You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બીબીસી ઍનાલિસીસ: રશિયાના સૈન્યમાં લડતા 70 હજાર લોકોનાં મૃત્યુ કેવી રીતે થયાં?
- લેેખક, ઓલ્ગા ઈવશિના
- પદ, બીબીસી રશિયન સેવા
યુક્રેનમાં રશિયન લશ્કર તરફથી લડતા 70,000થી વધુ લોકો મૃત્યુ પામ્યા હોવાનું બીબીસીએ કરેલા ડેટા વિશ્લેષણમાં જાણવા મળ્યું છે.
પ્રથમ વખત એવું બન્યું છે કે રશિયાએ 2022માં સંપૂર્ણ આક્રમણ શરૂ કર્યું ત્યાર પછી યુદ્ધના મેદાનમાં માર્યા ગયેલા લોકોમાં સ્વયંસેવકો (યુદ્ધ શરૂ થયા પછી સશસ્ત્ર દળોમાં જોડાયેલા નાગરિકો)ની સંખ્યા સૌથી વધુ છે.
યુક્રેનમાં માર્યા ગયેલા લોકોનાં નામ, તેમની શ્રદ્ધાંજલિ અને તેમના અંતિમસંસ્કારના ફોટોગ્રાફ્સ સમગ્ર રશિયાના મીડિયા તેમજ સોશિયલ નેટવર્ક્સ પર દરરોજ પ્રકાશિત થતા રહે છે.
બીબીસી રશિયન અને સ્વતંત્ર વેબસાઇટ મીડિયાઝોનાએ સત્તાવાર અહેવાલો સહિતના અન્ય ઓપન સોર્સમાંથી મળેલાં નામો સાથે તેમનાં નામો એકત્ર કર્યાં છે.
સત્તાવાળા અથવા મૃતકના સંબંધીઓ દ્વારા શૅર કરવામાં આવેલી માહિતી અને આ લોકો યુદ્ધમાં જ મૃત્યુ પામ્યા હોવાની ચકાસણી અમે કરી હતી.
કબ્રસ્તાનમાંની નવી કબરો પરથી પણ યુક્રેનમાં માર્યા ગયેલા સૈનિકોનાં નામ એકત્ર કરવામાં મદદ મળી હતી. સૈનિકોની કબરો સામાન્ય રીતે સંરક્ષણ મંત્રાલય દ્વારા મોકલવામાં આવેલા રાષ્ટ્રધ્વજ અને પુષ્પમાળાઓથી ચિહ્નિત કરવામાં આવતી હોય છે.
અમે યુક્રેનમાં માર્યા ગયેલા 70,112 સૈનિકોનાં નામોની ઓળખ કરી છે, પરંતુ વાસ્તવિક સંખ્યા ઘણી મોટી હોવાનું માનવામાં આવે છે. કેટલાક પરિવારો તેમના સંબંધીઓના મોતની વિગત જાહેરમાં શૅર કરતા નથી અને જેની અમે તપાસ કરી શક્યા નથી તેમનાં નામ અમારા વિશ્લેષણમાં સામેલ નથી. એ ઉપરાંત પૂર્વ યુક્રેનમાં રશિયાના કબજા હેઠળના ડોનટ્સ્ક અને લુહાંસ્કમાંના મૃત લડવૈયાનો સમાવેશ પણ તેમાં થતો નથી.
દર અઠવાડિયે 100 લોકોનાં મૃત્યુ
તે પૈકીના લગભગ 20 ટકા એટલે કે 13,781 સ્વયંસેવકો હતા અને અન્ય શ્રેણી કરતાં સ્વયંસેવકોની જાનહાનિ વધારે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુનાની માફી બદલ સૈન્યમાં જોડાયેલા ભૂતપૂર્વ કેદીઓની સંખ્યા અગાઉ સૌથી વધારે હતી, પરંતુ હવે પુષ્ટિ થઈ હોય તેવા મૃત્યુઆંકમાં તેમની સંખ્યા 19 ટકા છે. યુદ્ધ લડવા માટે બોલાવવામાં આવેલા નાગરિકોના મૃત્યુનું પ્રમાણ 13 ટકા છે.
ગયા વર્ષે ઑક્ટોબરથી સ્વયંસેવકોના મોતનો સાપ્તાહિક આંકડો 100થી નીચે આવ્યો નથી. કેટલાક સપ્તાહમાં 310થી વધુ સ્વયંસેવકો મૃત્યુ પામ્યા હોવાનું અમે નોંધ્યું છે.
યુક્રેનની વાત કરીએ તો તે યુદ્ધના મેદાનમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા બાબતે ભાગ્યે જ વાત કરે છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ ફેબ્રુઆરીમાં જણાવ્યું હતું કે યુક્રેનના 31,000 સૈનિકો માર્યા ગયા છે, પરંતુ અમેરિકાની ગુપ્તચર માહિતી પર આધારિત અંદાજ વધુ નુકસાન સૂચવે છે.
રિનાત ખુસ્નીયારોની કથા મૃત્યુ પામેલા ઘણા સ્વયંસેવકોની લાક્ષણિક કથા છે. રિનાત બાશકોર્ટોસ્તાનના ઉફાના હતા અને તેઓ પરિવારના ભરણપોષણ માટે એક ટ્રામ ડેપોમાં અને એક પ્લાયવૂડ ફૅક્ટરીમાં એમ બે જગ્યાએ નોકરી કરતા હતા.
ગયા નવેમ્બરમાં તેમણે રશિયન સૈન્ય સાથે કરાર કર્યો ત્યારે તેઓ 62 વર્ષના હતા.
તેઓ લડાઈમાં ત્રણ મહિના સુધી બચેલા રહ્યા હતા અને 27 ફેબ્રુઆરીએ માર્યા ગયા હતા. સ્થાનિક ઑનલાઇન મેમોરિયલ વેબસાઇટ પરની શ્રદ્ધાંજલિમાં તેમને “એક મહેનતુ, સંસ્કારી માણસ” તરીકે ઓળખાવવામાં આવ્યા હતા.
અમે જે ડેટાનું વિશ્લેષણ કર્યું હતું તેમાંથી મળેલી માહિતી મુજબ, સૈન્ય સાથે કરાર કરનારા મોટા ભાગના પુરુષો રશિયાનાં એવાં નાનાં શહેરોના હતા, જ્યાં સ્થિર, સારા વેતનવાળી નોકરી મળવી મુશ્કેલ છે.
મોટા ભાગના લોકો સ્વેચ્છાએ સૈન્યમાં જોડાયા હોય તેવું લાગે છે. જોકે, ચેચન્યા પ્રજાસત્તાકમાંના કેટલાક લોકોએ માનવાધિકાર કાર્યકરો તથા વકીલોને જણાવ્યું હતું કે તેમની સાથે બળજબરી કરાઈ હતી અને ધમકી આપવામાં આવી હતી.
કેટલાક સ્વયંસેવકો જણાવ્યું હતું કે તેમણે જે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા તેમાં કોઈ અંતિમ તારીખ ન હતી. એ તેઓ સમજી શક્યા ન હતા. એ પછી તેમણે તેમની સેવા સમાપ્ત કરવામાં મદદ માટે ક્રેમલિન તરફી પત્રકારોનો સંપર્ક કર્યો હતો, જે નિષ્ફળ સાબિત થયો હતો.
દેશના ઓછા સમૃદ્ધ ભાગોમાં મળતા સરેરાશ વેતન કરતાં સૈન્યમાં પાંચથી સાત ગણો વધારે પગાર મળી શકે છે. એ ઉપરાંત સૈનિકોને બાળસંભાળ અને કરમાં છૂટ સહિતના સામાજિક લાભો પણ મળે છે. સૈન્ય સાથે કરાર કરનારા લોકો માટેની એક વખતની ચુકવણીના મૂલ્યમાં રશિયાના ઘણા ભાગોમાં વારંવાર વધારો થયો છે.
યુદ્ધ મોરચે મૃત્યુ પામેલા મોટા ભાગના સ્વયંસેવકો 42થી 50 વર્ષની વયના છે. અમારી પાસેની 13,000 સ્વયંસેવકોની યાદીમાં એવા પુરુષોની સંખ્યા 4,100 છે. માર્યા ગયેલા સૌથી વૃદ્ધ સ્વયંસેવક 71 વર્ષના હતા, જ્યારે 60 વર્ષથી વધુ વયના કુલ 250 સ્વયંસેવકો યુદ્ધમાં મૃત્યુ પામ્યા છે.
સૈનિકોએ બીબીસીને જણાવ્યું હતું કે સ્વયંસેવકોની વધુ જાનહાનિ ફ્રન્ટલાઇન પરના સૌથી પડકારરૂપ વિસ્તારોમાં, ખાસ કરીને પૂર્વના ડોનેટ્સ્ક વિસ્તારમાં થઈ છે. આ સ્વયંસેવકો ત્યાં તહેનાત કરવામાં આવેલા, પરંતુ ઘટતા જતા લશ્કરી યુનિટ્સની મજબૂતી માટે કરોડરજ્જુનું કામ કરે છે.
રશિયાની 'મીટ ગ્રાઈન્ડર' વ્યૂહરચના
અમે જેની સાથે વાત કરી તે રશિયન સૈનિકોના જણાવ્યા મુજબ, રશિયાની “મીટ ગ્રાઇન્ડર” વ્યૂહરચનાનો અમલ અવિરત ચાલી રહ્યો છે. યુક્રેનનાં દળોને ખતમ કરવાં અને તેમનાં ઠેકાણાંને રશિયન આર્ટિલરી દ્વારા ખતમ કરવા મોસ્કો સૈનિકોના જથ્થાને સતત મોકલતું રહે છે તેને વર્ણવવા માટે મીટ ગ્રાઇન્ડર શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે.
ઑનલાઇન શૅર કરવામાં આવેલું ડ્રોન ફૂટેજ દર્શાવે છે કે રશિયન દળો યુક્રેનનાં બહુ ઓછાં સાધનો અથવા તોપખાનાં કે લશ્કરી વાહનોનો ટેકો ન હોય તેવાં થાણાં પર હુમલો કરે છે.
કેટલીક વાર એક જ દિવસમાં સેંકડો લોકો માર્યા ગયા હતા. રશિયન સૈન્યે તાજેતરના સપ્તાહોમાં આવી વ્યૂહરચના વડે પૂર્વ યુક્રેનના ચાસિવ યાર અને પોકરોવસ્ક શહેરોને કબજે કરવાના ભયાવહ, પરંતુ નિષ્ફળ પ્રયાસો કર્યા છે.
રશિયન સંરક્ષણ મંત્રાલયના પ્રાઇમરી મિલિટરી મેડિકલ ડિરેક્ટોરેટ દ્વારા હાથ ધરવામાં આવેલો એક સત્તાવાર અભ્યાસ જણાવે છે કે 39 ટકા સૈનિકો શારીરિક ઈજાને કારણે મૃત્યુ પામ્યા હતા અને પ્રાથમિક સારવાર તથા એ પછીની તબીબી સંભાળ વધુ સારી હોત તો મૃત્યુઆંકમાં નોંધપાત્ર ઘટાડો થયો હોત.
રશિયન સરકારનાં પગલાં સૂચવે છે કે તે સૈન્યમાં ભરતીની નવી, સત્તાવાર યોજના હેઠળ લોકો પર લશ્કરમાં જોડાવાનું દબાણ ટાળવા ઉત્સુક છે. તેના બદલે તે સૈન્યમાં જોડાવાના લાભોમાં વૃદ્ધિ સાથે સ્વયંસેવકોને હાકલ કરી રહ્યું છે.
સ્થાનિક સંસદોમાં પ્રાદેશિક અધિકારીઓની ટિપ્પણી સૂચવે છે કે પોતપોતાના જિલ્લામાંથી લોકોની સૈન્યમાં ભરતીના પ્રયાસનું કામ તેમને ટોચ પરથી સોંપવામાં આવ્યું છે. તેઓ રોજગાર સંબંધી વેબસાઇટ્સ પર જાહેરાત કરે છે, દેવાંની તથા બેલિફની સમસ્યા ધરાવતા પુરુષોનો સંપર્ક કરે છે અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ભરતી ઝુંબેશ ચલાવે છે.
દોષિત કેદીઓને તેમની મુક્તિના બદલામાં સૈન્યમાં જોડાવા પ્રોત્સાહિત કરવાનું કામ 2022થી ચાલે છે, પરંતુ નવી નીતિનો અર્થ એ છે કે જેમની સામે ફોજદારી કાર્યવાહી ચાલી રહી છે તેવા લોકો કોર્ટમાં ખટલાનો સામનો કરવાને બદલે યુદ્ધમાં સામેલ થવાનો સોદો સ્વીકારી શકે છે. બદલમાં તેમની સામેના કેસ અટકાવી દેવામાં આવે છે અને સંભવતઃ સંપૂર્ણપણે પડતા મૂકવામાં આવે છે.
માર્યા ગયેલા સ્વયંસેવકો પૈકીના કેટલાક અન્ય દેશોના હતા. અમે એવા 272 પુરુષોનાં નામ ઓળખી કાઢ્યાં હતાં. એ પૈકીના ઘણા મધ્ય એશિયાના હતા. 47 ઉઝબેકિસ્તાનના, 51 તાજિકિસ્તાનના અને 26 કિર્ગિસ્તાનના હતા.
ગયા વર્ષે રશિયા દ્વારા ભરતીના અહેવાલો ક્યુબા, ઇરાક, યમન અને સર્બિયામાં જોવા મળ્યા હતા. માન્ય વર્ક પરમિટ અથવા વિઝા વિના રશિયામાં પહેલાથી જ રહેતા વિદેશીઓને, તેઓ “સરકાર માટે કામ કરવા” સંમત થાય તો તેમનો દેશનિકાલ કરવામાં આવશે નહીં, એવું વચન આપવામાં આવે છે.
તેઓ યુદ્ધમાંથી બચી જાય તો નાગરિકત્વ માટેનો સરળ માર્ગ ઑફર કરવામાં આવે છે. ઘણા લોકોએ બાદમાં ફરિયાદ કરી હતી કે તેઓ પેપરવર્કને સમજી શક્યા ન હતા. રશિયન નાગરિકોની માફક તેમણે પણ મીડિયાની મદદ માગી હતી.
પોતાના નાગરિકોને યુક્રેન મોકલવાનું બંધ કરવા તથા મૃતકોના મૃતદેહો વતન પરત લાવવાનું આહ્વાન ભારત અને નેપાળની સરકારોએ મોસ્કોને કર્યું છે. જોકે, આ બાબતે અત્યાર સુધી કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી.
સૈન્યમાં જોડાયેલા ઘણા નવા લોકોએ તેમને આપવામાં આવતી તાલીમની ટીકા કરી છે. રશિયન સૈન્ય સાથે ગયા નવેમ્બરમાં કૉન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર કરનાર એક વ્યક્તિએ બીબીસીને જણાવ્યું હતું કે તેમને શૂટિંગ રેન્જમાં બે સપ્તાહની તાલીમનું વચન આપવામાં આવ્યું હતું.
“વાસ્તવમાં લોકોને પરેડ ગ્રાઉન્ડ પર ફેંકી દેવામાં આવ્યા હતા અને કેટલાંક સાધનો આપવામાં આવ્યાં હતાં,” એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે સાધનસામગ્રી પણ ખરાબ રીતે બનાવવામાં આવેલી હતી.
તેમણે કહ્યું હતું, “અમને ટ્રેનોમાં અને પછી ટ્રકોમાં ભરીને આગળ મોકલવામાં આવ્યા હતા. લગભગ અડધા રસ્તે અમને સીધા યુદ્ધમાં ધકેલી દેવાયા હતા. કેટલાક લોકો ભરતીના એક જ સપ્તાહમાં યુદ્ધમોરચે ગયા હતા.”
બ્રિટનમાં રૉયલ યુનાઇટેડ સર્વિસિસ ઇન્સ્ટિટ્યૂટના વિશ્લેષક સેમ્યુઅલ ક્રેની-ઇવાન્સે કહ્યું હતું, “છદ્માવરણ, કેવી રીતે છુપાવું, કે રાત્રે શાંતિથી કેવી રીતે આગળ વધવું અથવા દિવસ દરમિયાન તમારી પ્રોફાઇલ બનાવ્યા વિના કેવી રીતે આગળ વધવું” વગેરે જેવાં પાયદળનાં મૂળભૂત કૌશલ્યોની તાલીમ આપવી જોઈએ.
સાધનસામગ્રી એક સમસ્યા છે, એમ જણાવતાં એક અન્ય સૈનિકે પણ બીબીસીને કહ્યું હતું, “તે સતત બદલાય છે, પરંતુ મોટા ભાગે તે અમુક રેન્ડમ યુનિફૉર્મ્સનો સેટ હોય છે, સ્ટાન્ડર્ડ બૂટ્સ એક જ દિવસમાં નકામા થઈ જાય છે અને એક લેબલવાળી કીટ બેગ હોય છે. લેબલ દર્શાવે છે કે તે 20મી સદીની મધ્યમાં બનાવવામાં આવી હતી.”
“એક હલકું બુલેટપ્રૂફ વેસ્ટ અને સસ્તી હેલમેટ હોય છે. આ સ્થિતિમાં લડવું અશક્ય છે. તમે ટકી રહેવા માગતા હો તો તમારે પોતાનાં સાધનો ખરીદવાં પડે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન