એલિયન હોય છે કે નહીં, નાસાએ આ સવાલનો શો જવાબ આપ્યો?

    • લેેખક, બ્રેન્ડન લીવસી
    • પદ, બીબીસી ન્યૂઝ

તાજેતરમાં ભારતની અવકાશ સંશોધન સંસ્થા ઇસરોએ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક યાન ઉતારી અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી બતાવી હતી.

ઇસરોના ચંદ્રયાન-3ની આ સફળતાની નોંધ સમગ્ર વિશ્વમાં લેવાઈ હતી.

ચંદ્રયાન-3ના ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ ઉતરાણ બાદ ચંદ્રનાં રહસ્યો અંગે માનવસમજ વધુ સમૃદ્ધ થવાની આશા જાગી હતી.

આ સાથે જ બ્રહ્માંડનાં અન્ય રહસ્યોને લઈને પણ લોકોમાં કુતૂહલ જોવા મળ્યું હતું.

આવું જ એક રહસ્ય છે, એલિયન એટલે કે પરગ્રહવાસીઓ અંગેનું.

ફિલ્મો અને સાયન્સ ફિક્શન નવલકથાઓમાં કરાયેલી એલિયન અને પૃથ્વી સિવાય અન્યત્રે જીવન અને સભ્યતાની કલ્પના આપણા પૈકી ઘણાને આકર્ષિત કરે છે.

અવકાશમાંથી એલિયન ધરતી પર આવ્યાની વાતો અનેક વાર વહેતી થઈ છે.

ઘણા લોકો પોતે એલિયનના સંપર્કમાં આવ્યાનો દાવો કરે છે, તો ઘણા એલિયનના સહઅસ્તિત્વની પણ વાત કરે છે.

સમગ્ર વિશ્વમાં ઘણાં સંશોધકો આ દિશામાં નિશ્ચિત પરિણામ હાંસલ કરવાના આશયથી સંશોધન કરી રહ્યા છે. ઘણા દેશોની સંસ્થાઓ પણ આ દિશામાં પ્રયાસ કરી રહી છે. પરંતુ તાજેતરમાં કંઈક એવું બન્યું કે જેણે આ રહસ્યને વધુ ઘેરું બનાવી દીધું.

નાસાએ માનવજાતને સદીઓથી મૂંઝવતા આ સવાલ અંગે એક રિપોર્ટ જાહેર કર્યો હતો.

નાસાના રિપોર્ટમાં શું બહાર આવ્યું?

અમુક દિવસ પહેલાં કેટલાક સંશોધકોએ બે એલિયન જેવી દેખતી ‘દેહાકૃતિ’ મેક્સિકોની સંસદમાં રજૂ કરી.

આ દૃશ્યો પર આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ બરાબર એ જ સમયે જાહેર કરેલ યુએફઓ રિપોર્ટ (અનઆઇડેન્ટિફાઇડ ફ્લાઇંગ ઑબ્જેક્ટ)માં જણાવ્યું હતું કે એલિયનના અસ્તિત્વના કોઈ પુરાવા નથી મળ્યા.

અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ સેંકડો અનઆઇડેન્ટિફાઇડ ફ્લાઇંગ ઑબ્જેક્ટ અંગે હાથ ધરેલા અભ્યાસનો એક રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં તેણે દાવો કર્યો છે કે પરગ્રહવાસીઓના અસ્તિત્વની સંભાવના સંપૂર્ણપણે નકારી શકાય નહીં, પરંતુ તેમના અસ્તિત્વના કોઈ પુરાવા પણ હજુ સુધી નથી મળ્યા.

તેમણે કહ્યું એલિયન હોવાની વાતને નકારી ન શકાય. પણ સાથે જ તે હોવાના કોઈ પુરાવા પણ નથી મળ્યા.

આ રિપોર્ટની ઘણા સમયથી રાહ જોવાતી હતી. પણ તેમાં કોઈ નવી માહિતી કે એલિયન હોવા અંગેના કોઈ પુરાવા સામે નથી આવ્યા.

જોકે, નાસાએ જાહેર કરેલા રિપોર્ટમાં એ પણ જણાવાયું છે કે ઍડ્વાન્સ ટેકનૉલૉજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી નાસા કેવી રીતે (અનઆઇડેન્ટીફાઇડ અનૉમલસ ફિનૉમેના એટલે કે UAP)ની તપાસ ચાલુ રાખશે.

નાસાના ઍડમિનિસ્ટ્રેટર બિલ નેલ્સને કહ્યું કે અમે UAP ના અભ્યાસ અંગે વધુ પારદર્શિતા સાથે કેટલાક ડેટા જાહેર કરીશું.

36 પાનાંના રિપોર્ટમાં ટેકનિકલ અને વૈજ્ઞાનિક અવલોકનોનો સમાવેશ કરાયો છે.

એલિયનના અસ્તિત્વની શક્યતા કેટલી?

નાસાએ UAP દેખાયા હોય તેવી સેંકડો ઘટનાની તપાસ કરી. જોકે, રિપોર્ટના અંતિમ પાને લખાયું છે કે UAP દેખાવાની ઘટના પાછળ એલિયન હોવાની વાત અંગેના કોઈ નક્કર પુરાવા નથી મળ્યા.

અહેવાલમાં એવું પણ કહેવાયું છે કે સૌરમંડળમાંથી પસાર થતા આવા જ ઑબ્જેક્ટ પૃથ્વીવાસીઓએ પણ જોયા હશે.

જોકે, રિપોર્ટમાં પરગ્રહવાસીઓના અસ્તિત્વ અંગે નક્કર માહિતી આપતું કશું નથી. જોકે, સાથે જ નાસાએ પૃથ્વીના વાતાવરણમાં ‘અજાણી એલિયન ટેકનૉલૉજી’ કાર્યરત હોવાની વાતનોય ઇનકાર નથી કર્યો.

નાસાના સાયન્સ મિશન ડિરેક્ટોરેટનાં ઍસોસિએટ ઍડમિનિસ્ટ્રેટર નિકોલા ફોક્સે કહ્યું કે પૃથ્વી પર UAP એય એક રહસ્યમય વસ્તુઓ પૈકી એક છે. અને આ રહસ્યનું કારણ યોગ્ય ડેટાનો અભાવ છે.

નિકોલાએ ઉમેર્યું કે UAP હોવાનું કહેવાય છે પણ તેના અસ્તિત્વના પુરાવા કે તે અંગેના વૈજ્ઞાનિક ડેટા નથી મળ્યા, જેનાથી તેમના અસ્તિત્વ અંગે નક્કરપણે કંઈ કહી શકાય.

નિકોલાએ જાહેરાત કરી કે ભવિષ્યમાં UAPના સંશોધન અને તપાસ માટે તેની વ્યાપક ડેટાબેઝ સિસ્ટમ વિકસાવવા એક નવા ડિરેક્ટરની નિમણૂક કરાઈ છે.

નવા ડિરેક્ટર સંશોધનની પ્રગતિની ચકાસણી અને ડેટા એકઠા કરવા માટે એઆઈ ટેકનૉલૉજી અને મશીન લર્નિગ ટૂલ્સનો ઉપયોગ કરશે.

મેક્સિકોની સંસદમાં શું બતાવાયું?

આ અઠવાડિયાની શરૂઆતમાં પોતાની જાતને UFO તજજ્ઞ ગણાવતા જેમી મોસને મેક્સિકોની સંસદમાં બે આકૃતિ રજૂ કરીને એ એલિયન હોવાનો દાવો કર્યો હતો. આ ઘટનાનાં દૃશ્યો વાઇરલ થયાં. સમગ્ર બાબતે બીબીસીના સંવાદદાતા સેમ કેબરલે નાસાની પૅનલ સાથે વાત કરી હતી.

સંસદમાં આ બે આકૃતિ બતાવ્યા બાદ જેમી મોસને મેક્સિકોના પત્રકારોને સંબોધવા એક પત્રકારપરિષદનું પણ આયોજન કર્યું હતું.

જેમાં કહેવાયું હતું કે વર્ષ 2017માં પેરુના કુસ્કોમાં આ આકૃતિઓની ઓળખ કરાઈ હતી. અને રેડિયોકાર્બન ટેસ્ટથી જાણવા મળ્યું કે આ કહેવાતાં એલિયન 1800 વર્ષ જૂનાં છે.

જોકે, મેક્સિકોની સંસદમાં જે કંઈ પણ બતાવાયું, તેની વિશ્વસનીયતાને લઈને વૈજ્ઞાનિકોને શંકા છે.

UFOના સંશોધન માટેના નવા ડિરેક્ટર

UAPના સંશોધન માટે નાસા નવા ડિરેક્ટરની નિમણૂક કરાઈ છે. પણ તેમનું નામ ગુપ્ત રાખવામાં આવ્યું છે.

નાસાએ UAPના સંશોધનમાં પારદર્શીતા માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે. તેના માટે ગુરુવારે એક બેઠક પણ યોજાઈ હતી. નવા ડિરેક્ટરની ભૂમિકા અને તેમનું પગારધોરણ પણ ગુપ્ત રાખવામાં આવ્યું છે.

નામ જાહેર ન કરવાનું અન્ય એક કારણ જોખમેય છે.

ડૉક્ટર ડેનિયલ ઇવાન્સ નાસાના આસિસ્ટન્ટ ડેપ્યુટી ઍડમિનિસ્ટ્રેટર ફૉર રિસર્ચ છે. તેમણે કહ્યું કે UAP સંશોધન પૅનલના સભ્યોને ધમકી મળી રહી છે.

તેમણે કહ્યું કે નાસાએ સંશોધન પૅનલના સભ્યોની સુરક્ષાને તેમણે ગંભીરતાથી લીધી છે. ધમકી મળી હોવાના કારણે UAP રિસર્ચ ડિરેક્ટરનું નામ જાહેર નથી કરાયું.

નાસાએ સંશોધન માટે શું પ્રસ્તાવ મૂક્યો?

રિપોર્ટમાં જણાવ્યાનુસાર આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ અને મશીન લર્નિગ ટૂલ્સ UAPની શોધમાં ખૂબ જ જરૂરી છે.

નાસાએ કહ્યું UAPને સમજવામાં ડેટાનો અભાવ એ સૌથી મોટો પડકાર છે.

તેણે ઉમેર્યું કે ટેકનિકથી ક્રાઉડક્રોસિંગ કરીને તેઓ આ સમસ્યાને ઓછી કરવા માગે છે.

અહેવાલમાં એ પણ રહેવાયું છે કે UAP અંગેના ડેટા એકઠો કરવાની કોઈ નક્કી કરાયેલી પદ્ધતિ નથી. અને એ જ કારણ છે કે આ ડેટા હજી સુધી અપૂરતો છે.