You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વિરાટ કોહલીની એ ઇચ્છા જે શાનદાર બેટિંગ, સંખ્યાબંધ સદી છતાં હંમેશાં ‘અધૂરી’ જ રહી જાય છે
- લેેખક, વિધાંશુકુમાર
- પદ, રમતગમત પત્રકાર, બીબીસી માટે
લગભગ અઢી હજાર વર્ષ પહેલાં ગ્રીસમા એવું સાહિત્ય સામે આવ્યું જેમાં નાયકમાં ગુણોનો ભંડાર હોતો, પરંતુ તેની કે તેની આસપાસની કોઈ એક બૂરાઈ કે કમી અંતમાં તેના માટે નુકસાનકારક સાબિત થતી.
આ પ્રકારના દુ:ખદ અંતવાળી કહાણીઓ અને નાટકોને ગ્રીક ટ્રૅજેડીની સંજ્ઞા અપાઈ.
ટ્રૅજેડી ડ્રામા – એટલે એવી કહાણી, જેનો અંત હંમેશાં દુ:ખદ હોય છે. તેમાં નાયકનો સંઘર્ષ બતાવવામાં આવે છે. તેમાં બતાવાય છે કે કેવી રીતે એ મોટી શક્તિઓ કે પોતાના નસીબ સામે ઝઝૂમીને આગળ વધે છે, પરંતુ અંતે હારી જાય છે.
ગ્રીક ટ્રૅજેડીની મહત્ત્વની વાત એ હોય છે કે ડ્રામાનાં પાત્રો પર નસીબનો કાબૂ હોય છે.
રવિવારે બૅંગ્લુરૂ અને ગુજરાતની આઇપીએલ મૅચમાં પણ કંઈક આવું જ થયું.
આ મૅચ જોનારાને જરૂર લાગ્યું હશે કે તેઓ ક્રિકેટ મૅચ નથી જોઈ રહ્યા, બલકે અઢી હજાર વર્ષ પહેલાં એથેન્સના કોઈ કૉલિઝિયમમાં ક્રિકેટના મહાનાયક વિરાટ કોહલીને પોતાના નસીબ સામે ઝઝૂમતા જોઈ રહ્યા છે.
આઇપીએલ ટ્રૉફીની તલાશ
વિરાટ કોહલીએ ક્રિકટની તમામ ઊંચાઈઓ સર કરી છે. તેઓ વનડે, ટેસ્ટ અને ટી20માં વિશ્વના પ્રથમ ક્રમના બૅટ્સમૅન રહી ચૂક્યા છે.
તેઓ વનડે વર્લ્ડકપ વિજેતા ટીમમાં પણ રહ્યા છે અને ભારતને ટી20 અને ટેસ્ટની નંબર વન ટીમ પણ બનાવી ચૂક્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જો આજ દિન સુધી તેમના હાથ કોઈ સફળતા ન લાગી હોય તો એ છે આઇપીએલની ટ્રૉફી.
અહીં એવું ધારવું પણ ભૂલ કહેવાશે કે તેમણે આ ટ્રૉફી જીતવા માટે મર્યાદિત પ્રયાસ કર્યા છે. તેમણે એક ખેલાડીથી અપેક્ષિત અને શક્ય હોય એ બધા પ્રયત્નો કર્યા છે.
આઇપીએલમાં બેટિંગના બધા મોટા રેકૉર્ડ્સ તેમણે પોતાના નામે કર્યા. સૌથી વધુ 7,188 રન બનાવ્યા, તેમના નામે સાત સદી પણ છે અને 49 અર્ધ સદી પણ.
વર્ષ 2016માં તેમણે 16 મૅચમાં 973 રન ફટકાર્યા હતા અને આ સિઝનમાં ચાર સદી અને સાત અર્ધ સદી ફટકારી હતી. તેમ છતાં તેમની ટીમ જીતથી દૂર રહી હતી.
આઇપીએલની બીજી જ સિઝનમાં બૅંગ્લુરૂની ટીમ ફાઇનલમાં પહોંચીને હારી ગઈ હતી.
આ સિવાય વર્ષ 2011 અને 2016માં પણ આરસીબી ફાઇનલમાં પહોંચી હતી.
પરંતુ ટીમ વિજેતા નહોતી બની શકી. વર્ષ 2009માં આરસીબીની ટીમ ડેક્કન ચાર્જર્સ સામે હારી ગઈ અને વર્ષ 2011માં વિરાટની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હારી હતી.
જ્યારે વર્ષ 2016માં બૅંગ્લુરૂની ટીમ ફાઇનલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે હારી ગઈ હતી.
આ વર્ષે ફરી એક વાર કોહલીની રમતમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. તેમણે અત્યાર સુધીની મૅચોમાં આ સિઝનમાં 600 રન બનાવ્યા છે. ઉપરાંત તેમનો સાથ આપતાં કપ્તાન ડુપ્લેસીએ પણ અત્યાર સુધી ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન નોંધાવ્યા છે.
મૅક્સવેલ ટીમનો સાથ આપી રહ્યા હતા અને ટીમ સારી બૉલિંગ પણ કરી રહી હતી.
આઇપીએલ 2023ના આગામી રાઉન્ડમાં પહોંચવા માટે બૅંગ્લુરૂને માત્ર એક જીતની જરૂરિયાત હતી અને એ મૅચમાં સામે ગુજરાત ટાઇટન્સની ટીમ હતી.
કોહલીએ આ મૅચમાં જીવ રેડી દીધું અને ધૂંઆધાર સદી નોંધાવી. ફર્સ્ટ હાફ બાદ બૅંગ્લુરૂની ટીમમાં સંભવિત જીતનો ઉત્સાહ દેખાતો હતો.
યાદગાર સદી
ઠીક એક મૅચ અગાઉ હૈદરાબાદ વિરુદ્ધ વિરાટ કોહલીએ સદી ફટકારી હતી, એ સમયે તેમનાં પત્ની અને અભિનેત્રી અનુષ્કા શર્મા સ્ટેડિયમમાં હાજર નહોતાં.
તેમણે મૅચ બાદ ફ્રી પડતાં જ સૌપ્રથમ અનુષ્કા શર્માને વીડિયો કૉલ કરીને રાજીપો વ્યક્ત કર્યો હતો.
રવિવારની રાત્રે જ્યારે તેઓ સદી નોંધાવવાની નજીક હતા, ત્યારે સ્ટેડિયમમાં તેમનો જુસ્સો વધારવા માટે અનુષ્કા શર્મા જાતે હાજર હતાં.
કોહલીએ જ્યારે સદી નોંધાવી ત્યારે અનુષ્કા શર્મા રાજીના રેડ થઈ ગયાં. બંનેના આ અદાજે લાખો લોકોનાં દિલ જીતી લીધાં અને સોશિયલ મીડિયા પર પણ આને લઈને ઘણી ચર્ચા થઈ.
પ્લે ઑફમાં પોતાની જગ્યા બનાવવાથી બૅંગ્લુરૂ માત્ર એક ડગલું દૂર હતું. કોહલીએ તનતોડ મહેનત કરી હતી અને આઇપીએલના ઇતિહાસમાં સૌથી વધુ સદી નોંધાવવાનો રેકૉર્ડ ક્રિસ ગેલનો રેકૉર્ડ તોડી નાખ્યો હતો.
સ્કોર પણ સારો એવો હતો અને શુભમન ગિલને બાદ કરતાં ગુજરાતના અન્ય બૅટ્સમૅન ખાસ પ્રદર્શન પણ નહોતા કરી શકી રહ્યા.
રન ચેઝ કરતી વખતે કોહલીની બેટિંગમાં જોવા મળે છે કંઈક એવો જ અંદાજ ગિલની બેટિંગમાં દેખાઈ રહ્યો હતો. ક્યારેય હાર ન માનવાનો જુસ્સો તેમની આંખોમાં સ્પષ્ટપણે દેખાતો હતો.
ગિલ લગભગ 200ની રન રેટ સાથે રમી રહ્યા હતા. તેઓ વિરાટ કોહલીન માફક જ ક્લાસિક બેટિંગ કરીને બૉલને અવારનવાર બાઉન્ડ્રી પાર કરાવી રહ્યા હતા.
પાછલી 22 વર્ષ ટી20 મૅચોમાં ચાર સદી નોંધાવનારા શુભમન ગિલ ખરેખર વિરાટ કોહલીના જ ઉત્તરાધિકારી છે, જેવી રીતે કોહલી સચીન તેંડુલકર અને સચીન સુનિલ ગાવસ્કરના હતા.
કોહલીની સદીનો જવાબ ગિલની સદીએ આપ્યો હતો. ગિલ સદીની નજીક પહોંચી રહ્યા હતા એ દરમિયાન કોહલી નિરાશા સાથે ડગઆઉટમાં પોતાની ટોપી સાથે રમી રહ્યા હતા.
દંગલ ફિલ્મમાં કુશ્તીમાં બાપને હરાવતી દીકરીને જોઈને જેમ લોકોની આંખમાંથી આંસુ વહેવા માંડ્યાં હતાં કંઈક એવી જ લાગણી ગિલનાં પ્રદર્શન અને કોહલીની મન:સ્થિતિ દર્શાવતાં દૃશ્યોએ જન્માવી હતી.
રવિવારે ચિન્નાસ્વામીમાં દર્શકો તેમના પ્રિય વિરાટ કોહલીને હારતા જોઈને સ્તબ્ધ હતા.
મૅચ પહેલાં ગુજરાતના કપ્તાન હાર્દિક પંડ્યાએ કહ્યું હતું કે જીત મેળવવી એ એક ટેવ હોય છે.
તેમની ટીમ ભલે પ્લે ઑફમાં ક્વૉલિફાય કરી ચૂકી છે, અને ભલે બૅંગ્લુરૂ માટે આ જીત અત્યંત મહત્ત્વપૂર્ણ હોય, પરંતુ તેઓ હારવા માટે નહીં રમે.
અંતે બન્યું પણ કંઈક એવું જ. તેમની ટીમ જ જીતી. ગુજરાતની ટીમ પ્રથમ વખત આઇપીએલમાં આવી અને પ્રથમ વખતમાં જ એ ટાઇટલ જીતવામાં સફળ પણ રહી.
આ વર્ષે પણ ગુજરાતની ટીમ એક આગળ પડતી દાવેદાર છે.
શુભમન ગિલે જ્યારે વિનિંગ સિક્સર ફટકાર્યો અને હાર્દિક પંડ્યા દોડીને તેમને અભિનંદન પાઠવવા પહોંચ્યા, ત્યારે કૅમેરાએ વિરાટ કોહલી પર પણ ફોકસ કર્યું.
વિરાટનું મોઢું પડી ગયું હતું. અને ચહેરા પર એવા ભાવ કે જાણે તેઓ અહમદ ફરાઝની આ પંક્તિઓ યાદ કરી રહ્યા હોય...
કિસી કો ઘર સે નીકલતે હી મિલ ગઈ મંઝિલ...
કોઈ હમારી તરહ ઉમ્ર ભર સફર મેં રહા.