ગુજરાત : વાવાઝોડા 'મોખા'ને લીધે વરસાદને બદલે ભારે ગરમી કેમ પડશે, શું છે કારણ?

ગુજરાતમાં આ વર્ષે હવે મે મહિનામાં ઉનાળા જેવી ગરમી પડવાની શરૂ થઈ છે. આ પહેલાં રાજ્યમાં ઉનાળો તો શરૂ થયો હતો પરંતુ ભારે ગરમી પડી ન હતી.

બીજી તરફ બંગાળની ખાડીમાં ચોમાસા પહેલાં જ આ વર્ષનું પ્રથમ વાવાઝોડું મોખા સર્જાઈ ગયું છે. જે ભારતના પાડોશી દેશો તરફ આગળ વધી રહ્યું છે.

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આ વાવાઝોડું ભીષણ બનશે તેવી શક્યતા છે અને પવનની ગતિ પ્રતિકલાક 150 કિલોમીટર સુધી પહોંચવાની શક્યતા છે.

મે મહિનાની શરૂઆતમાં જ ગુજરાતમાં પ્રી-મૉન્સુન વરસાદ પડી રહ્યો હતો અને એક સપ્તાહ બાદ હવે ગુજરાતમાં અનેક વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ ઉપર જતું રહ્યું છે.

થોડા દિવસો પહેલાં ગુજરાતમાં કમોસમી વરસાદ ચાલુ હતો અને હવે ફટાફટ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. નિષ્ણાતોનું કહેવું છે કે તેની પાછળ બંગાળની ખાડીમાં સર્જાયેલું વાવાઝોડું પણ જવાબદાર છે.

ગુજરાતમાં ગરમી પાછળ મોખા વાવાઝોડું જવાબદાર?

હવામાન વિભાગે આગામી પાંચ દિવસની કરેલી આગાહીમાં ભારતના અનેક વિસ્તારોમાં ગરમી પડવાની વાત કરી છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ગરમીનો પારો ઊંચો જશે.

પશ્ચિમ બંગાળ અને બિહારના કેટલાક વિસ્તારોમાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે. વાવાઝોડું પશ્ચિમ બંગાળના દરિયા પાસેથી જ પસાર થઈને બાંગ્લાદેશ અને મ્યાનમારના દરિયાકિનારે પહોંચે તેવી શક્યતા છે.

વેધર ચેનલના રિપોર્ટ પ્રમાણે બંગાળની ખાડીમાં સર્જાયેલા મોખા વાવાઝોડાના કારણે ગુજરાત સહિત દેશના મોટા ભાગના વિસ્તારોમાં ખૂબ ઝડપથી ગરમી વધવાની શરૂઆત થઈ છે. ખાડીમાં સર્જાયેલું વાવાઝોડું સમગ્ર દેશ પરથી ભેજને પોતાના તરફ તાણી જાય છે. એટલે કે વાવાઝોડાની તાકતને કારણે આખા દેશ અને અરબ સાગરમાંથી પવનની દિશા તેની તરફ થઈ ગઈ છે.

જેના કારણે ભારત પર હવે પવનની દિશા ઉત્તર-પશ્ચિમની થઈ ગઈ છે. ગુજરાત પર પણ પવનો હવે જમીન પરથી આવે છે. જેમાં ભેજ નથી. આ સૂકા અને ગરમ પવનોને કારણે ગરમી ઝડપથી વધી રહી છે.

  • ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ટૂંકી રાહત બાદ ભીષણ ગરમી પડવાનું શરૂ થઈ ગયું છે
  • વાતાવરણમાં આવેલા ફેરફારની સાથોસાથ આ વર્ષનું પ્રથમ વાવાઝોડું મોખા સર્જાયું છે
  • માહિતી અનુસાર વાવાઝોડાની તીવ્રતા આગામી દિવસમાં વધે તેવી શક્યતા છે

ગુજરાતમાં ગરમી માટે માત્ર વાવાઝોડું જ કારણભૂત છે?

ગુજરાતમાં મે મહિનામાં ગરમીનો પારો 43થી 44 ડિગ્રી સેલ્સિયસ સુધી જવાની શક્યતા હાલ દેખાઈ રહી છે. આ વર્ષે પ્રથમ વખત ભારે ગરમીનો અહેસાસ લોકોને થવાનો છે.

મોખા વાવાઝોડાને કારણે પવનોની દિશા બદલાઈ છે અને સૂકા પવનો આવી રહ્યા છે. પરંતુ ગરમી માટે આ વાવાઝોડું જ એકમાત્ર કારણ નથી.

સ્કાયમેટ વેધરના એક રિપોર્ટના મહેશ પલાવતના કહેવા પ્રમાણે એક તરફ વાવાઝોડું ભેજ ખેંચી રહ્યું છે તો બીજી તરફ ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નથી અને આવનારા દિવસોમાં કોઈ મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે તેવી શક્યતા ઓછી છે.

જેના કારણે દેશના અંદરના ભાગોમાં કોઈ સાક્લોનિક સર્ક્યુલેશન પણ સર્જાય તેવી શક્યતા ઓછી છે. જેથી જમીન પરથી જ સીધા પવનો આવી રહ્યા છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ જો મજબૂત હોય તો તે તેની સાથે વરસાદ લાવે છે. પાકિસ્તાન, અફઘાનિસ્તાન સહિતના વિસ્તારોમાં તે વરસાદ તથા બરફવર્ષા માટે પણ તે કારણભૂત છે. જેથી અહીંથી આવતા પવનો ભેજ સાથેના અને ઠંડા રહે છે.

આ ઉપરાંત તેના કારણે ઉત્તર ભારતમાં પણ ઘણા વિસ્તારોમાં વરસાદ પડે છે અને પવનો થોડા ઠંડા રહે છે.

વાવાઝોડું વધારે ભીષણ બનશે?

આ વર્ષનું પ્રથમ વાવાઝોડું વધારે તીવ્ર બને તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અને હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે તેની પવનની ગતિ ખૂબ વધારે રહેવાની શક્યતા છે.

જે બાદ પણ તે સતત મજબૂત બનતું જશે અને એવી શક્યતા છે કે 11 મેના રોજ તે તીવ્ર ચક્રવાતમાં પરિવર્તિત થઈ જશે એટલે કે વાવાઝોડું મજબૂત બનશે.

12 મેના રોજ આ વાવાઝોડું દરિયામાં જે તરફ જઈ રહ્યું છે ત્યાંથી વળાંક લેશે અને તે વધારે મજબૂત બનીને ભીષણ ચક્રવાતમાં પરિવર્તિત થઈ જશે.

ભારતના હવામાન વિભાગે જાહેર કરેલી માહિતી પ્રમાણે જ્યારે દરિયામાં બનેલી સિસ્ટમમાં પવનની ગતિ 62થી 87 કિલોમીટર પ્રતિકલાક થાય ત્યારે તે વાવાઝોડું બન્યું ગણાય.

તીવ્ર ચક્રવાત એટલે કે વાવાઝોડું થોડું વધુ મજબૂત થયેલું ત્યારે ગણાય જ્યારે પવનની ગતિ પ્રતિ કલાકના 88થી 117 કિલોમીટર સુધી પહોંચી જાય.

મોખા વાવાઝોડાની આગાહી પ્રમાણે તે અતિ તીવ્ર કૅટગરીમાં પ્રવેશે તેવી શક્યતા દેખાઈ રહી છે. એટલે કે તેની તીવ્રતા ખૂબ વધવાની શક્યતા છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે તે અતિ તીવ્ર વાવાઝોડું બનશે. 13 મેની આસપાસ આ વાવાઝોડું વધારે ખતરનાક બને તેવી શક્યતા છે.

અતિ તીવ્ર વાવાઝોડું એટલે કે પવનની ગતિ પ્રતિકલાકના 118થી 165 કિલોમીટરની વચ્ચે હોય. જો આટલી જ ગતિથી વાવાઝોડું જમીન પર પહોંચે તો તે વધારે નુકસાન કરતું હોય છે.