You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મોખા : વાવાઝોડાને કારણે ગુજરાતમાં ચોમાસું મોડું શરૂં થશે?
બંગાળની ખાડીમાં સર્જાયેલું મોખા વાવાઝોડું બાંગ્લાદેશ અને મ્યાનમાર પર રવિવારે ત્રાટક્યું હતું. જે બાદ હવે તે નબળું પડી ગયું છે પરંતુ તેના લીધે ભારતના પૂર્વોત્તર સહિતના અનેક રાજ્યોમાં તે ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.
બંગાળની ખાડીમાં સર્જાયેલા આ વાવાઝોડાના કારણે મ્યાનમારમાં સૌથી વધારે નુકસાન થયું છે. ખૂબ પ્રચંડ બનેલું મોખા વાવાઝોડાએ બાંગ્લાદેશમાં પણ ભારે નુકસાન કર્યું છે.
બીજી તરફ સવાલ એ પણ થઈ રહ્યો છે કે બંગાળની ખાડીમાં સર્જાયેલા આ વાવાઝોડાના કારણે ગુજરાત સુધી પહોંચતા ચોમાસામાં કોઈ ફેરફાર થશે કે નહીં.
ભારતમાં કેરળથી ચોમાસાની શરૂઆત થાય છે. સામાન્ય રીતે ભારતમાં 1 જૂનની આસપાસ ચોમાસું શરૂ થતું હોય છે. ક્યારેક તેનાથી એકાદ બે દિવસ પહેલાં અથવા એકાદ બે દિવસ બાદ તેની શરૂઆત થતી હોય છે.
કેરળમાંથી ભારત પર આવેલું ચોમાસું ગુજરાત સુધી લગભગ 15 જૂન પછી પહોંચતું હોય છે. જોકે, તે પહેલાં રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ જતો હોય છે પરંતુ તેને ચોમાસા પહેલાંનો વરસાદ ગણવામાં આવે છે.
ગુજરાતના ચોમાસા પર અસર થશે?
ગુજરાતમાં હાલ ભયંકર ગરમી પડી રહી છે અને અનેક વિસ્તારોમાં તાપમાન લગભગ 40 ડિગ્રી સેલ્સિયસથી વધારે થઈ ચૂક્યું છે.
બીજી તરફ ભારતમાં ચોમાસું શરૂ થવાને હવે 15 દિવસ જેટલો જ સમય બાકી છે અને બંગાળની ખાડીમાં ખતરનાક વાવાઝોડું હાલ જ સર્જાયું હતું.
ચોમાસું શરૂ થવામાં હજી પણ સમય છે અને ગુજરાત સુધી ચોમાસું પહોંચે તેમાં લગભગ એકાદ મહિના જેટલો સમય બાકી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વાવાઝોડું ચોમાસા પર અસર કરશે કે નહીં તે અંગે જાણવા બીબીસી ગુજરાતીએ દિલ્હી સ્થિતિ ભારતના હવામાન વિભાગના વૈજ્ઞાનિક રાજેન્દ્ર કુમાર સાથે વાત કરી હતી.
રાજેન્દ્ર કુમારનું કહેવું છે કે ચોમાસાને હજી ભારત સુધી પહોંચવામાં સમય છે અને ચોમાસા પર બંગાળની ખાડી સિવાયની ઘણી બાબતો અસર કરતી હોય છે.
તેમણે કહ્યું, "વાવાઝોડું બંગાળની ખાડીમાં સર્જાયું હતું અને ભારતમાં ચોમાસું હજી આવવાને સમય છે. બંગાળની ખાડી, અરબી સમુદ્ર અને હિંદ મહાસાગરમાં રહેલાં ફેક્ટર્સ ચોમાસાને અસર કરતાં હોય છે. માત્ર બંગાળની ખાડીની હલચલ જ ચોમાસાને અસર કરતી નથી. જેથી આ વાવાઝોડાની ચોમાસા પર કોઈ અસર થાય તેવી શક્યતા નથી."
વીઓન ન્યૂઝના એક અહેવાલમાં આઈએમડીના વડા મોહાપાત્રાને ટાંકીને કહેવાયું છે કે મોખા વાવાઝોડું એક થોડા સમય માટેની સિસ્ટમ હતી. ચોમાસાને હજી બે સપ્તાહ જેટલો સમય છે. જેથી તેની અસર ચોમાસા પર થાય તેવી શક્યતા દેખાતી નથી.
ભારતમાં આ વર્ષે ચોમાસું કેવું રહેશે?
હવામાન વિભાગે એપ્રિલમાં જ આગામી ચોમાસાનું અનુમાન જારી કરી દીધું છે. એ મુજબ આવનારું ચોમાસુ દેશમાં સામાન્ય રહેવાની શક્યતા છે. 'સામાન્ય ચોમાસા'નો અર્થ એ છે કે દેશમાં સરેરાશ સારો વરસાદ થશે.
ભારતમાં ચોમાસાની શરૂઆત જૂન મહિનામાં થાય છે અને સપ્ટેમ્બર મહિના સુધી તે લંબાય છે. આ ચાર મહિનામાં પડતા વરસાદને ચોમાસાનો વરસાદ ગણવામાં આવે છે.
હવામાન વિભાગનું કહેવું છે કે લાંબા ગાળાની સરેરાશ પ્રમાણે દેશમાં 96% વરસાદ થવાની સંભાવના છે. લાંબા ગાળાની સરેરાશ એટલે જૂનથી સપ્ટેમ્બર સુધી પડતો વરસાદ.
ભારતમાં દક્ષિણ-પશ્ચિમનું ચોમાસું ખૂબ મહત્ત્વનું હોય છે, જેના પર ભારતની ખેતીનો સમગ્ર આધાર છે.
ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે પણ ચોમાસાનું અનુમાન જારી કર્યું છે, તેમના અનુમાન અનુસાર દેશમાં આગામી ચોમાસું સામાન્ય કરતાં નબળું રહેશે.
સ્કાયમેટના અનુમાન અનુસાર લાંબા ગાળાની સરેરાશ પ્રમાણે ચોમાસામાં 94 ટકા વરસાદ થવાની સંભાવના છે.
સ્કાયમેટના કહેવા અનુસાર ગુજરાત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં અપૂરતો વરસાદ થવાની શક્યતા છે.
વાવાઝોડાં કેવી રીતે ચોમાસા પર અસર કરે છે?
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર કોચીન યુનિવર્સિટીના એસટી રડાર સેન્ટરના સંશોધકોના એક રિપોર્ટ અનુસાર પાછલાં કેટલાંક વર્ષોથી અરબ સાગરમાં સર્જાયેલાં વાવાઝોડાં ભારતનાં ચોમાસાંમાં વિઘ્ન સર્જ્યાં હતાં.
અહેવાલ અનુસાર અરબ સાગરમાં ચોમાસાની શરૂઆત પહેલાં વાવાઝોડાંની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો જ્યારે આ સમયે બંગાળની ખાડીમાં વાવાઝોડાંની સંખ્યામાં ઘટાડો થયો હતો.
નવા અભ્યાસ અનુસાર અરબ સાગરમાં સર્જાતાં વાવાઝોડાં તેના કેન્દ્ર તરફ ભેજ ખેંચે છે, જેના પરિણામે પશ્ચિમ કાંઠે વરસાદ ઓછો પડ્યો છે.
ડાઉન ટુ અર્થના એક અહેવાલ અનુસાર ગત વર્ષે એપ્રિલ અને મે માસમાં અમુક મોટાં વાવાઝોડાં સર્જાયાં હતાં, જે પૈકી કેટલાંકે ચોમાસાના આગમનમાં વિઘ્ન સર્જ્યું હતું. જ્યારે કેટલાંક વાવાઝોડાંના કારણે સર્જાયેલ પરિસ્થિતિને કારણે ચોમાસું જલદી બેઠું હતું.
ગત વર્ષે મે માસમાં સર્જાયેલા 'અસાની' વાવાઝોડા બાદ બંગાળની ખાડીમાં ચોમાસું આગળ વધતું અટક્યું પરંતુ કેરળમાં હવામાન વિભાગની આગાહી કરતાં બે દિવસ પહેલાં ચોમાસું બેઠું હતું.
ગત વર્ષે ચોમાસાના શરૂઆતના મહિનામાં વરસાદ પ્રમાણસર ઓછો પડ્યો હતો.
જ્યારે વર્ષ 2021માં ચોમાસું બેઠું એ પહેલાં બે વાવાઝોડાં સર્જાયાં હતાં. મેના બીજા અને ત્રીજા અઠવાડિયામાં 'તૉકતે' વાવાઝોડું અરબ સાગરમાં સર્જાયું હતું.
આ વાવાઝોડું દેશના પશ્ચિમ ભાગે ત્રાટક્યું, જેણે બંગાળની ખાડી આસપાસના વિસ્તારો સુધી ચોમાસાના આગમનને અસર કરી હતી.
જ્યારે એ વર્ષે આવેલ બીજું વાવાઝોડું હતું 'યાસ'. એ મે માસમાં બંગાળની ખાડીમાં સર્જાયું હતું. જોકે, આ વાવાઝોડાને કારણે બિહાર અને કેટલાક વિસ્તારોમાં ચોમાસું જલદી બેઠું હતું, તેમજ અમુક વિસ્તારોમાં પૂર પણ આવ્યું હતું.
જૂનાગઢ ઍગ્રિકલ્ચરલ યુનિવર્સિટીના ટેકનિકલ ઑફિસર ધીમંત વઘાસિયાએ વાવાઝોડાની સ્થિતિની ચોમાસાના આગમન પરની અસર અંગે વાત કરતાં કહે છે કે, “વાવાઝોડું સર્જાય ત્યારે વાતાવરણમાંથી ભેજ ખેંચાઈ જાય છે. જો વાવાઝોડું જમીનની નજીક પહોંચે તો ચોમાસું જલદી આવી શકે છે. પરંતુ જ્યારે વાવાઝોડું સર્જાય અને એ સમુદ્રમાં જ રહી જાય તો ફરી વાર સિસ્ટમ સર્જાતાં વાર લાગે છે, અને ચોમાસું ખેંચાઈ શકે છે.”