You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કૉંગ્રેસના ભરતસિંહ અને જગદીશ ઠાકોર જેવા નેતાઓએ ચૂંટણી લડવાની ના કેમ પાડી?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
લોકસભા ચૂંટણી માટે ભાજપ અને કૉંગ્રેસ બંને પક્ષોએ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે.
ગુજરાતની વાત કરીએ તો ભાજપે તેના 15 ઉમેદવારો જાહેર કર્યા છે, તો કૉંગ્રેસે ઇન્ડિયા ગઠબંધન હેઠળ પોતાને ફાળે આવેલી 24 બેઠકોમાંથી એક પણ ઉમેદવાર જાહેર કર્યો નથી. જ્યારે આમ આદમી પાર્ટીએ બંને બેઠકો પર ઉમેદવાર જાહેર કરી દીધા છે.
કૉંગ્રેસ પણ ગુજરાતના ઉમેદવારોની યાદી જલદી જાહેર કરશે એવા સમાચારો આવી રહ્યા છે.
સ્થાનિક મીડિયા અહેવાલોમાં કૉંગ્રેસના કેટલાક નેતાઓને મોવડી મંડળે ચૂંટણી લડવાનું કહ્યું હોવાની વાત સામે આવી રહી છે.
તો બીજી તરફ કૉંગ્રેસના મોટા નેતાઓએ ચૂંટણી લડવામાં સામે ચાલીને જ અસમર્થતા દર્શાવી છે અને મોવડી મંડળને ટિકિટ ન આપવાની વિનંતી કરી છે.
કયા મોટા નેતાઓએ ચૂંટણી લડવાની ના પાડી?
કૉંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ મંગળવારે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર લખ્યું હતું કે, “મારા પરિવારને અને મને કૉંગ્રેસ પક્ષે દાયકાઓથી ઘણું આપ્યું છે. મારી હાલની જમ્મુ કાશ્મીરમાં પક્ષના ઇન્ચાર્જ તરીકેની જવાબદારી છે. એ સિવાય ગુજરાતમાં હું અસરકારક રીતે પક્ષનો ચૂંટણીપ્રચાર કરી શકું એટલા માટે પક્ષના મોવડી મંડળને વિનંતી કરું છું કે મને આ લોકસભામાં ચૂંટણી લડવાની જવાબદારી ન આપવામાં આવે.”
તેમણે ઉમેર્યું હતું કે, “ તેમ છતાં કૉંગ્રેસ પક્ષના આજીવન સૈનિક તરીકે પક્ષનું રાષ્ટ્રીય નેતૃત્ત્વ જે કંઈ નિર્ણય લેશે તેનું હું સ્વાગત કરીશ અને તેને અનુસરીશ.”
કૉંગ્રેસના ભૂતપૂર્વ પ્રદેશપ્રમુખ જગદીશ ઠાકોરે પણ ટ્વિટર પર તેમનું એક વિસ્તૃત નિવેદન જાહેર કર્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
“ઘણાં વર્ષોથી કૉંગ્રેસ પક્ષે મને ઘણું આપ્યું છે. બે વખત ધારાસભ્યની ટિકિટ, ત્રણ વખત લોકસભાની ટિકિટથી લઈને પક્ષના પ્રદેશપ્રમુખની જવાબદારી મને આપી છે. વિપરિત પરિણામો છતાં કૉંગ્રેસ પક્ષે મને કૉંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય તરીકે પણ જવાબદારી આપી હતી. છેલ્લા બે-ત્રણ મહિનાથી લોકો મને આગ્રહ કરી રહ્યા હતા કે તમે ચૂંટણી લડો. પક્ષમાં જ્યારે નવા લોકોને લાવવાની, નવું નેતૃત્ત્વ ઊભું કરવાનું નક્કી થયું છે, ત્યારે મેં એવું નક્કી કર્યું છે કે મારે ચૂંટણી લડવી નથી. એક-બે વર્ષ પહેલાં મારી તબિયત પણ નાદુરસ્ત હતી. ”
“ઉત્તર ગુજરાતમાં કૉંગ્રેસ ખૂબ સારા ઉમેદવાર આપવાની છે અને ઉમેદવારોની પસંદગીની ગહન પ્રક્રિયા ચાલી રહી છે. યાત્રા પણ સારી રીતે સંપન્ન થઈ છે. એટલા માટે કોઈને કોઈ ગેરસમજ ન થાય એટલા માટે નિવેદન આપી રહ્યો છું અને ચૂંટણી નહીં લડું એ જાહેરાત કરું છું.”
તેમણે પક્ષ છોડીને જઈ રહેલા નેતાઓને પણ કહ્યું હતું કે, “તમે તો શૂન્ય હતા, કૉંગ્રેસ પક્ષે તમને બધું આપ્યું છે. કૉંગ્રેસના ખરાબ સમયમાં તમે કૉંગ્રેસ છોડીને જઈ રહ્યા છો એટલે તમને કુદરત પણ માફ નહીં કરે. ગમે તેટલા લોકો છોડીને જાય, પરંતુ હું કૉંગ્રેસ પક્ષનો આજીવન સૈનિક બનીને રહીશ.”
ભરતસિંહ સોલંકીની કેટલી પકડ?
નોંધનીય છે કે મધ્ય ગુજરાતમાં આજેય સોલંકી પરિવાર અને તેમના ટેકેદારોનું વર્ચસ્વ છે. 2002માં ગોધરાનાં રમખાણો પછી થયેલી ચૂંટણીમાં ભાજપને 43માંથી 39 બેઠક મળી હતી. પરંતુ તે પછી ફરીથી કૉંગ્રેસ અહીં સારો દેખાવ કરી શકી છે.
મધ્ય ગુજરાતની સાથે ઉત્તર ગુજરાતમાં પણ ઓબીસી, ક્ષત્રિય ઓબીસી અને ઠાકોર સમાજ પર સોલંકી પરિવારના પ્રભાવને કારણે ભરતસિંહની અવગણના થઈ શકે તેમ નથી.
માધવસિંહની જેમ જ ભરતસિંહે પણ રાજકારણમાં આવવાની અનિચ્છા દર્શાવી હતી. પરંતુ 1989માં તેમના નાના ઈશ્વરસિંહ લોકસભાની ચૂંટણી આણંદથી હારી ગયા એટલે ભરતસિંહે નિર્ધાર કર્યો કે તેમને ફરીથી અહીં જિતાડવા. 1991માં ફરીથી લોકસભાની ચૂંટણી આવી ત્યારે ભરતસિંહ હવે સક્રિય થઈ ગયા હતા. તે વખતે બૂથ કેપ્ચરિંગ સહિતની ફરિયાદો થયેલી અને તોફાનો પણ થયેલાં, પણ ચૂંટણી કેવી રીતે જીતી શકાય તેની આવડત ભરતસિંહે અહીંથી જ મેળવી લીધી હતી.
જોકે, 2014માં (અને 2019માં પણ) નરેન્દ્ર મોદીના ‘ઝંઝાવાત’માં ભરતસિંહ પોતે જીતી શક્યા નહીં.
1995માં પ્રથમ વાર ધારાસભ્ય બન્યા, 2002માં પણ તેઓ જીત્યા હતા. 2004 અને 2009માં આણંદથી તેઓ સાંસદ બન્યા એટલે કેન્દ્રમાં તેમને રાજ્યકક્ષા (સ્વતંત્ર હવાલો)ના મંત્રી બનાવાયા હતા. 2017 અને 2022માં તેઓ ચૂંટણી લડ્યા ન હતા.
છેલ્લે 2019ની લોકસભામાં તેઓ આણંદથી ચૂંટણી લડ્યા હતા અને 1,97,718 મતોથી તેમની હાર થઈ હતી.
જગદીશ ઠાકોરના નેતૃત્વમાં કૉંગ્રેસનું સૌથી ખરાબ પ્રદર્શન
ગુજરાત કૉંગ્રેસના પૂર્વ પ્રદેશપ્રમુખ જગદીશ ઠાકોર તેમની આક્રમક ભાષણશૈલી માટે જાણીતા છે.
એક સમયે જગદીશ ઠાકોરે ભરતસિંહ સોલંકી અને શંકરસિંહની કાર્યશૈલીનો વિરોધ પણ કર્યો હતો અને 2016માં તેમણે પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું.
જગદીશ ઠાકોર આ પહેલાં પણ પક્ષની ઇચ્છા હોય તો પણ ચૂંટણી લડવાની ના પાડતા રહ્યા છે. તેઓ 2009થી પાટણથી જીતીને લોકસભામાં પહોંચ્યા હતા, 2014માં પણ તેમણે ચૂંટણી લડવાની ના પાડી હતી.
2022ની વિધાનસભાની ચૂંટણી પણ તેઓ લડ્યા ન હતા અને 2024માં પણ હવે તેમણે લડવાની ના પાડી છે.
તેઓ યૂથ કૉંગ્રેસમાં 1985થી 1994 સુધી ઉપપ્રમુખ રહ્યા.
1998-99માં તેઓ ગુજરાત કૉંગ્રેસ બક્ષીપંચ મોરચાના પ્રમુખ બન્યા હતા અને આગળ જતા તેમને મોરચાના પ્રભારી બનાવાયા હતા.
એઆઇસીસીમાં સભ્ય, પ્રદેશ કારોબારીમાં મહામંત્રી, ઉપપ્રમુખ વગેરે હોદ્દાઓ પછી આખરે તેઓ પ્રદેશપ્રમુખ બન્યા હતા. પરંતુ તેમના નેતૃત્ત્વમાં કૉંગ્રેસે તેના ઇતિહાસનું સૌથી ખરાબ પ્રદર્શન કર્યું હતું અને 17 બેઠકો પર સમેટાઈ ગઈ હતી. ત્યાર બાદ તેમણે રાજીનામું આપી દીધું હતું.