You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જનાનખાનામાંથી ભાગેલી મહિલાને આશરો આપનાર વેપારીની હત્યા થઈ અને રાજાએ ગાદી ગુમાવી
- લેેખક, નિયાઝ ફારુકી
- પદ, બીબીસી ન્યૂઝ
પહેલી નજરે તો આ સામાન્ય હત્યાનો કેસ લાગતો હતો.
આજથી એક સો વર્ષ અગાઉ 12 જાન્યુઆરી 1925ના રોજ કેટલાક લોકોએ બૉમ્બે (આજનું મુંબઈ)ના એક ઉપનગરમાંથી જતી કાર પર હુમલો કર્યો જેમાં એક દંપતી સવાર હતું. હુમલાખોરોએ ગાડીમાં સવાર પુરુષને ગોળીથી ઠાર માર્યો અને મહિલાના ચહેરાને લોહીલુહાણ કરી નાખ્યો.
પરંતુ આ કેસ એવો જટિલ હતો કે તેના પર આખી દુનિયાનું ધ્યાન ગયું. તેના કારણે તે સમયે ભારત પર શાસન કરતા અંગ્રેજ શાસકો પણ હેરાન થઈ ગયા અને એક ભારતીય રાજાએ પોતાની ગાદીનો ત્યાગ કરવો પડ્યો.
તે સમયના અખબારો અને મેગેઝિનોએ તેને "બ્રિટિશ ભારતમાં થયેલો સૌથી સનસનીખેજ અપરાધ" ગણાવ્યો હતો અને તેની તપાસ તથા કોર્ટમાં ટ્રાયલ દરમિયાન આખા શહેરમાં આ કેસની જ ચર્ચા થતી હતી.
આ કેસમાં મરનારનું નામ અબ્દુલ કાદિર બાવલા હતું જેમની ઉંમર 25 વર્ષની હતી. તેઓ કાપડ ક્ષેત્રે બહુ મોટા ઉદ્યોગપતિ તરીકે જાણીતા હતા તથા મુંબઈના સૌથી નાની વયના મ્યુનિસિપલ કૉર્પોરેટર પણ હતા. તેમની સાથે કારમાં 22 વર્ષનાં એક મહિલા મુમતાઝ બેગમ હતાં. મુમતાઝ એક રજવાડાના જનાનખાનામાંથી ફરાર થયેલાં ગણિકા હતાં અને છેલ્લા કેટલાક મહિનાથી અબ્દુલ કાદિર બાવલાની સાથે રહેતાં હતાં.
જે સાંજે આ હત્યા થઈ ત્યારે બાવલા અને મુમતાઝ બેગમની સાથે કારમાં બીજા ત્રણ લોકો પણ હતા અને તેમની કાર મલાબાર હિલ એરિયામાંથી પસાર થતી હતી. તે સમયે ભારતમાં કારની સંખ્યા બહુ ઓછી હતી અને અત્યંત પૈસાદાર લોકો જ કાર વસાવી શકતા હતા.
અચાનક બીજી એક કારે તેમને ઓવરટેક કરી. આ કેસની વિગતો અને તે સમયના અખબારી અહેવાલો મુજબ કારમાં સવાર લોકો કંઈ સમજી શકે તે પહેલાં બીજી કાર તેમની સાથે ટકરાઈ તેથી બાવલા અને મુમતાઝની કારે અટકી જવું પડ્યું.
બીજી કારમાંથી ઊતરેલા લોકોએ બાવલાને બેફામ અપશબ્દો કહ્યા અને 'મહિલાને બહાર કાઢવા' કહ્યું. બૉમ્બે હાઈ કોર્ટમાં જુબાની આપતી વખતે મુમતાઝ બેગમે આમ કહ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ત્યાર પછી તેમણે બાવલાને ગોળી મારી. થોડા કલાકોમાં બાવલાનું મૃત્યુ થયું.
તે સમયે ગોલ્ફ રમીને પાછા ફરતા બ્રિટિશ સૈનિકોના એક જૂથે ગોળીબારનો અવાજ સાંભળ્યો અને તેઓ ઘટનાસ્થળે દોડી ગયા.
સૈનિકોએ હુમલાખોરોને પકડી લીધા, પરંતુ એક હુમલાખોરે ફાયરિંગ કર્યું તેમાં એક અધિકારીને ગોળી વાગી.
બ્રિટિશ અધિકારીઓ ઈજાગ્રસ્ત મુમતાઝ બેગમને હૉસ્પિટલે લઈ જવાનો પ્રયાસ કરતા હતા, પરંતુ હુમલાખોરોએ મુમતાઝને આંચકીને ઉઠાવી જવા માટે બે નિષ્ફળ પ્રયાસ કર્યા અને પછી ભાગી ગયા.
મુમતાઝ અને બાવલાની મુલાકાત મુંબઈમાં થોડા મહિના અગાઉ એક કાર્યક્રમ દરમિયાન થઈ હતી અને ત્યારથી તેઓ બાવલાની સાથે જ રહેતાં હતાં. તે સમયના અખબારોએ લખ્યું કે હુમલાખોરો કદાચ મુમતાઝ બેગમને ઉઠાવી જવા આવ્યા હતા કારણ કે બાવલાએ મુમતાઝને પોતાને ત્યાં શરણ આપ્યું હતું અને તેમને અગાઉ પણ મારી નાખવાની ધમકીઓ મળી હતી.
તે સમયે પ્રકાશિત ઇલસ્ટ્રેટેડ વીકલી ઑફ ઇન્ડિયાએ પોતાના વાચકોને મુમતાઝ બેગમના ઍક્સક્લુઝિવ ફોટોગ્રાફ છાપવાનું વચન આપ્યું હતું, જ્યારે પોલીસે આ કેસમાં દરરોજ એક બુલેટિન આપવાની યોજના બનાવી હતી તેમ મરાઠી અખબાર નવાકાલ લખે છે.
બોલીવૂડને પણ આ કેસ એટલો રસપ્રદ લાગ્યો હતો કે થોડા જ મહિનામાં તેના પરથી એક સાઇલન્ટ મર્ડર થ્રિલર ફિલ્મ પણ બની હતી.
'બાવલા મર્ડર કેસઃ લવ, લસ્ટ ઍન્ડ ક્રાઇમ ઇન કોલોનિયલ ઇન્ડિયા' પુસ્તકના લેખક ધવલ કુલકર્ણી કહે છે કે, આ કેસ એક ધનાઢ્ય અને યુવાન ઉદ્યોગપતિની હત્યાને લગતો હતો તેથી સામાન્ય મર્ડર મિસ્ટ્રી કરતા તે કંઈક વિશેષ હતો.
કોણ હતાં મુમતાઝ બેગમ?
મીડિયામાં અનુમાન મુજબ હુમલાખોરોની ફૂટપ્રિન્ટ પરથી પગેરું ઇન્દોરના રજવાડા તરફ જતું હતું જે તે સમયે બહુ પ્રભાવશાળી રજવાડું હતું અને અંગ્રેજોના ટેકેદાર હતા. મમતાઝ બેગમ મુસ્લિમ હતા પરંતુ હિંદુ મહારાજા તુકોજીરાવ હોલકર તૃતિયના જનાનખાનામાં ઉપપત્ની તરીકે સામેલ હતાં.
મુમતાઝ બેગમ પોતાની સુંદરતા માટે પ્રસિદ્ધ હતાં. કે એલ ગૌબાએ 1945માં પોતાના પુસ્તક 'ફેમસ ટ્રાયલ્સ ફૉર લવ ઍન્ડ મર્ડર'માં લખ્યું છે, "એવું કહેવાય છે કે મુમતાઝની તોલે આવે તેવું કોઈ ન હતું."
પરંતુ મહારાજા તેને સંપૂર્ણ નિયંત્રણમાં રાખવા માંગતા હતા. કુલકર્ણી કહે છે કે મહારાજાએ મુમતાઝને પોતાના પરિવારને મળતા અટકાવી અને તેમને સતત પોતાની નિગરાણી હેઠળ રાખવાનો પ્રયાસ કર્યો જેના કારણે તેમના સંબંધો બગડ્યા હતા.
મુમતાઝ બેગમે કોર્ટમાં જુબાનીમાં કહ્યું, "મારા પર સતત નજર રાખવામાં આવતી હતી. હું મુલાકાતીઓ અને મારા સ્વજનોને મળી શકતી હતી, પરંતુ મારી સાથે હંમેશાં કોઈ રહેતું હતું."
ઇન્દોરમાં તેમણે એક પુત્રીને જન્મ આપ્યો હતો જેનું થોડા જ સમયમાં મૃત્યુ થયું હતું.
મુમતાઝ બેગમે કોર્ટમાં જણાવ્યું,"મારી દીકરીના જન્મ પછી મને ઇન્દોરમાં રહેવાની ઇચ્છા ન હતી. મારે નહોતું રહેવું કારણ કે નર્સોએ મારી નવજાત દીકરીને મારી નાખી હતી."
થોડા જ મહિનામાં તેઓ ઇન્દોરથી ભાગીને અમૃતસર પહોંચ્યાં જે તેમનાં માતાનું જન્મસ્થાન હતું. પરંતુ ત્યાં પણ તકલીફોએ પીછો ન છોડ્યો.
અમૃતસરમાં પણ તેઓ નિગરાણી હેઠળ હતાં. મુમતાઝ બેગમના સાવકા પિતાએ કોર્ટમાં જણાવ્યું કે મુમતાઝને લઈ જવા માટે મહારાજા રડ્યા અને તેમને પાછા ફરવા આજીજી કરી. પરંતુ મુમતાઝે ના પાડી દીધી અને મુંબઈ જતાં રહ્યાં જ્યાં તેમના પર નજર રાખવાનું ચાલુ રહ્યું.
રાજાએ પીછો ન છોડ્યો
આ કેસમાં મીડિયાએ જે ધારણા કરી હતી તે સાચી પડી. મહારાજાના માણસોએ મુમતાઝને આશરો આપનાર બાવલાને ધમકી આપી હતી કે જો તેઓ મુમતાઝને નહીં છોડે તો તેના ગંભીર પરિણામ આવશે. પરંતુ બાવલાએ ધમકીઓને ગણકારી નહીં.
આ કેસમાં ઘટનાસ્થળેથી એકમાત્ર હુમલાખોર શાફી અહમદ પકડાયો હતો. તેણે આપેલી માહિતીના આધારે બૉમ્બે પોલીસે ઇન્દોરમાંથી સાત જણની ધરપકડ કરી.
તપાસના છેડા મહારાજા સુધી પહોંચતા હતા અને તેને અવગણી શકાય તેમ ન હતા. પકડાયેલા મોટા ભાગના લોકો ઇન્દોરના રજવાડાના કર્મચારી હતા. તેમણે એક સાથે નોકરીમાંથી રજાની અરજી કરી હતી અને ગુના વખતે તમામ લોકો બૉમ્બેમાં હાજર હતા.
આ હત્યાના કારણે બ્રિટિશ સરકાર મુશ્કેલ સ્થિતિમાં મુકાઈ ગઈ. હત્યા બૉમ્બેમાં થઈ હતી, પરંતુ તેનું ષડયંત્ર ઇન્દોરમાં ઘડાયું હતું તે સ્પષ્ટ દેખાઈ આવતું હતું અને ઇન્દોરના મહારાજા બ્રિટિશરોના સાથીદાર હતા.
ધ ન્યૂ સ્ટેટ્સમૅન અખબારે આને 'બ્રિટિશ સરકાર માટે સૌથી ભદ્દી ઘટના' ગણાવી અને લખ્યું હતું કે "કોઈ નાનકડા રજવાડામાં આવું થયું હોત તો ખાસ તકલીફ પડી ન હોત."
"પરંતુ ઇન્દોર એ બ્રિટિશ રાજનું શક્તિશાળી રજવાડું છે."
શરૂઆતમાં તો બ્રિટિશ સરકારે આ કેસના ઇન્દોર કનેક્શનના કારણે જાહેરમાં કંઈ પણ બોલવાનું ટાળ્યું. પરંતુ અંદરખાને અંગ્રેજો આ મુદ્દે બહુ સાવચેતીથી વાત કરતા હતા તેવું બૉમ્બે સરકાર અને બ્રિટિશ ઇન્ડિયાના પત્રવ્યવહાર પરથી જાણી શકાય છે.
બૉમ્બેના પોલીસ કમિશ્નર પેટ્રિક કેલીએ કહ્યું કે "હુમલાખોરોની મદદથી મુમતાઝનું અપહરણ કરવા માટે ઇન્દોરમાં ષડયંત્ર ઘડાયું હતું અથવા ઇન્દોરથી સૂચના અપાઈ હતી" તે દર્શાવવા માટે પોલીસ પાસે તમામ પુરાવા છે.
સરકાર પર ચારે બાજુથી દબાણ વધતું જતું હતું. બાવલા આર્થિક રીતે સંપન્ન મેમણ મુસ્લિમ સમુદાયના હતા અને તેમના સમુદાયે સરકાર સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમના સાથી મ્યુનિસિપલ કૉર્પોરેટરોની પણ માંગ હતી કે જવાબદાર વ્યક્તિ સામે કોઈ કાર્યવાહી થવી જોઈએ.
ભારતીય પ્રતિનિધિઓએ બ્રિટિશ ભારતની ધારાસભામાં ઉપલા ગૃહમાં મુદ્દો ઉઠાવ્યો અને સરકાર પાસે જવાબ માગ્યો હતો. બ્રિટનના હાઉસ ઑફ કૉમન્સમાાં પણ આ હત્યા કેસ મામલે ચર્ચા થઈ હતી.
સજા તો થઈ પણ રાજાને નહીં, રાજાએ ગાદી છોડવી પડી
ભૂતપૂર્વ પોલીસ અધિકારી રોહિદાસ નારાયણ દુસારે આ હત્યા વિશે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે પોલીસ પર ધીમી તપાસ કરવાનું દબાણ હતું. પરંતુ ત્યાર પછી પોલીસ કમિશ્નર કેલીએ રાજીનામું આપવાની ધમકી આપી.
બૉમ્બે હાઈકોર્ટમાં આ કેસ પહોંચ્યો ત્યારે બચાવ અને ફરિયાદ પક્ષ - બંને તરફથી ટોચના વકીલો રોકવામાં આવ્યા હતા.
તેમાંથી એક વકીલ મોહમ્મદ અલી ઝીણા હતા જેઓ પછી પાકિસ્તાનના સ્થાપક બન્યા હતા. ઝીણાએ આનંદરાવ ગંગારામ ફણસે નામના આરોપીનો બચાવ કર્યો અને તેમને મૃત્યુદંડની સજામાંથી ઉગારી લીધા હતા. આનંદરાવ ફણસે તે વખતે ઈન્દોરની સેનામાં ટોચના જનરલના હોદ્દા પર હતા.
અદાલતે ત્રણ આરોપીઓને મૃત્યુદંડની સજા સંભળાવી અને ત્રણને આજીવન કેદની સજા કરી હતી. પરંતુ મહારાજાને જવાબદાર ઠરાવ્યા ન હતા.
જોકે, જસ્ટિસ એલ સી ક્રમ્પે નોંધ કરી કે "તેમની (હુમલાખોરો)ની પાછળ એવા લોકો હતા જેમનું નામ આપણે સ્પષ્ટપણે આપી શકતા નથી."
ન્યાયાધીશે ટિપ્પણી કરતા લખ્યું છે, "પરંતુ જ્યારે એક મહિલાનું અપહરણ કરવાનો પ્રયાસ કરવામાં આવે, જેઓ 10 વર્ષ સુધી ઈન્દોરના મહારાજાના ઉપપત્ની હતાં, ત્યારે આ હુમલો ઈન્દોરથી કરાવવામાં આવ્યો હોય તેવું માનવું ગેરવાજબી ન ગણાય."
આ કેસ એટલો મહત્ત્વનો બની ગયો કે બ્રિટિશ સરકારે મહારાજા સામે ઝડપી કાર્યવાહી કરવી પડે તેમ હતું. ભારતીય સંસદમાં રજૂ કરાયેલા દસ્તાવેજો મુજબ અંગ્રેજોએ મહારાજાને બે વિકલ્પો આપ્યાઃ તપાસનો સામનો કરો અથવા ગાદી છોડી દો.
અંતે મહારાજાએ ગાદી છોડવી પડી.
તેમણે બ્રિટિશ સરકારને એક પત્રમાં લખ્યું કે, "હું મારા પુત્રને ગાદી મળે તે માટે મારી ગાદીનો ત્યાગ કરું છું. મારી સમજણ મુજબ મલાબાર હિલની ઘટનામાં મારી કથિત સંડોવણીની હવે કોઈ વધુ તપાસ કરવામાં નહીં આવે."
ગાદીત્યાગ કર્યા પછી પણ મહારાજાએ એક નવો વિવાદ પેદા કર્યો. તેઓ પોતાના પરિવાર અને સમુદાયની ઇચ્છા વિરુદ્ધ જઈને એક અમેરિકન મહિલા સાથે લગ્ન કરવા માંગતા હતા. આખરે તે મહિલાએ હિંદુ ધર્મ અપનાવ્યો અને મહારાજા સાથે તેમનાં લગ્ન થયાં એવું બ્રિટિશ ગૃહ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.
દરમિયાન મુમતાઝ બેગમને હોલિવૂડમાંથી ફિલ્મોમાં કામ કરવાની ઑફરો આવવા લાગી. તેઓ અમેરિકા ગયાં અને નસીબ અજમાવ્યું. પરંતુ થોડા જ સમયમાં તેઓ ગુમનામીની દુનિયામાં ખોવાઈ ગયાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન