'તેમની લડત, હિંમત અને ક્યારેય ચૂપ ન રહેવાની જીદને સલામ'- ઝકિયા જાફરીને તેમના પરિવારજનો અને સાથીઓ કેવી રીતે યાદ કરી રહ્યા છે?

    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

"મને હંમેશાં એવું લાગતું હતું કે ગુલબર્ગ સોસાયટીના તેમના ઘર બહાર તેઓ હંમેશાં અસ્વસ્થ રહેતાં હતાં, તેઓ હરહંમેશ પોતાના ઘરને યાદ કરતા હતા અને અમદાવાદથી બહાર હોવા ઉપરાંત પણ હંમેશાં અમદાવાદ આવવા માટે તત્પર રહેતાં હતાં. તેઓ અમદાવાદને ખૂબ પ્રેમ કરતાં હતાં," આ શબ્દો ઝકિયા જાફરીનાં દીકરી નીશરીન જાફરી હુસૈનના છે.

વર્ષ 2002નાં ગુજરાત રમખાણોમાં પોતાના જીવનસાથી અને કૉંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ અહેસાન જાફરીને ગુમાવનારાં ઝકિયા જાફરીનું 1 ફેબ્રુઆરી, 2025ના રોજ રોજ અમદાવાદમાં તેમનાં દીકરી નીશરીનના ઘરે અવસાન થયું હતું.

ઝકિયા જાફરી 2002નાં રમખાણો સંદર્ભે થયેલા કેસોમાંથી ગુલબર્ગ સોસાયટીના કેસમાં ઉપલબ્ધ અંતિમ ન્યાયિક વિકલ્પ સુધી લડત ચલાવવા માટે જાણીતાં હતાં.

28 ફેબ્રુઆરી, 2002ના ટોળાએ રોજ મુસ્લિમોની બહુમતી ધરાવતી અમદાવાદની ગુલબર્ગ સોસાયટી પર હુમલો કરીને ઘણા લોકોને જીવતા સળગાવી દીધા હતા. એ સમયે ઘણા મુસ્લિમોએ ટોળાથી બચવા માટે અહેસાન જાફરીના ઘરમાં આશરો લીધો હતો. આ હુમલામાં જાફરી સહિત 69 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

માતાના મૃત્યુ બાદ નીશરીને બીબીસી સાથે તેમની માતાના ન્યાય મેળવવા માટેના સંઘર્ષની વાત કરી હતી.

બીબીસી ગુજરાતીએ ઝકિયા જાફરીના ન્યાય માટેના સંઘર્ષ વિશે જાણવા માટે અમેરિકામાં સ્થાયી થયેલાં પરંતુ હાલ ગુજરાત આવેલાં તેમનાં દીકરી નીશરીન સાથે વાત કરી હતી.

નીશરીન હાલ પોતાનાં માતાને મળવા અમદાવાદના જુહાપુરા ખાતેના પોતાના ઘરે આવેલાં હતાં.

બીબીસી ગુજરાતીને નીશરીને જણાવ્યું કે 2002નાં તોફાનો બાદ ઝકિયા જાફરીએ કેવી રીતે પોતાના પરિવારને ફરીથી બેઠો કર્યો અને કેવી રીતે તેઓ તોફાન પીડિતોનાં અવાજ બની ગયાં હતાં.

નોંધનીય છે કે વર્ષ 2006માં દાખલ કરેલી તેમની અરજીને કારણે ભારતની સુપ્રીમ કોર્ટે ગુજરાતનાં તોફાનોની તપાસ માટે એક ખાસ તપાસ સમિતિની (એસઆઇટી) રચના કરી હતી.

જોકે, તેમની અરજી બાદ તેમને અપેક્ષા મુજબનો ચુકાદો મળ્યો ન હતો અને એસઆઇટીએ આરોપીઓને ક્લીનચિટ આપી દીધી હતી.

'તેમની વાતો ગુલબર્ગ વિના પૂરી નહોતી થતી'

પોતાનાં માતા વિશે વાત કરતાં નીશરીને બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, "તેમનાં માતા મધ્ય પ્રદેશના એક નાનકડા ગામમાં જન્મ્યાં હતાં અને 20 વર્ષની ઉંમરમાં તેમનાં લગ્ન થયાં અને ત્યારથી તેમણે અમદાવાદને જ પોતાનું ઘર બનાવી લીધું હતું, અમદાવાદીઓને જ પોતાનો પરિવાર બનાવી લીધો હતો."

અમદાવાદમાં 'આક્રોશની આગમાં નષ્ટ થયેલી ગુલબર્ગ સોસાયટી' સાથેના તેમના જોડાણ અંગે વાત કરતાં નીશરીન કહે છે, "તેઓ મારી સાથે અમેરિકા હોય કે પછી મારા ભાઈ સાથે સુરતમાં રહેતાં હોય, તેમની આંખો હંમેશાં અમદાવાદના ગુલબર્ગ સોસાયટી તરફ રહેતી હતી. વર્ષમાં એક કે બે વખત તેઓ અચૂક અહીં આવતાં અને ગુલબર્ગ સોસાયટીની મુલાકાત લેતાં. તેમની વાતો ગુલબર્ગના અમારા એ ઘરના ઉલ્લેખ વગર પૂરી થતી ન હતી."

ગુલબર્ગ સોસાયટીના પોતાના ઘર સાથે જોડાયેલી યાદો ઝકિયા જાફરી કઈ રીતે વાગોળતાં એ અંગે વાત કરતાં તેઓ કહે છે, "તેઓ હંમેશાં વાત કરતાં કે કેવી રીતે તેઓ પોતાના ઘરની સંભાળ લેતાં હતાં, કઈ વસ્તુ ક્યાં પડી રહેતી હતી તેનું તે કેવી રીતે ધ્યાન રાખતાં હતાં. આવી તમામ વાતો જ્યારે હું તેમના મોઢેથી સાંભળતી, ત્યારે તેમના દિલમાં સંતાડેલા દુ:ખને હું જોઈ શકતી હતી."

નીશરીન માને છે કે, "જ્યારે તેમનાં સગાંવહાલાંને મારી નાંખવામાં આવ્યાં ત્યારે તેઓ દુ:ખી થયાં, પરંતુ જ્યારે તેઓ પોતાના ઘરથી દૂર થયાં તો જાણે તેમણે બાકીનું સંપૂર્ણ જીવન દુ:ખમાં જ કાઢ્યું, કારણ કે તેમને પોતાના ઘરથી અલગ થવું પડ્યું."

"તેઓ હંમેશાં ધ્યાન રાખતાં કે તેમની પીડા વિશે અમને જાણ ન થાય, પરંતુ તેમની વાતોમાં તે દુ:ખ દેખાઈ આવતું હતું."

ઝકિયા જાફરીના મૃત્યુ પહેલાં થોડા દિવસ અગાઉ જ તેઓ સુરતથી અમદાવાદમાં આવ્યાં હતાં.

નીશરીન અમદાવાદ સાથે બંધાયેલી તેમની લાગણીઓ વિશે વાત કરતાં કહે છે કે, "તેઓ કહેતાં હતાં કે હવે હું અમદાવાદ છોડીને ક્યાંય નહીં જાઉં. છેલ્લે તેમણે પોતાના અંતિમ શ્વાસ પણ અહીં જ લીધા. ભલે અમદાવાદે તેમની સાથે જે કર્યું હોય, પરંતુ તેઓ તો જાણે અમદાવાદ વગર રહી જ ન શકતાં હોય એ રીતે અહીં પોતાના છેલ્લા શ્વાસ લેવા આવ્યાં હતાં."

'ઝકિયા જાફરીની લડત લોકો યાદ રાખશે'

વર્ષ 2006માં પોતાની અરજીમાં ઝકિયા જાફરીએ ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક નેતાઓ અને પોલીસકર્મીઓ પર તોફાનો માટે જવાબદાર હોવાનો આરોપ મૂક્યો હતો.

તેમની આ અરજીને આધારે સુપ્રીમ કોર્ટે વર્ષ 2008માં એક એસઆઇટીની રચના કરી હતી, જેણે 2012માં પોતાનો રિપોર્ટ સુપરત કર્યો હતો.

એસઆઇટીએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી સામે કાયદાકીય કાર્યવાહી કરી શકાય તેવા પુરાવાનો અભાવ છે, માટે તેમને ક્લીનચિટ આપવામાં આવી હતી. આ રિપોર્ટને પડકારતી જાફરીની અરજીનો પણ કોર્ટે અસ્વીકાર કર્યો હતો.

તોફાનપીડિતોને ન્યાય અપાવવાના જાફરીના સંઘર્ષ દરમિયાનના સમયની વાત કરતાં નીશરીન કહે છે, "આટલું બધું થયું હોવા ઉપરાંત તેમના મોઢેથી ક્યારેય કોઈની માટે બદદુઆ નીકળી ન હતી, તેમણે કોઈના માટે કોઈ નફરત રાખી ન હતી. હું માનું છું કે માનવીય હકો માટે, માનવતાસભર લડત માટે લોકો તેમને યાદ રાખશે."

ગુજરાતમાં થયેલાં તોફાન

જાફરી સાથે મળીને દેશના ઘણા લોકોએ તોફાનપીડીતો માટે કામ કર્યું હતું, જેમાં ધારાશાસ્ત્રી મુકુલ સિંહા અને નિર્ઝરી સિંહાનો પણ સમાવેશ થાય છે.

ઝકિયા જાફરીએ પોતાના જીવન દરમિયાન બતાવેલાં સાહસ અને ધૈર્યને વખાણતાં બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં નિર્ઝરી સિંહા કહે છે કે "ઝકિયા જાફરી હિંમત, સન્માન અને ન્યાય માટેની ઝંખનાનું ઉદાહરણ પૂરું પાડતાં ગયાં છે. તેમનું જીવન સંઘર્ષ અને ધૈર્યથી ભરેલું હતું, પરંતુ એ વાત માનવી પડે કે તેમનો સંઘર્ષ એ વાતનો પુરાવો હતો કે એક વ્યકિતનો નૈતિક વિશ્વાસ રાજ્યની શક્તિ સામે પણ ટકી શકે છે."

તેઓ ઝકિયાના લાંબા ન્યાયિક સંઘર્ષ અને ન્યાયમાં ઝકિયા જાફરીના અતૂટ વિશ્વાસ અંગે વાત કરતાં કહે છે, "ગુલબર્ગનો નરસંહાર ઘણા માટે અંત હતો, પરંતુ ઝકિયા જાફરી માટે એ એક લાંબા સંઘર્ષની શરૂઆત હતી. તેમણે ચૂપ રહીને બધું સહન કરવાનો ઇનકાર કર્યો. તેમના પતિની હત્યા માત્ર એક નંબર જ બનીને રહી જાય એ વાત તેમને યોગ્ય ન લાગી. પોતાની હિંમતના બળ પર તેમણે એવા તમામ શક્તિશાળી લોકોની સામે ફરિયાદ કરી કે જેઓ આ તોફાનો માટે જવાબદાર હોઈ શકે. તેમની આ લડાઇમાં તેઓ વારાફરતી અનેક કોર્ટમાં ગયાં. તેમણે ભારતની સુપ્રીમ કોર્ટ સુધીના દરવાજા ખખડાવ્યા. સુપ્રીમ કોર્ટનો ચુકાદો તેમની અપેક્ષા પ્રમાણે ન આવ્યો, છતાં તેમને વિશ્વાસ હતો કે તેમને ન્યાય મળશે."

નિર્ઝરી સિંહા ઝકિયા જાફરીએ પોતાના જીવનકાળ દરમિયાન બતાવેલી હિંમતને બિરદાવતાં કહે છે, "જાફરી કોઈ નેતા ન હતાં, તેમણે કર્મશીલ બનવાની ટ્રેનિંગ પણ નહોતી લીધી. તેઓ જબરદસ્ત મનોબળ અને ખૂબ જ ધીરજ ધરાવનારાં એક એવાં મહિલા હતાં જેમણે સૌથી શક્તિશાળી લોકોની સામે બાંયો ચઢાવી હતી. તેમની લડતને કારણે તેમને લોકો પાસેથી ખૂબ ચાહના મળી, માન-સન્માન મળ્યું, પછી એ દેશમાં હોય કે વિદેશમાં. તેઓ હંમેશાં મજબૂતાઈથી ઊભાં રહ્યાં અને જાણે સંદેશો આપતાં હોય કે ન્યાયની લડત એ માત્ર જીત માટે નથી હોતી, એ અત્યાચાર સામે સમર્પણ ન કરવાની કહાણી પણ હોય છે."

ઝકિયા જાફરીએ ચલાવેલી ન્યાયની લડતે તેમને લોકોના મનમાં કેટલો સન્માનનીય દરજ્જો અપાવ્યો હતો એ જણાવતાં નિર્ઝરી સિંહા એક કિસ્સો યાદ કરે છે, "મને યાદ છે એક વખત જ્યારે તેઓ બીમાર પડી ગયાં હતાં. તેથી અમે તેમને વસ્ત્રાપુરના એક ડૉક્ટર પાસે લઈ ગયા. આ ડૉક્ટરે તેમનો ઇલાજ કર્યો, પણ પૈસા લેવાની ના પાડી દીધી. કારણ કે તેઓ તેમનું ઘણું સન્માન કરતા હતા. આ પ્રકારની અસર તેમણે લોકોના માનસ પર છોડી છે. તેમની લડત બદલ માત્ર તોફાનપીડિતો કે પછી મુસ્લિમ સમુદાય તરફથી જ નહીં, પરંતુ એ તમામ લોકો તરફથી સન્માન મળ્યું, જેઓ માનવીય મૂલ્યો અને ન્યાયની પ્રક્રિયામાં માને છે."

નિર્ઝરી સિંહા વર્ષ 2002નાં ગુજરાત રમખાણો અને તેમાંય ગુલબર્ગ સોસાયટીમાં થયેલા 'નરસંહાર'ને યાદ કરતાં કહે છે કે "2002નાં ગુજરાતનાં તોફાનો ભારતના ઇતિહાસના સૌથી અંધારા અધ્યાયોમાંમાંથી એક છે, જેમાં 27 ફેબ્રુઆરી, 2002ના રોજ સાબરમતી ઍક્સપ્રેસ ટ્રેનના ડબ્બા પર હુમલો અને આગચંપીની ઘટનામાં 59 હિંદુ મુસાફરોના જીવ ગયા હતા અને ત્યાર બાદ રાજ્યભરમાં કોમી તોફાનો ફાટી નીકળ્યાં હતાં."

"આ તોફોનોમાં 1000થી વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં. અને તેમાંય ગુલબર્ગ સોસાયટીમાં થયેલા નરસંહારને કારણે 69 લોકોનાં મૃત્યુ થયાં હતાં, જેમાં કૉંગ્રેસ પક્ષના પૂર્વ સાંસદ એહસાન જાફરીનો પણ સમાવેશ થતો હતો. મૃત્યુ પહેલાં તેમણે એ કામ કર્યું જે તેમણે પોતાના જીવન દરમિયાન કર્યું હતું, અને એ છે લોકોની મદદ કરવાનું. એ તમામ લોકોને મદદ કરવા માટે તેઓ આગળ આવ્યા જેઓ તેમની પાસે રક્ષણ માંગવા આવ્યા હતા. જોકે, તેમના ફોન કૉલનો કોઈ જવાબ મળ્યો ન હતો અને ટોળાએ તેમના પર કોઈ જ દયા દાખવી નહોતી."

નિર્ઝરી સિંહા તેમના વિશે આગળ વાત કરતાં કહે છે કે બહુ ઓછા લોકોમાં સતત હાર્યા છતાં સરકાર સામે પડીને ઝકિયા જાફરીની માફક આ પ્રકારની લડત કરવાની હિંમત હોય છે.

તેમણે ક્યારેય પોતાની લડત રોકવાની વાત નહોતી કરી. આ જ વાતને કારણે તેમને દુનિયાભરમાંથી ખૂબ સન્માન મળ્યું છે.

નિર્ઝરી સિંહા જાફરીના જીવનને 'હિંમતના પાઠ ભણાવનારું' ગણાવતાં કહે છે કે "આ એ પાઠ છે જે શીખવાડે છે કે સવાલ પૂછવાની પ્રક્રિયા, બેજવાબદારોની જવાબદારી નક્કી કરવાની પ્રક્રિયા ચાલતી રહેવી જોઈએ અને એ માટેની ન્યાયની લડત એ ક્યારેય એળે જતી નથી, પછી ભલે ને આપણી અપેક્ષા પ્રમાણેનો ચુકાદો ન મળે."

"તેમની અતૂટ હિંમતને હું સલામ કરું છું, તેમની લડત, અને ક્યારેય ચૂપ ન રહેવાની તેમની જીદને પણ હું સલામ કરું છું. તેમનો સંઘર્ષ એવા લોકોને કે જેઓ ન્યાયની પ્રક્રિયામાં વિશ્વાસ કરે છે અને સિસ્ટમ સામે તેમની ભૂલો માટે સવાલ પૂછે છે તેમને હંમેશાં હિંમત પૂરી પાડશે."

ગુલબર્ગ સોસાયટી પર થયેલા હુમલાનાં વધુ એક પીડિતા રૂપા મોદી ઝકિયાએ જાફરીએ એ કપરા સમયમાં તેમને કેવી રીતે હિંમત આપી હતી એ વાત યાદ કરે છે.

"ક્યારેયક જ એવો સમય વીત્યો હશે, જ્યારે અમે એકબીજાના દુ:ખના સહભાગી ન બન્યાં હોઈએ. ગુલબર્ગનાં તોફાનોમાં હું મારા એકના એક દીકરા અઝર મોદીને ગુમાવી બેઠી છું અને ત્યાર બાદ હંમેશાં જાફરીઆન્ટીએ મને હિંમત આપી હતી. તેમનું સર્વસ્વ લૂંટાઈ ગયું હતું છતાં તેઓ મને હિંમત અને મને ન્યાયની દિશામાં આગળ વધવાની સલાહ આપતાં. તેઓ હંમેશાં મારા માટે એક માતા અને મેન્ટર રહેશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.