેય ન સ્વીકારત.

ઇતિહાસકાર જૉન કી પ્રમાણે, મહમદઅલી ઝીણાની આપત્તિઓ પાછળ એક મોટું કારણ એ પણ હતું કે સિંધુ નદીની આસપાસના ક્ષેત્રને મૂળ તો ‘ઇન્ડિયા’ કહેવાતું, જેનો મોટો ભાગ પાકિસ્તાનમાં હતો.

ઇતિહાસકાર આયશા જલાલ અનુસાર, વિભાજન બાદ માઉન્ટબેટન ‘યુનિયન ઑફ ઇન્ડિયા’ અને પાકિસ્તાન બંને માટે ગવર્નર-જનરલ તરીકે કામ ચાલુ રાખવા તૈયાર હતા.

આયશા જલાલ લખે છે કે મુસ્લિમ લીગના નેતા પાકિસ્તાનને એક અલગ અને સ્વતંત્ર દેશ તરીકે જાળવી રાખવાની પોતાની ક્ષમતાને લઈને ઘણો ગભરાટ અનુભવી રહ્યા હતા. તેમણે કૉંગ્રેસના ઇરાદા પર અવિશ્વાસ વ્યક્ત કર્યો અને મુસ્લિમ લીગ ઇન્ડિયા દ્વારા ‘યુનિયન’ની ઉપાધિ અપનાવ્યાની બાબતનો વિરોધ કરતી રહી.

શું ઇન્ડિયા એ એક ભ્રામક નામ છે?

‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં પ્રકાશિત થયેલ એક રિપોર્ટ અનુસાર, દક્ષિણ એશિયન કાયદાના પ્રોફેસર માર્ટિન લાઉ પોતાના સંશોધનપત્ર ‘ઇસ્લામ ઍન્ડ ધ કૉન્સ્ટિટ્યૂશન ફાઉન્ડેશન ઑફ પાકિસ્તાન’માં એક પત્રનો હવાલો આપે છે.

આ પત્ર ઝીણા તરફથી ઇન્ડિયાના પ્રથમ ગવર્નર જનરલ લૉર્ડ માઉન્ટબેટનને લખાયો હતો. આ પત્રમાં ઝીણાએ ફરિયાદ કરી હતી કે ‘ઇન્ડિયા’ નામ ‘ભ્રામક’ અને ગૂંચવાડો પેદા કરનારું છે.

સપ્ટેમ્બર 1947માં લંડનમાં ભારતીય કળાનું એક પ્રદર્શન લાગેલું હતું. માઉન્ટબેટને મહમદઅલી ઝીણાને આ પ્રદર્શનસમારોહના માનદ અધ્યક્ષ બનવા આમંત્રિત કર્યા હતા.

લાઉ લખે છે કે ‘ઇન્ડિયા’ નામનો ઉપયોગ થવાના કારણે મહમદઅલી ઝીણાએ એ નિમંત્રણનો અસ્વીકાર કર્યો હતો.

તેમણે માઉન્ટબેટનને લખ્યું, “દુ:ખની વાત છે કે કોઈ રહસ્યમય કારણને લીધે હિન્દુસ્તાને ‘ઇન્ડિયા’ શબ્દ અપનાવી લીધો છે, જે નિશ્ચિતપણે ભ્રામક છે અને તેનો હેતુ ગૂંચવાડો ઊભો કરવાનો છે.”

ભારતના વિભાજન અગાઉ પણ મુસ્લિમ લીગે ‘યુનિયન ઑફ ઇન્ડિયા’ નામ અંગે આપત્તિ વ્યક્ત કરી હતી, જોકે, આવું કેમ કરાયું હતું એના સ્પષ્ટીકરણનો અભાવ હતો.

નામ બદલાવાના કાયદાકીય પ્રયત્નો

સપ્ટેમ્બર 1949ને વિભાજનનાં બે વર્ષ બાદ, જ્યારે ભારતની બંધારણસભાએ બંધારણના ડ્રાફ્ટ પર ચર્ચા શરૂ કરી, તો દેશ માટે ‘હિંદુસ્તાન’ નામ અંગે પણ વિચાર કરાયો, પરંતુ તેને ખારિજ કરી દેવાયું.

ભારતના બંધારણના અનુચ્છેદ એકમાં અંગ્રેજી સંસ્કરણમાં ‘ઇન્ડિયા’ અને ‘ભારત’નો ઉપયોગ કરાયો છે અને હિન્દી સંસ્કરણમાં ‘ભારત’નો ઉપયોગ કરાયો છે.

અત્યાર સુધી ‘ઇન્ડિયા’ નામને ખરેખર કોઈ પડકારનો સામનો નથી કરવો પડ્યો અને મીડિયામાં પણ તેનો ઉપયોગ થવા લાગ્યો. જોકે, રાજકીય ઉતારચઢાવ દરમિયાન ઘણી વાર ઇન્ડિયાના સ્થાને ‘ભારત’ નામ જાળવી રાખવાની માગ ઊઠી.

શું ઇન્ડિયા હવે ભારત થઈ જશે?

વર્ષ 2020માં પણ દેશનું નામ ઇન્ડિયાથી બદલીને ભારત કરવાની માગ ઊઠી. આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી પણ દાખલ કરાઈ હતી.

અરજદારે કોર્ટને કહ્યું હતું કે ‘ઇન્ડિયા’ નામ ગ્રીક ભાષાના ‘ઇન્ડિક’ શબ્દથી બનેલું છે. આ નામને બંધારણમાંથી દૂર કરવું જોઈએ.

અરજદારે કોર્ટને એવી પણ વિનંતી કરી હતી કે કોર્ટ સરકારને આદેશ આપે કે બંધારણના અનુચ્છેદ એકમાં સંશોધન કરીને ‘ઇન્ડિયા’નું નામ બદલીને માત્ર ભારત રાખવામાં આવે.

સુપ્રીમ કોર્ટે આ અરજી ખારિજ કરતાં આ મામલામાં દખલ કરવાનો ઇનકાર કરી દીધો હતો.

કોર્ટે કહ્યું હતું કે બંધારણમાં પહેલાંથી જ ભારત નામ નોંધાયેલું છે. બંધારણમાં લખ્યું છે કે ‘ઇન્ડિયા ધેટ ઇઝ ભારત’ (એટલે કે ઇન્ડિયા જે ભારત છે.)

આજકાલ ઇન્ડિયામાં ફરી એક વાર આ ચર્ચાએ જોર પડક્યું છે. તેની શરૂઆત એ સમયે થઈ, જ્યારે ભારતમાં જી20 શિખર સંમેલનના પ્રસંગે ભારતનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ તરફથી મોકલાવાયેલા રાત્રિભોજના નિમંત્રણ પર ‘પ્રૅસિડેન્ટ ઑફ ઇન્ડિયા’ના સ્થાને ‘પ્રૅસિડેન્ટ ઑફ ભારત’ લખાયું.

હાલ, નામના મુદ્દે આ વિવાદ ઇન્ડિયામાં રાજકીય તણાવ પેદા થવાનું કારણ બની રહ્યું છે. હજુ એ જોવાનું બાકી છે કે આખરે આ બધી ચર્ચાનો અંત કોની તરફેણમાં થશે.