You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચંદ્રયાન: પ્રજ્ઞાન અને વિક્રમ સાથે સંપર્ક ન થયો, બંને ઍક્ટિવ નહીં થાય તો શું થશે?
- લેેખક, લુક્કુજુ શ્રીનિવાસ
- પદ, બીબીસી ગુજરાતી માટે
22મી સપ્ટેમ્બરના સૂર્યોદયની ભારતમાં ખૂબ રાહ જોવાઈ રહી હતી. પરંતુ આ સૂર્યોદય પૃથ્વી પર નહીં બલકે ચંદ્ર પર થવાનો હતો.
પહેલાં ઇસરો વિક્રમ લૅન્ડર અને પ્રજ્ઞાન રોવરને જગાડવાની કોશિશ કરવાનું હતું. પરંતુ હવે ઇસરોએ કહ્યું છે કે હવે ફરીથી શનિવારે આનો પ્રયાસ કરાશે.
ઇસરોના સ્પેસ ઍપ્લિકેશન સેન્ટરના નિદેશક નિલેશ દેસાઈએ કહ્યું, “અગાઉ અમે પ્રજ્ઞાન અને વિક્રમને આજે એટલે કે 22 સપ્ટેમ્બરના રોજ ઍક્ટિવેટ કરવાના હતા, પરંતુ અમુક કારણોસર અમે આ પ્રયત્ન શનિવારે કરીશું.”
તે બાદ શુક્રવાર સાંજે ઇસરએ એક્સ પર નિવેદન જાહેર કર્યું.
ઇસરોએ પોતાના નિવેદનમાં કહ્યું કે, “વિક્રમ અને પ્રજ્ઞાન સાથે સંપર્ક સ્થાપિત કરવાના પ્રયાસ કરાયા છે. હજુ સુધી અમને બંને પાસેથી કોઈ સિગ્નલ મળ્યું નથી. સંપર્કના પ્રયાસ ચાલુ રહેશે.”
માત્ર 14 દિવસનું જીવન
ચંદ્ર પર લૅન્ડર અને રોવરનું આયુષ્ય માત્ર 14 દિવસનું છે. ચંદ્ર પરનો એક દિવસ પૃથ્વી પરના 29 દિવસ બરાબર હોય છે. એકલે કે ચંદ્ર પર એક દિવસનો 14 દિવસ અને 14 રાત્રી.
23મી ઑગસ્ટે ચંદ્ર પર દિવસ શરૂ થયો હતો એ જ દિવસે ઇસરોનું લૅન્ડર ત્યાં લૅન્ડ થયું હતું. તારીખ 4 સપ્ટેમ્બરના રોજ ઇસરોએ લૅન્ડરને અને રોવરને ચંદ્ર પર દિવસ પૂરો થાય એ પહેલાં સ્લીપ મોડમાં મોકલી દીધાં હતાં.
લૅન્ડર અને રોવરને કામ કરવા માટે વીજળીની જરૂર છે. ચંદ્ર પર સૂર્યપ્રકાશ હોય ત્યારે જ તે સોલર પૅનલથી ઊર્જા મેળવી શકે છે. પણ જ્યારથી રાત્રી શરૂ થાય તેમને ઊર્જા નથી મળી. રાત્રે ચંદ્ર પર તાપમાન ઘણું નીચે જતું રહે છે. નાસા અનુસાર તે માઇનસ 130 (-130 ડિગ્રી) જેટલું થઈ જાય છે અને કેટલાક વિસ્તારમાં તે (-253 ડિગ્રી) થઈ જાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઈસરોના ચીફ સોમનાથે મીડિયા સંબોધનમાં અગાઉ કહ્યું હતું, "રાત્રે ચંદ્ર પરનું તાપમાન માઇનસ 200 ડિગ્રીથી પણ નીચું જતું રહે છે. આવા તીવ્ર વાતાવરણમાં બૅટરી અને ઇલેક્ટ્રિકલ ઉપકરણોને નુકસાન થાય છે. પણ અમે કેટલાક ટેસ્ટ કર્યાં છે. આથી વિક્રમ અને પ્રજ્ઞાન આવી સ્થિતિમાં પણ ફરીથી કામ કરી શકે એવી શક્યતા છે."
જો તે ફરી ઍક્ટિવેટેડ ન થાય તો?
ઈસરોનું કહેવું છે કે, રોવરને ફરી સક્રિય કરવાની કોશિશ કરી રહ્યું છે જે ચંદ્ર પર સ્લીપ મોડમાં છે. ઇસરો કહે છે કે બૅટરી પણ સંપૂર્ણ ચાર્જ્ડ છે. લૅન્ડર અને રોવરના રિસિવર્સ કાર્યરત છે.
જો ઇસરો લૅન્ડર અને રોવરને ચાલુ કરી દે છે, તો તેમને ચંદ્ર પરથી વધુ માહિતીઓ મળી હશે તે પણ તે પૃથ્વી પર મોકલશે. નહીં તો તે ‘ઍમ્બેસડર ઑફ ઇન્ડિયા’ તરીકે હંમેશાં ત્યાં જ રહી જશે.
જો તે ઍક્ટિવેટેડ ન થયું તો શું થશે? શું તે ફરીથી ભવિષ્યમાં કામ કરશે એવી શક્યતા છે? શું અન્ય દેશોના રોવર જે ચંદ્ર પર જશે તે તેમાંથી સિક્રેટ માહિતી મેળવી લેશે? આવા ઘણા પ્રશ્નો છે.
આ સવાલોના જવાબ માટે બીબીસી તેલુગુએ પ્રોફેસર પી. શ્રીનિવાસ સાથે વાત કરી જેઓ વિશાખાપટ્ટનમમાં આંધ્રા યુનિવર્સિટીમાં ભૌતિકવિજ્ઞાન વિભાગમાં સ્પેસ ફિઝિક્સના પ્રોફેસર છે.
તેઓ અહીં ઇસરોના જીયોસ્ફિયર-બાયોસ્ફિયર પ્રોજેક્ટમાં છેલ્લાં છ વર્ષોથી કામ કરી રહ્યા છે. ચંદ્રયાન-3 સંબંધિત વિવિધ બાબતોનું વિશ્લેષણ કરનારા ફિઝિક્સ ઍક્સપર્ટની ટીમમાં પણ તેઓ સામેલ છે.
શું તે ચંદ્રપ્રકાશથી રિચાર્જ ન થઈ શકે?
ચંદ્ર પર રાત્રે વીજળી પેદા ન થઈ શકે. રાત્રે ત્યાં અંધારું હોય છે. પૃથ્વી ચંદ્ર પરથી પ્રકાશ મેળવે છે પરંતુ ચંદ્રની સપાટી પર પ્રકાશ નથી હોતો. આથી રોવરને રાત્રે રિચાર્જ કરવું શક્ય નથી.
લૅન્ડર અને રોવરને પૃથ્વી પર ન લાવી શકાય?
કોઈ પણ દેશ જે સ્પેસ રિસર્ચ કરે છે તે ચંદ્ર પર માત્ર માહિતી મેળવવા માટે જ રોવર મોકલે છે. આમ દેશો તેને પરત લાવવા નથી ઇચ્છતા કે ન તેને ફરીથી વાપરવા ઇચ્છે છે. કેમ કે તેને ફરીથી પૃથ્વી પર લાવવા થતાં ખર્ચામાં એક નવું મિશન પાર પાડી શકાય છે.
જો તે ફરી કામ ન કરે તો શું થશે?
જો 22મી સપ્ટેમ્બરે સૂર્યપ્રકાશ પડવા છતાં તે કામ નહીં કરે તો તે હંમેશાં માટે કામ નહીં કરે. કેમ કે તેનું આયુષ્ય 14 દિવસનું જ રહે એ રીતે ડિઝાઇન કરાઈ છે. જો તે કામ કરે છે તો, એ બોનસ હશે. જો તે કામ નહીં કરે તો ચંદ્રની સપાટી પર કચરા તરીકે ત્યાં જ હંમેશાં માટે પડ્યું રહેશે.
શું તે ભવિષ્યમાં ફરીથી સક્રિય થઈ શકશે?
તેને ફરીથી સક્રિય ન કરી શકાય. આ દિશામાં કોઈ પ્રયોગો નથી થયા ન અત્યાર સુધી આવી તકનીકનો વિકાસ થયો છે. જોકે ભવિષ્યમાં અન્ય રૉવર મોકલીને સક્રિય કરવાની તકનીક વિકસાવવાની વિચારણા ચાલી રહી છે. પણ આવું થતાં ઘણી વાર લાગશે.
શું પ્રજ્ઞાન રોવરે કોઈ માહિતી આપી?
રોવર અને લૅન્ડર ચંદ્રની સપાટી પર એક કાટમાળ ગણવામાં આવે છે. આપણે તેના થકી કોઈ માહિતી ન મેળવી શકીએ.
શું વિદેશના રૉવર ત્યાં જઈને પ્રજ્ઞાનમાંથી મહત્ત્વની માહિતી મેળવી શકશે?
ગુપ્ત માહિતીઓ તે ન મેળવી શકે. કેમ કે જ્યારે કોઈ દેશ સ્પેસમાં રોવર લૉન્ચ કરશે તો તેઓ અન્ય દેશો સાથે તેની માહિતી પણ શેર કરશે. આથી પ્રજ્ઞાનમાંથી કોઈ નવી માહિતી નહીં લેવામાં આવે. રોવર જે માહિતી મોકલે એ ખૂબ કિંમતી હોય છે. પણ તે રોવર કે લૅન્ડરમાં સ્ટોર નહીં રહેે. આથી તેમાં કોઈ સિક્રેટ માહિતીઓ નથી.