અમદાવાદ: 'સુખેથી મોત ન પામ્યા', બૉમ્બ બનાવવાના કેસમાં 21 વર્ષે નિર્દોષ છૂટેલા લોકોની વ્યથા

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

“જિંદગીનો એ સૌથી મનહૂસ દિવસ હતો. પોલીસ મને અને મારા મિત્રનો ઉઠાવી ગઈ. પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે કહેવામાં આવ્યું કે અમારા ઘર પાસેથી બૉમ્બ બનાવવાનો સામાન મળ્યો છે અને ગુજરાતમાં થયેલી કોમી હિંસાને ભડકાવવા માટે બૉમ્બ બનાવી રહ્યાં છીએ.”

60 વર્ષીય ઇકલાબ ધીબડિયાએ 21 વર્ષથી કોર્ટ-કચેરીના ધક્કા ખાધા છે અને એમાં તેમનું મકાન પણ વેચાઈ ગયું. તેમની કહાણી વર્ણવતી વખતે તેમણે આ શબ્દો કહ્યા.

અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં બાબુલાલની ચાલ આવેલી છે. તેની સાંકડી ગલીઓમાં બે દાયકા પછી પણ સન્નાટા જેવો માહોલ વર્તાતો જોવા મળે છે. વિસ્ફોટક સામગ્રીના કેસોમાં નિર્દોષમુક્ત થયા બાદ પણ અહીં એક સમયના રહીશ એવા કેસના આરોપોઓના સંઘર્ષનો અંત નથી આવ્યો. તેમનું કહેવું છે કે ઘણાનાં મકાનો અને દાગીના વેચાઈ ચૂક્યાં છે, તો ઘણાને રોજગારીની સમસ્યા છે.

અત્રે ઉલ્લેખનીય કે તાજ મોહમ્મદ પઠાણ, ઇકબાલ ધીબડિયા, હૈદરખાન દીવાન, મોહીનખાન પઠાણ, અશરફ મકરાણી અને શહેજાદ શેખની વર્ષ 2002માં કોમી હિંસા મામલે કથિતરૂપે બૉમ્બ બનાવવાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તેમની સામે વિસ્ફોટક સામગ્રી રાખવા સંબંધેની કલમો હેઠળ કેસ ચલાવાયો હતો.

પરંતુ 21 વર્ષ સુધી ચાલેલા આ કેસમાં આખરે સપ્ટેમ્બર મહિનામાં એડિશનલ ચીફ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટે તમામ 6 આરોપીઓને નિર્દોષમુક્ત કર્યા છે.

કેસના સમયગાળામાં તાજ મોહમ્મદ પઠાણ, અશરફ મકરાણી અને શહેઝાદ શેખનું મૃત્યુ થયું છે. મોહીનખાન પઠાણ ગુજરાત છોડીને જતા રહ્યા છે.

‘2002 પછી જિંદગી તબાહ થઈ ગઈ’

ઇકબાલ ધીબડિયા એક જમાનામાં શરબત અને ફ્રૂટ-જ્યૂસની દુકાન ચલાવતા હતા. પણ આજે તેઓ એક હોટલમાં વાસણ સાફ કરવાનું કામ કરે છે.

પણ તેમને હજુ પણ એ જૂના મકાન પ્રત્યે લાગણી હોવાથી તેઓ દરરોજ એકાદ વખત ચાલીમાં સાંકડી ગલીઓમાંથી પસાર થઈ ત્યાં મુલાકાત લે છે.

ઇકબાલ અને તેમના મિત્રો અહીં ચાલીમાં જ રહેતા હતા. પણ 2002માં થયેલી કોમી હિંસા પછી તેમનાં જીવન બદલાઈ ગયાં.

8મી મે-2002ના રોજ શહેરમાં કર્ફ્યૂ હતો. બપોરના સમયે એકાએક પોલીસ તેમના ઘરે આવી, તેમને પોલીસ સ્ટેશન લઈ ગઈ. આમ કુલ 6 લોકોને પોલીસ પકડીને લઈ ગઈ હતી.

ઇકબાલ ધીબડિયા એ દિવસને યાદ કરતા બીબીસી સાથેની વાતચીતમાં કહે છે, “મને કંઈ ખબર નહોતી કે શા માટે પોલીસ મને અને મારા દોસ્તોને ઉપાડી જાય છે? અમે પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે અમને કહેવામાં આવ્યું કે, અમારા ઘર પાસેથી બૉમ્બ બનાવવાનો સમાન મળ્યો છે અને ગુજરાતમાં થયેલી કોમી હિંસાને ભડકાવવા બૉમ્બ બનાવી રહ્યા છીએ. પછી અમને જેલમાં પૂરી દીધા.”

“ઘરમાં જેટલી બચત હતી એમાંથી થોડા પૈસા કાઢીને મારી પત્નીએ કોર્ટમાં વકીલ રોક્યો અને અમને એ પછી જામીન મળ્યા. એક મહિના જેવું જેલમાં રહ્યા પછી જામીન પર બહાર આવ્યો ત્યારે લગભગ મારી તમામ બચત ખતમ થઈ ગઈ હતી. કોમી હિંસાને કારણે માર્ચ મહિનાથી કર્ફ્યૂને કારણે મારો ધંધો બંધ હતો, પાંચ બાળકો અને પત્ની અને હું સાત લોકોનું ઘર ચલાવવામાં ઘણો ખર્ચ થયો હતો,”

“મેં ફરી શરબત અને જ્યૂસનો ધંધો શરૂ કર્યો તો, મારી પાસે ગ્રાહકો આવતા બંધ થઈ ગયા. લોકો એમ કહેતા કે આ ‘ઉગ્રવાદી’ છે, બૉમ્બ બનાવતા પકડાયો છે, ત્યાં નથી જવું.”

તેઓ વધુમાં કહે છે, “હું કામ કરવા જાઉં તો કોઈ મને નોકરીએ નહોતું રાખતું. બીજી બાજુ કોર્ટના ધક્કા ચાલુ હતા. કોઈ ઉધાર આપતું નહોતું. છેવટે મારી પત્નીના દાગીના વેચીને થોડા દિવસ કામ ચલાવ્યું. ઘરથી માંડ દૂર એક લાકડાની લાટી પર લાકડા ઊંચકવાનું કામ મળ્યું પણ કોર્ટમાં મુદત હોય ત્યારે મારે જવું પડતું હતું એટલે વારંવાર રજા પડવાને કારણે એ નોકરી પણ છૂટી ગઈ.”

કેસના લીધે પોતાની સાથે સાથે પરિવાર પણ કઈ રીતે અસરગ્રસ્ત બન્યો એ વિશે જણાવતા તેઓ ઉમેરે છે, “છોકરાઓને ભણાવવાનું બંધ કરી દીધું. જેથી ખર્ચો બચી શકે. પછી બાળકો મોટાં થયાં અને એમનાં લગ્ન કરાવવા માટે મારે સંબંધીઓ પાસેથી ઉધાર પૈસા લેવા પડ્યા હતા. દેવું વધતું ગયું લોકોની ઉઘરાણી વધતી ગઈ એટલે લેણિયાતોને પૈસા ચૂકવવા ઘર વેચવાનું નક્કી કર્યું. ઘર વેચીને ઘણું દેવું ચૂકવી દીધું. અમારી પાસે કોઈ ઘર નહોતું એટલે મારા સાળાએ એમના મકાનમાં અમને આશરો આપ્યો.”

ઇકબાલ કહે છે કે, “આજે મારી જિંદગીનાં 21 વર્ષે હું ‘ઉગ્રવાદી’ છું એવો જે ટોણો મારવામાં આવતો એ બંધ થયો છે. પણ આજે હવે હું હોટલમાં વાસણ સાફ કરું છું, સાંજે રિક્ષામાં સમાન ચઢાવવાની છૂટક મજૂરી કરું છું ત્યારે માંડમાંડ સાંજે ભોજનની વ્યવસ્થા થઈ શકે છે. હજુ પણ મારા પર અઢી લાખનું દેવું છે, એ ક્યારે પૂરું થશે એની ખબર નથી. પણ જિંદગીના સારા દિવસ યાદ આવે ત્યારે આ ગલીમાં મારા જૂના ઘર પાસે બેસીને સારા દિવસો યાદ કરું છું તો, થોડું દુઃખ હળવું થાય છે.”

બ્લિચિંગ પાઉડરનું કામ સમસ્યા લઈ આવ્યું?

તાજ મોહમ્મદ પઠાણ પણ આ કેસમાં નિર્દોષ છૂટેલી વ્યક્તિ છે.

તાજ મોહમ્મદ પઠાણ નાનપણથી જ ગૅરેજમાં મિકેનિકનું કામ કરતા હતા. તેમના પરિવારમાં ચાર દીકરી અને એક દીકરો છે. ઘરની આર્થિક સ્થિતિને પહોંચી વળવા માટે તેમનાં પત્ની બ્લિચિંગ પાઉડરને પાણીમાં ઓગાળીને વેચતાં હતાં.

પરંતુ 8મે-2002ના દિવસે તાજ મોહમ્મદ ઘરમાં સૂતા હતા અને અચાનક તેમના ઘરે પોલીસ આવી. તેમનાં ઘરની બહાર પડેલા કેરબામાં બૉમ્બ બનાવાનો સમાન હોવાનું જણાવી તેમને પોલીસ સ્ટેશન લઈ ગઈ.

ત્યાર પછી તાજ મોહમ્મદ પઠાણ પર કેસ ચાલ્યો. જોકે તેમને હૃદયરોગનો હુમલો આવ્યો. જામીન પરથી છૂટ્યા બાદ તેઓ લાંબા સમય સુધી બીમાર રહ્યા અને ચાર વર્ષ પહેલાં એમનું અવસાન થઈ ગયું.

તાજ મહોમ્મ્દનાં પત્ની ધરાના મહોમ્મદ કહે છે કે, “મારા પતિ નિર્દોષ હતા અને તેઓ છેલ્લા શ્વાસ સુધી કહેતા કે હું દેશભક્ત છું. મેં કોઈ બૉમ્બ બનાવવાનો ગુનો કર્યો નથી. તેમણે અનેક વાર કસમ ખાધી હતી. પણ એ ગુજરી ગયા પછી એમના પરથી ‘ઉગ્રવાદી’ હોવાનો ટોણો દૂર થયો.”

“એ સમયે મારા છોકરાઓ નાનાં હતાં, અચાનક આવેલી પોલીસ જોઈને છોકરાં ડરી ગયાં હતાં. પોલીસ અમારા ઘરે આવી ત્યારે ઘરની બહાર હું જે બ્લિચિંગ પાઉડરને પ્રવાહી બનાવીને વેચતી હતી એ પડ્યું હતું. એ સમયે ઘરમાં ગૅસ નહોતો એટલે બળતણનાં લાકડાં અને કોલસા હતા. અમારી બાજુના ઘરમાં રહેતાં શહેજાદ શેખના ઘરના આંગણામાં ખીલીઓ હતી. એટલે પોલીસ એમને પણ પકડી ગઈ હતી. તેઓ સુથારીકામ કરતા હતા. તેમની સામે કેસ થયો અને લોકો તેમને ‘ઉગ્રવાદી’ કહેતા હતા. જેથી તેમને ક્યાંય કામ મળતું નહોતું. કોર્ટની મુદતો ભરતાં ભરતાં એમનું અવસાન થયું. એમનો પરિવાર અમારો મહોલ્લો છોડીને બીજે રહેવા જતો રહ્યો.”

‘સુખેથી મરવા પણ ન મળ્યું’

બ્લિચિંગ પાઉડર કઈ રીતે તેમના માટે સમસ્યારૂપ બની ગયું એ વિશે કહેતાં ધરાના મોહમ્મદ ઉમેરે છે કે, "મારા પતિને પોલીસ પકડી ગઈ એટલે હું જે બ્લિચિંગ વેચવાનું કામ કરતી હતી એ બંધ થઈ ગયું. લોકોને આજીજી કરીને સિવણકામ ચાલુ કર્યું. બે પૈસા કમાતી હતી અને ઘરનો ખર્ચો કાઢતી હતી."

"મારા પતિ જામીન પરથી છૂટીને આવ્યા તો, કોઈ કામ આપતું નહોતું. એ છૂટક મજૂરી કરતા હતા પણ એમને હાર્ટની બીમારી થઈ એટલે એ કામ કરી શકતા નહોતા. મારી ચાર દીકરીનાં લગ્ન કરાવ્યાં અને કોર્ટ કચેરીના ધક્કામાં મારાં બધાં ઘરેણાં વેચાઈ ગયાં. મારા દીકરાને ભણવામાંથી ઉઠાડી લીધો અને એ મજૂરીકામે લાગી ગયો."

“કારણ કે તેણે બહેનોનાં લગ્ન માટે પૈસા ભેગા કરવાના હતા. મારા પતિને હૃદયની બીમારી હતી. ફેફસામાં પાણી ભરાઈ જતું હતું એટલે એમની દવાઓનો ખર્ચો પણ રહેતો હતો. અમને વર્ષો સુધી દાળ-રોટી નસીબ નહોતાં થતાં. ઈદમાં છોકરાઓને નવાં કપડાં મળતાં નહોતાં. અમારી હાલત એવી હતી કે સવારે ખાઈએ તો સાંજે શું ખાવું એ સમસ્યા હતી. મારા ભાઈને જ્યારે ખબર પડી કે અમે ઈદ મનાવી નથી શકતા ત્યારે એ લોકો એ અમને મદદ કરવાનું શરૂ કર્યું.”

“મારા પતિ પર લાગેલા આરોપને કારણે મારી દીકરીઓનાં લગ્ન કરવામાં મુશ્કેલી થઈ હતી. મારો દીકરો અત્યારે સારું કમાય છે એટલે ઘર ચાલે છે. પણ પોલીસના આરોપે મારા પતિનું ખૂન ચૂસી લીધું અને કોર્ટના ધક્કાએ એમનું શરીર ખલાસ કરી દીધું. જો એમના અવસાન પહેલાં કોર્ટમાંથી ચુકાદો આવી ગયો હોત તો એ સુખેથી મરણ પામ્યા હોત."

તાજ મહોમ્મદના દીકરા મઝરખાને બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, “જો મારા અબ્બા પર બૉમ્બ બનાવવાનો ખોટો આરોપ ન લાગ્યો હોત તો હું ભણી શક્યો હોત. મારું બચપણ ભૂખ અને લાચારીમાં ન ગયું હોત. આજે 21 વર્ષે અમને નિર્દોષ જાહેર કર્યા એનો શો ફાયદો? મારા અબ્બા તો જીવનભર પોતે ગુનેગાર હોવાનો બોજ લઈને ગયા. આજે હું ટ્રાન્સપૉર્ટ કંપનીમાં કામ કરું છું. જો મારા પિતા પર ખોટા આરોપ ન લાગ્યા હોત તો મને એમણે ભણાવ્યો હોત અને સારી નોકરી મળી હોત. આજે આવા કાચા મકાનમાં ન રહેતા હોત.”

કોર્ટે આ કારણે નિર્દોષ છોડ્યા

દરમિયાન કેસમાં નિર્દોષ છૂટેલા હૈદરખાન પઠાણ સાથે પણ બીબીસીએ વાત કરવાની કોશિશ કરી. પણ આ અંગે તેઓ વધુ કંઈ કહેવા નથી માગતા.

તેઓ માત્ર એટલું કહે છે કે, સરકાર હાઈકોર્ટમાં જાય તો એમને તકલીફ થવાનો ડર લાગે છે. ઉપરાંત અશરફ મકરાણી અને શહેઝાદ શેખનો પરિવાર ભૂતકાળ વાગોળવા જ માગતો નથી.

આ તમામ છ આરોપીનો કેસ લડનાર વકીલ ઉસ્માનગી મન્સૂરીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, “ફૉરેન્સિકના રિપોર્ટમાં સાબિત થયું હતું કે જેને પોલીસ બૉમ્બ બનાવવાનો જ્વલનશીલ પદાર્થ ગણાવતી હતી એ બ્લિચિંગ પાઉડરમાંથી બનેલું પ્રવાહી હતું. જે બૉમ્બ બનાવવામાં ઉપયોગમાં નથી આવતું. તથા 4 લિટર પેટ્રોલ પણ મળી આવ્યું હતું એ કોનું છે તે પોલીસ સાબિત નથી કરી શકી. આથી આ છ લોકોને નિર્દોષમુક્ત કરવામાં આવ્યા છે. આ કેસમાં 21 વર્ષમાં 9 જજની બદલી થઈ છે એટલે ચુકાદો આવવામાં લાંબો સમય લાગ્યો.”

આ કેસમાં તમામ આરોપીઓને નિર્દોષ છોડવાનો ચુકાદો આપનારા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટ વિપિનકુમાર બંસલે નોંધ્યું છે કે, “આ બ્લિચિંગ પાઉડરનું પ્રવાહી હતું. આથી તેમને ઍક્સપ્લોઝિવ ઍક્ટ હેઠળ સજા ન થઈ શકે. અને આ તમામ છ લોકોને વિસ્ફોટકો ઊતર્યા હોવાની બાતમીના આધારે પકડવામાં આવ્યા છે, ત્યારે એમની ગુનામાં શું ભૂમિકા હતી એ સ્પષ્ટ થતું નથી, આથી તમામને નિર્દોષ છોડી મૂકવામાં આવે છે.”

બીબીસીએ ફરિયાદી પક્ષના વકીલ સાથે પણ વાત કરવાની કોશિશ કરી હતી પરંતુ તેમના તરફથી કોઈ જવાબ પ્રાપ્ત થઈ શક્યો નથી.