You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચોગ્ગાના 50,000 તો છગ્ગાના કેટલા? IPLના એકએક બૉલ પર કઈ રીતે રમાય છે સટ્ટો?
- લેેખક, અમરેન્દ્ર યર્લાગડ્ડા
- પદ, બીબીસી સંવાદદાતા
ક્રિકેટમાં બૅટ્સમૅને ફટકારેલો બૉલ બાઉન્ડરીની બહાર ચાલ્યો જાય તો તે ચોગ્ગો ગણાય અને ટીમના તથા બૅટ્સમૅનના સ્કોરમાં ચાર રનનો ઉમેરો થાય એ લગભગ બધા જાણે છે, પરંતુ હાલ ચાલી રહેલી આઈપીએલ ટૂર્નામેન્ટમાં બૅટ્સમૅન ચોગ્ગો મારે ત્યારે કેટલાક લોકોનાં ખાતાંમાં રૂ. 50,000 જમા થઈ રહ્યા છે.
એક મૅચમાં બૅટ્સમૅને છેલ્લા બૉલે છગ્ગો ફટકાર્યો હતો. તેને પગલે ટીમના સ્કોરમાં છ રન ઉમેરાવાની સાથે કેટલાક લોકોનાં ખાતાંમાં લાખો રૂપિયા ઉમેરાયા હતા.
સ્ટેડિયમમાં બૅટ્સમૅન બાઉન્ડરી કે છગ્ગો ફટકારે તો અન્ય કોઈને રૂ. 50,000 કે રૂ. એક લાખ મળે એ વાત તમે માની શકો? આ સટ્ટાબાજીનું કૌભાંડ છે, જે આઈપીએલની મૅચોમાં અવરોધ સર્જીને આચરવામાં આવી રહ્યું છે.
આઈપીએલ ટૂર્નામેન્ટ ક્રિકેટપ્રેમીઓનું મનોરંજન કરી રહી છે, તેની મૅચો નિહાળવા માટે પ્રેક્ષકો સ્ટેડિયમમાં ઊમટી રહ્યા છે, ત્યારે કેટલાક લોકો તેના પર સટ્ટાબાજી કરી રહ્યા છે.
હૈદરાબાદમાં સટ્ટાબાજીનું રૅકેટ ચલાવતી એક ટોળકીની પોલીસે તાજેતરમાં ધરપકડ કર્યા પછી આ વિશેની ચર્ચાએ જોર પકડ્યું છે.
સટ્ટાબાજીની અનેક ઍપ્લિકેશન
દર વર્ષે આઈપીએલ ટૂર્નામેન્ટ શરૂ થવાની સાથે સટ્ટાબાજીમાં પણ મોટા પાયે પૈસાની હેરફેર થાય છે. રમતગમતના વિશ્લેષકોના જણાવ્યા મુજબ, સટ્ટાબાજી માત્ર ફોર કે સિક્સ પૂરતી મર્યાદિત નથી.
ટીમનો કુલ સ્કોર કેટલો થશે? ઇનિંગ્ઝમાં કેટલી વિકેટ પડશે? વ્યક્તિગત સ્કોર કેટલો થશે? વિરાટ કોહલી તથા રોહિત શર્મા મહત્ત્વના પ્લેયર એક મૅચમાં કેટલા રન નોંધાવશે? કેટલા રને આઉટ થશે? બૉલરની એક ઓવરમાં કેટલા રન થશે? ઇનિંગની છેલ્લી ઓવરના છેલ્લા બૉલ પર શું થશે? આખી મૅચમાં કુલ કેટલા છગ્ગા, ચોગ્ગા મારવામાં આવશે? પાવરપ્લેમાં કેટલા રન બનશે? મૅચમાં કેટલા વાઈડ કે નો બૉલ ફેંકાશે? આવી દરેક બાબતે સટ્ટાબાજીનો ધમધમાટ ચાલી રહ્યો છે.
સટ્ટાબાજીનો ખેલ મૅચ દરમિયાન નહીં, પરંતુ મૅચના પ્રારંભ પહેલાં જ શરૂ થઈ જાય છે. પ્લેઇંગ ઇલેવનમાં કયા ખેલાડીઓનો સમાવેશ થશે એ બાબતે પણ સટ્ટો રમવામાં આવે છે. આ સંદર્ભે કેટલીક ગેમિંગ ઍપ મારફત તો સીધો સટ્ટો ચાલી રહ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીબીસીએ ક્રિકેટ વિશ્લેષક વેંકટેશ સાથે સટ્ટાબાજી બાબતે વાત કરી હતી. કેટલાંક રાજ્યોમાં કેટલીક એપ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પરંતુ સટ્ટાબાજી માટે અલગ-અલગ સ્વરૂપ કાયમ ઉપલબ્ધ હોય છે.
ગેમિંગ ઍપ્સની સાથે સટ્ટાબાજીની ઍપ્સ પણ મોટી સંખ્યામાં ઊભરી આવી છે અને સટ્ટાના ખેલાડીઓ માટે તે આસાનીથી ઉપલબ્ધ છે. સાયબર પોલીસ ખાસ ધ્યાન આપીને આવી ઍપ્સ પર નિયંત્રણ મેળવી શકે છે.
વેંકટેશે કહ્યુ હતું કે, “સટ્ટાબાજી માત્ર મૅચના સ્કોર પર જ નહીં, ટૉસ જેવી બાબતો માટે પણ કરવામાં આવે છે.”
ફાર્મહાઉસમાંથી સટ્ટાબાજી
તાજેતરમાં કેટલાક કિસ્સા બહાર આવ્યા છે, જે દર્શાવે છે કે સટ્ટાબાજીનું સ્વરૂપ કાયમ બદલાતું રહે છે. અગાઉ બાર, પબ અને ખાનગી ઘરોમાંથી સટ્ટો રમાતો હતો.
સટ્ટાબાજો હવે હૈદરાબાદનાં ઉપનગરોમાંના ફાર્મહાઉસો ભાડે રાખીને સટ્ટો રમાડે છે. એવા ફાર્મહાઉસમાં 20-25 ફોન, ચાર-પાંચ ટીવી અને લેપટોપ્સ ઉપલબ્ધ હોય છે.
સાયબરાબાદ કમિશનરેટ હેઠળના વિસ્તારમાંના એક ફાર્મહાઉસમાંથી સટ્ટો રમાડતા ચાર લોકોની પોલીસે તાજેતરમાં ધરપકડ કરી હતી. તેમની પાસેથી રૂ. 40 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને તેમના બૅન્ક અકાઉન્ટમાંના રૂ. 30 લાખ બ્લૉક કરવામાં આવ્યા હતા.
શહેરના સીમાડે આવેલા ફાર્મહાઉસીસમાં સટ્ટાનો ખેલ ચાલતો હોવાના અહેવાલ તાજેતરમાં મળ્યા હતા. તેથી અમે ફાર્મહાઉસ પર થોડા દિવસ સતત નજર રાખી હતી, એમ જણાવતાં રાજેન્દ્રનગરના ડીસીપી જગદીશ્વર રેડ્ડીએ કહ્યુ હતું કે, “શહેરમાં પોલીસ સતર્ક હોવાથી સટ્ટાબાજો ફાર્મહાઉસોની પસંદગી કરી રહ્યા છે.”
ઓનલાઈન સટ્ટાબાજી
સટ્ટાબાજીનો ખેલ સંપૂર્ણપણે ઓનલાઈન ચાલે છે. પોલીસના કહેવા મુજબ, ટૂર્નામેન્ટ પૂરી થઈ જાય એટલે સટ્ટાબાજી પણ સંપૂર્ણપણે બંધ થઈ જતી હોય છે.
આઈપીએલ-2023ના પ્રારંભના એક સપ્તાહ પહેલાં પોલીસની સ્પેશિયલ ઑપરેશન ટીમે સાયબરાબાદ પોલીસ કમિશનરેટના કાર્યક્ષેત્ર હેઠળના પેટા બશીરાબાદમાંના સટ્ટાબાજીના એક અડ્ડા પર દરોડો પાડ્યો હતો. ત્યાં મૅચની સાથે આ કામગીરી પણ ચાલતી હતી.
એ દરોડામાંથી પોલીસે રૂ. 50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને 12 લોકોની ધરપકડ કરી હતી. મેડિકલ ડીસીપી સંદીપ રાવે આ બાબતે મીડિયા સાથે વાત કરી હતી.
તેમણે કહ્યું હતું કે, “મૅચ થતાંની સાથે જ પૈસા ઓનલાઈન મોકલી દેવામાં આવે છે. પછી ક્યાંય પૈસાનો વ્યવહાર જોવા મળતો નથી. મૅચ પૂર્ણ થઈ જાય પછી પૈસાનું પગેરું શોધવું મુશ્કેલ હોય છે. તેથી જ મૅચ ચાલુ હતી ત્યારે અમે દરોડો પાડ્યો હતો.”
સટ્ટાબાજોની કોડ લેંગ્વેજ
સટ્ટાબાજો તેમનાં કામકાજમાં કૉડ લેંગ્વેજનો ઉપયોગ કરે છે. તેમાં આંગળીનો અર્થ રૂ. 1,000, હાડકાનો અર્થ રૂ. 10,000 અને પગનો અર્થ રૂ. એક લાખ થાય છે.
વિજેતા ટીમ અથવા જીતવાની સૌથી વધુ શક્યતા હોય તેવી ટીમને ફ્લાઇંગ તરીકે ઓળખવામાં આવે છે. હારેલી ટીમને ખાના કહેવામાં આવે છે.
સટ્ટાબાજી બાબતે “જાગૃતિ લાવવા” યુટ્યૂબ અને ટેલિગ્રામ પર કેટલીક ચેનલો પણ ચાલી રહી છે. આ ચેનલો કઈ ટીમ મૅચ જીતશે તેની આગાહી કરવા ઉપરાંત સટ્ટાબાજોને ટિપ્સ અને સલાહ પણ આપે છે.
બીજા દેશોમાંથી ચાલતું કામકાજ
ક્રિકેટ પરની સટ્ટાબાજીની ગતિવિધિ પર કોઈ નિયંત્રણ નથી તે સ્પષ્ટ છે.
મોટા બુકીઓ દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ અને ગોવાનાં શહેરોમાંથી ખેલ ચલાવતા હોય છે. ભારત ઉપરાંત મલેશિયા અને સંયુક્ત આરબ અમિરાતમાંથી પણ સટ્ટાબાજીની પ્રવૃત્તિ ચાલે છે.
પોલીસનું કહેવું છે કે બધું ઓનલાઈન થતું હોવાથી તેના પર નિયંત્રણ મુશ્કેલ છે.
એક પોલીસ અધિકારીએ તેમની ઓળખ જાહેર ન કરવાની શરતે બીબીસીને જણાવ્યું હતું કે મોટાં શહેરોમાંથી કામકાજ કરતા મોટા બુકી પાસે પેટા બુકીઓ હોય છે. પેટા બુકીઓને પંટર્સ ટેકો આપે છે. બુકીઓ પાસે અઢળક પૈસા હોય છે.
દાવ લગાવવાથી માંડીને દાવ લગાવીને જીતેલા લોકોને પૈસા મોકલવા સુધીનું બધું કામ ઓનલાઈન થાય છે. ગૂગલ પે અને ફોન પે જેવી ઍપ મારફત થાય છે. તેથી તેમને પકડવાનું મુશ્કેલ બની રહ્યું છે.
આસાનીથી પૈસા કમાવાની આદત
યુવાનો સટ્ટાબાજીની જાળમાં શા માટે ફસાઈ રહ્યા છે એ સવાલનો જવાબ છેઃ ઈઝી મની. પોલીસ કહે છે કે બધાને મહેનત કર્યા વિના, આસાનીથી પૈસા કમાવા છે.
આસાનીથી કમાણી કરવાના હેતુસર તેઓ સટ્ટાબાજીના મેદાનમાં ઊતરે છે અને પછી તેના વ્યસની બની જાય છે. સટ્ટાબાજી અગાઉ મોટાં શહેરો અને નગરો પૂરતી મર્યાદિત હતી, પરંતુ હવે તે દૂષણ નાનાં ગામડાંઓમાં પણ ફેલાઈ ગયું છે.
આંધ્ર પ્રદેશના શાદનગર નજીકના નારલાગુડા ટાંડા ગામના 19 વર્ષના એક યુવકે સટ્ટાબાજીમાં પૈસા ગૂમાવ્યા બાદ 18 મેએ આત્મહત્યા કરી હતી.
ભદ્રાડી કોઠાગુડેમ જિલ્લાના બુર્ગમપાદુકુ મંડલના પાંડવુલા બસ્તીના સાંઈ કિશન નામના એક યુવકે પણ દસ મહિના પહેલાં આપઘાત કર્યો હતો. તે પાર્ટ ટાઈમ જોબ કરતો હતો. તેના પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું કે સટ્ટાબાજીમાં પાંચ લાખ રૂપિયા હારી જતાં તેણે આપઘાત કર્યો હતો.
આવી ઘટનાઓ વારંવાર બનતી હોવા છતાં સટ્ટાબાજી પર નિયંત્રણનો અભાવ જોવા મળે છે. કેટલાક લોકો લોન લઈને સટ્ટો રમી રહ્યા છે. તેમને પૈસા ગૂમાવીશું તો શું થશે, તેની ચિંતા હોય તે દેખીતું છે. રાજેન્દ્રનગરના એસીપી ગંગાધરે જણાવ્યુ હતું કે મસ્તી ખાતર શરૂ થતી સટ્ટાબાજી બાદમાં વ્યસન બની જાય છે.