You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર : 'વિદેશથી કોચ લાવશે, પણ ભારતીય મહિલાને નહીં લે', પ્રીતમ સિવાચે મહિલા કોચની કમીની ટીકા કરી
દ્રોણાચાર્ય ઍવૉર્ડથી સન્માનિત ભારતીય હૉકી ટીમનાં પૂર્વ કોચ પ્રીતમ સિવાચે ભારતમાં મહિલા કોચની કમી અંગે ટીકા કરી છે.
તેમણે બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમ ઑફ ધ યરનાં નૉમિનીઝની જાહેરાત માટેની પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું કે, "ભારતીય મહિલા કોચ પર ભરોસો વધારવાની જરૂર છે."
તેમણે કહ્યું કે રમતગમતમાં કોચને મળતા દ્રોણાચાર્ય ઍવૉર્ડ માટે જ્યારે તેઓ આવેદન કરી રહ્યાં હતાં ત્યારે પણ લોકોએ કહ્યું કે "મહિલાને આવો ઍવૉર્ડ થોડી મળે પણ મેં કહ્યું કે મહિલાને આ ઍવૉર્ડ કેમ ન મળવો જોઈએ? મેં આ ચૅલેન્જ સ્વીકાર કરી." તેમને વર્ષ 2021માં દ્રોણાચાર્ય ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
ગુરુવારે બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યરના પાંચમા સંસ્કરણ માટે નામાંકન થયેલાં ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે.
આ પાંચ દાવેદારોમાં ગોલ્ફર અદિતિ અશોક, શૂટર મનુ ભાકર અને અવની લેખરા, ક્રિકેટર સ્મૃતિ મંધાના અને કુસ્તીબાજ વીનેશ ફોગાટનો સમાવેશ થાય છે.
આ ઍવૉર્ડ 2024ના વર્ષમાં ભારતીય મહિલા ખેલાડીઓના યોગદાનનું સન્માન કરે છે અને રમતગમતમાં સામેલ દેશની તમામ મહિલાઓની સિદ્ધિઓની ઉજવણી કરે છે.
તમે બીબીસીની કોઈ પણ ભારતીય ભાષાની વેબસાઇટ અથવા બીબીસી સ્પૉર્ટ વેબસાઇટ પર ભારતીય મહિલા ખેલાડીઓ માટે મતદાન કરી શકો છો.
બીબીસી દ્વારા પસંદ કરાયેલી પૅનલે પાંચ ભારતીય ખેલાડીઓને શૉર્ટલિસ્ટ કર્યાં છે. આ જ્યૂરીમાં ભારતના કેટલાક સૌથી વરિષ્ઠ રમત પત્રકારો, નિષ્ણાતો અને લેખકોનો સમાવેશ થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સૌથી વધુ મત મેળવનાર ખેલાડીને બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર જાહેર કરાશે. જેનાં પરિણામો બીબીસી ઇન્ડિયન લેંગ્વેજ સાઇટ્સ અને બીબીસી સ્પૉર્ટ વેબસાઇટ પર પ્રસિદ્ધ થશે.
મતદાન શુક્રવાર, 31 જાન્યુઆરી સુધી ભારતીય સમયાનુસાર, રાતે 11.30 વાગ્યા સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે અને વિજેતાની જાહેરાત સોમવાર, 17 ફેબ્રુઆરી 2025ના રોજ દિલ્હીમાં એક સમારોહમાં કરવામાં આવશે.
બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યરના પાંચમા સંસ્કરણ મુદ્દે એક પત્રકારપરિષદ પણ થઈ હતી.
આ પત્રકારપરિષદમાં ખેલપત્રકારોએ દ્રોણાચાર્ય ઍવૉર્ડથી સન્માનિત કોચ પ્રીતમ સિવાચ અને પેરિસ પૅરાલ્મિપિકમાં બ્રૉન્ઝ જીતનાર પૅરા ઍથ્લીટ સિમરન શર્માને પણ સવાલ કર્યા હતા, જે ઘણા રસપ્રદ રહ્યા હતા.
રિપોર્ટરોએ કયા સવાલ કર્યા?
પતિની સફળતા પાછળ પત્નીનો હાથ હોય છે, પણ પત્નીની સફળતા પાછળ પણ પતિનો હાથ હોય છે. તમારા પતિ આર્મીમાં છે, તેમણે પણ તમને તાલીમ આપી છે. આ જે પ્રક્રિયા થઈ એ કેવી રહી અને ક્યારે શરૂ થઈ?
કૃતિ શર્મા, વેબદુનિયા
સિમરન : વર્ષ 2017માં જ્યારે અમારાં લગ્ન થયાં ત્યારે તેમણે (મારા પતિ)એ સવાલ કર્યો કે જિંદગીમાં શું કરવું છે. તો મેં કહ્યું કે હું મારી ટીશર્ટ પર ઇન્ડિયા લખેલું જોવા માગું છું. મેં હાજરજવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે તેના માટે બહુ મહેનત કરવી પડશે.
મને ખબર નહોતી કે છોકરા આટલા સીરિયસ હોય છે. મારી આસપાસ આવું કોઈ સીરિયસ નહોતું. લગ્નના બીજા દિવસે કહ્યું કે તૈયાર થઈ જા. જિમ જવાનું છે.
મારા હાથે મેંદી હતી અને હું ટ્રૅક સૂટમાં પાછી આવી અને જ્યારે આવી ત્યારે મૂંહ દિખાઈ (લગ્નનો એક રિવાજ) માટે આવેલા લોકોએ પૂછ્યું કે વહુ ક્યાં છે? મેં કહ્યું કે હું જ છું. તો સંઘર્ષ ત્યાંથી શરૂ થયો હતો.
મારાં સાસુ પર બધા તૂટી પડ્યા કે કેવાં કપડાં પહેરે છે, ખબર નથી પડતી કે દીકરી કોણ છે અને વહુ કોણ? તારી વહુ નવાઈની છે કે લાજ નહીં કાઢે?
તો તેમણે (પતિ) કહ્યું કે મારી પત્ની તો નવીનવાઈની છે અને જ્યારે એ ઑલિમ્પિક જશે અને શૉર્ટસ પહેરીને દોડશે ત્યારે તમે જોશો કે નહીં?
હું હસવા લાગું તો પૂછ્યું કે કેમ હસે છે? તો મેં કહ્યું કે તમે વાત જ ઑલિમ્પિક કરી રહ્યા છો, મને તો પરસેવો વળી જાય છે ટીવી પર જોઈને. તો તેમણે કહ્યું કે તું નહીં કરી શકે, પણ હું તારાથી કરાવીશ.
હું એ સમયે આટલી તાકતવર નહોતી, પણ તેઓ (મારા પતિ) એ સમયે આ કરવા માટે તૈયાર હતા.
લગ્ન બાદ બે-ત્રણ વર્ષ બહુ મુશ્કેલ રહ્યાં. તેમની પાસે એક પ્લૉટ હતો, જે તેમણે વેચી માર્યો, કેમ કે પ્રોફેશનલ સ્પૉર્ટ્સમાં ખર્ચો આવે છે.
કોચ પ્રીતમ સિવાચે પોતાની સ્પૉર્ટ્સ કારકિર્દી પર શું કહ્યું?
પ્રીતમ, જ્યારે તમે કૉમનવેલ્થમાં રમ્યાં ત્યારે તમારો દીકરો 7 મહિનાનો હતો, તે હવે રમે છે કે તમે કહ્યું કે બેસ, હું જ રમીશ.
પ્રીતમ સિવાચ: મારાં બંને બાળકો હોકી ઇન્ડિયા લીગમાં રમે છે અને સોનીપતમાં જ્યાં હું કોચિંગ આપું છું ત્યાંનાં 11 બાળકો પણ રમે છે.
જેમ કે તેમણે (સિમરન) પણ કહ્યું કે અમારી કહાણી ઘણી સમાન છે.
સિમરન તો આજની છે પણ મારી કહાણી 20-25 વર્ષ પહેલાંની છે. ઘણી મુશ્કેલીઓ હતી. આ બધી અડચણ આવે છે, પરંતુ આપણે તેની સામે લડવાનું છે.
સમાજમાં લોકોને જાગૃત કરવા પડશે. આ રીતે મેં ટીમ બનાવવાનું વિચાર્યું. હું આશા રાખું છું કે છોકરીઓ મારાં જેટલો સંઘર્ષ નહીં કરે. મારી અંદર પણ જુસ્સો હતો. તે સારું છે કે તેને અર્જુન ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવી હતી અને દ્રોણાચાર્ય પણ પ્રાપ્ત થયો.
વિચાર્યું કે આટલાં વર્ષોથી જે રમ્યાં છીએ તે સમાજને પાછું આપી દઈએ. તેથી હું 20 વર્ષથી કોચિંગ આપી રહી છું. હોકીમાં હું એકમાત્ર મહિલા છું, જેને દ્રોણાચાર્ય ઍવૉર્ડ મળ્યો છે.
રમતગમતમાં મહિલા કોચની કેટલી જરૂર છે અને શા માટે અછત છે?
પ્રીતમ, તમે કહ્યું હતું કે તમે એકમાત્ર મહિલા દ્રોણાચાર્ય ઍવૉર્ડ વિજેતા છો, તમને શું લાગે છે કે રમતગમતમાં મહિલા કોચની કેટલી જરૂર છે અને તેની અછત શા માટે છે? શું મહિલા કોચને લઈને પરિસ્થિતિ બદલાઈ છે?
શારદા ઉગરા, સ્પૉર્ટ્સ પત્રકાર
પ્રીતમ સિવાચ: સારો પ્રશ્ન છે, પુરુષોને ખરાબ ન લાગવું જોઈએ. હું આપણા સમાજ અને ભારતમાં જે જોઉં છું કે પુરુષો અહીં વર્ચસ્વ ધરાવે છે.
કહેવાય છે કે મહિલાઓ ઘણી આગળ વધી ગઈ છે પરંતુ મેં મારા ક્ષેત્રમાં ઘણા એવા પત્રકારો જોયા છે જેમણે મને રમતા જોઈ છે, મારી આખી કારકિર્દી જોઈ છે.
મેં મારું જીવન રમતમાં સમર્પિત કરી દીધું છે. શરૂઆતનાં 20 વર્ષ રમવામાં અને પછીનાં 20 વર્ષ કોચિંગમાં વિતાવ્યાં.
આજે પણ દ્રોણાચાર્ય પુરસ્કાર મળ્યા બાદ પણ તેઓને એવું નથી લાગતું કે કોઈ મહિલા ભારતીય ટીમની કોચ બની શકે છે.
તેમણે આજ સુધી આટલો આત્મવિશ્વાસ કેળવ્યો નથી. તેઓ બહારથી ગોરી મહિલાને લાવશે અને કહેશે કે તે કોચિંગ કરી શકે છે પણ ભારતમાં આવું બન્યું નથી.
આ બહુ મોટું સત્ય છે. અમને એવું લાગે છે, ખાસ કરીને કોચિંગમાં, અમારા ખેલાડીઓ ત્યાં બેઠા છે તે કહી શકે છે. આપણે વિશ્વાસ કરવો જોઈએ. જ્યારે આપણે તળિયેથી ખેલાડીઓ તૈયાર કરી રહ્યા છીએ અને તેમને ભારત માટે તૈયાર કરી રહ્યા છીએ, તો શું આપણે ટોચ પર કામ ન કરી શકીએ?
પછી આપણે વિશ્વાસ કેળવવો પડશે. જ્યારે આ ઍવૉર્ડ આપવામાં આવતા હતા ત્યારે મેં બે વર્ષ પહેલાં મારું નામ મોકલ્યું હતું, પછી પૂછવામાં આવ્યું કે શું કોઈ મહિલાને આ ઍવૉર્ડ મળી શકે છે?
ત્યારે મારા મનમાં આ પ્રશ્ન આવ્યો કે સ્ત્રીને કેમ ન મળી શકે? હું મેળવીને બતાવીશ. મેં પડકાર સ્વીકાર્યો. હું ઇચ્છું છું કે દરેક સ્ત્રી કામ કરે.
ઘણી સ્ત્રીઓ એ વિચારીને પાછળ હઠી જાય છે કે તેને છોડો, આ લોકો તો અમને આગળ વધવા દેતા નથી. જ્યાં સુધી આપણે આગળ ન આવીએ અને પોતાના માટે લડી ન લઈએ ત્યાં સુધી આપણે તે મેળવી શકીશું નહીં.
તેથી મેં ઘણો સંઘર્ષ કર્યો છે અને દરેકે લડવું જોઈએ અને મહિલાઓએ આગળ આવવું જોઈએ, કોચિંગમાં આવવું જોઈએ અને દરેક બાબતમાં આવવું જોઈએ.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન