You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સાઈ સુદર્શન: ભારત તરફથી વનડેમાં ડેબ્યુ કરનારો 400મો ખેલાડી, જેણે જીત અપાવી
ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકામાં વનડે શ્રેણીની શરૂઆત જીત સાથે કરી છે. ભારત પાંચ વર્ષ બાદ દક્ષિણ આફ્રિકાની ધરતી પર વનડે મૅચ જીત્યું છે.
આ મૅચમાં ડેબ્યુ કરી રહેલા સાઈ સુદર્શને શાનદાર બેટિંગ કરીને ભારતને જીત અપાવવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી છે.
સાઈ સુદર્શન ભારતના 400મા ખેલાડી છે, જેમણે વનડેમાં ડેબ્યુ કર્યું હોય.
પહેલી વનડે રમી રહેલા ઓપનર સાઈ સુદર્શને અણનમ 55 રન કર્યા હતા.
સુદર્શને 43 બૉલમાં નવ ચોગ્ગા માર્યા છે.
ગત આઈપીએલમાં ગુજરાતની ઇનિંગની વાત કરીએ તો સાઈ સુદર્શનની 96 રનની ઇનિંગના દમે ગુજરાતની ટીમ ફાઈનલમાં સન્માનજનક સ્કોર સુધી પહોંચવામાં સફળ રહી હતી.
આઈપીએલ 2023ની ફાઈનલમાં ગુજરાત ટાઇટન્સ માટે 214/4નો વિશાળ સ્કોર ઊભો કરવામાં સાઈ સુદર્શનનો મોટો ફાળો હતો.
22 વર્ષીય બૅટ્સમૅન શાનદાર ફોર્મમાં જોવા મળ્યા હતા, કારણ કે તેમણે માત્ર 47 બૉલમાં 8 ચોક્કા અને 6 છગ્ગાની મદદથી 96 રન બનાવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આઈપીએલની ગત સિઝનમાં ગુજરાત ટાઇટન્સ તરફથી સાઈ સુદર્શને શાનદાર પ્રદર્શન કર્યું હતું.
આ સાથે વર્ષ 2022માં આઈપીએલમાં ડેબ્યૂ કરનારા સુદર્શન બે વર્ષમાં 13 આઈપીએલ મૅચ રમ્યા છે.
ગુજરાત ટાઇટન્સે તેમને બેઝ પ્રાઇઝ 20 લાખમાં ખરીદ્યા હતા. તામિલનાડુ સુપર લીગમાં પણ તેમને તેના કરતા વધુ રૂપિયા (24 લાખ) મળ્યા હતા.
વર્ષ 2022ની આઈપીએલમાં તેઓ પાંચ મૅચ રમ્યા હતા. જેમાં તેમણે કુલ 145 રન માર્યા હતા. એ સીઝનમાં તેમનો સર્વાધિક સ્કોર 65 રન હતો. જ્યારે સ્ટ્રાઇક રેટ 127.19 હતો.
આ સિઝનમાં તેઓ ત્રણ અર્ધશતક ફટકારી ચૂક્યા હતા.
સુદર્શને વિજય હઝારે ટ્રોફી અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં વર્ષ 2021માં ડેબ્યૂ કર્યું હતું.
વર્ષ 2022માં રણજી ટ્રૉફીમાં પોતાની ડેબ્યૂ મૅચમાં તામિલનાડુ તરફથી ઓપનિંગમાં ઊતરી પહેલી ઇનિંગમાં 179 રન અને બીજી ઇનિંગમાં 42 રન ફટકાર્યા હતા. તેઓ ડેબ્યૂ મૅચમાં જ પ્લેયર ઑફ ધ મૅચ બન્યા હતા.
રણજી ટ્રોફી અને વિજય હઝારે ટુર્નામૅન્ટમાં તેમનો સૌથી શ્રેષ્ઠ સ્કોર 179 અને 154નો હતો.
શરૂઆતના સમયમાં ફિટનેસ પર ધ્યાન આપતા નહોતા
જે લોકોએ ચેન્નઈના ક્રિકેટ વર્તુળોમાં સાઈ સુદર્શનની પ્રગતિ જોઈ છે, તેઓ તેમની રમત પ્રત્યેની કટિબદ્ધતાથી ખાતરી આપી શકે છે.
ઇએસપીએન ક્રિકઇન્ફોના અહેવાલ પ્રમાણે, તેઓ જ્યારે અંડર-19 ક્રિકેટ રમી રહ્યા હતા, ત્યારે ફિટનેસ પર વધુ ધ્યાન આપતા નહોતા. જેના કારણે તેઓ પેકિંગ ઑર્ડરમાં નીચે સરકી ગયા હતા.
જોકે, કોરોનામાં લોકડાઉન દરમિયાન તેમણે વજન ઘટાડ્યું હતું અને ફીટનેસ મેળવી હતી.
તેમના પિતા ઍથલિટ રહ્યા છે, તેમણે 1993માં દક્ષિણ એશિયાઈ રમતોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને તેમનાં માતા ઉષા, પૂર્વ વૉલીબોલ ખેલાડી છે. જેમણે તામિલનાડુ ક્રિકેટ ટીમ સાથે સ્ટ્રેન્થ ઍન્ડ કન્ડિશનિંગ કોચ તરીકે કામ કર્યું છે.
તેમનાં માતાને કારણે જ સાઈ સુદર્શન ફિટનેસ પ્રત્યેના પોતાના વલણને બદલી શક્યા હતા.
સાઈ સુદર્શનની ધૂંઆધાર બેટિંગ
ગુજરાત ટાઇટન્સના સાઈ સુદર્શન પિચ પર આવ્યા અને તેમણે 12મી ઓવરના પહેલા બૉલ પર ચોક્કા ફટકારીને ગુજરાત ટાઇટન્સના સ્કોરને 100 રન સુધી પહોંચાડ્યો હતો.
ગુજરાત ટાઇટન્સના બીજા ઓપનર રિદ્ધિમાન સાહાએ 13મી ઓવરમાં ચોગ્ગા સાથે પોતાની અર્ધીસદી પૂરી કરી હતી. રિદ્ધિમાન સાહાએ 36 બૉલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી પોતાની અર્ધીસદી ફટકારી હતી.
આગલી ઓવરમાં જ ધોનીએ દીપક ચહરને બૉલિંગ માટે બોલાવ્યા હતા અને તેમણે સાહા અને સુદર્શનની જોડી તોડી નાખી હતી.
જોકે સારા ફૉર્મમાં રમી રહેલા રિદ્ધિમાન સાહા આખરે 14મી ઓવરના અંતિમ બૉલે દીપક ચહરના બૉલે મહેન્દ્રસિંહ ધોનીના હાથે કૅચ આઉટ થયા હતા. તેમણે 39 બૉલમાં 54 રન બનાવ્યા હતા.
16મી ઓવરમાં સાઈ સુદર્શને ચોક્કો ફટકારીને પોતાની 33 બૉલમાં અર્ધ સદી પૂરી કરી હતી. એ સમયે ટીમનો સ્કોર બે વિકેટના નુકસાને 148 રન હતો.
ત્યારબાદ જેટલા પણ બૉલ ફેંકાયા તેમાં સુદર્શનને પોતાની પ્રતિભાનો બરાબર પરચો બતાવ્યો અને મેદાનની ચારે બાજુએ બાઉન્ડરીનો તો જાણે વરસાદ કરી દીધો હતો.
17મી ઓવરના પ્રથમ ચાર બૉલમાં સુદર્શને સતત ચાર બાઉન્ડરી (એક છગ્ગો, ત્રણ ચોક્કા) ફટકારીને ટીમના સ્કોરને ઝડપથી આગળ વધારી દીધો હતો.
18મી ઓવરમાં સુદર્શન અને હાર્દિકની જોડી વચ્ચે 23 બૉલમાં 50 રનની પાર્ટનરશિપ થઈ હતી.
અંતિમ બે ઓવરોમાં આ જોડીએ આક્રમક વલણ અખત્યાર કર્યું હતું.
જોકે, અંતિમ ઓવરમાં પથિરાનાની બૉલિંગ પર ઝડપથી રન બનાવી રહેલા સાઈ સુદર્શન સદીની નજીક પહોંચીને એટલે કે 96 રનના વ્યક્તિગત સ્કોરે એલબીડબ્લ્યૂ આઉટ થયા હતા.
તેમણે 47 બૉલમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી.
સામે છેડે વિકેટ સાચવીને ઊભેલા કપ્તાન હાર્દિક પંડ્યા ટીમનો સ્કોર આગળ વધારવા માટે ભરપૂર પ્રયાસ કરતા જોવા મળ્યા હતા.
અંતિમ બૉલે નવા આવેલા બૅટ્સમૅન રાશિદ ખાન સ્ટ્રાઇક પર હતા અને લાંબી હિટ મારવાના પ્રયાસમાં તેઓ પણ ઋતુરાજ ગાયકવાડના હાથમાં કૅચ આપી બેઠા હતા.
20 ઓવરના અંતે ગુજરાતની ટીમ ચાર વિકેટના નુકસાને 214 રન બનાવી શકી હતી.
બૅટર ફ્રેન્ડલી પિચ પર ધોનીની ટીમ સામે 215 રનનો પડકાર મૂક્યો હતો.