You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
યુસુફ પઠાણ પ. બંગાળની જે બેઠક પરથી ચૂંટણી લડશે તે વિસ્તાર કેવો છે અને તેમનું જીતવું કેટલું મુશ્કેલ છે?
- લેેખક, પ્રભાકર મણિ તિવારી
- પદ, બીબીસી માટે, કોલકાતાથી
એક તરફ રાજકારણના મેદાનના ધુરંધર અને બીજી તરફ ક્રિકેટના મેદાનના ધુરંધર. પશ્ચિમ બંગાળની એક લોકસભા બેઠક પર કંઇક આવું ચિત્ર સર્જાયું છે.
પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી અને તૃણમૂલ કૉંગ્રેસનાં અધ્યક્ષ મમતા બેનરજીએ મુર્શિદાબાદ જિલ્લાની બહરામપુર લોકસભા બેઠક પરથી રાજકારણની પીચ પર પ્રતિકૂળ સંજોગોમાં પણ લગભગ અઢી દાયકાથી બેટિંગ કરી રહેલા કૉંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી સામે આક્રમક ક્રિકેટર રહેલા યુસુફ પઠાણને ઉતાર્યા છે.
નિષ્ણાતો એવું માને છે કે મમતા બેનરજીએ આ નિર્ણય લઈને એક તીરથી અનેક શિકાર કર્યા છે.
આ નામના એલાન સાથે જ તેમણે તેમના પક્ષમાં જિલ્લા સ્તરે ઊઠી રહેલા વિરોધના સૂરને પણ શાંત કરી દીધો છે અને બીજી તરફ અધીર રંજન ચૌધરીના માર્ગને પણ કાંટાળો બનાવી દીધો છે.
બંને ધુરંધરો વચ્ચે થનારી ટક્કરનું પરિણામ શું આવશે એ તો પછી ખ્યાલ આવશે પરંતુ અધીર રંજન ચૌધરીએ આપેલા પ્રતિભાવ પરથી એ વાત સ્પષ્ટ છે કે તેમને પણ આ નિર્ણયથી ઝટકો લાગ્યો છે.
ઉમેદવારીના એલાન અને ત્યારબાદ મમતા બેનરજી અને બાકીના ઉમેદવારો સાથે રેમ્પ વૉક કર્યા બાદ પઠાણે વર્ષ 2021ની વિધાનસભા ચૂંટણીમાં ખૂબ મશહૂર થયેલું ‘ખેલા હોબે’ નું સૂત્ર પોકાર્યું હતું.
તેમનું કહેવું હતું કે, "હું ક્રિકેટના મેદાનમાં રહીને દેશ માટે વર્લ્ડકપ અને કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમ માટે બે-બે વાર કપ જીતી ચૂક્યો છું. હવે રાજકારણની પીચ પર પણ મને આવી જ જીત સાથે શરૂઆતની અપેક્ષા છે."
અચાનક યુસુફ પઠાણનું નામ કેવી રીતે આવ્યું?
આઈપીએલમાં તેમની સાથે રમેલા ક્રિકેટર અને હાલમાં રાજ્યના રમતગમત મંત્રી મનોજ તિવારી કહે છે કે, "અમે સાથે મળીને આઈપીએલ ટ્રૉફી જીતી છે. હવે તૃણમૂલ કૉંગ્રેસના બેનર તળે લોકસભા ચૂંટણી પણ જીતશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આશ્ચર્યજનક વાત એ છે કે યુસુફ પઠાણની ઉમેદવારી પર ફાઇનલ નિર્ણય બ્રિગેડ ગ્રાઉન્ડની સભા પહેલાં જ લાગી છે.
મમતા બેનરજી અને અભિષેકે તેમનું નામ નક્કી કર્યું હતું અને તેઓ માત્ર યુસુફની સંમતિની રાહ જોઈ રહ્યાં હતાં. આ કામ અભિષેક બેનરજીએ કર્યું હતું.
પરંતુ યુસુફ પઠાણનું નામ અચાનક કેવી રીતે સામે આવ્યું? તૃણમૂલ કૉંગ્રેસના એક વરિષ્ઠ નેતા નામ ન આપવાની શરતે કહે છે, "યુસુફની ઉમેદવારી એટલી ગુપ્ત રાખવામાં આવી હતી કે બે-ત્રણ ટોચના નેતાઓ સિવાય કોઈને છેલ્લી ઘડી સુધી તેના વિશે કોઈ ખ્યાલ ન હતો."
"પરંતુ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે અભિષેક બેનરજીએ તેમને રાજકીય મંચ પર લાવવાની જવાબદારી ઉપાડી હતી."
બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતેની રેલી પહેલાંની ઘટનાઓથી પણ આ વાતની પુષ્ટિ થાય છે.
અભિષેકની નજીકની એક વ્યક્તિનું કહેવું છે કે શ્રીલંકાથી અહીં આવ્યા બાદ યુસુફ બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં બનેલા સ્ટેજની પાછળ એક કાળા રંગની એસયુવી કારમાં ઍરપોર્ટથી પહોંચ્યો હતો.
તેમની કાર ત્યાં પહેલેથી જ લગભગ એક ટ્રાવેલરની બાજુમાં પાર્ક કરેલી હતી. કોઈની નજરમાં આવ્યા વગર યુસુફ પઠાણ એસયુવીમાંથી નીચે ઉતર્યા અને ટ્રાવેલરની અંદર બેસી ગયા. એક મિનિટ પછી અભિષેક બેનરજી પણ તેમના ટેન્ટમાંથી બહાર આવ્યા અને ટ્રાવેલરમાં બેસી ગયા. આ દરમિયાન અભિષેકના અંગત સહાયક સુમિત રાય પણ હાજર હતા.
લગભગ દસેક મિનિટ પછી સુમિત બહાર આવ્યા. આ પછી પણ બંને લોકો વચ્ચે લગભગ ચાર મિનિટ સુધી વાતચીત ચાલુ રહી.
યુસુફ પઠાણને કેમ પસંદ કરવામાં આવ્યા?
તેઓ જણાવે છે કે, "ફોન પર પહેલાં પણ વાતચીત થઈ હતી. પરંતુ બંનેની પહેલી મુલાકાત રવિવારે બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં જ થઈ. એ જ બેઠક દરમિયાન પઠાણે બહરામપુરથી ઉમેદવારી માટે સહમતી આપી દીધી. નામનું એલાન થાય ત્યાં સુધી તેઓ મંચ પર આવવાને બદલે એસયુવીમાં જ રહ્યા."
પરંતુ મમતાએ અંતે અધીર રંજન ચૌધરી સામે યુસુફ પઠાણ પર જ પસંદગી કેમ ઉતારી? તૃણમૂલ કૉંગ્રેસ અનુસાર તેનાં ત્રણ મુખ્ય કારણો છે. સૌથી મોટું કારણ પક્ષમાં ચાલી રહેલા વિખવાદ પર અંકુશ લગાવવાનું છે.
બહરામપુર બેઠકથી આ વખતે પક્ષના પૂર્વ જિલ્લા પ્રમુખ સાવની સિંહ રાયના સમર્થક તેમની ઉમેદવારીની માગ કરી રહ્યા હતા. બીજી તરફ ગત લોકસભામાં ઉમેદવાર અને હાલના જિલ્લા પ્રમુખ અપૂર્વ પણ તેમની દાવેદારી રજૂ કરી રહ્યા હતા.
પક્ષના નેતાઓનું કહેવું છે કે બહરામપુર નગરપાલિકાના અધ્યક્ષ નાડુ ગોપાલ મુખોપાધ્યાય પણ ટિકિટ મેળવવાની કોશિશ કરી રહ્યા હતા.
મુર્શિદાબાદના તૃણમૂલ કૉંગ્રેસના એક નેતાનું કહેવું છે કે, "જો આ ત્રણમાંથી કોઈને ટિકિટ મળી હોત તો અન્ય બે નેતાઓ બળવાખોર થઈ ગયા હોત. એ સંજોગોમાં સ્થિતિ કાબૂ બહાર જવાની ભીતિ હતી. હવે યુસુફ જેવા ક્રિકેટરની એન્ટ્રીથી દરેકની બોલતી બંધ થઈ ગઈ છે અને તેમની જીત સુનિશ્ચિત કરવા માટે હવે આ તમામ લોકો કામ કરશે."
પાર્ટીના જિલ્લા પ્રમુખ અપૂર્વ કહે છે, "ટોચના નેતૃત્વએ સારી રીતે વિચારીને યુસુફ પઠાણને અહીં ઉમેદવાર બનાવ્યા છે. હવે તેમની જીત સુનિશ્ચિત કરવાની જવાબદારી તમામ નેતાઓ અને કાર્યકરોની છે."
બહરામપુર બેઠકનાં સમીકરણો
બહરામપુર લોકસભા બેઠક હેઠળ બહરામપુર સિવાય બેલડાંગા, નવદા, જેરિનગર, કાંદી, ભરતપુર અને બડંચા વિધાનસભા બેઠકો છે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં તેમાંથી ત્રણ બેઠકોમાં અધીર રંજન ચૌધરી આગળ રહ્યા હતા અને બાકીની બેઠકોમાં તૃણમૂલના અપૂર્વ આગળ રહ્યા હતા.
પરંતુ અગત્યની વાત એ છે કે ગત ચૂંટણીમાં અધીર રંજન ચૌધરીની જીતનું અંતર 3.56 લાખથી ઘટીને માત્ર 81 હજાર થઈ ગયું હતું.
બહરમપુર લોકસભા બેઠક, પશ્ચિમ બંગાળના મુર્શીદાબાદ જિલ્લામાં આવે છે, આ મુસ્લિમ બહુમતી ધરાવતી બેઠક છે. અહીં લગભગ 52 ટકા વસ્તી મુસ્લિમોની છે.
2021ની વિધાનસભા ચૂંટણીમાં બહરામપુર બેઠક ભાજપે જીતી હતી અને બાકીની છ બેઠકો તૃણમૂલ કૉંગ્રેસના ફાળે ગઈ હતી.
ગત વર્ષે યોજાયેલી પંચાયત ચૂંટણીમાં તૃણમૂલ કૉંગ્રેસે આ લોકસભા મતવિસ્તાર હેઠળની મોટાભાગની બેઠકો જીતી લીધી હતી.
તૃણમૂલ કૉંગ્રેસના એક સ્થાનિક નેતાનું કહેવું છે કે, "જો કૉંગ્રેસના લઘુમતી વોટબેંકને તોડવામાં તેઓ સફળ થશે તો બહરામપુરમાં તેમની જીત નિશ્ચિત છે. આ ધ્યાનમાં રાખીને જ પાર્ટીએ અહીં યુસુફ પઠાણને મેદાનમાં ઉતાર્યા છે."
તૃણમૂલ કૉંગ્રેસના નેતાઓનું કહેવું છે કે 2019માં અધીરની જીતનું સૌથી મોટું કારણ તેમનો અંગત કરિશ્મા હતો. જિલ્લામાં એવો કોઈ તૃણમૂલ નેતા નથી જે અધીરની છબીને ટક્કર આપી શકે. એટલે જ મમતાએ યુસુફ પઠાણ જેવા લોકપ્રિય ક્રિકેટરને અહીં મેદાનમાં ઉતાર્યા છે જે સ્થાનિક લોકો માટે પણ અજાણ ચહેરો નથી."
મુર્શિદાબાદના તૃણમૂલ કૉંગ્રેસના એક નેતા કહે છે, "આપણા દેશમાં ક્રિકેટરોની લોકપ્રિયતાની સરખામણી કરી શકાતી નથી. પઠાણ લાંબા સમયથી કોલકાતામાં રમી રહ્યા છે. ઑલરાઉન્ડર હોવાની સાથે તેઓ પાર્ટીનો લઘુમતી ચહેરો પણ બની ગયા છે. બહરામપુર જેવા લઘુમતીઓના પ્રભુત્વવાળા વિસ્તાર માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે."
જો કે કૉંગ્રેસ અને ભાજપ પઠાણ બંગાળના નહીં હોવાનો મુદ્દો પણ ઉઠાવી શકે છે. પરંતુ તૃણમૂલ કૉંગ્રેસનો દાવો છે કે તેમણે દેશ માટે વર્લ્ડકપ જીત્યો છે. આ સિવાય તેઓ લાંબા સમયથી કોલકાતામાં આઈપીએલમાં રમી રહ્યો છે. તેને બહારની વ્યક્તિનું બિરુદ આપી દેવું સરળ નહીં હોય.
કૉંગ્રેસનું કહેવું છે કે અધીર રંજન ચૌધરીને હરાવવા માટે તૃણમૂલ કૉંગ્રેસે અહીં બહારના ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે.
પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષ અધીર રંજન ચૌધરીએ કહ્યું છે કે, "મમતા બેનરજીએ લઘુમતી વોટબૅન્કને તોડીને ભાજપને મદદ કરવા માટે જ યુસુફ પઠાણને અહીં ટિકિટ આપી છે."
ભાજપનું શું કહેવું છે?
તૃણમૂલ કૉંગ્રેસના એક જૂથને એવી આશંકા છે કે ક્યાંક લઘુમતી મતબૅન્કમાં ગાબડું પાડવાનો ફાયદો ભાજપને ન મળી જાય. આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર નિર્મલ સાહા પણ આ જ ગણિતને આધારે તેમની જીતનો દાવો કરે છે.
નિર્મલ કહે છે કે મમતા બેનરજીએ અહીં પઠાણ જેવા સેલિબ્રિટી ક્રિકેટરને મેદાનમાં ઉતારીને અમારી જીતનો માર્ગ સરળ બનાવ્યો છે.
વરિષ્ઠ પત્રકાર તાપસ કુમાર મુખર્જી કહે છે, "મમતા બેનરજી પહેલેથી જ સંકેત આપી રહ્યા હતા કે ઉમેદવારોની યાદીમાં આશ્ચર્યજનક નામ હોઈ શકે છે. પરંતુ સૌથી આશ્ચર્યજનક નામ યુસુફ પઠાણનું હતું, ખાસ કરીને અધીર સામે તેમની ઉમેદવારીના કારણે રાજકીય પંડિતો પણ ચોંકી ગયા હતા."
10 માર્ચે સાંજે એક કાર્યક્રમમાં પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને જ્યારે પત્રકારો દ્વારા પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, "ક્રિકેટરોનું રાજકારણમાં પ્રવેશવું એ એક સારો સંકેત છે. યુસુફ લાંબા સમયથી કોલકાતા નાઇટ રાઇડર્સ માટે રમ્યા છે. હવે તેઓ અધીર ચૌધરી સામે બહરામપુરના મેદાનમાં છે."
તેમની લડાઈ કેટલી અઘરી છે? આ સવાલ પર ગાંગુલીએ કહ્યું, "મારા મતે આ બ્રેટ લીના બૉલ પર બેટિંગ કરવા જેવું છે."
યુસુફ પણ માને છે કે બહરામપુરની લડાઈ મુશ્કેલ છે. તેમણે કહ્યું, "મેં સાંભળ્યું છે કે ત્યાંના હરીફ ખૂબ જ મજબૂત છે. હવે તેમની સાથે સ્પર્ધા થશે. જીત કે હારનો નિર્ણય તો સામાન્ય લોકો કરશે. હું સંસદમાં બંગાળના લોકોનો અવાજ ઉઠાવવા માંગુ છું."
ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ યુસુફ પઠાણ બહરામપુરમાં રહેવા જશે. હાલમાં, તેમના માટે યોગ્ય ઘરની શોધ શરૂ કરી દેવામાં આવી છે.