You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બંગાળની ખાડીમાં આ તારીખે સર્જાશે વાવાઝોડું, ગુજરાત સુધી અસર થશે અને ફરી હવામાન પલટાશે?
બંગાળની ખાડીમાં આ વર્ષનું ચોમાસા બાદનું સૌપ્રથમ વાવાઝોડું બનશે અને તે ભારતના દરિયાકિનારા પર ત્રાટકે એવી સંભાવના દેખાઈ રહી છે.
હાલની સ્થિતિ પ્રમાણે આંદામાન સમુદ્રમાં એક સિસ્ટમ બની છે જે આગળ વધીને બંગાળની ખાડીમાં આવશે અને મજબૂત બનીને વાવાઝોડામાં પરિવર્તિત થવાની શક્યતા છે.
બીજી તરફ અરબી સમુદ્રમાં પણ એક મજબૂત સિસ્ટમ બનેલી છે અને તે દરિયામાં હાલ આગળ વધી રહી છે. જેની અસર ગુજરાત સુધી થઈ રહી છે.
અરબી સમુદ્રમાં આવેલી સિસ્ટમને કારણે હાલ ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પણ પડ્યો છે.
હવામાન વિભાગે ગુજરાતમાં આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી કરી છે અને કેટલાક વિસ્તારોમાં મધ્યમ કરતાં વધારે વરસાદ થવાની શક્યતા પણ દર્શાવી છે.
બંગાળની ખાડીમાં સર્જાનારું વાવાઝોડું ભારતનાં કેટલાંક રાજ્યોને અસર કરશે અને તેની પરોક્ષ અસર ગુજરાતને પણ થાય તેવી શક્યતા છે.
બંગાળની ખાડીમાં કઈ તારીખે વાવાઝોડું સર્જાશે?
હવામાન વિભાગના કહેવા પ્રમાણે હાલ આંદામાન સમુદ્ર પર સાયક્લૉનિક સર્ક્યુલેશન બનેલું છે અને 20 ઑક્ટોબરના રોજ હજી તે ત્યાં જ સ્થિર રહેશે.
જે બાદ આ સિસ્ટમ આગળ વધશે અને આગામી 24 કલાકમાં લૉ-પ્રેશર એરિયા બનશે એટલે કે સિસ્ટમ મજબૂત થશે. બંગાળની ખાડીમાં આ સિસ્ટમ પહોંચ્યા બાદ તેને વધારે તાકત મળે તેવી સંભાવના છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જે બાદ આ સિસ્ટમ પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધશે એટલે કે ભારતના દરિયાકિનારા તરફ આગળ વધવાની શરૂઆત થશે. 22 ઑક્ટોબરના રોજ તે વધારે મજબૂત બનીને ડીપ્રેશનમાં ફેરવાઈ જશે.
હાલની સ્થિતિ પ્રમાણે 23 ઑક્ટોબરના રોજ બંગાળની ખાડીની મધ્યમાં 23 ઑક્ટોબરના રોજ વાવાઝોડું સર્જાય તેવી શક્યતા છે. આ વર્ષનું તે ચોમાસા બાદનું પ્રથમ વાવાઝોડું હશે.
વાવાઝોડું કઈ તરફ જશે?
હવામાન વિભાગે હજી વાવાઝોડું કઈ તરફ જશે તે મામલે કોઈ ટ્રેક એટલે કે તેનો રસ્તો આપ્યો નથી પરંતુ તે ભારતના દરિયાકિનારા તરફ આવે તેવી સંભાવના છે.
હવામાનનાં વિવિધ મૉડલો હાલ વાવાઝોડાનો અલગ અલગ ટ્રેક દર્શાવી રહ્યાં છે, પરંતુ મોટાં ભાગનાં મૉડલો પ્રમાણે વાવાઝોડું ઓડિશા અને પશ્ચિમ બંગાળની આસપાસના વિસ્તારોમાં ત્રાટકે તેવી સંભાવના છે.
હવામાન વિભાગનું પણ કહેવું છે કે 24 ઑક્ટોબરની સવારે આ વાવાઝોડું ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકિનારે પહોંચે તેવી શક્યતા દેખાઈ રહી છે.
સામાન્ય રીતે વાવાઝોડાનો રસ્તો અગાઉથી નક્કી કરવો મુશ્કેલ હોય છે અને ઘણી વખત દરિયામાં આગળ વધતી વખતે વાવાઝોડાં પોતાનાં રસ્તા પણ બદલતાં હોય છે.
બંગાળની ખાડીના દરિયાની સપાટીનું તાપમાન 28થી 30 ડિગ્રી સેલ્સિયસ વચ્ચેનું છે અને તે વાવાઝોડા માટે અનુકૂળ છે. વાવાઝોડું સર્જાવા માટે 27 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધારે જળસપાટીનું તાપમાન હોવું જરૂરી છે.
વાવાઝોડું ગુજરાતને શું અસર કરશે?
હાલ ગુજરાતમાં જે વરસાદ પડી રહ્યો છે તે અરબી સમુદ્રમાં આવેલી સિસ્ટમને કારણે પડી રહ્યો છે. આ સિસ્ટમ બંગાળની ખાડીમાં સર્જાઈ હતી અને દક્ષિણ ભારતના વિસ્તારોને પાર કરીને તે અરબી સમુદ્રમાં પહોંચી છે.
બંગાળની ખાડીમાં સર્જાતાં વાવાઝોડાંનો સીધો ખતરો ગુજરાતને રહેતો નથી, કેમ કે રાજ્ય અરબી સમુદ્રના કાંઠા પર આવેલું છે. પરંતુ ઘણી વખતે વાવાઝોડું આંધ્ર પ્રદેશ, તામિલનાડુ કે ઓડિશા પર ત્રાટક્યા બાદ તેની બાકી રહેલી સિસ્ટમો ગુજરાત સુધી આવતી હોય છે.
હાલની સ્થિતિ પ્રમાણે અને મૉડલો જે દર્શાવી રહ્યાં છે તે પ્રમાણે આ વાવાઝોડાથી ગુજરાતને કોઈ ખતરો નથી અને આપણે ત્યાં વરસાદની પણ તેના કારણે શક્યતા ખૂબ ઓછી છે.
અરબી સમુદ્રની સિસ્ટમ બે દિવસમાં યમન અને ઓમાન તરફ જતી રહેશે જે બાદ રાજ્યમાં વરસાદ બંધ થઈ જશે અને 23 ઑક્ટોબરના રોજ વાવાઝોડું સર્જાઈ જશે.
વાવાઝોડું સર્જાતાં જ તે ભેજ તેની તરફ ખેંચી લેશે અને ગુજરાતમાં હવામાન સૂકું થઈ જવાની સંભાવના છે.
જો વાવાઝોડું આંધ્ર પ્રદેશના દરિયાકાંઠા તરફ આવે અને તેની બાકી રહેલી સિસ્ટમ મહારાષ્ટ્ર પર કે અરબી સમુદ્ર સુધી આવે તો જ ગુજરાતમાં ફરીથી આગામી મહિનામાં વરસાદ થવાની સંભાવના છે. હાલની સ્થિતિ પ્રમાણે એવી શક્યતા ઓછી છે.
આ વાવાઝોડાના કારણે ગુજરાતના હવામાનમાં ફેરફાર એવો થશે કે પવનની દિશામાં ફેરફાર થઈ જશે, રાજ્ય પરથી ભેજનું પ્રમાણ ઘટશે અને વરસાદ બંધ થઈ જશે.