આકાશ મધવાલ: એ ઍન્જિનિયર જેણે મુંબઈ ઇન્ડિયન્સ માટે ચમત્કારી બૉલિંગ કરીને સૌને ચોંકાવી દીધા

    • લેેખક, વાત્સલ્ય રાય
    • પદ, બીબીસી સંવાદદાતા

“આઈ એમ પ્રાઉડ ઑફ માયસૅલ્ફ” એટલે કે “મને મારા પર ગર્વ છે.”

આઈપીએલની પોતાની પહેલી સિઝનમાં સાતમી મૅચ રમી રહેલા આકાશે આ વાત જ્યારે કરી ત્યારે તેમને આખી દુનિયા સાંભળી રહી હતી. બહુ જૂજ ખેલાડીઓને આવું કહેવાનો મોકો મળ્યો હશે.

આકાશ મધવાલ કદાચ આવું કહેવાવાળા પ્રથમ ખેલાડી છે.

આઈપીએલની નૉકઆઉટ મૅચમાં તેમણે જે કમાલ કર્યો એ એમના પહેલાં કોઈ ખેલાડીએ ક્યારેય નથી કર્યો. આકાશ મધવાલ હજુ સુધી ભારત તરફથી રમ્યા નથી. નૉકઆઉટ રાઉન્ડમાં બૅટ્સમૅનોને હતપ્રભ કરી દેનારી આવી બૉલિંગ આ પહેલાં કોઈ આંતરરાષ્ટ્રીય ખેલાડીએ પણ નથી કરી.

માત્ર પાંચ રન આપીને પાંચ વિકેટ. ચેન્નઈના મેદાનમાં મુંબઈ ઇન્ડિયન્સ માટે બૉલિંગથી આકાશે કરેલો આ એવો ચમત્કાર હતો, જેણે લખનૌ સુપર જાયન્ટ્સને બહુ આસાનીથી આઈપીએલમાંથી બહાર કરી દીધું હતું.

આ નામ યાદ રાખજો

મુંબઈ ઇન્ડિયન્સની ટીમ આ પહેલાં લખનૌ સુપર જાયન્ટ્સને આઈપીએલમાં ક્યારેય હરાવી શકી ન હતી.

ઍલિમિનેટર મૅચમાં જ્યારે બંને ટીમો મેદાન પર ઉતરી ત્યારે મુંબઈ ઇન્ડિયન્સની ટીમે પહેલાં બેટિંગ કરીને 182 રન બનાવ્યા હતા. તે પછી પણ આ મૅચ ખૂબ રસપ્રદ થશે એવો દાવો તમામ ક્રિકેટ ઍક્સપર્ટ કરી રહ્યા હતા.

બધા ઍક્સપર્ટ્સ બે મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ચાલી રહ્યા હતા. એક તો લખનૌનો મુંબઈની ટીમ સામેનો સારો રૅકોર્ડ અને બીજું એ કે મુંબઈની બૉલિંગ તેનું નબળું પાસું છે.

ત્યારે એમને કદાચ 29 વર્ષનો એ બૉલર યાદ ન હતો, જેણે એક મૅચ પહેલાં જ ‘કરો યા મરો’ ના મુકાબલામાં સનરાઇઝર્સ હૈદરાબાદના ચાર બૅટ્સમૅનોને આઉટ કર્યા હતા. તેણે હૅનરિક ક્લાસેન અને મયંક અગ્રવાલ જેવા મોટા બૅટ્સમૅનોની વિકેટ ખેરવી હતી.

બુધવારે જ્યારે તેમણે પોતાની ચોથી ઓવરમાં એ યૉર્કર ફેંકીને તેમણે મોહસીન ખાનના સ્ટમ્પને ઊખાડી નાખ્યો, ત્યારે ક્રિકેટ સમીક્ષક હર્ષા ભોગલેએ તેમના ટ્વિટર ઍકાઉન્ટ પર લખ્યું હતું કે, “નામ યાદ રાખજો! આકાશ મધવાલ”.

મૅન ઑફ ધ મૅચનો ઍવૉર્ડ મળ્યા પછી હર્ષા ભોગલે સાથે વાતચીતમાં આકાશ મધવાલે કહ્યું હતું કે, “મને મારા પર ગર્વ છે.”

પરંતુ આ કહેતી વખતે આકાશ મધવાલના ચહેરા પર કે હાવભાવમાં કોઈ પ્રકારનો અહમ ન હતો. એમની આંખોમાં ચમક હતી, ચહેરા પર ખુશી હતી પરંતુ સંકોચ પણ દેખાતો હતો.

તેમનો સંકોચ ત્યારે પણ દેખાતો હતો, જ્યારે જીત પછી રોહિત શર્માએ તેમની સાથે હૅન્ડશેક કર્યું હતું.

એ સમયે મુંબઈનું નામ સફળતાના આકાશ પર લખનાર મધવાલે તેમના કપ્તાન સાથે આંખો ન મેળવી. માથું ઝુકાવીને તેઓ રોહિત શર્માને વળગી પડ્યા અને રોહિતે તેમને શાબાશી આપી હતી.

પ્રસિદ્ધિની ઊંચાઈઓ પર મધવાલ

પોતાના જ્યારે વખાણ થતાં હોય ત્યારે સંકોચમાં રહેનાર આ બૉલર મેદાન પર અલગ જ રંગમાં દેખાય છે અને આખરે આકાશના બળે મુંબઈએ બુધવારે ચેન્નઈમાં રંગ જમાવી દીધો હતો.

લખનૌ સામે ઍલિમિનેટર મુકાબલામાં મુંબઈને પહેલી સફળતા મધવાલે પોતાની પહેલી જ ઑવરમાં અપાવી હતી. ત્યારે તેમણે લખનૌના ઓપનર પ્રેરક માંકડને આઉટ કર્યા હતા.

પરંતુ મધવાલની ધમાલનો પરચો તેની બીજી ઓવરમાં જોવા મળ્યો હતો, જે લખનૌની ઇનિંગની દસમી ઓવર હતી.

ઓવરના પહેલાં ત્રણ બૉલ પર આયુષ બદોની એક પણ રન બનાવી શક્યા ન હતા, ચોથો બૉલ ગુડ લેન્થ પર પડ્યો અને બદોનીનું ઑફ-સ્ટમ્પ ઊડી ગયું હતું. અને જે બૉલે મધવાલને નામના અપાવી હતી, એ બૉલ એ જ ઓવરનો પાંચમો બૉલ હતો. સ્ટ્રાઈક પર લખનૌના સફળ બૅટ્સમૅન નિકોલસ પૂરન હતા.

ઑફ સ્ટમ્પની બહાર જઇ રહેલા આ બૉલ પર નિકોલસ પૂરન રમવા મજબૂર થયા હતા અને બેટની ધાર સાથે બૉલ ટકરાઇને સીધો વિકેટકીપર ઇશાન કિશનના હાથમાં પકડાઈ ગયો હતો.

આ એ વિકેટ હતી જેણે લખનૌની હાર નિશ્ચિત કરી દીધી હતી. એ પછી પણ તેમણે બે વિકેટો ઝડપી હતી.

ડિગ્રી એન્જિનિયરની, ઝનૂન ક્રિકેટનું

મૅચ પછી સવાલ થયો, “અત્યાર સુધી તમે ક્યાં છુપાયેલા હતા?”

આકાશે જવાબ આપ્યો, “ ક્યાંય નહીં, પ્રૅક્ટિસ કરી રહ્યો હતો. આ મોકો મળે તેની રાહ જોઈ રહ્યો હતો.”

એમણે આગળ કહ્યું કે, “પહેલાં એન્જિનિયરીંગ કર્યું, પછી ક્રિકેટ પાછળ મહેનત કરી, ત્યારે અહીં પહોંચ્યો છું.”

આકાશ એ કહેવાનું ન ભૂલ્યા કે, “એન્જિનિયર્સમાં જલ્દી શીખવાની આદત હોય છે.”

ટેનિસ બૉલથી ક્રિકેટ બૉલ સુધી

આકાશ ખરેખર જલદી શીખી રહ્યા છે.

વર્ષ 1993માં ઉત્તરાખંડના રૂરકીમાં જન્મેલા આકાશ મધવાલે આઈપીએલની હજુ સુધી સાત મૅચ જ રમી છે અને ક્રિકેટના દિગ્ગજોને તેમની વાહવાહી કરતાં કરી દીધા છે. અનેક પૂર્વ ખેલાડીઓ અને ક્રિકેટ સમીક્ષકોએ એમની પ્રોફાઇલ યાદ રાખી લીધી છે.

આકાશ મધવાલે રૂરકીથી બી.ટેક કર્યું છે. પૂર્વ ક્રિકેટર રવિ શાસ્ત્રીના જણાવ્યા અનુસાર, “23 વર્ષની ઉંમર સુધી તો તેઓ ટેનિસ બૉલથી ક્રિકેટ રમી રહ્યા હતા.”

મધવાલે ક્રિકેટનો બૉલ 23 વર્ષની ઉંમર પછી પકડ્યો હતો. તેમનામાં રહેલી પ્રતિભા તરફ પહેલી નજર ઉત્તરાખંડના કોચ વસીમ જાફરની પડી હતી.

ઇન્ડિયન એક્સપ્રેસે ઉત્તરાખંડના અત્યારના કોચ મનીષ ઝા સાથે વાત કરીને લખ્યું છે કે, "જ્યારે આકાશ 2019માં ટ્રાયલ માટે આવ્યા હતા, ત્યારે અમે બધા જ તેનાથી ખૂબ પ્રભાવિત થયા હતા."

રસ્તો ખૂલ્યો હતો, પરંતુ મધવાલનું જે લક્ષ્ય હતું એ અતિશય દૂર હતું. આઈપીએલ દ્વારા ક્રિકેટની દુનિયામાં તેમનું નામ બનાવવા માટે તેમને અતિશય મહેનત કરવી પડી અને ખૂબ લાંબો સમય રાહ જોવી પડી. "

આઈપીએલ 2023માં પ્રદર્શન

  • તેમના નામે સાત મૅચોમાં 13 વિકેટ છે
  • તે પણ 12.8ના શ્રેષ્ઠ સરેરાશ સાથે છે
  • તેઓ એક મૅચમાં પાંચ અને એક મૅચમાં ચાર વિકેટ લઈ ચૂક્યા છે
  • યૉર્કર તેમની તાકાત માનવામાં આવે છે
  • તેમને ડેથ ઓવરના સૌથી ઉમદા બૉલર ગણવામાં આવે છે

આઈપીએલમાં ત્રણ વર્ષ રાહ જોઈ

તેમણે પોતાના સંઘર્ષની વાત ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બૉલર ઝહીર ખાન સાથે શૅર કરી હતી.

આકાશ મધવાલે કહ્યું કે, "હું ત્રણ વર્ષથી રાહ જોઈ રહ્યો હતો. હું આરસીબીની ટીમમાં નૅટ બૉલર હતો. પછી મુંબઈ ઇન્ડિયન્સનો સપોર્ટ બૉલર હતો."

તેમણે કહ્યું કે, "મુંબઈ ઇન્ડિયન્સમાં મોકો મળ્યો ત્યારે મારું દિલ કહી રહ્યું હતું કે મારે હવે આઈપીએલમાં રમવાનું છે."

ગત વર્ષે સૂર્યકુમાર યાદવને ઇજા થઇ, ત્યારે તેમની જગ્યાએ આકાશ મધવાલને ટીમમાં સ્થાન મળ્યું હતું.

પરંતુ મેદાન પર ઊતરવાનો મોકો મળે તેની હજુ રાહ જોવાની હતી. આ વર્ષે પણ પહેલી આઠ મૅચોમાં તેઓ પોતાનો વારો આવે તેની રાહ જોઈ રહ્યા હતા. તેમના પહેલાં અર્જુન તેંડુલકર અને બીજા બૉલરોને અજમાવવામાં આવ્યા હતા.

પંજાબ સામે પહેલી બે મૅચમાં તેઓ કોઈ વિકેટ લઈ શક્યા નહીં. પછીની બે મૅચમાં પણ તેમને એક જ વિકેટ મળી હતી.

અત્યારની સફળતા પાછળનો શ્રેય તેઓ મુંબઈ ઇન્ડિયન્સના કપ્તાન રોહિત શર્માને આપે છે.

તે કહે છે, “રોહિત ભાઈએ મને શાંત રાખ્યો હતો. જે મારી તાકાત છે, તેને જ અનુરૂપ બૉલિંગ કરવાનું કહ્યું હતું.”

રોહિત શર્મા કહે છે કે, “આકાશ અમારી સાથે સપોર્ટ બૉલર તરીકે હતો. અમે જાણતા હતા કે તેમની કાબેલિયત શું છે.”

તેમણે કહ્યું કે, “જ્યારે જોફ્રા આર્ચરે વિદાય લીધી હતી, ત્યારે હું જાણતો હતો કે તેમની (આકાશ મધવાલ) પાસે એ ગુણવત્તા અને એ કિરદાર છે, જેથી તેઓ અમારા માટે ખરા ઊતરી શકે છે.”

ઋષભ પંત સાથે સ્પેશિયલ કનેક્શન

આકાશ મધવાલ ઘણા બધા લોકોને એક ચૅમ્પિયન ખેલાડીની યાદ અપાવી રહ્યા છે, જેનું નામ છે ઋષભ પંત.

રવિ શાસ્ત્રી કહે છે કે, "તેઓ ઋષભના પાડોશી છે."

રૂરકીમાં બંનેનાં ઘર નજીક છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર દિલ્હી જતાં પહેલાં ઋષભ પંતે કોચ અવતાર સિંહ પાસેથી ટ્રેઇનિંગ લીધી હતી. આકાશ મધવાલે પણ તેમની પાસેથી ટ્રેઇનિંગ લીધી હતી.

મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમી રહેલા આકાશ મધવાલની સરખામણી જસપ્રીત બુમરાહ સાથે પણ થઈ રહી છે. તેઓ ઈજાગ્રસ્ત હોવાથી આ આઈપીએલ રમી રહ્યા નથી.

પરંતુ મધવાલ નથી ઇચ્છતા કે તેમની સરખામણી બુમરાહ સાથે થાય. તેઓ પોતાની અલગ ઓળખ સ્થાપિત કરવા માગે છે.

પરંતુ મધવાલ હવે એ જગ્યાએ પહોંચી ગયા છે, જ્યાં હવે બુમરાહ પણ તેમના વખાણ કરે છે.

બુધવારે મધવાલના મૅચ વિનિંગ પ્રદર્શન પછી બુમરાહે ટ્વિટર પર લખ્યું હતું કે, “ શું સ્પૅલ હતો આકાશ મધવાલનો!!”

મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમી ચૂકેલા શ્રીલંકાના પૂર્વ ફાસ્ટ બૉલર લસિથ મલિંગાએ પણ આકાશ મધવાલના વખાણ કર્યા છે.

ગિલ સામે મધવાલ

બુધવારે 3.3 ઓવરના સ્પૅલમાં લખનૌ સુપર જાયન્ટસને આઈપીએલમાંથી બહારનો રસ્તો બતાવનાર આકાશ મધવાલની બૉલિંગની સૌથી વધુ ચિંતા ગુજરાત ટાઈટન્સને થઈ રહી હશે.

મુંબઈ અને ગુજરાતની છેલ્લે રમાયેલી મૅચમાં આકાશ મધવાલે ત્રણ વિકેટો ખેરવી હતી અને મુંબઈની જીત નિશ્ચિત કરી હતી.

ચિંતાનું સૌથી મોટું કારણ હશે એ બૉલ, જેણે ગુજરાતના સૌથી સફળ બૅટ્સમૅન શુભમન ગિલના ઑફ-સ્ટમ્પને ઊખાડીને ફેંકી દીધું હતું.

ગિલ સાથે આકાશ મધવાલની આગામી ટક્કરની તારીખ 26મે 2023 નક્કી થઈ ગઈ છે.