બ્રહ્માંડમાં પૃથ્વી સિવાય બીજે ક્યાંક પણ જીવન છે?

જુલાઈ, 2023માં અમેરિકાની એક સંસદીય સમિતિના સભ્યોને ત્રણ વીડિયો બતાવવામાં આવ્યા હતા. તે વીડિયો અમેરિકન નૌકાદળના લડાયક વિમાનોના કૅમેરાએ આકાશમાં રેકૉર્ડ કર્યા હતા.

તે બ્લૅક ઍન્ડ વ્હાઈટ વીડિયોનાં કેટલાંક દૃશ્યો ધૂંધળાં હતાં. તેમાં એક ચમકદાર અંડાકાર ચીજ આકાશમાં ઝડપભેર ઊડતી અને ચકરાવા લેતી જોવા મળતી હતી.

તેને નિહાળી રહેલા નૌકાદળના પાયલટોનો પ્રતિભાવ પણ રેકૉર્ડ થઈ ગયો હતો. તેમની વાતો સાંભળીને એવું લાગતું હતું કે તેઓ આશ્ચર્યચકિત છે.

અમેરિકાએ જાહેર કરેલા વીડિયોમાં શું જોવા મળ્યું હતું?

બન્ને વીડિયો અલગ-અલગ સમયે રેકૉર્ડ કરવામાં આવ્યા હતા અને બન્નેમાં આવી જ રહસ્યમય ચીજ આકાશમાં ઝડપભેર ઊડતી જોવા મળી હતી.

આ વીડિયો ફૂટેજ બહુ પહેલાં લીક થઈ ગયું હતું, પરંતુ અમેરિકાના સંરક્ષણ મંત્રાલયે તેને સત્તાવાર રીતે 2020માં બહાર પાડ્યું હતું.

આ વીડિયો યૂટ્યૂબ પર લાખો લોકોએ નિહાળ્યા હતા, પરંતુ આ વર્ષે જુલાઈમાં અમેરિકન સંસદની એક સમિતિના સભ્યોએ જણાવ્યું હતું કે તેમનો હેતુ સચ્ચાઈના તળ સુધી પહોંચવાનો છે.

આપણે એ જાણવાનો પ્રયાસ કરીશું કે બ્રહ્માંડમાં પૃથ્વી સિવાય બીજે ક્યાં જીવન છે કે નહીં.

આકાશ પર નજર

ગ્રેગ એગિગિયન અમેરિકાની પેન સ્ટેટ યુનિવર્સિટીમાં ઇતિહાસ તથા બાયો એથિક્સના પ્રોફેસર છે. તેઓ કહે છે કે લોકોને આકાશમાં રહસ્યમય ચીજો સદીઓથી દેખાતી રહી છે. ઊડતી રહસ્યમય ચીજોને અનઆઈટેન્ટિફાઈડ ફ્લાઈંગ ઓબ્જેક્ટ્ એટલે કે UFO તરીકે પણ ઓળખવામાં આવે છે.

તેઓ કહે છે, “કેનેથ આર્નલ્ડ નામના એક પ્રાઇવેટ પાઇલટે અમેરિકાના પશ્ચિમ તટ પાસે ઉડાન દરમિયાન કેટલીક ચીજોને એક ખાસ ફૉર્મેશનમાં ઝડપભેર ઊડતી જોઈ ત્યારે 1947માં યુફો બાબતે પહેલી વાર ચર્ચા શરૂ થઈ હતી. કેનેથને એ ચીજો અજબ લાગી હતી.”

“વાત બહુ ઝડપથી, દાવાનળની માફક ફેલાઈ ગઈ અને એક પત્રકારે તેને ફ્લાઈંગ સોસર કે ઊડતી રકાબી એવું નામ આપ્યું. બાદમાં એવી ચીજો યુફો તરીકે ઓળખાતી થઈ. લોકો એવું માનવા લાગ્યા હતા કે આ ચીજો કોઈ બીજા ગ્રહમાંથી આવી હોય તે શક્ય છે. તેથી ઐતિહાસિક દૃષ્ટિએ મહત્ત્વની છે.”

એ પછી યુએફઓ જોવાનો દાવો કરતી ઘટનાઓમાં મોટો વધારો થયો હતો.

ગ્રેગ એગિગિયનના જણાવ્યા મુજબ, 1950માં તો યુએફઓ દેખાવાની ઘટનાનું જાણે કે ઘોડાપૂર આવ્યું હતું. અમેરિકામાં વૉશિંગ્ટન, યુરોપમાં ઈટાલી તથા સ્પેન અને પછી લેટિન અમેરિકામાંથી પણ યુએફઓ જોવા મળ્યાના સમચાર આવવા લાગ્યા હતા.

1954માં ફ્રાંસમાં માત્ર યુફો દેખાયાના જ નહીં, પરંતુ કેટલાક લોકોએ તો દાવો કર્યો હતો કે તેમણે તેમાં માણસોને પણ બેઠેલા જોયા હતા. એ પછી 70, 80 અને 90ના દાયકામાં પણ આવા સમાચાર આવતા રહ્યા હતા.

ગ્રેગ એગિગિયનના જણાવ્યા મુજબ, આવા સમાચારનું કારણ અમુક અંશે શીતયુદ્ધ પણ હતું, જે અમેરિકા, તેના સહયોગી દેશો અને સોવિયેત સંઘ વચ્ચે લગભગ 45 વર્ષ સુધી ચાલુ રહ્યું હતું.

એ દરમિયાન બન્ને પક્ષો એકમેક વિશેની ગુપ્ત જાણકારી એકત્ર કરવા અનેક તરકીબ અજમાવતા હતા. લોકોમાં એવી ધારણા પણ આકાર પામી રહી હતી કે બીજા ગ્રહો પર રહેતા એલિયન્સ હિરોશિમા તથા નાગાસાકી પર થયેલા અણુહુમલાને જોઈ રહ્યા હશે તથા ઉત્સુકતાવશ કે ડરને કારણે એ જાણવા પૃથ્વીનું ચક્કર મારતા હશે.

ગ્રેગ માને છે, “તેનું બીજું કારણ એ છે કે 1950ના દાયકામાં અનેક દેશો વચ્ચે ચંદ્ર પર પહોંચવાની કે તેનાથી પણ આગળ જવાની સ્પર્ધા શરૂ થઈ ગઈ હતી.”

“યુએફઓ સંબંધી ધારણાઓને સ્પેસ એ જ દરમિયાન આવેલી વિજ્ઞાનકથાઓનાં પુસ્તકો અને ફિલ્મોને કારણે બળ મળ્યું હતું. ચંદ્ર કે મંગળ ગ્રહ પર માણસને વસાવવાની શક્યતાની ચર્ચા પહેલી વાર થઈ રહી હતી, કારણ કે ટેક્નૉલૉજીની ક્ષમતા વધી રહી હતી.

દેખીતી વાત છે કે લોકો એવું માનવા લાગ્યા હતા કે આપણી પાસે આ ક્ષમતા હોય તો આપણાથી વધુ વિકસિત સંસ્કૃતિઓ પાસે આના કરતાં પણ ઘણી મોટી ક્ષમતા અને ટેક્નૉલૉજી હશે.”

ગ્રેગ એગિરિયનના કહેવા મુજબ સંભવતઃ 2010 પછી આ વિષયમાં મીડિયાને વધારે રસ પડ્યો હતો અને તેની વિગતવાર ચર્ચા થવા લાગી હતી.

નજર સામેનું સત્ય

રોચેસ્ટર યુનિવર્સિટીમાં ખગોળ વિજ્ઞાનના પ્રોફેસર તરીકે કાર્યરત એડમ ફ્રેન્ક જણાવે છે કે યુફો કે યુએપી વિશેની અત્યાર સુધીની ચર્ચામાં વિજ્ઞાનનો ખાસ સંબંધ રહ્યો નથી, કારણ કે વિજ્ઞાન ધારણાઓ કે કિસ્સાઓ પર નહીં, પરંતુ નક્કર પુરાવાને આધારે કામ કરે છે.

એડમ ફ્રેન્ક કહે છે, “આ બાબતે વિજ્ઞાન અત્યાર સુધી કશું કરી શક્યું નથી તેનું કારણ એ છે કે મોટા ભાગના માહિતી લોકોએ સાંભળેલા કિસ્સાઓ, કહાણીઓ પર આધારિત છે. લોકોની સ્મૃતિ કોઈ વાતનો ખાતરીલાયક પુરાવો હોતી નથી, એ કોણ પણ પોલીસ કર્મચારી કે મનોવિજ્ઞાની પણ કહી શકે. આ સંદર્ભે કામ કરવા માટે જરૂરી માહિતી વિજ્ઞાનીઓ પાસે નથી.”

અલબત્ત, હવે સમય બદલાઈ રહ્યો છે. બીજા ગ્રહો પર જીવન કે ઍડવાન્સ ટેક્નૉલૉજીની શોધવા માટે અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાએ હીટ સિગ્નેચરનો જે પ્રોજેક્ટ શરૂ કર્યો છે તેના મુખ્ય તપાસકર્તાઓમાં એડમ ફ્રેન્કનો પણ સમાવેશ થાય છે.

તેમને કહેવા મુજબ, સૌથી મહત્ત્વનો સવાલ એ છે કે શોધ ક્યાં કરવી.

“દાખલા તરીકે, તમારે નેબ્રાસ્કામાં રહેતી કોઈ વ્યક્તિને શોધવી હોય તો તેને હિમાલયના કોઈ ગામમાં નહીં, પણ નેબ્રાસ્કામાં જ શોધવી પડે. આ વાત એલિયન્સને પણ લાગુ પડે છે. સૌરમંડળમાં 400 અબજ તારા છે અને સંખ્યાબંધ ગ્રહો છે. પૃથ્વી તો હિમાલયના એક નાના ગામ જેવી છે. એલિયન્સને એ ગ્રહો પર જઈને શોધવા પડશે, જ્યાં તેઓ રહે છે.”

અમેરિકન સંસદીય સમિતિ સમક્ષ નૌકાદળના પાઇલટોએ આપેલી જુબાની બાબતે એડમ ફ્રેન્ક જણાવે છે કે તેની પારદર્શક ચર્ચા તથા તપાસ થાય તો બહેતર, પરંતુ યુએપીના અવશેષ મળ્યાના વ્હિસલ બ્લોઅરના દાવાને તેઓ શંકાસ્પદ ગણે છે.

એડમ ફ્રેન્ક કહે છે, “આ બધું તો એક્સ ફાઈલ્સના એપિસોડ જેવું લાગે છે. છેલ્લાં 70 વર્ષમાં કોઈને એલિયન્સ કે યુએપીના અવશેષોનો કોઈ ફોટોગ્રાફ મળ્યો નથી, એ વાત પર વિશ્વાસ કરવો મશ્કેલ છે. બીજી વાત પણ વિચારો. તારાઓ અને સૌરમંડળો વચ્ચે એટલું મોટું અંતર છે કે તેની ગણતરી કરવામાં જ આપણું દિમાગ ચકરાવે ચડી જાય. કોઈ જીવ કે સંસ્કૃતિ પાસે એટલી ઍડવાન્સ ટેક્નૉલૉજી છે કે તેઓ આટલું લાંબું અંતર કાપી શકે અને અહીં આવીને તેમનું યાન દુર્ઘટનાગ્રસ્ત થઈ જાય એમ કહેવું અવિશ્વસનીય લાગે છે.”

એડમ ફ્રેન્કે જણાવે છે, કોઈ ચીજ ઊડતી દેખાતી હતી તે વીડિયોનું નાસાના વિજ્ઞાનીઓએ આકલન કર્યું હતું, પરંતુ તેની ગતિ પ્રતિ કલાક માત્ર 40 માઈલ હતી, જે એક્સ્ટ્રાટેસ્ટ્રિયલ ગતિ નથી. તેનો અર્થ એ થાય કે નક્કર પુરાવા વિના વિજ્ઞાનીઓ તેને અટકળ જ ગણશે.

એડમ ફ્રેન્ક કહે છે, “આપણે પાસે જેમ્બ વેબ જેવું શક્તિશાળી ટેલિસ્કૉપ છે. તે અનેક પ્રકાશવર્ષ દૂર બીજા ગ્રહોમાં એલિયન્સની દુનિયામાં ડોકિયું કરવા સમર્થ છે. ત્યાં ઓક્સિજન હોય તો ટેલિસ્કૉપ તેની ભાળ પણ મેળવી શકે છે. આપણને તે ગ્રહની બાયો સિગ્નેચર મળી જશે તો ખબર પડશે કે ત્યાં કેવા પ્રકારનું જૈવ વિવિધ્ય છે.”

એડમ ફ્રેન્કના કહેવા મુજબ, એસ્ટ્રોબાયૉલૉજીમાં જે પ્રકારે ક્રાંતિ આવી રહી છે, તેનાથી લાગે છે કે પૃથ્વી બહાર જીવન છે કે નહીં તેની વર્તમાન પેઢીને જ ખબર પડી જશે.

એક્સ્ટ્રા ટેરેસ્ટ્રિયલ પ્રભાવ

ચેલ્સી હેરેમિયા બ્રિટનની સેટી સંસ્થાના પોસ્ટ-ડિટેક્શન હબનાં સભ્ય છે. સેટી એટલે સર્ચ ફૉર એક્સ્ટ્રા ટેરિસ્ટ્રિયલ ઇન્ટેલિજન્સ. આ હબનું કામ, એલિયન્સની ભાળ મળી જાય તો તેની ટેક્નૉલૉજીના સામના માટે માણસોને તૈયાર કરવાનું છે.

ચેલ્સી હેરિમિયા બીબીસીને કહે છે, “એલિયન્સની ભાળ મળી જાય તો શું કરવું તેની કોઈ યાદી અમારી પાસે નથી. ઘણો બધો આધાર તત્કાલીન પરિસ્થિતિ પર હશે. તેમાં આપણે ન્યાય તથા શોષણ જેવા મુદ્દાઓ વિશે વિચારવું પડશે. જે લોકો સત્તા પર હોય તેઓ આવી પરિસ્થિતિમાં શોષણનો પ્રયાસ કરતા હોય છે, ખરાબ વ્યવહાર કરતા હોય છે એ આપણે જાણીએ છીએ. ધરતી પર આપણે બીજી જગ્યાએથી આવનારાઓને એલિયન્સ કહીએ છીએ. તેમની સાથે માણસાઈભર્યું વર્તન કરતા નથી.”

કેટલીક સરકારો અન્ય સરકારોની સરખામણીએ વધારે ખરાબ વર્તન કરતી હોય છે એવું સામાન્ય રીતે જોવા મળે છે. વધારે અમાનવીય હોય છે, છતાં એલિયન્સની ભાળ મેળવ્યા બાદ તેની સાથે સંપર્ક કઈ રીતે સ્થાપિત કરવો એ પણ મોટો સવાલ હશે.

ચેલ્સી હેરેમિયા કહે છે, “કેટલીક સરકારો નૈતિક રીતે યોગ્ય નિર્ણય કરશે અને કેટલીક એવું નહીં કરે. કેટલાક લોકો માટે તે તાકાત આંચકી લેવાની તક હશે. કેટલીક સરકાર એક્સ્ટ્રા ટેરેસ્ટ્રિયલ સાથે સંપર્કનો એકાધિકાર મેળવવાના પ્રયાસ કરે તે શક્ય છે. કેટલાક લોકો એ વિશેની જાણકારી શેર નહીં કરે. આ વિજ્ઞાનના ઉપયોગની નૈતિકતાનો મુદ્દો છે.”

આમાં અનેક સરકારોએ સાથે મળીને કામ કરવું પડશે. તેમાં અડચણ આવી શકે છે, કારણ કે આ માટે સરકારોએ એકબીજા સાથે પોતાની વિશેષ ટેક્નૉલૉજી શેર કરવી પડે તે શક્ય છે.

ચેલ્સી હેરેમિયા માને છે, આ આસાન નહીં હોય.

“એકમેકની સાથે આ પ્રકારની વૈજ્ઞાનિક ટેક્નૉલૉજી શેર કરવાનું, માહિતીનું આદાનપ્રદાન અને સમન્વય કેટલીક સરકારો માટે બહુ પડકારજનક હશે. આ જટિલ માહિતી લોકો સુધી પહોંચાડવાનું મુશ્કેલ હશે. માનવજાતના ઇતિહાસની આ મહત્ત્વની ઘડીમાં નૈતિકતા સાથે કામ કરવું બહુ મહત્ત્વનું હશે.”

યુએપી જોયાનો દાવો કરતા ભૂતપૂર્વ તથા વર્તમાન ગુપ્તચર અધિકારીઓ, વ્હિસલ બ્લોઅર અને એવા લોકોનું કહેવું છે કે પૃથ્વી બહાર જીવનનું અસ્તિત્વ છે, પરંતુ ચકાસણી કરી શકાય તેવા સજ્જડ પુરાવા નહીં મળે ત્યાં સુધી વિજ્ઞાનીઓ એ વાત માનવાના નથી.

અલબત્ત, ગ્રેગ એગિગિયન માને છે, “યુએપી આપણા સામાજિક હકીકત છે. આપણે તેને આપણી સામાજિક હકીકતનો હિસ્સો બનાવી લીધા છે. તેથી તેનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો જરૂરી છે.”