You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વીજળી વગર ચાલતી એ ઘરઘંટી જેમાં ગિયર, પેડલ અને સીટ છે, કસરત સાથે અનાજ દળી શકાય
- લેેખક, શ્રીકાંત બંગલે
- પદ, બીબીસી સંવાદદાતા
"2016માં ખૂબ જ વરસાદ થયો હતો. વીજળીના થાંભલા પડી ગયા હતા અને 10 દિવસ સુધી વીજળી ના આવી."
"ઘરમાં વીજળી નહીં હોવાથી તેમણે વૈલ્પિક વ્યવસ્થા કરતા ઘંટી પર ઘઉં દળીને રોટલીઓ બનાવી તો તેનો સ્વાદ સારો લાગ્યો."
"મને થયું આ આટલી સારી કેવી રીતે લાગે છે? તો માતાએ કહ્યું કે ઘંટી પર ઘઉં દળવાથી તેનું તાપમાન એટલું વધતું નથી એટલે તેમાં રહેલા પોષકતત્ત્વો જળવાઈ રહે છે અને તેથી તે સ્વાદિષ્ટ લાગે છે."
2016માં બનેલી આ ઘટના બાદ મહારાષ્ટ્રના જાલના જિલ્લાના શ્રીપદદામાગામના ખેડૂત સુનીલ શિંદેને પેડલ પાવર ઘંટી બનાવવાનો વિચાર આવ્યો.
સુનીલ શિંદેએ આ ઘંટી સાયકલના ગિયર, પેડલ, સીટ અને ઘંટીના પથ્થરોનો ઉપયોગ કરીને બનાવી છે.
2016માં શરૂઆત કર્યા પછી 2018માં પહેલી ઘંટી બનાવાઈ. જોકે ચાર વર્ષ સુધી તેમાં તેમણે ઘણા ફેરફારો પણ કર્યા. હવે તેઓ તેનું વેચાણ કરે છે.
આ ઘંટીની અદ્વિતીયતાને સમજાવતા સુનીલ કહે છે, "જૂના જમાનાની ઘંટી પર જેમ અનાજ દળવામાં આવતું તે જ તેની ખાસિયત છે. કસરત માટે બહાર જવાની જરૂર ના પડે કે ના આ ઘંટી પર અનાજ દળવા વીજળીની જરૂર પડે. ઘરમાં જ રહીને બંને કામ થઈ જાય."
ઘંટી કેવી રીતે તૈયાર કરાઈ?
સુનીલ કહે છે, "અમે તેના માટે એક મેટલ પાઇપનો ઉપયોગ કર્યો. ઘંટીની ડિઝાઇન સાયકલની હોય એવી બનાવી. વ્યક્તિની ઊંચાઈ પ્રમાણે હૅન્ડલની ઊંચાઈને ઍડજસ્ટ કરી શકાય છે. એવી જ રીતે સીટની ઊંચાઈ તથા તેને આગળ-પાછળ કરી શકાય તેવી બનાવાઈ છે. આ બધું જોયા પછી ગિયરને જરૂરિયાત મુજબ ઇનસ્ટલ કરાયો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"અમારે અહીં નજીકમાં જ એક ખાસ પ્રકારની ખાણ છે. જેના પથ્થરની ઘનતા સારી હોય છે. તે જલદી ઘસાતા નથી તેથી સારા ચાલે છે."
"તે પછી અમે તેને અમારી ડિઝાઇન અનુસારના વિવિધ આકારમાં બનાવીએ છીએ. અમે જરૂરી જાડાઈ અને પહોળાઈ પ્રમાણેનું માળખું બનાવીએ છીએ."
ચાર વર્ષ સુધી જરૂરી ફેરફારો કર્યા પછી સુનીલે હાલ આવી ઘંટીનું વેચાણ શરૂ કર્યું છે. તેમણે ઘણાં ઍક્સિબિશન અને સોશિયલ મીડિયા થકી આ ઘંટીના પ્રચારનો પ્રયત્ન કર્યો છે.
હાલ તેમની પાસે 50 ઑર્ડર છે અને પુણે, મુંબઈ, સાંગલી, સાતારા અને કર્ણાટકમાં તેની માગ વધારે છે.
તેઓ કહે છે, "પ્રતિભાવ ઘણો સારો છે. પણ અમે ધ્યાનપૂર્વક તેને બનાવીએ છીએ જેથી તે બધા માટે સારી રીતે કામ કરે."
"જે લોકો ઑર્ડર આપે તેમને એક મહિના સુધી રાહ જોવી પડે છે કારણ કે બનાવેલી ઘંટી પર પહેલાં એક મહિના સુધી અમે અનાજ દળીએ છીએ અને પૂરી ખાતરી થયા પછી અમે ગ્રાહકોને આપીએ છીએ."
હું જ્યારે આ પેડલ પાવર ઘંટી પર અનાજ દળવા બેસું ત્યારે મારા દાદી અને માતા જે રીતે અનાજ દળતા હતા તેની યાદો મનમાં તાજી થઈ જાય છે.
ઘંટીમાં જતાં ઘઉં કે કોઈ પણ અનાજના દાણાના પ્રમાણને વધારવા કે ઘટાડવા માટે તેમાં ઓરણીની બાજુમાં એક વાલ્વ લગાવાયો છે. ઘઉંના કે કોઈ પણ અનાજના દાણા જો ઓછા પ્રમાણમાં ઓરણીમાં જાય તો લોટ ઘણો નરમ બને છે.
તો બીજી બાજુ લોટ જ્યાં ભેગો થાય ત્યાં પણ આવી જ વ્યવસ્થા કરાઈ છે.
સુનીલ હાલ તો આ ઘંટીની પેટન્ટ લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ સાથે તેમની અન્ય કેટલીક યોજના પણ છે.
આ વિશે જણાવતા સુનીલ કહે છે, "જે કોઈ પ્રાકૃતિક વસ્તુઓ હોય છે તે જૂની હોય છે. તેથી તેને ખાવું સ્વાદિષ્ટ અને શરીર માટે સારું હોય છે. તેથી જેવી રીતે અમે અલગ ઘંટી બનાવી છે તેવી જ રીતે અમે અમારું બોર્ડ પણ અલગ બનાવ્યું છે."
"તે એટલું અલગ છે કે કોઈ તેને શૅર કરવા તૈયાર નથી. તેથી એક આધુનિક ઘંટી બનાવવાનું કામકાજ પણ ચાલી રહ્યું છે."
સુનીલ 2002થી વિવિધ પ્રકારનાં મશીન બનાવે છે. અત્યાર સુધી તેમણે 28 પ્રકારનાં વિવિધ ઓજારો બનાવ્યાં હોવાનું તેઓ જણાવે છે. જેમાં બુલૉક ડ્રિવન રૉટાવેટર અને મૅનપાવર મૅન્યુઅર સ્પ્રેડર છે.
તેમને આવા આઇડિયા આવે છે ક્યાંથી?
તેઓ કહે છે, "ખેતી કરતા હોય તે સમયે કંઈક નવું બનાવવાનો તેમને વિચાર આવે છે. ખેતીમાં ખેતમજૂરોની સમસ્યા હોય છે તેથી તે સમયે કામને ઓછા સમયમાં સરળતાથી કેવી રીતે કરી શકાય તેવા ઓજાર બનાવવાનો વિચાર આવે છે."
સુનીલે બનાવેલા ચંદ્રિકા બાંધણી યંત્ર માટે તેમનું રાષ્ટ્રપતિ ભવન ખાતે સન્માન કરાયું હતું. આ મશીન સિલ્ક ઉદ્યોગમાં ઉપયોગમાં લેવાય છે.
તેમણે બનાવેલાં ઉપકરણોની વધતી માગને ધ્યાનમાં લેતા સુનીલે તેમની વર્કશૉપને કુંભાર પીંપલગાંવથી જાલના એમઆઈડીસીમાં ખસેડી છે.
આઠમા ધોરણ સુધીનો અભ્યાસ કરેલા સુનીલ વધારે ને વધારે ઉપયોગી સાધનો બનાવવા તેમની કલ્પનાશક્તિનો ઉપયોગ કરવા માગે છે.