અંધારી ગુફામાં રહી દુનિયાને સમયનું ભાન કરાવનારી વ્યક્તિની કહાણી

તમે તમારા સેલફોનનો ઉપયોગ કરો કે ઘડિયાળનો, શું ટાઇમ થયો છે તે જોવા તમે દિવસમાં ઘણીવાર તેમાં જોતા હશો.

સમય આપણા જીવનમાં મૌલિક ભૂમિકા ભજવે છે અને તેથી જ સૌથી પ્રાચીન સંસ્કૃતિઓએ પણ સૂર્યનો સંદર્ભ તરીકે ઉપયોગ કરીને તેને માપવાનો માર્ગ શોધ્યો હતો.

તમે ક્યારેય વિચાર કર્યો છે કે ક્યારે દિવસ છે અને ક્યારે રાત એની જ આપણને ખબર ન હોય તો શું થાય? સમયનો ટ્રૅક રાખે તેવું કોઈ ઉપકરણ જ ન હોય તો શું થાય?

મિશેલ સિફ્રે નામના એક યુવાન ફ્રેન્ચ ભૂસ્તરશાસ્ત્રીએ 1960ના દાયકામાં પોતાને આ જ પ્રશ્નો પૂછ્યા હતા.

સિફ્રેનું રહસ્ય કહેવાતી અવકાશ સ્પર્ધાના સંદર્ભમાં સર્જાયું હતું, કારણ કે અમેરિકા અને તત્કાલીન સોવિયેત સંઘ વચ્ચે અવકાશમાં વિજય મેળવવાની સ્પર્ધા જગજાહેર હતી.

સોવિયેટ સંઘના યુરી ગાગરીન 1961માં 108 મિનિટ સુધી પૃથ્વીની પરિક્રમા કરીને અવકાશમાં મુસાફરી કરનાર પ્રથમ માનવ બન્યા હતા.

સિફ્રે વિચારતા હતા કે માણસ અવકાશમાં વધુ સમય વિતાવે તો શું થાય? તેની આપણી ઊંઘના ચક્ર પર કેવી અસર થાય?

આ સવાલનો જવાબ મેળવવા માટે તેઓ પૃથ્વીની બહાર જવાને બદલે અંદરની તરફ ગયા હતા.

ગુફાવાસી

સિફ્રેનું તા. 25 ઑગસ્ટના રોજ 85 વર્ષની વયે નીસમાં અવસાન થયું હતું. તેઓ સ્પૅલિઓલૉજિસ્ટ એટલે કે ગુફાઓનો અભ્યાસ કરનાર વિજ્ઞાની તરીકે જાણીતા હતા.

તેમણે 1962માં માત્ર 23 વર્ષની વયે માનવ ક્રૉનોબાયૉલૉજીના ઇતિહાસમાં સૌથી પ્રસિદ્ધ પ્રયોગો પૈકીનો એક પ્રયોગ હાથ ધર્યો હતો. તેમણે જૈવિક લયની પદ્ધતિઓને સમજવા માટે સમર્પિત એક ક્ષેત્રને શોધવામાં મદદ કરી હતી.

તેમણે 130 મીટર ઊંડી ગુફામાં બે મહિના સુધી ધામા નાખ્યા હતા. તેમનો એકમાત્ર સહારો અને પ્રકાશનો સ્રોત ખાણિયાનો લૅમ્પ હતો. જેનો ઉપયોગ તેમણે ખોરાક રાંધવા, વાંચવા અને ડાયરી લખવા માટે કર્યો હતો.

કૅબિનેટ સામયિકના જોશુઆ ફોઅરને 2008માં આપેલી એક મુલાકાતમાં તેમણે કહ્યું હતું, "મેં પ્રાણીની માફક ઘડિયાળ વિના, સમય જાણ્યા વિના, અંધારામાં જીવવાનું નક્કી કર્યું હતું."

સિફ્રેએ આલ્પ્સ પર્વતમાં ભૂગર્ભ ગ્લેશિયર પર આ પ્રયોગ હાથ ધર્યો હતો. એ ગ્લેશિયર તેમણે એક વર્ષ અગાઉ શોધ્યું હતું.

તેમણે કહ્યું હતું, "મેં ગુફાના પ્રવેશદ્વાર પર એક ટીમને તહેનાત કરી હતી. મેં નક્કી કર્યું હતું કે હું જાગીશ, ખાઈશ ત્યારે અને સૂઈ જતાં પહેલાં તેમને કૉલ કરીશ. મને કૉલ કરવાનો મારી ટીમને અધિકાર ન હતો. તેથી બહાર શું સમય હતો તેની મને કોઈ ખબર ન હતી."

આ પ્રયોગ દ્વારા તેઓ દર્શાવી શક્યા હતા કે દરેક મનુષ્ય પાસે "જૈવિક ઘડિયાળ" હોય છે.

જોકે, આપણા રોજિંદા જીવનથી વિપરીત, આશ્ચર્યની વાત એ હતી કે આ ઘડિયાળ 24 કલાકના દિવસ માટેની ન હતી.

ગુફામાં સમય થંભી ગયો

સિફ્રે આઠ અઠવાડિયાં સુધી ગુફામાં રહ્યા હતા. શરીર ઇચ્છે ત્યારે જ તેઓ ખાતા અને ઊંઘતા.

ખાતી અને ઊંઘતી વખતે ટીમને જણાવવા ઉપરાંત સિફ્રેએ બે કામ કર્યાં હતાં - તેમની નાડી માપી હતી અને એકથી 120 સુધીની ગણતરી કરી હતી.

એકથી 120 સુધીની ગણતરી તેમના પ્રયોગની સૌથી આશ્ચર્યજનક શોધ પૈકીની એક તરફ દોરી ગઈ હતી.

સિફ્રેનો ધ્યેય 120 સુધી ગણતરી કરવાનો હતો. તેઓ અંકદીઠ એક સેકન્ડ ગણતા હતા, જ્યારે તેમના સહયોગીઓ વાસ્તવિક સમય રેકૉર્ડ કરતા હતા.

આ રીતે તેમને સમજાયું હતું કે વૈજ્ઞાનિક સમયનો ઘણો ધીમો રેકૉર્ડ રાખે છે.

તેમણે કહ્યું હતું, "મને 120ની ગણતરી કરવામાં પાંચ મિનિટનો સમય લાગ્યો હતો. બીજા શબ્દોમાં કહીએ તો મનોવૈજ્ઞાનિક રીતે મેં પાંચ વાસ્તવિક મિનિટ્સનો અનુભવ એ રીતે કર્યો હતો કે જાણે તે બે મિનિટ હોય."

સિફ્રે ગુફામાંથી બહાર આવ્યા ત્યારે ધીમા સમયની આ લાગણીની પુષ્ટિ થઈ હતી.

બે મહિના પસાર થઈ ગયા હતા, પરંતુ તેમને ખાતરી હતી કે એક જ મહિનો થયો છે.

તેમણે કહ્યું હતું, "મારો માનસિક સમય અડધો થઈ ગયો હતો."

48 કલાક

સિફ્રેનાં તારણો સૂચવે છે કે સૂર્યના ઉદય અને અસ્ત વડે પ્રકૃતિ માર્ગદર્શિત સર્કેડિયન રિધમ (લય) વિના આપણા શરીરમાં આંતરિક ઘડિયાળ હોય તેવું લાગે છે, જે લગભગ 48 કલાકના ચક્રમાં ચાલે છે.

આ સિદ્ધાંતને અન્ય પ્રયોગો દ્વારા મજબૂત બનાવવામાં આવ્યો હતો. એ પ્રયોગો ફ્રેન્ચ સ્પૅલિઓલૉજિસ્ટે તેમની 50થી વધુ વર્ષની કારકિર્દી દરમિયાન હાથ ધર્યા હતા. તેમણે પરીક્ષણ વિષય તરીકે ખુદનો અને અન્યોનો ઉપયોગ કર્યો હતો.

તેઓ તેમના 1962ના પ્રયોગને "સૅપરેશન" કહેતા હતા. એ પછી તેમણે એક મહિલા સહિતના સ્વયંસેવકો સાથે ગુફાઓમાં પાંચ વધુ પ્રયોગો હાથ ધર્યા હતા અને દરેક પ્રયોગ ત્રણથી છ મહિના સુધી ચાલ્યો હતો.

સિફ્રેએ નોંધ્યું હતું કે દરેક વ્યક્તિ આખરે આ 48 કલાકના ચક્રમાં પ્રવેશ કરે છે.

તેમણે કહ્યું હતું, "એ બધા 36 કલાક સતત પ્રવૃત્તિ કરતા હતા. ત્યાર બાદ 12થી 14 કલાક ઊંઘતા હતા."

તેમણે કૅબિનેટ સામયિકને કહ્યું હતું, "આ શોધ કર્યા પછી ફ્રેન્ચ સૈન્યએ મને ઘણું ભંડોળ આપ્યું હતું. તેઓ ઇચ્છતા હતા કે એક સૈનિક માટે જાગૃત અવસ્થામાં તેની પ્રવૃત્તિનું ડુપ્લિકેશન કરવાનું કેવી રીતે શક્ય છે તેનું વિશ્લેષણ હું કરું."

ફ્રાન્સના સંરક્ષણ મંત્રાલયને અન્ય કારણોસર આ પ્રયોગોમાં રસ હતો. તેમણે થોડા સમય પહેલાં જ તેમનો પરમાણુ સબમરીન કાર્યક્રમ શરૂ કર્યો હતો અને તેઓ લાંબા મિશનની ખલાસીઓ પર થતી અસર વિશે જાણવા માગતા હતા.

ફ્રાન્સના સંરક્ષણ મંત્રાલયને જ નહીં, અમેરિકન અવકાશ સંસ્થા નાસા પણ લાંબા ગાળાના સ્પૅસ મિશન્સની અસરોને સમજવા ઇચ્છતી હતી.

બંનેએ સિફ્રેના બીજા અંગત પ્રોજેક્ટ માટે નાણાં પૂરાં પાડ્યાં હતાં. આલ્પ્સની ગુફામાં રહેવાના પ્રથમ પ્રયોગનાં લગભગ 10 વર્ષ પછી 1972માં તેઓ ફરીવાર ભૂગર્ભમાં ગયા હતા. બીજી વખત તેઓ અમેરિકામાં ભૂગર્ભમાં ગયા હતા અને લાંબા સમય માટે ત્યાં રહ્યા હતા.

તેમનો ઉદ્દેશ્ય ટેક્સાસના ડેલ રિયો નજીકની મિડનાઇટ કેવમાં છ મહિના પસાર કરવાનો હતો.

તેમણે કહ્યું હતું, "મને સાઇકોલૉજિકલ ટાઇમની વૃદ્ધત્વ પર થતી અસરોનો અભ્યાસ કરવામાં રસ હતો. સમયને સમજવાની મારી મગજની રીતમાં કોઈ ફેરફાર થયો છે કે કેમ, એ જાણવા માટે દર દસ કે પંદર વર્ષે એક પ્રયોગ કરવાની મારી યોજના હતી."

સિફ્રેનું કહેવું હતું કે, "ભૂગર્ભમાં મોકલેલી મારા સિવાયની દરેક વ્યક્તિની સ્લીપ-વેક અપ સાયકલ 48 કલાકની શા માટે હતી તે શંકાને હું દૂર કરવા ઇચ્છતો હતો."

એ પ્રયોગ 205 દિવસ સુધી (લગભગ સાત મહિના) ચાલ્યો હતો અને આખરે તેમણે પણ 48 કલાકના ચક્રમાં પ્રવેશ કર્યો હતો, પરંતુ એવું નિયમિત રીતે થયું ન હતું.

સિફ્રેએ ઉમેર્યું હતું, "હું સતત 36 કલાક જાગૃત અવસ્થામાં રહેતો હતો. ત્યાર પછી 12 કલાકની ઊંઘ આવી જતી હતી. માત્ર 24 કલાક ચાલેલા દિવસો અને લાંબા દિવસો વચ્ચેનો તફાવત હું પારખી શક્યો ન હતો."

"હું ક્યારેક બે કલાક તો ક્યારેક 18 કલાક ઊંઘતો હતો અને એ બે વચ્ચેનો તફાવત હું સમજાવી શકતો ન હતો."

તેમણે ઉમેર્યું હતું, "મને લાગે છે કે આ એક એવો અનુભવ છે, જેની આપણે બધા કદર કરી શકીએ."

"તે મનોવૈજ્ઞાનિક સમયની સમસ્યા છે. તે મનુષ્યોની સમસ્યા છે. સમય શું છે, તે આપણે જાણતા નથી."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.