હિઝબુલ્લાહનાં ઠેકાણાં પર ઇઝરાયલની ઍરસ્ટ્રાઇક, લેબનોને કહ્યું 182નાં મૃત્યુ, 700 ઘાયલ

લેબનોનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે ઇઝરાયલના હવાઈ હુમલામાં દેશમાં ઓછામાં ઓછાં 182 લોકોનાં મૃત્યુ થયાં છે તથા 700 લોકો ઘાયલ થયા છે.

બૈરુતમાં બીબીસીના મધ્યપૂર્વ સંવાદદાતા હ્યૂગા બાચેગાએ જણાવ્યું કે આજે સવારે લેબનોનના આરોગ્ય વિભાગે નિવેદન જાહેર કરીને દેશની દક્ષિણની તમામ હૉસ્પિટલ્સને નૉન-અર્જન્ટ સર્જરીઓ રદ કરવાનું કહ્યું છે.

શિક્ષણ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે લેબનોનના દક્ષિણ અને બૈરુતના દક્ષિણી ઉપનગરની સ્કૂલોને આજે અને કાલે બંધ કરવાનો આદેશ આપ્યો છે.

ઇઝરાયલે શું કહ્યું?

ઇઝરાયલી સેનાએ કહ્યું છે કે લેબનોનમાં તેણે 300થી વધારે ઠેકાણાંને નિશાન બનાવ્યાં છે.

ઇઝરાયલી સેનાના પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હગારીએ કહ્યું કે ઇઝરાયલી ઍરફોર્સે આજે 300થી વધુ ઠેકાણાંને નિશાન બનાવ્યાં છે અને અમે જે ‘ઘરોને નિશાન બનાવ્યાં તેમાં હથિયાર રાખવામાં આવ્યા હતા.’

તેમણે કહ્યું કે ‘ઇઝરાયલી સેના હવે હિઝબુલ્લાહની સામે વ્યવસ્થિત રીતે હુમલાને વધારી રહી છે.’

હગારીએ કહ્યું કે ઇઝરાયલી સેના બેકા વૅલી ક્ષેત્રમાં જલદી આતંકવાદીઓનાં ઠેકાણાં પર હુમલાની તૈયારી કરી રહી છે, ઉત્તર પૂર્વ લેબનોનના વિસ્તારમાં પહેલા જ હુમલાઓ કરવામાં આવ્યા છે.

તેમણે લોકોને અપીલ કરી છે કે તેમનાં ઘરોની નજીક જ્યાં પણ હથિયારો રાખવામાં આવ્યા હોય ત્યાંથી ચાલ્યા જાય.

તેમણે આગળ કહ્યું, “હિઝબુલ્લાહ ઇઝરાયલની સામે આ હથિયારોનો ઉપયોગ કરવા માગે છે અને અમે તે થવા નહીં દઈએ. તેથી તમે તેવાં ઘરોથી દૂર રહો.”

લેબનોનમાં લોકોને ફોન પર મૅસેજ

દક્ષિણી લેબનોનમાં લોકોને સવારે ટેક્સ્ટ મૅસેજ અને વૉયસ મૅસેજ ચેતવણીના સ્વરૂપે મળવાના શરૂ થઈ ગયા હતા. આ મૅસેજમાં લખ્યું હતું કે ‘જે રહેણાંક વિસ્તારનો ઉપયોગ હિઝબુલ્લાહના હથિયારોને છુપાવવા માટે થયો છે ત્યાંથી દૂર જતા રહો.’

સોશિયલ મીડિયા પર સર્ક્યૂલેટ થઈ રહેલા એક વીડિયોમાં એક ગ્રામીણને વૉયસ મૅસેજ મળ્યો જેમાં કહેવામાં આવ્યું હતું કે ઇઝરાયલી ઑપરેશન ચાલુ છે અને હવે તે એક નવા ચરણમાં છે.

આ મૅસેજમાં કહેવામાં આવ્યું હતું કે જો તમે એ ગામમાં છો જેનો હિઝબુલ્લાહ ઉપયોગ કરે છે તો તમારી સુરક્ષા માટે તે તરત જ છોડી દો.

આ ચેતવણી ધરાવતા ફોન મૅસેજ એ જ પ્રકારના છે જે પ્રકારે ઇઝરાયલી સેનાના પ્રવક્તાએ ચેતવણી આપી છે અને અરબી ભાષામાં સોશિયલ મીડિયા પર તેમણે પોસ્ટ કર્યા છે.

લેબનોનના સૂચના અને પ્રસારણમંત્રી જાએદ મકરીએ આ ચેતવણી ધરાવતા મૅસેજની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે આ મનોવૈજ્ઞાનિક યુદ્ધનો ભાગ છે.

ઇઝરાયલી ઍરસ્ટ્રાઇક કેટલી ઘાતક?

જેરુસેલમના બીબીસી સંવાદદાતા ડેનિયલ દે સિમોને કહ્યું છે કે આજથી પહેલા સંયુક્ત રાષ્ટ્રનું કહેવું હતું કે વર્તમાન સંઘર્ષને કારણે દક્ષિણ લેબનોનમાં લગભગ 90 હજારથી વધુ લોકો વિસ્થાપિત થયા છે.

ઇઝરાયલનું નેતૃત્વ લગાતાર એ નિવેદન આપે છે કે હિઝબુલ્લાહના રૉકેટ હુમલાને કારણે ઉત્તર ઇઝરાયલમાં તેમના વિસ્થાપિત થયેલા 60 હજાર લોકોને ફરીથી વસાવવામાં આવશે. જે એક યુદ્ધનો ઉદ્દેશ્ય છે. તેમનો આ ઉદ્દેશ્ય પૂર્ણ થયો નથી કારણકે હિઝબુલ્લાહ તરફથી રૉકેટમારો ચાલુ જ છે.

ઇઝરાયલી સેનાના જણાવ્યા પ્રમાણે આ ઉદ્દેશ્ય પૂર્ણ કરવા માટે હિઝબુલ્લાહની રૉકેટ છોડવાની ક્ષમતાને નષ્ટ કરવાની રહેશે. તેમના લડવૈયાઓને સરહદ પાસેથી ખદેડવા પડશે અને હિઝબુલ્લાહની માળખાકિય સવલતોને તબાહ કરવી પડશે.

હવે લોકો પૂછે છે કે આ ઍરસ્ટ્રાઇક હજુ કેટલા ઘાતક અને વ્યાપક હશે. સવાલ એ પણ ઊઠી રહ્યા છે કે શું ઇઝરાયલની સેના દક્ષિણી લેબનોનમાં જમીન પર ઑપરેશન શરૂ કરશે?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.