You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં વીજળી પડવાથી પાંચ લોકોનાં મોત, બચવા માટે શું કરવું?
ગુજરાતના અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના આંબરડી ગામે વીજળી પડતાં પાંચ લોકોનાં મોત થયાં છે. જેમાં બે બાળકનો સમાવેશ થાય છે.
પાંચેય મૃતક 35 વર્ષથી નાની ઉંમરના છે. પાંચમાંથી ચાર જણા તો એક જ પરિવારના છે. ખેતમજૂરો કામ પતાવીને તેમના ઘરે જઈ રહ્યા હતા ત્યારે કડાકા સાથે વીજળી પડી હતી જેમાં પાંચ લોકોનાં મોત થયાં હતાં.
19 ઑક્ટોબરે સાંજે પાંચેક વાગ્યાના સુમારે આ ઘટના બની હતી. ઘટના ઘટતા ઍમ્બુલન્સ સેવા 108 દ્વારા તેમને હૉસ્પિટલ ખસેડાયા હતા. જોકે, તેમને બચાવી શકાયા નહોતા. આ ઘટનામાં ત્રણેક લોકો ઈજા પામ્યા છે.
તો ગત વર્ષે ગુજરાતમાં અલગઅલગ જગ્યાએ વીજળી પડવાને લીધે 20થી વધુ લોકોનાં મોત થયાં હતાં.
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર ઓડિશા પણ વિવિધ સ્થળોએ વીજળી પડવાને કારણે કુલ 12 લોકોનાં મોત થયાં હતા.
વીજળી કઈ રીતે પડે અને બચવા શું કરવું?
વીજળી પડવાનું કારણ શું છે અને વીજળી પડ્યા બાદ થાય છે શું ?
આકાશી વીજળી એ એક પ્રાકૃતિક ઘટના છે. ભાગ્યે જ કોઈ હશે જેમણે વીજળી જોઈ નહીં હોય. એ વાત પણ સમજી લઈએ કે વીજળીનું ચમકવું અને પડવું એ બન્ને અલગઅલગ ઘટના છે.
વીજળી આકાશમાં જ રહે તો તેને વીજળી ચમકવી કે વીજળી થવી કહેવાય, પણ આ જ વીજળી જો ધરતી પરની કોઈ વસ્તુ સાથે ટકરાય તો તેને વીજળી પડી કહેવાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વીજળી એ બે વાદળો કે પૃથ્વી અને વાદળો વચ્ચે અસંતુલનને કારણે થતો વિદ્યુતસ્ત્રાવ છે. સાદી રીતે સમજીએ તો બે વાદળો વચ્ચેના ઘર્ષણને લીધે વીજળી થાય છે.
ગરમીમાં દરિયાનું પાણી ભેજ બનીને ઉપર જાય છે, આકાશમાં ગયા પછી તે ઠંડો પડે છે અને જેમ-જેમ ઠંડો પડતો જાય છે તેમ-તેમ પાણીનાં નાનાં ટીપાંમાં ફેરવાતો જાય છે અને એ ભેગા મળીને વાદળ બની જાય છે.
જેવા જ તે શૂન્ય ડિગ્રી સેલ્સિયસના તાપમાનની નીચે જાય છે પાણીના ટીપાં નાના નાના બરફના ક્રિસ્ટલમાં બદલાય જાય છે, અને આ જ બરફવાળાં વાદળો હવાને કારણે એકબીજા સાથે અથડાય છે, જેના કારણે ઘર્ષણ થાય છે અને તેમાં સ્ટેટિક કરંટ પેદા થાય છે, જેને વીજળી કહે છે.
એટલે મોટાં વાદળો અંદરોઅંદર અથડાય એટલે તેમાં વિદ્યુત સ્રાવ પેદા થાય છે જેને આપણે વીજળી થવી કહીએ છીએ.
સ્ટેટિક કરંટમાં નેગેટિવ અને પૉઝિટિવ એમ બન્ને પ્રકારના કરંટ હોય છે એટલે વાદળમાં પણ આ બન્ને કરંટ હોય છે. જ્યારે વાદળાં અથડાય ત્યારે તેમાં કરંટ પેદા થાય છે, આ કરંટનો પૉઝિટિવ ચાર્જ છે, તે ઉપર જતો રહે છે અને નેગેટિવ છે તે નીચેના ભાગમાં રહે છે.
હવે નીચે રહેલો નેગેટિવ ચાર્જ જમીન પર કે ક્યાંય પૉઝિટિવ ચાર્જને શોધતો હોય છે. ધરતી પર રહેલાં વૃક્ષો, ઘાસ તથા પૃથ્વી પણ પૉઝિટિવ ચાર્જ છોડે છે. જેના કારણે અસંતુલન સર્જાય છે. જેના કારણે વાદળનો નેગેટિવ કરંટ નીચેના પૉઝિટિવ કરંટ તરફ આવે છે. એટલે કે વાદળનો નેગેટિવ ચાર્જ જ્યારે ધરતી પર ડિસ્ચાર્જ થાય ત્યારે તેને વીજળી પડવી કહે છે.
વીજળી પડે ત્યારે કેવી રીતે સાવધાન રહેવું?
- ઊંચી ઇમારત અથવા કારની અંદર રહો.
- ખુલ્લા વિસ્તારોથી દૂર રહો.
- જો તમારી પાસે છૂપાવા માટે કોઈ જગ્યા નથી તો તમારા શરીરને જેમ બને તેમ નાનું બનાવી દો, જેમ કે નીચે બેસી જાઓ, હાથને ઘૂંટણ પર રાખો અને માથું તેમાં છૂપાવી દો.
- ઊંચા વૃક્ષોની નીચે ઊભા ન રહો.
- જો તમે પાણીની અંદર છો, તો જેમ બને તેમ જલદી કિનારા પર આવો.
સ્ત્રોતઃ રોયલ સોસાયટી ફોર ધ પ્રિવેન્શન ઑફ એક્સિડન્ટ્સ