જાવેદ અખ્તરે સલીમ ખાન સાથેની બોલિવુડની સુપરહીટ જોડી કેમ તોડી? કવિએ આ કારણ આપ્યું

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી સંવાદદાતા

- તાજેતરમાં જાણીતી ફિલ્મી હસ્તી અને ગીતકાર જાવેદ અખ્તરની જીવનકથા ‘જાદુનામ’ પ્રકાશિત થઈ હતી
- તેમાં ગીતકારના જીવન અંગે ઘણી જાણીઅજાણી વાતો કરાઈ છે
- જાવેદ અખ્તરે તેમના જીવનના પ્રારંભિક વર્ષો લખનૌ, અલીગઢ તથા ભોપાલમાં વિતાવ્યા હતા.
- તેમના જન્મથી માંડીને બોલીવૂડની વિખ્યાત પટકથા લેખકની જોડીમાં સામેલ થવા સુધીની સફર કેવી રીતે પાર પાડી? એક સાથે અનેક હિટ ફિલ્મો આપ્યા પછી સલીમ-જાવેદે અલગ થવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ આ કેમ બન્યું?
- જાવેદ અખ્તરના જીવનનો આ અને આવા જ કેટલાક રસપ્રદ કિસ્સા જાણવા માટે વાંચો આ લેખ.

જાવેદ અખ્તરનાં માતાને પત્રો લખવાનો બહુ શોખ હતો. તેઓ લગભગ રોજ પત્ર લખતાં હતાં.
તેમણે તેમના પતિ જાંનિસાર અખ્તરને લખેલા પત્રમાં જાવેદ વિશે લખ્યું હતું કે “જાદુની વાતો કહેવાની નહીં, પરંતુ જોવાની હોય છે. એ બહુ વાતો કરે છે. તેને પૂછીએ કે તારા દાદા કોણ છે, તો જવાબ મળે છે કે સ્ટાલિન અને કાકાનું નામ પૂછીએ તો કહે છે કે ચાચા ગાલિબ.”
જાવેદ અખ્તર લખે છે કે “મારાં માતા-પિતાનું લગ્નજીવન નવ વર્ષનું હતું અને એ દરમિયાન તેઓ મોટા ભાગે અલગ જ રહ્યાં હતાં.”

ઇમેજ સ્રોત, MANJUL PUBLICATION
જાવેદ અખ્તરનો જન્મ 1945ની 17 જાન્યુઆરીએ ગ્વાલિયરની કમલા હૉસ્પિટલમાં થયો હતો. જાવેદ અખ્તર જણાવે છે કે, “મારા પિતાના દોસ્તો મને જોવા આવ્યા ત્યારે એ પૈકીના કોઈએ પૂછ્યું હતું કે દીકરાનું નામ શું રાખશો? તેમણે જ મારા પિતાને યાદ કરાવ્યું તું કે તેમના મારી માતા સાથે લગ્ન થયાં ત્યારે તેમણે એક નઝમ લખી હતી, જેનો એક મિસરો હતો ‘લમ્હા લમ્હા કિસી જાદૂ કા ફસાના હોગા.’ તો પછી આ છોકરાનું નામ જાદૂ શા માટે ન રાખવું જોઈએ.”
“ચાર વર્ષ સુધી મને એ નામે જ બોલાવવામાં આવ્યો હતો. મારા સ્કૂલે જવાનો સમય આવ્યો ત્યારે કોઈએ કહ્યું હતું કે જાદુ યોગ્ય નામ નથી. બધા તેની મજાક કરશે. તેથી જાદૂને મળતું આવતું હોય તેવું કોઈ નામ શોધવાના પ્રયાસ શરૂ થયા હતા અને એ રીતે મારું નામ જાવેદ અખ્તર રાખવામાં આવ્યું હતું. સામાન્ય રીતે ઘરના નામને જ અસલી નામ બનાવવામાં આવતું હોય છે, પરંતુ મારી સાથે તદ્દન ઊલટું થયું હતું. જોકે, મારા પરિવારજનો અને જૂના દોસ્તો આજે પણ મને જાદૂ કહીને જ બોલાવે છે.”

કાનમાં સંભળાવ્યો કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટો

ઇમેજ સ્રોત, MANJUL PUBLICATION
સામાન્ય રીતે કોઈ મુસ્લિમ ઘરમાં સંતાનનો જન્મ થાય ત્યારે તેના કાનમાં અઝાન પઢવામાં આવે છે.
જાવેદ અખ્તર કહે છે કે “મારા જન્મ પછી મારા પિતાના દોસ્તો તેમને કહ્યું હતું કે તમને તો અલ્લાહમાં શ્રદ્ધા નથી. તમે તો નાસ્તિક છો. તમે શું કરશો? મારા પિતાના કોઈ દોસ્તના હાથમાં સામ્યવાદી પક્ષનો નીતિ-ઘોષણા પત્ર (કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટો) હતો. મારા પિતાએ તેમને કહ્યું કે મને મેનિફેસ્ટો આપો. હું દીકરના કાનમાં તે જ વાંચી સંભળાવીશ. તેમણે ખરેખર મારા કાનમાં તે વાંચી સંભળાવ્યો હતો..‘વર્કર્સ ઓફ ધ વર્લ્ડ યુનાઈટેડ, યુ હેવ નથિંગ ટૂ લૂઝ બટ યોર ચાન્સ’“

પિતા જાંનિસાર અખ્તર સાથે જાવેદને ક્યારેય જામ્યું નહીં

ઇમેજ સ્રોત, S. AKHTAR
જાવેદ કહે છે કે “બાળકો ક્યારેક ફરિયાદ કરતાં હોય છે કે અમારા પિતા, તેઓ જેવા હોવા જોઈએ તેવા નથી, પણ દરેક વ્યક્તિ બધું બની શકતો નથી. મારા પિતા મૂળભૂત રીતે શાયર હતા. સામાન્ય રીતે આવા કળાકારો બીજી બાબતોમાં બેજવાબદાર બની જતા હોય છે. મારા પિતા પણ એવા જ હતા.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જાવેદ અખ્તરે તેમના જીવનના પ્રારંભિક વર્ષો લખનૌ, અલીગઢ તથા ભોપાલમાં વિતાવ્યા હતા.
તાજેતરમાં પ્રકાશિત જાવેદ અખ્તરની જીવનકથા ‘જાદુનામા’ના લેખક અરવિંદ મંડલોઈ કહે છે કે “જાવેદ અખ્તરના જીવનમાં એટલી મુશ્કેલીઓ હતી કે જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ. જેમ કે તેઓ ભોપાલમાં હતા ત્યારે સૈફિયા કોલેજના એક રૂમમાં હતા, જેમાં બહુ માંકડ હતા. જાવેદ સાહેબ બહુ ઝડપથી જમે છે અને ત્રણ મિનિટમાં તો ભોજન પતાવી દે છે. તેનું પણ એક કારણ છે.”
“તેઓ જે હોટેલમાં ભોજન કરતા હતા ત્યાં ખાવાનું ઉધારમાં મળતું હતું. હોટેલનો માલિક આવે તે પહેલાં ભોજન કરીને નીકળી જવું પડતું હતું. જાવેદ સાહેબની વધુ એક લાક્ષણિકતા એ છે કે તેમનાથી કોઈ ભૂલ થઈ હોય તો તેઓ ખુલ્લા દિલે તેનો સ્વીકાર કરે છે. તેમણે શંકર મહાદેવન, સતીશ કૌશિક, અમિતાભ બચ્ચન સહિતના સંખ્યાબંધ લોકોને તક આપી છે, પરંતુ મેં તેમના મોઢેથી એવું ક્યારેય નથી સાંભળ્યું કે ફલાણા માણસ માટે મેં આટલું કર્યું છે.”
તમામ સંઘર્ષ પછી આંખમાં દિગ્દર્શક બનવાનું સપનું લઈને જાવેદ અખ્તર 1964ની ચોથી ઓક્ટોબરે મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પર ઊતર્યા હતા.

મીના કુમારીની ફિલ્મફેર ટ્રૉફી હાથમાં લીધી

ઇમેજ સ્રોત, MANJUL PUBLICATION
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મુંબઈ આવ્યાના છ દિવસ બાદ તેમણે તેમના પિતાનું ઘર છોડવું પડ્યું હતું. એ સમયે તેમના ખિસ્સામાં 27 પૈસા હતા. સંઘર્ષના શરૂઆતના દિવસો તેમણે ક્યારેક કમાલ સ્ટૂડિયોમાં તો ક્યારેય કમ્પાઉન્ડમાં તો ક્યારેક વરંડામાં તો ક્યારેય કોઈ ઝાડની નીચે તો ક્યારેક કોઈ બેન્ચ પર ઊંઘીને પસાર કર્યા હતા.
એ દિવસોને યાદ કરતાં જાવેદ અખ્તર કહે છે કે “એ દિવસોમાં મીના કુમારી કમાલ (અમરોહી) સાહેબથી અલગ થયાં હતાં અને તેમની ફિલ્મ પાકિઝાનું શૂટિંગ અટકી ગયું હતું. તેઓ એક દિવસ કોસ્ચ્યૂમ રૂમમાં હતાં. તેમાં પાકિઝા ફિલ્મમાં તેમણે પહેરેલા પોષાક રાખવામાં આવ્યા હતા. હું ત્યાં રહેતો હતો એ દરમિયાન એક દિવસ મેં એક કબાટ ઉઘાડ્યો હતો. તેમાં ફિલ્મમાં ઉપયોગમાં લેવાયેલાં જૂના પગરખાં, સેન્ડલ વગેરે ભર્યાં હતાં. ધૂળભર્યા એ જ કબાટમાં મીના કુમારીના ત્રણ ફિલ્મફેર એવોર્ડની ટ્રોફી પણ પડી હતી.”
“એ રૂમમાં આદમ કદનો એક અરીસો પણ હતો. રોજ રાતે કોઈ ન હોય ત્યારે રૂમ બંધ કરીને એ ટ્રોફી હાથમાં લઈને હું અરીસા સામે ઊભો રહેતો હતો અને વિચારતો હતો કે આ ટ્રોફી મને મળશે ત્યારે તાળીના ગડગડાટથી ગૂંજતા સભાગારમાં બેઠેલા લોકો તરફ જોઈને હું કઈ રીતે સ્મિત કરીશ અને કેવી રીતે હાથ હલાવીશ. જિંદગીમાં સૌપ્રથમવાર મેં કોઈ એવોર્ડને સ્પર્શ કર્યો હોય તો તે મીના કુમારીની ફિલ્મફેર ટ્રોફી હતી.”
જાવેદ અખ્તર 1967માં તેમના પિતા જાંનિસાર અખ્તરની ફિલ્મ ‘બહુ બેગમ’ના પ્રીમિયરમાં ગયા હતા.

‘હિપ્પી’ જેવા ચહેરાવાળા જાવેદ અખ્તર

ઇમેજ સ્રોત, MANJUL PUBLICATION
વિખ્યાત ઉર્દૂ સાહિત્યકાર કુર્તુલ એન હૈદરે લખ્યું હતું કે “એ ફિલ્મના પ્રીમિયરમાં વાજિદા તબસ્સુમ તરફ ઈશારો કરીને જણાવ્યું હતું કે તે અખ્તરભાઈનો દીકરો જાદૂ છે. ભવિષ્યમાં એ છોકરો જબરી પ્રસિદ્ધિ મેળવશે એવી ભવિષ્યવાણી કરવાનું એ સમયે કોઈ કારણ ન હતું. મને તો એ હિપ્પી જેવો લાગ્યો હતો. તેણે કાંડામાં હિપ્પીઓ જેવું કડું પહેર્યું હતું અને માથાફરેલ હોય એવો લાગતો હતો.”
“એ કડું ખરાબ સમયમાં મદદગાર બનેલા એક શીખ દોસ્ત મુશ્તાક સિંહની નિશાની હતું એ ખબર મને પછી પડી હતી. જાવેદ અખ્તર માત્ર પોતાની પ્રતિભા તથા હ્યૂમરની તાકાત વડે દુનિયા સામે લડ્યા છે. હ્યુમર અને રમૂજી વાતો કરવાની તેમજ મહેફિલ જમાવવાની કળા તેમને તેમના મામા મજાઝ પાસેથી મળી છે.”

સલીમ ખાન સાથે ટીમ બનાવી

ઇમેજ સ્રોત, MANJUL PUBLICATION
જાવેદ અખ્તરે સૌથી પહેલાં દિગ્દર્શક કમાલ અમરોહી સાથે 50 રૂપિયાના માસિક પગારે એક ક્લેપર બૉય તરીકે કામ કર્યું હતું. એ પછી તેમને એસ એમ સાગરને ત્યાં નોકરી મળી ગઈ હતી. એમની ફિલ્મમાં સલીમ ખાન રોમેન્ટીક ભૂમિકા ભજવતા હતા.
સાગરને તેમની ફિલ્મ માટે કોઈ સંવાદ લેખક મળતો ન હતો. તેમણે જાવેદને પૂછ્યું કે તેઓ કોઈ સીન લખી શકશે? જાવેદ અખ્તરે બે-ત્રણ સીન લખી આપ્યા હતા. એ સાગર સાહેબને ગમ્યા હતા અને તેમણે એક વાર્તાને સ્ક્રીનપ્લેમાં બદલવાનુ કામ કર્યું હતું.
સલીમ અને જાવેદે તે ફિલ્મમાં સૌપ્રથમવાર સાથે કામ કર્યું હતું. સાથે મળીને બન્નેએ ‘અધિકાર’ ફિલ્મની પટકથા લખી હતી, પરંતુ ફિલ્મની ક્રેડિટમાં તેમનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો.
એ પછી બન્ને રમેશ સિપ્પીના સ્ટોરી ડિપાર્ટમેન્ટમાં જોડાયા હતા. એ દિવસોને યાદ કરતાં જાવેદ અખ્તર કહે છે કે “રમેશ સિપ્પી ત્યારે ‘અંદાઝ’ ફિલ્મ બનાવતા હતા. અમે તેમાં કામ કર્યું હતું અને અમને બિલિંગ પણ મળ્યું હતું, પરંતુ તેમાં અમારા બન્નેના નામ અલગ-અલગ લખવામાં આવ્યાં હતાઃ સલીમ ખાન અને જાવેદ અખ્તર. એ પછી ‘હાથી મેરે સાથી’માં સૌપ્રથમવાર અમારી બિલિંગ સલીમ-જાવેદ તરીકે સૌપ્રથમવાર થઈ હતી.”

પોસ્ટર પર પહેલીવાર છપાયું લેખકનું નામ

ઇમેજ સ્રોત, PRAKASH MEHRA
સલીમ-જાવેદની જોડીએ સતત નવ સુપરહિટ ફિલ્મો આપી હતી. તેમની ચોથી ફિલ્મ ‘ઝંઝીર’ હિટ થઈ ત્યારે સલીમ-જાવેદે કહ્યું હતું કે અમારું નામ પણ ફિલ્મના પોસ્ટર પર હોવું જોઈએ.
જાવેદ કહે છે કે “અમે આ ઇચ્છા વ્યક્ત કરી ત્યારે અમને જણાવવામાં આવ્યું તું કે આવું થતું નથી. મુંબઈમાં ‘ઝંઝીર’ પ્રદર્શિત થઈ ત્યારે અમે બે જીપ ભાડા પર લીધી હતી. તેમાં ત્રણ-ચાર લોકોને બેસાડ્યા હતા. તેમને સીડી તથા કલર આપ્યા હતા અને કહ્યું હતું કે મુંબઈમાં જ્યાં પણ ‘ઝંઝીર’નું પોસ્ટર દેખાય ત્યાં ‘સલીમ-જાવેદ લિખિત’ એવું લખી આવો.”
“બન્ને જીપ આખી રાત ફરતી રહી અને દરેક પોસ્ટર પર સલીમ-જાવેદનું નામ લખી નાખવામાં આવ્યું હતું. એ પછી જ પોસ્ટર પર લેખકોના નામ લખવાની શરૂઆત થઈ હતી.”
‘ત્રિશૂલ’ ફિલ્મ પ્રદર્શિત થઈ ત્યારે મુંબઈના જુહૂ વિસ્તારમાં ફિલ્મનું એક મોટું પોસ્ટર લગાવવામાં આવ્યું હતું. તેના પર દિગ્દર્શક કે હીરો કે હીરોઈનના નામ ન હતાં. પોસ્ટર પર માત્ર એટલું જ લખ્યું હતું કે ‘સલીમ-જાવેદની ફિલ્મ.’
સલીમ-જાવેદ લિખિત ફિલ્મોમાં સ્ક્રિપ્ટ બન્ને સાથે લખતા હતા, પરંતુ સંવાદ લખવાની જવાબદારી જાવેદ અખ્તર પર હતી.
ફિલ્મ દિગ્દર્શક વિનય શુક્લા કહે છે કે “જાવેદ તેમના સંવાદોમાં ‘રેટરિક’નો ઉપયોગ કરે છે. તેમની બયાનબાજી સામાન્ય લેખકોની માફક શબ્દોનો આડંબર નથી હોતી. તેમને શબ્દોની સાથે રમતાં આવડે છે તેમ પોતાની સ્ક્રિપ્ટમાં ‘મૌન’નો ઉપયોગ પણ તેઓ બખૂબી કરી શકે છે. ‘શોલે’માં અમિતાભ તથા જયા વચ્ચેનો વણકહ્યો પ્રેમ, ‘શક્તિ’માં વિજયનું તેની પત્નીના મૃત્યુ વખતે ઘરે આવવું અને કશું કહ્યા વિના પોતાની પીડા અભિવ્યક્ત કરવી, ‘શોલે’માં જ અહમદની લાશ લાવતા ઘોડાના પગલાંનો અવાજ અને ઇમામ સાહેબનો સવાલઃ ઇતના સન્નાટા ક્યોં હૈ, ભાઈ.”

‘ઝંઝીર’ માટે અમિતાભ બચ્ચનની ભલામણ

ઇમેજ સ્રોત, MANJUL PUBLICATION
અમિતાભ બચ્ચન સાથે જાવેદ અખ્તરની પહેલી મુલાકાત ‘આનંદ’ ફિલ્મના સેટ પર થઈ હતી અને ત્યાંથી તેઓ તેમના ચાહક બની ગયા હતા. જાવેદ અમિતાભના અભિનયના આશિક તો હતા જ. એ ઉપરાંત તેઓ તેમના વ્યવહારથી પણ બહુ પ્રભાવિત હતા.
જાવેદ અખ્તરના જણાવ્યા મુજબ, તેમણે અમિતાભ બચ્ચનના મોઢેથી કોઈના વિશે કશું ખરાબ સાંભળ્યું નથી. સુપરસ્ટાર હોવા છતાં તેમણે અમિતાભને ઘણીવાર સવારે સાત વાગ્યે શૂટિંગ માટે સ્ટુડિયો પર પહોંચી જતા જોયા છે.
ઘણીવાર બાકીના લોકો સમયસર પહોંચી શકતા ન હતા, પરંતુ અમિતાભ બહાર કારમાં બેસીને રાહ જોતા કે ક્યારે ફ્લોરનો દરવાજો ખુલે અને તેઓ અંદર જાય.
જાવેદ અખ્તર કહે છે કે “પ્રકાશ મહેરા ‘ઝંઝીર’ બનાવી રહ્યા હતા ત્યારે તેમના મનમાં હીરો તરીકે ધર્મેન્દ્રને લેવાનો વિચાર હતો, પરંતુ ધર્મેન્દ્રએ કેટલાક કારણોસર એ ફિલ્મમાં કામ કરવાની ના પાડી હતી. એ પછી તે ફિલ્મ બીજા અભિનેતાઓને ઑફર કરવામાં આવી હતી, પરંતુ ફિલ્મમાં કોઈ રોમેન્ટિક સીન નથી એમ કહીને તેમણે પણ તેમાં કામ કરવાનો ઇન્કાર કર્યો હતો.”
“તે સમય સુધી અમિતાભ અનેક ફિલ્મોમાં કામ કરવા છતાં કોઈ હિટ ફિલ્મ આપી શક્યા ન હતા. મેં તેમનું કામ ‘પરવાના’ અને ‘રાસ્તે કા પથ્થર’ જેવી એક-બે ફિલ્મોમાં જોયં હતું. એ ફિલ્મો ભલે ન ચાલી હોય, પરંતુ અમિતાભ તેમાં પોતાની છાપ જરૂર છોડી શક્યા હતા.”
“મેં પ્રકાશ મહેરાને કહ્યું કે તમારે આ ફિલ્મમાં અમિતાભને લેવા જોઈએ. તેઓ બહુ મુશ્કેલીથી સહમત થયા હતા અને એ પછી શું થયું એ આખી દુનિયા જાણે છે. અમિતાભની દરેક ફિલ્મ ફ્લોલેસ રહી છે, પરંતુ ઘણીવાર તેઓ સંવાદ એ રીતે બોલ્યા છે કે મેં જે લખ્યું હતું તેની અસર વધી ગઈ હતી. આવું ફોકસ, આવું પૅશન અને આવી ઍનર્જી મેં બીજા કોઈ અભિનેતામાં જોઈ નથી.”

મહેફિલોના પ્રાણ જાવેદ અખ્તર

ઇમેજ સ્રોત, MANJUL PUBLICATION
1970ના દાયકા સુધી જાવેદ અખ્તર ફિલ્મ લેખનમાં પોતાની પ્રતિભા પુરવાર કરી ચૂક્યા હતા એટલું જ નહીં, મુંબઈની મહેફિલોમાં પણ તેમની ખ્યાતિ પ્રસરી ગઈ હતી.
વિખ્યાત સામયિક ‘ધર્મયુગ’ના ભૂતપૂર્વ તંત્રી ધર્મવીર ભારતીના પત્ની અને લેખિકા પુષ્પા ભારતીએ પોતાના પુસ્તક ‘યાદેં, યાદેં ઔર યાદેં’માં લખ્યું છે કે “કૃષ્ણ ચંદરના પુત્ર બીલૂના લગ્ન નિમિત્તે એમના ઘરમાં મહેફિલ થઈ હતી. થોડા સમય પછી બીલૂના ત્રણ દોસ્ત આવ્યા હતા અને ત્યાં બેસી ગયા હતા. અમારું ધ્યાન એ ત્રણ પૈકીના એક યુવાન તરફ વારંવાર ખેંચાતું હતું. વિખરાયેલા લાંબા વાળ, બેફિકર રીતે પહેરેલા કપડાં. બહુ દુબળો-પાતળો યુવાન હતો એ.”
“બહુ તેજસ્વી આંખોવાળો એ યુવાન વચ્ચે-વચ્ચે એવું કશુંક બોલતો હતો કે બધા હસી પડતા હતા. એ યુવાને ગાલીચા પર બેસીને ‘સરૌતા કહાં ભૂલિ આયે, પ્યારે નંદોઈયા’ ગાવાનું શરૂ કર્યું તેની સાથે જ બધા વિખ્યાત લોકો આવીને જમીન પર બેસી ગયા હતા અને તે યુવાનની સાથે બેસીને ગાવા લાગ્યા હતા. એ મહાશય સંખ્યાબંધ હિટ ફિલ્મોના લેખક જાવેદ અખ્તર હતા તેની ખબર મોડેથી પડી હતી.”

સલીમથી અલગ થવાનો નિર્ણય

ઇમેજ સ્રોત, Getty Images
એક સાથે અનેક હિટ ફિલ્મો આપ્યા પછી સલીમ-જાવેદે અલગ થવાનો નિર્ણય કર્યો હતો.
મેં જાવેદ અખ્તરને તેનું કારણ પૂછ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે “સલીમ સાહેબ લાંબા સમય સુધી મારી જિંદગીમાં પિતૃતૂલ્ય વ્યક્તિ બની રહ્યા હતા. કોઈ સ્ટીલ, સિમેન્ટ કે ટેક્સટાઈલ ફેક્ટરીમાં મનમેળ ન હોય તો પણ તમે પાર્ટનર રહી શકો છો, પરંતુ સાથે સ્ક્રિપ્ટ લખતા હો ત્યારે તમે સીનને તોળી શકો એવું કોઈ ત્રાજવું કે ગજ હોતો નથી. લેખનમાં આ રીતે કામ કરવું આસાન ન હતું.”
“પછી શું થયું કે જિંદગીએ અમારું મિત્રવર્તુળ અલગ બનાવી નાખ્યું. કેટલાક મારા અલગ દોસ્ત થઈ ગયા. કેટલાક એમના અલગ દોસ્ત થઈ ગયા. પછી અમારા સાંજ અલગ-અલગ પસાર થવા લાગી હતી અને અમારી વચ્ચેનું અંતર સર્જાયું હતું. અમારી વચ્ચે જે અંગત સંબંધ હતો તેને લીધે અમે એકમેકની વણકહી વાતો પણ સમજી શકતા હતા, પણ એક દિવસ મને લાગ્યું કે અમારી વચ્ચે એ સંબંધ રહ્યો નથી. તેથી અમે લોકોએ સાથે કામ ન કરવાનો નિર્ણય કર્યો હતો. અમે જે પૂલ પરથી એકમેકની વિચારધારા તથા હૃદય સુધી પહોંચી શકતા હતા, તે પૂલ તૂટી ગયો હતો.”

શબાના આઝમી સાથે મુલાકાત

ઇમેજ સ્રોત, MANJUL PUBLICATION
શબાના આઝમીના જણાવ્યા મુજબ, જાવેદ અખ્તર સાથે તેમની મુલાકાત ફિલ્મ દિગ્દર્શિકા સઈ પરાંજપેના ઘર પર થઈ હતી.
જાવેદ અખ્તરે તેમની ‘સ્પર્શ’ ફિલ્મ નિહાળી હતી અને તેમને તે ફિલ્મ એટલી સારી લાગી હતી કે તેમણે સઈ પરાંજપેને તેમના યુનિટ સાથે મુલાકાત કરાવવાની વિનતી કહી હતી.
શબાનાના કહેવા મુજબ, જાવેદે તે ફિલ્મ બહુ ઝીણવટભરી નજરે નિહાળી હતી અને તેમને ફિલ્મના લગભગ તમામ સંવાદ યાદ રહી ગયા હતા.
જાવેદના જણાવ્યા મુજબ, તેઓ શબાના આઝમીને પહેલીવાર ક્યારે મળ્યા હતા એ યાદ નથી. બન્નેનો જન્મ સમાન માહોલ ધરાવતા પરિવારમાં થયો હતો.
મુંબઈમાં એ જમાનામાં અલી સરદાર જાફરી, કૈફી આઝમી, ઈસ્મત ચૂગતાઈ, કૃષ્ણ ચંદર અને રાજેન્દ્ર સિંહ બેદી પ્રગતિશીલ લેખકો હતા. બધા વચ્ચે વિસ્તારીત પરિવાર જેવો સંબંધ હતો. બધા એકમેકના ઘરે આવતા-જતા હતા. એકમેકના સંતાનોને જાણતા હતા અને એમનાં સંતાનો પણ એકમેકને જાણતા હતાં.
જાવેદ અખ્તરના જણાવ્યા મુજબ, એ કારણે તેમની અને શબાના આઝમીની પહેલી મુલાકાત થઈ હશે.
શબાના આઝમીના કહેવા મુજબ, ઘણીવાર લોકો મજાકમાં કહે છે કે અમારા એરેન્જ મેરેજ થવા જોઈતાં હતાં, કારણ કે અમારું બેકગ્રાઉન્ડ સમાન છે. મારા પિતા અને જાવેદના પિતા એકમેકના દોસ્ત હતા.
જાવેદ કહે છે કે “મારામાં જે અધૂરપ હતી તે શબાનાને મળીને સરભર થઈ હતી.”

જાવેદ અખ્તરની નરમદિલી

ઇમેજ સ્રોત, Getty Images
શબાના આઝમી કહે છે કે “ઉપરથી એવું લાગે કે જાવેદ બહુ બેદરકાર છે, પરંતુ તેઓ જવાબદાર માણસ છે. ખરાબ દિવસોમાં સાથ આપ્યો હોય એવા લોકોને તેઓ ક્યારેય ભૂલતા નથી. તેઓ હંમેશા કહે છે કે તમે કોઈનું ભલું કર્યું હોય તો તે ક્યારેય યાદ ન રાખવું. એ તમારા માટે કશુંક કરશે એવી આશા પણ ન રાખવી.”
“એક દિવસ જાનકી કુટીરની છત પર બિલાડી ચડી ગઈ હતી. તે પ્લેટમાંથી રોટલી છીનવીને લઈ ગઈ હતી. સ્ટાફમાંના એક માણસે તે બિલાડીને ભગાડવાનો પ્રયાસ કર્યો ત્યારે જાવેદ બરાડ્યા હતા કે તેને લઈ જવા દો. તે તેના બાળકો માટે લઈ જઈ રહી છે. જાવેદ ઉપરથી જેટલા કઠોર દેખાય છે, અંદરથી એટલા જ નરમ છે.”

સર્જન બહુ મોડેથી શરૂ કર્યું

ઇમેજ સ્રોત, Getty Images
નાઝુક-ખ્યાલી જાવેદ અખ્તરને વારસામાં મળી છે. તેથી જ તો તેઓ કહે છે,
મૈં ઔર મેરી તન્હાઈ
અક્સર યે બાતેં કરતે હૈં
તુમ હોતી તો કૈસા હોતા
તુમ યે કહતીં, તુમ વો કહતીં
તુમ ઈસ બાત પર હૈરાં હોતી
તુમ ઉસ બાત પર કિતની હંસતી
તુમ હોતી તો એસા હોતા
તુમ હોતી તો વૈસા હોતા.
રસપ્રદ વાત એ છે કે આટલા મોટા ગીતકાર હોવા છતાં જાવેદ અખ્તરે પોતાની જિંદગીનો પહેલો શેર 1979માં સર્જ્યો હતો.
જાવેદ કહે છે કે “ઇચ્છું તો શાયરી કરી શકું છું એ વાત હું છોકરડો હતો ત્યારથી જાણું છું, પરંતુ ત્યારે કરી ન હતી. એ પણ કદાચ મારી નારાજગી તથા વારસાનું પ્રતિક છે. શેર કહીને મેં મારા વારસા અને મારા પિતા સાથે સુલેહ કરી લીધી છે.”
પિતા વિશે પૂછવામાં આવે છે ત્યારે જાવેદ કહે છે કે “મારા પિતાએ મને એક વખત કહેલું કે અઘરી જબાનમાં લખવાનું બહુ આસાન છે, પરંતુ આસાન જબાનમાં લખવું બહુ મુશ્કેલ છે. તેમની શાયરીમાં બહુ ઓછા મુશ્કેલ શબ્દો આવતા હતા. તે માણસનો શબ્દકોષ બહુ મોટો હતા.”
“જાંનિસાર અખ્તરની શાયરી ધીમાં આંચની શાયરી છે. 1976ની 18 ઓગસ્ટે જાંનિસાર અખ્તરે આ દુનિયાના અલવિદા કરી હતી. મૃત્યુના નવ દિવસ પહેલાં તેમણે તેમનું અંતિમ પુસ્તક ઓટોગ્રાફ કરીને આપ્યું હતું, જેમાં લખ્યું હતુઃ જબ હમ ન રહેંગે તો બહુત યાદ કરોગે.”














