You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બેગમ કુદસિયા: બંધારણસભાનાં એકમાત્ર મુસ્લિમ મહિલા, જે પરદામાંથી સંસદ સુધી પહોંચ્યાં
- લેેખક, વિક્રમ મહેતા
- પદ, બીબીસી ગુજરાતી
'ક્રાંતિ રાજકીય હોય કે પછી આર્થિક, એના મૂળિયા મજબૂત હોવા જોઈએ. નહીંતર આ ક્રાંતિ એક બીજી ક્રાંતિ દ્વારા મિટાવી દેવામાં આવશે. એટલે જ મેં રૂઢિવાદ અને આધુનિકતાનું કોઈ સમજૂતી કે દ્વેષ વગર મિશ્રણ કર્યું હતું'
બે વર્ષ, અગિયાર માસ અને અઢાર દિવસની આકરી મહેનત બાદ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ ગણાતું ભારતનું બંધારણ ઘડાયું હતું. તારીખ 26 જાન્યુઆરી, 1950ના રોજ બંધારણ અમલમાં આવ્યું હતું.
બંધારણસભામાં 389 સભ્યો હતાં જેમાં મહિલાઓની સંખ્યા માત્ર 15 જ હતી. આ 15 મહિલાઓમાં એકમાત્ર મુસ્લિમ સભ્ય હતાં. એમનું નામ બેગમ એજાજ રસૂલ કુદસિયા. ઉપર ટાંકેલા શબ્દો બેગમ કુદસિયાનાં છે.
જેમના નામ સાથે પોતાના પતિ એજાજ રસૂલનું નામ જોડાયેલું છે એ બેગમ કુદસિયાએ પરંપરા અને આધુનિકતાની બંને બાજુઓને સંભાળતાં, પડદા પ્રથામાંથી બહાર નીકળીને જાહેર જીવનમાં ઝંપલાવ્યું હતું.
એ સમયે બેગમ કુદસિયા સામે ફતવા પણ બહાર પડ્યા હતા પણ તેઓ કોઈ પણ પ્રકારનાં રૂઢિચુસ્ત પરિબળોને ઝૂક્યાં વગર પોતાની વિચારધારાને વળગેલાં રહ્યાં હતાં.
ભારતમાં સ્ત્રી સશકિતકરણનાં જે જવલંત પ્રકરણો લખાયાં એમાં બેગમ કુદસિયા એક સશક્ત પ્રકરણ છે.
'પરદાથી પાર્લામેન્ટ'
બેગમ એજાજ રસૂલ કુદસિયાએ પોતાના સમગ્ર રાજકીય-સામાજિક જીવનને વણી લેતી 'પરદા ટુ પાર્લામેન્ટ: અ મુસ્લિમ વુમન ઇન ઇન્ડિયન પૉલિટિક્સ' નામની આત્મકથા લખી છે.
આ આત્મકથામાં વીસમી સદીના ભારતનું રાજકીય ચિત્ર પણ સરસ ઉપસ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બેગમ કુદસિયાનો જન્મ તારીખ 2 એપ્રિલ, 1909ના રોજ પંજાબના મલેરકોટલાના નવાબ સર ઝુલફીકાર અલી ખાન અને મહમૂદા સુલતાનાને ત્યાં થયો હતો.
કુદસિયાના પિતા ઝુલફીકાર અલી ખાન જાણીતા પૉલિટિશિયન અને સોશિયલ લીડર હતા.
કૅમ્બ્રિજમાં ભણેલા ઝુલફીકાર અલી ખાન પંજાબના મુસ્લિમ રાજય મલેરકોટલાના રાજપરિવારના સભ્ય હતા.
તેઓ આઈએલસી એટલે કે ઇમ્પીરિયલ લેજિસ્લેટિવ કાઉન્સિલના સભ્ય હતા. આઈએલસીએ 1861 થી 1947 સુધી બ્રિટિશ ભારતની વિધાનસભા હતી.
આઈએલસીની સ્થાપના ભારત સરકારના અધિનિયમ 1858 હેઠળ કાયદાકીય હેતુઓ માટે કરવામાં આવી હતી.
1910-1913 દરમિયાન ઝુલફીકાર અલી ખાન પટિયાલાના ચીફ મિનિસ્ટર પણ રહ્યા હતા.
ભારતમાં નિમાયેલા સાયમન કમિશનની સેન્ટ્રલ કમિટીમાં જે બે મુસ્લિમ સભ્યો હતા, એમાં એક ઝુલફીકાર અલી ખાન હતા. બીજા મુસ્લિમ સભ્ય અબદુલ્લા સુહરાવર્દી હતા.
ઇમ્પોઝિંગ આઇડેન્ટિટીસ નામનાં એક રિસર્ચ પેપરમાં લખાયું છે એ પ્રમાણે કુદસિયા બેગમની માતા મહમુદા સુલતાનાનો પરિવાર પણ શાહી મૂળ ધરાવતો હતો.
એમનાં માતા હાલના હરિયાણામાં આવેલા લોહારુના રાજપરિવારનાં સભ્ય હતાં. તેઓ લોહારુના નવાબ અલાઉદ્દીન અહેમદ ખાનનાં પુત્રી હતાં.
કુદસિયાનાં માતા પડદાપ્રથામાં માનતાં હતાં, પરંતુ બદલાતા પ્રવાહ સાથે ચાલવામાં પણ માનતાં હતાં.
અઢાર વર્ષનાં કુદસિયાને એમનાં માતા ગાંધીજીને મળવાં લઈ ગયાં હતાં. જાણીતાં ચિત્રકાર અમૃતા શેરગીલના પિતા સરદાર ઉમરાનસિંહ શેરગીલ એમના પારિવારિક મિત્ર હતા. મોહમ્મદ ઇકબાલ સાથે પણ કુદસિયા બેગમના પરિવારને નજદીકી હતી.
બેગમ કુદસિયાના ઘરનો માહોલ: રુઢિચુસ્ત અને આધુનિકનો સંગમ
બેગમ કુદસિયાએ પોતાની આત્મકથામાં એમના ઘરના માહોલ અને ઉછેર વિશે પણ વાત કરી છે. તેઓ લખે છે એ પ્રમાણે એમના ઘરમાં બૌદ્ધિક માહોલ હતો.
ઉર્દૂ અને પર્શિયન સાહિત્યની ચર્ચાઓની સાથે સાંપ્રત પૉલિટિકસ અને ઇતિહાસની ચર્ચાઓ થતી હતી.
ઘરમાં પડદાપ્રથાના પાલન સાથે ફંકશન અને પાર્ટીઓ પણ યોજાતાં હતાં.
બેગમ કુદસિયાનાં પુત્રવધુ અને કૉંગ્રેસ નેતા બેગમ ઇશરત રસૂલ બીબીસી ગુજરાતી સાથેની વાતચીત કરતા કહે છે, 'બેગમ કુદસિયાનો પરિવાર છ મહિના શિમલા નિવાસ કરતો હતો.'
'એમણે લાહોરની ક્વીન મેરી કૉલેજમાં અભ્યાસ કર્યો હતો. છ મહીના એમનું શિક્ષણ લાહોર અને છ મહિના શિમલા એ રીતે એમના શિક્ષણની વ્યવસ્થા હતી.'
બેગમ કુદસિયાએ આત્મકથામાં લખ્યું છે એ પ્રમાણે કૉન્વેન્ટ સ્કૂલમાં શિક્ષણ લેવાને કારણે બેગમ કુદસિયાના પિતાને રૂઢિચુસ્તો તરફથી વિરોધનો પણ સામનો કરવો પડ્યો હતો.
પિતાની તબિયત લથડતાં બેગમ કુદસિયા એમનાં સેક્રેટરી તરીકેની કામગીરી પણ બજાવી હતી.
આ દરમિયાન ઘણી જાણીતી રાષ્ટ્રીય વ્યક્તિઓને નજીકથી ઓળખવાની એમને તક મળી હતી.
બહુ નાની ઉંમરે બેગમ કુદસિયાનાં નિકાહ 1929માં નવાબ એઝાઝ રસૂલ સાથે થયાં હતાં, જેઓ એ સમયે અવધ (હવે ઉત્તરપ્રદેશનો એક ભાગ)ના હરદોઈ જિલ્લામાં આવેલા સંડીલાના જમીનદાર હતા.
કુદસિયાને એમના પતિના નામ 'બેગમ એજાઝ રસૂલ' દ્વારા સંબોધવામાં આવે છે.
બેગમ કુદસિયાના સાસરિયામાં પડદાપ્રથાનું ચુસ્ત રીતે પાલન થતું હતું.
બેગમ કુદસિયા એક કિસ્સો આત્મકથામાં જણાવતા કહે છે, 'હું લખનૌથી સંડીલા આવી ત્યારે સ્ટેશને મને લેવા માટે મારા સાસુએ ખાસ પડદાવાળી પાલખી મોકલી હતી. અખબારોમાં આ ઘટનાની નોંધ લેવામાં આવી હતી.'
બેગમ કુદસિયા લખે છે એ પ્રમાણે અલબત આવાં રૂઢિચુસ્ત માહોલની વચ્ચે કુદસિયાના સાસરિયામાં મુશાયરા અને કવ્વાલી, શાસ્ત્રીય ગાયનોના કાર્યક્રમો પણ યોજાતા હતા.
ગૌહર જાન અને અખ્તરી બાઈ જેવાં પ્રખ્યાત ગાયિકાઓના કાર્યક્રમો સંડીલામાં યોજાયા હતા.
બેગમ કુદસિયા શાસ્ત્રીય ગાયનો સાંભળી શકે એ માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
બેગમ કુદસિયાનો રાજકારણમાં પ્રવેશ
બેગમ કુદસિયાના મનમાં સમાજ માટે કશું કરવાની ઇચ્છા બળવતર બની રહી હતી. ભારતીય અધિનિયમ 1935 પ્રમાણે ભારતીયોને ડોમિનિયન સ્ટેટસ પ્રદાન કર્યું અને સરકારમાં ભારતીયોને વધારે ભાગીદારી મળી.
1937ની ચૂંટણીમાં બેગમ કુદસિયા એવી કેટલીક મહિલાઓમાંથી એક હતાં, જેમણે બિન-અનામત બેઠક પરથી સફળતાપૂર્વક ચૂંટણી લડી હતી અને યુપી વિધાનસભામાં ચૂંટાયાં હતાં. તેઓ 1937થી 1940 સુધી કાઉન્સિલના ઉપાધ્યક્ષ પદે રહ્યાં હતાં.
જોકે બેગમ કુદસિયાએ પોતાની આત્મકથામાં લખ્યું છે એ પ્રમાણ 1937માં ઉત્તર પ્રદેશ પ્રાંતીય વિધાનસભાની ચૂંટણીમાં લડવાનો નિર્ણય સૌ માટે ચોંકાવનારો હતો.
રૂઢિચુસ્ત મુસ્લિમોએ બેગમ કુદસિયા સામે ફતવો બહાર પાડ્યો હતો અને પડદાપ્રથામાં ન માનનારી મહિલાને વોટ આપવા ફરમાન કર્યું હતું. અલબત આમ છતાં બેગમ કુદસિયાની જીત થઈ હતી.
બેગમ કુદસિયાના પતિ એજાજા રસૂલની 1940માં ઉત્તરપ્રદેશ મુસ્લિમ લીગના જનરલ સેક્રેટરી તરીકે નિમણૂક થઈ હતી. બેગમ કુદસિયા એમના પછી મુસ્લિમ લીગમાં જોડાયાં હતાં.
કૉંગ્રેસના પૂર્વ નેતા અને બેગમ કુદસિયાના પારિવારિક મિત્ર એવા ડૉ. અમ્માર રીઝવી બીબીસી ગુજરાતી સાથે વાતચીત કરતા કહે છે:
'જ્યારે મુસ્લિમ મહિલાઓ પર અનેક પ્રકારની પાબંદી હતી, ત્યારે બેગમ કુદસિયાએ સક્રિય રાજકારણમાં ઝંપલાવ્યું હતું. તેઓ બહુ ઍડ્વાન્સડ મહિલા હતાં. એવાં આધુનિક મહિલા કે જેમણે એ સમયે મહિલા શિક્ષણ પર ભાર મૂક્યો હતો.'
મુસ્લિમ લીગમાં જોડાવા માટે કેમ બેગમ કુદસિયાને મનાવવાં પડ્યાં?
બેગમ કુદસિયા પોતાની આત્મકથામાં મુસ્લિમ લીગમાં કેવી રીતે જોડાયા એ અંગે લખે છે, 'શિમલામાં એક ઉનાળુ બપોરે ઝીણાએ કુદસિયાને ફોન કરીને મળવા આવવા જણાવ્યું હતું. જોકે મારા મનમાં મુસ્લિમ લીગમાં જોડાવાને લઈને અવઢવ હતી'
બેગમ કુદસિયા લખે છે, '1940ના દાયકામાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના મોટા નેતાઓ મુસ્લિમ લીગ સાથે જોડાઈ રહ્યા હતા.'
'મને મુસ્લિમ લીગમાં જોડાવા માટે સખત આગ્રહ કરવામાં આવી રહ્યો હતો, પણ હું મોહમ્મદ અલી ઝીણાની વિચારધારા સાથે સહમત ન હતી'
બેગમ કુદસિયા આ મુલાકાત વિશે આત્મકથામાં આગળ લખે છે, 'મારી અને ઝીણા વચ્ચે ત્રણ કલાક લાંબી મુલાકાત થઈ હતી. મુલાકાત પૂરી થયા પછી પાર્ટીમાં જોડાવા અંગે એમણે મને સમજાવતાં કહ્યું કે, મેડમ, મુસ્લિમ મહિલાઓ ઘણી પછાત છે. ઘરની ચાર દીવાલ વચ્ચે ગોંધાઈ રહેલી આ મહિલાઓને આસપાસના જગતમાં બનતી ઘટનાઓ વિશે ખ્યાલ જ નથી. મુસ્લિમોએ શૈક્ષણિક, સામાજિક અને આર્થિક રીતે પોતાના પગ પર ઊભા રહેવું જોઈએ. ઝીણાએ મુલાકાતને અંતે કહ્યું કે, તમારાં જેવી બુદ્ધિશાળી મહિલાઓ અલ્લાહની ભેટ છે. અલ્લાહ માટે અને પોતાની કૉમ્યુનિટી માટે આ બૌદ્ધિકતાનો તમારે ઉપયોગ કરવો જોઈએ.'
બંધારણસભામાં બેગમ કુદસિયાની ભૂમિકા અને ખોટી પ્રણાલીનો વિરોધ
વર્ષ 1941માં મુસ્લિમ લીગમાં જોડાયેલાં બેગમ કુદસિયાએ મહિલાઓ માટે કામ કરવાનું શરૂ કર્યું.
બેગમ કુદસિયા મુસ્લિમ લીગના સભ્યોમાંના એક હતાં, જેમણે 1946થી 1950 સુધી ભારતીય બંધારણસભાના સભ્યપદે રહ્યાં હતાં.
આ પદ પર પહોંચનારાં તેઓ ભારતનાં એકમાત્ર મુસ્લિમ મહિલા હતાં.
બેગમ કુદસિયાએ મુસ્લિમો માટે અલગ મતદાર મંડળ રાખવાના વિચારનો વિરોધ કર્યો હતો. આ સિવાય એમણે લઘુમતીઓ માટે અનામતનો પણ વિરોધ કર્યો હતો.
બેગમ કુદસિયાની પારિવારિક પૃષ્ઠભૂમિ હોવા છતાં, તેઓ જમીનદારી નાબૂદીની તરફેણમાં હતાં.
બેગમ કુદસિયા સમાજમાં ચાલતી કોઈ પણ કુરિવાજ કે ખોટી પ્રણાલીને સમર્થન આપતાં ન હતાં.
બેગમ ઇશરત રસૂલ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, 'બેગમ કુદસિયા મુસ્લિમ સમાજમાં વસ્તીવધારાને નિયંત્રિત કરવાના પણ સખત આગ્રહી હતાં.'
'ત્યાં સુધી કે એમણે નસબંધીની પણ તરફેણ કરી હતી. તેઓ દસથી બાર બાળકોવાળાં દંપતીને ખિજાતાં હતાં.'
બેગમ કુદસિયા આધુનિક વિચારધારા ધરાવતાં હતાં, પણ પોતાનાં ધર્મથી અળગાં પણ ન હતાં.
બેગમ ઇશરત રસૂલ બીબીસી ગુજરાતીને જણાવે છે, 'મારાં સાસુમા કુરાન પણ પઢતાં હતાં અને પાંચ ટાઇમની નમાઝ પણ પઢતાં હતાં અને અહીંના (લખનૌ) પ્રખ્યાત એમબી ક્લબમાં દર રવિવારે બ્રિજ અને પત્તા રમવા પણ જતાં હતાં.'
'હું શિયા હતી જ્યારે મારાં સાસુનો પરિવાર સુન્ની હતો પણ આમ છતાં પણ એમણે ક્યારેય કોઈ ભેદભાવ રાખ્યો નહોતો.'
આધુનિકતાને કારણે રૂઢિચુસ્ત વર્ગ તરફથી આવેલા પડકારો અને વિરોધ અંગે બેગમ કુદસિયા જેમને ભાઈ માનતાં હતાં એ કૉંગ્રેસ નેતા મોઇદ અહમદ બીબીસી ગુજરાતીને કહે છે :
'પોતાના ક્ષેત્રમાં એ લોકપ્રિય અને સામાજિક નેતા હતાં એટલે વિરોધ કરનારાઓનું કંઈ ઊપજતું ન હતું. તેઓ એક આધુનિક વિચારધારાનાં મહિલા હતાં.'
'એમનાંમાં ધર્મ અને આધુનિકતાનો સંગમ હતો. ટિપિકલ મુસ્લિમ રઢિચુસ્ત માહોલ સાથે એમને કોઈ સંબંધ ન હતો પણ તેઓ પોતાના સમાજ માટે હંમેશાં પ્રયત્નશીલ હતાં.'
એક રાજકારણી અને એક સાસુ તરીકે
1950માં જ્યારે મુસ્લિમ લીગનું વિસર્જન થયું ત્યારે તેઓ કૉંગ્રેસ પાર્ટીમાં જોડાયાં હતાં.
1952માં, બેગમ કુદસિયા ઉત્તર પ્રદેશના શાહબાદ વિધાનસભા ક્ષેત્રમાંથી ધારાસભ્ય અને ઉત્તર પ્રદેશમાંથી રાજ્યસભાનાં સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યાં.
1954માં એકસાથે બે ગૃહોના સભ્ય હોવાના કારણે તેમણે રાજ્યસભામાંથી રાજીનામું આપવું પડ્યું હતું. અને તેઓ 1969થી 1989 સુધી ઉત્તર પ્રદેશ વિધાનસભાનાં સભ્ય હતા.
1969 અને 1971ની વચ્ચે, તેઓ સામાજિક કલ્યાણ અને લઘુમતીઓનાં મંત્રીપદે રહ્યાં હતાં.
બેગમ એજાજ રસૂલના પરિવાર સાથે નજીકથી જોડાયેલા લખનૌના ડૉકટર સમીર સકસેના બીબીસી ગુજરાતીને જણાવે છે:
'સંડીલામાં પ્લૅગ થયો ત્યારે એમના પતિ નવાબ સાહેબે સંડીલામાં નગર સ્વાસ્થય અધિકારીની પોસ્ટ ઊભી કરી હતી.'
'નવાબ એજાજ રસૂલ સાહેબની જેમ બેગમ કુદસિયા પણ સંડીલાનું ગૌરવ હતાં. સંડીલામાં સૌથી મોટી સ્પિનિંગ મિલ બની હતી.'
'જે બેગમ કુદસિયાની દેણ હતી. જેનું ઉદ્ઘાટન ઇન્દિરા ગાંધીએ કર્યું હતું. સંડીલાના ઔધોગિક વિકાસમાં બેગમ કુદસિયાનો મહત્ત્વનો ફાળો છે.'
મોઇદ અહમદ બીબીસી ગુજરાતીને કહે છે, 'અમારો પરિચય 1980માં થયો હતો. અમે ઍસેમ્બલીમાં બાજુમાં બેસતાં હતાં.'
'એમણે મને એકવાર હજ કરાવવા લઈ જવાની વાત કરી હતી. એમને વારંવાર મળવાનું બનતું હતું. બેગમ કુદસિયાના નહેરુ પરિવાર સાથે પણ સારા સંબંધો હતા.'
ડૉ.અમ્માર રિઝવી બીબીસી ગુજરાતીને જણાવે છે, 'ભલે તેઓ કૉંગ્રેસમાં હતાં, પરંતુ એમને બધી પાર્ટીના નેતા સાથે સારા સંબંધો હતા. જનસંઘ, લોકદળના બધા નેતાઓ સાથે એમના સારા સંબંધો હતા. તેઓ એક લોકપ્રિય નેતા હતાં.'
બેગમ કુદસિયા પોતાના પરિવારના સભ્યોને પણ રાજકારણમાં આવવા માટે પ્રોત્સાહિત કરતાં હતાં.
બેગમ ઇશરત રસૂલ બીબીસી ગુજરાતીને જણાવે છે, 'મારા સાસુ બેગમ કુદસિયા અમને ખૂબ પ્રોત્સાહિત કરતાં હતાં. 1980માં મારાં સાસુ સંડીલાથી ચૂંટણી લડી રહ્યાં હતાં.'
'મેં દીકરીને જન્મ આપ્યો ત્યારે તેઓ મને આશીર્વાદ આપવાં આવ્યાં હતાં અને મારી દીકરીનું નામ અમીના રાખવા કહ્યું હતું.'
બેગમ ઇશરત રસૂલ કહે છે એ પ્રમાણે તેઓ દરેક ચૂંટણીમાં પોતાનાં સાસુ સાથે ચૂંટણી કૅમ્પેઇનિંગમાં જોડાતાં હતાં. તેઓ પોતે ગામડાંમાં જતાં અને મને નગરમાં ચૂંટણીપ્રચાર માટે મોકલતાં હતાં.'
તેઓ પાકિસ્તાન કેમ ન ગયાં? હાલ એમનો પરિવાર શું કરે છે?
બેગમ કુદસિયા પોતાની આત્મકથામાં લખે છે, 'ભારતના ભાગલાની ઘોષણા સમયે ઉર્દૂ અખબારો બેગમ એજાજ રસૂલ પાકિસ્તાન ચાલ્યાં જશે, તો અહીંના સ્થાનિક લધુમતીઓની ધ્યાન રાખનારું કોઈ નહીં રહે એ પ્રકારના સમાચારો છાપતા હતા.'
'અમારી એ નૈતિક જવાબદારી બને છે કે અમે અહીંના મુસ્લિમોને એમના હાલ પર છોડીને પાકિસ્તાન ન જઈ શકીએ. આથી મેં અને મારા ખાવિંદે ભારતમાં જ રહેવાનું નક્કી કર્યું હતું.'
રાજનીતિમાં રસરૂચિ રાખતાં બેગમ કુદસિયાને સ્પૉર્ટ્સમાં પણ રસ હતો. એમણે 20 વર્ષ સુધી ભારતીય મહિલા હૉકી ફેડરેશનના પ્રમુખનું પદ સંભાળ્યું હતું અને એશિયન મહિલા હૉકી ફેડરેશનના પ્રમુખ તરીકે પણ કામગીરી કરી હતી. ભારતીય મહિલા હૉકી કપ તેમના નામ પરથી રાખવામાં આવ્યો છે. વર્ષ 2000માં, તેમને સામાજિક કાર્યમાં યોગદાન માટે પદ્મભૂષણથી નવાજવામાં આવ્યાં હતાં. તારીખ 1 ઑગસ્ટ, 2001ના રોજ બેગમ કુદસિયાએ આખરી શ્વાસ લીધા હતા.
બેગમ કુદસિયાના પરિવાર વિશે એમના પુત્રવધુ બેગમ ઇશરત રસૂલે બીબીસી ગુજરાતીને આપેલી માહિતી પ્રમાણે બેગમ કુદસિયાને બે પુત્રો અને બે પુત્રી હતાં.
બેગમ કુદસિયાનાં ચારેય સંતાનોએ વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કર્યો હતો. પુત્રો ઇમ્તિયાઝ રસૂલ અને બીજા એતમાદ રસૂલ. હાલ બંને પુત્રો હયાત નથી.
બેગમ કુદસિયાનાં એક પુત્રી તલત ખાલિદ પણ હાલ હયાત નથી, જ્યારે બેગમ કુદસિયાનાં બીજાં દીકરી ઝિન્નત ઇમાન હાલ હયાત છે. એમની ઉંમર 92 વર્ષ છે. ઝિન્નત ઇમાન પત્રકારત્વ સાથે જોડાયેલાં હતાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન