સિગારેટના એક ઠૂંઠાના કારણે 30 વર્ષે એક મહિલાની હત્યાનો કેસ ઉકેલાયો, પણ હત્યારો કોણ હતો?

    • લેેખક, પૉલ ઓ'હેયર
    • પદ, બીબીસી સંવાદદાતા

સિગારેટના એક ઠૂંઠાના કારણે સ્કૉટલૅન્ડના ગ્લાસગૉમાં મૅરી મૅકલૉઘનિન નામનાં એક મહિલાની હત્યાનું રહસ્ય 30 વર્ષ પછી ઉકેલાયું છે.

11 બાળકોનાં માતા મૅરી મૅકલૉઘનિનની હત્યા ગળું ઘોંટીને કરવામાં આવી હતી. આના માટે જે ગાઉનનો પટ્ટો વપરાયો હતો તેના પરથી મળેલા ડીએનએના સૅમ્પલને કારણે આ કેસ ઉકેલી શકાયો.

58 વર્ષનાં મૅરીનો મૃતદેહ ગ્લાસગૉ વેસ્ટમાંથી મળી આવ્યો હતો અને આ કેસમાં ગ્રેહામ મૅકગિલ નામની વ્યક્તિ મુખ્ય શકમંદ હતી. પરંતુ આશ્ચર્યની વાત એ છે શકમંદ ગ્રેહામ તો ઍડિનબર્ગની જેલમાં હતો.

બીબીસીની નવી ડૉક્યુમેન્ટ્રી 'મર્ડર કેસઃ ધ હન્ટ ફૉર મૅરી મેકલૉઘનિન્સ કિલર'માં આ કેસની તપાસ કરવામાં આવી છે તથા મૅરીનાં મૃત્યુથી તેના પરિવાર પર કેવી અસર પડી તેની વાત કરવામાં આવી છે.

સિનિયર ફોરેન્સિક સાયન્ટિસ્ટ જૉઆન કોચરેનએ જણાવ્યું કે "કેટલીક હત્યાઓ બહુ પડકારજનક હોય છે. મૅરીની હત્યા મેં તપાસ કરેલી સૌથી ભયંકર હત્યાએ પૈકી એક હતી."

મેરી પોતાની અંતિમ રાતે ગ્લાસગૉના હાઈલૅન્ડ પબ(હવે ડક ક્લબ)માં શરાબ પીવાં અને પત્તે રમવાં ગયાં હતાં.

રાતે 10.15 વાગ્યે તેઓ બારમાંથી બહાર આવ્યાં અને એકલાં ચાલીને ઘરે જવા રવાના થયાં.

તેમનું ઘર લગભગ એક કિમી દૂર હતું. ડમ્બર્ટન રોડ પર તેઓ થોડો નાસ્તો અને સિગારેટ ખરીદવા માટે એક દુકાને અટક્યાં. ત્યાં તેમણે દુકાનના સ્ટાફ સાથે થોડી ગપશપ પણ કરી.

મૅરીને સારી રીતે ઓળખતા એક ટૅક્સી ડ્રાઇવરે જણાવ્યું કે તે રાતે તે પોતાનાં જૂતાંને હાથમાં પકડીને ખુલ્લાં પગે ચાલતાં હતાં અને કોઈ તેમનો પીછો કરતું હતું.

હત્યાનો આરોપી ઘરમાં કઈ રીતે ઘૂસી આવ્યો?

હત્યારો મૅરીના ઘરમાં કેવી રીતે ઘૂસી ગયો તે પોલીસ નથી જાણતી. આ ઉપરાંત તે બળજબરીથી ઘરમાં પ્રવેશ્યો હતો તેના પણ કોઈ પુરાવા નથી.

પરંતુ અંદર ઘૂસતાની સાથે જ હુમલાખોરે તેનાથી બમણી ઉંમરના મૅરી પર ઘાતકી હુમલો કરી દીધો હતો.

તે વખતે મોબાઈલ ફોન ન હતા. તેથી મૅરી ઘણી વખત પોતાના પરિવારજનોનો સંપર્ક કરી શકતી ન હતી જેઓ અલગ અલગ ત્રણ જગ્યાએ રહેતા હતા.

પરંતુ દર અઠવાડિયે તેમનો એક પુત્ર માર્ટિન કુલેન માતાને મળવા આવતા હતા.

બીજી ઑક્ટોબર, 1984ના દિવસે મૅરીને મળવા માટે તેમનો 24 વર્ષીય પુત્ર માર્ટિન કુલેન પણ આવ્યો. માર્ટિન ઘરમાં ગયો અને જોયું તો પથારી પર મૅરી મૃત પડ્યાં હતાં. તેમણે પબમાં જે ગ્રીન ડ્રેસ પહેર્યો હતો તે અસ્તવ્યસ્ત હતો.

ભૂતપૂર્વ સિનિયર પ્રોસિક્યુટર ઇયાન વિશાર્ટના કહેવા પ્રમાણે આ 'અત્યંત ભયાનક' રીતે થયેલો અપરાધ હતો.

પોસ્ટમૉર્ટમ રિપોર્ટથી જાણવા મળ્યું કે મૅરીનો મૃતદેહ મળી આવ્યો તેનાથી પાંચ દિવસ અગાઉ તેમનું ગળું દબાવીને તેમની હત્યા કરવામાં આવી હતી.

આ હત્યાની તપાસ કરતા ડિટેક્ટિવોએ હત્યારાને પકડવા એક હજાર કરતાં વધુ લોકોનાં નિવેદનો લીધાં. પરંતુ કોઈ સફળતા ન મળી. ત્યાર પછીના વર્ષે પોલીસે મૅરીના પરિવારને જણાવ્યું કે કેસની તપાસ બંધ કરવામાં આવે છે. પરંતુ એક સીઆઈડી ઑફિસરે મૅરીનાં પુત્રી જિની મૅકગેવિનને જણાવ્યું કે તેમણે આશા છોડવી ન જોઈએ.

શું કોઈ સંતાને હત્યા કરી હતી?

મૅરીને બે પતિથી 11 બાળકો હતાં. સ્થાનિક સમુદાયમાં તેઓ જાણીતી વ્યક્તિ હતાં. તેમને પહેલા પતિથી છ બાળકો અને બીજા પતિથી પાંચ બાળકો હતાં.

પરંતુ મૅરીનાં દીકરી જિનીએ બીબીસીની એક ડૉક્યુમેન્ટ્રીમાં જણાવ્યું કે મૅરીએ પોતાના પહેલા છ બાળકોને છોડી દીધાં ત્યાર પછી પરિવારમાં કોઈને કોઈ તણાવ રહેતો હતો.

જિનીને લાગ્યું કે ઘરમાંથી જ કોઈ વ્યક્તિએ હત્યા કરી હોઈ શકે છે. પોતાનાં માતાની હત્યા પર પુસ્તક લખનાર જિનીએ આ શંકા પોલીસ સમક્ષ પણ વ્યક્ત કરી હતી. તેના ભાઈઓ પણ જિનીની શંકા સાથે સહમત હતા.

જિનીએ જણાવ્યું કે, "અમને બધાને શંકા હતી કે સંતાનોમાંથી જ કોઈએ હત્યા કરી હશે, અથવા અમારામાંથી કોઈને હત્યા વિશે એવી માહિતી હશે જે બીજા કોઈ પાસે ન હોય. પરંતુ તે સાબિત કરી શકાય તેમ ન હતું."

ટૅક્નૉલૉજીની મદદ લેવાઈ

2008 સુધીમાં શંકાસ્પદ હત્યારાને ઓળખવાના ચાર પ્રયાસો નિષ્ફળ ગયા.

2014માં આ કેસ પાંચમી વખત ફરીથી ખોલવામાં આવ્યો, ત્યારે સ્કૉટલૅન્ડમાં ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન સેન્ટરમાં ડીએનએ ઍનાલિસિસ સુવિધાઓના કારણે કેટલાંક મહત્ત્વપૂર્ણ તારણો શક્ય બન્યાં.

અગાઉ, નિષ્ણાતો માત્ર 11 ડીએનએ ટ્રેસ શોધી શક્યા હતાં, પરંતુ નવી ટૅક્નૉલૉજી સાથે તેમણે 24 ડીએનએ ટ્રેસ કર્યાં. આ નવી સુવિધાએ નાના-કદના અથવા ઓછા-રિઝોલ્યુશનના નમૂનાઓમાંથી પરિણામ મેળવવાની મુશ્કેલી દૂર કરી દીધી.

2015માં સ્કૉટિશ પોલીસ ઑથોરિટીના ફોરેન્સિક ડિરેક્ટર ટૉમ નૅલ્સને જણાવ્યું હતું કે, "આ ટૅક્નૉલૉજીના સમયમાં પાછળ જવાનું અને એક સમયે નિરાશાજનક એવા ઘણા કેસોમાં ન્યાય લાવવાનું શક્ય બનાવ્યું છે."

સૅમ્પલની વૅલ્યૂ

1984માં હત્યાના સ્થળેથી જે સૅમ્પલ લેવાયાં તેમાં મેરીનાં વાળ, નખ અને સિગરેટનાં ઠૂંઠાં સામેલ હતાં.

સ્કૉટિશ ક્રિમિનલ ઇન્વેસ્ટીગેશન સેન્ટરના નિષ્ણાત કોચરેનને આ પુરાવાઓની તપાસ કરવાનું કામ સોંપાયું, જે પુરાવા 30 વર્ષથી પેપર બૅગમાં સંગ્રહ કરાયેલા છે.

તેઓ કહે છે, "તે સમયે ખબર ન હતી કે ડીએનએ પ્રોફાઇલિંગ શું હોય છે. આ ઉપરાંત સૅમ્પલનો શું ઉપયોગ છે તેની પણ ખબર ન હતી." પરંતુ, કોચરેને તેમને સુરક્ષિત રાખવામાં ઉલ્લેખપાત્ર દૂરદર્શિતા બદલ તે સમયના તપાસકર્તા અધિકારીઓની પ્રશંસા કરી હતી.

સિગારેટના ઠૂંઠા પરથી રસ્તો મળ્યો

તપાસ કરનાર અધિકારીઓને લિવિંગ રૂમમાં કૉફી ટેબલ પર ઍશ-ટ્રેમાંથી ઍમ્બેસી સિગારેટનું ઠૂંઠું મળી આવ્યું. આ કેસમાં આ એક મહત્ત્વનો પુરાવો હતો.

મૅરી વૂડબાઇન બ્રાન્ડની સિગારેટ પીતાં હતાં. પરંતુ ઘટનાસ્થળેથી ઍમ્બેસી બ્રાન્ડની સિગારેટનું બટ મળી આવતા તપાસકર્તાઓને શંકા ગઈ અને તેને ડીએનએ ટેસ્ટિંગ માટે મોકલી આપ્યું. આ રીતે કેસમાં પુરાવા મળ્યા હતા.

કોચરેને કહ્યું કે ટૅક્નૉલૉજીમાં થયેલી પ્રગતિના કારણે અમે હવે ડીએનએનાં નિશાનોને ઓળખવામાં સફળ થયા છીએ.

તેમણે બીસીસીની ડૉક્યુમેન્ટ્રીમાં જણાવ્યું કે, "અમારા માટે આ બહુ મોટી ક્ષણ હતી. સિગારેટનાં ઠૂંઠાં પરથી એક સમયે કોઈ પુરાવો મળતો ન હતો, પરંતુ હવે તેની મદદથી સમગ્ર ડીએનએ પ્રોફાઇલિંગ કરી શકાય છે. આ કેસમાં આ અત્યાર સુધીની સૌથી મોટી સિદ્ધિ છે. અમને આ કેસમાં પ્રથમ ફોરેન્સિક પુરાવા મળ્યા છે."

હજારો ડીએનએ પ્રોફાઇલ સાથે તુલના કરાઈ

સિગારેટના ઠૂંઠાને ડીએનએ ડેટાબેઝ સેન્ટરમાં મોકલવામાં આવ્યું. ત્યાં હજારો ગુનેગારોની પ્રોફાઈલ સાથે તેની સરખામણી કરવામાં આવી. તેના રિઝલ્ટ કોચરને ઇમેઈલ દ્વારા મોકલાયા હતા. તેમણે મેઈલ ચેક કર્યો જેમાં એક જગ્યાએ લખેલું હતું 'ડાયરેક્ટ મૅચ'. તેઓ કહે છે કે તે વખતે મારા શરીરમાં રોમાંચ વ્યાપી ગયો.

'તે ડીએનએ ગ્રેહામ મૅકગિલનું હતું. મેં મારી પાસે આવેલા મેઈલ ફૉર્મ જોયાં તો મને ખબર પડી કે તેની વિરુદ્ધ જાતીય હુમલાના કેટલાય કેસ નોંધાયેલા હતા. 30 વર્ષ પછી એક એવી વ્યક્તિ મળી જેનું ડીએનએ પ્રોફાઈલ એકદમ મૅચ થતું હતું.

આરોપી જેલમાં છે

હત્યારાની ઓળખ ભલે થઈ ગઈ હોય, પરંતુ તપાસ અધિકારીઓ સામે વધુ એક પડકાર હતો. મૅરીની જ્યારે હત્યા થઈ ત્યારે શકમંદ અપરાધી ગ્રેહામ મૅકગિલ બળાત્કાર અને બળાત્કારના પ્રયાસના ગુનામાં જેલવાસ ભોગવતો હતો.

આ ઉપરાંત રેકૉર્ડ એવું દેખાડતા હતા કે મૅરીનાં મૃત્યુના નવ દિવસ પછી પાંચમી ઑક્ટોબર 1984ના દિવસે તે જેલમાંથી મુક્ત થયો હતો.

ભૂતપૂર્વ ડિટેક્ટિવ કેની મૅકકુબિને આ સમસ્યાને ઉકેલવા માટે એક પગલું લીધું. કોચરને પણ વધુ મજબૂત ફોરેન્સિક પુરાવા એકત્ર કરવાનો આદેશ અપાયો.

ગાઉનના પટ્ટા પર ડીએનએના પુરાવા

ત્યાર પછી કોચરેનને એક વિચાર આવ્યો. મૅરીનું ગળું દબાવવા માટે જે ડ્રેસિંગ ગાઉનનો પટ્ટો વપરાયો હતો તેની તપાસ કરવી જોઈએ.

તેમને ખાતરી હતી કે ગાઉનના પટ્ટા પર આરોપીના કોઈ ડીએનએ જરૂર મળી આવશે. તેમણે પોતાની લૅબમાં ફ્લૉરોસન્ટ લાઇટના પ્રકાશમાં ગાઉનને કાળજીપૂર્વક ખોલ્યું અને તેનો પટ્ટો બહાર કાઢ્યો.

કોચરેને કહ્યું, "અમને તે ગાઉન પરથી મહત્ત્વના ડીએનએ પુરાવા મળ્યા જેનો ઉપયોગ હત્યારાએ મૅરીનું ગળું ઘોંટવા માટે કર્યો હતો."

તેમણે કહ્યું,"હત્યારાએ મૅરીનું ગળું દબાવી દેવા માટે ગાઉનના સ્ટ્રેપનો ઉપયોગ કર્યો હતો"

એક ઍન્ટ્રીએ મામલો પલ્ટી નાખ્યો

મૅરીના ગ્રીન ડ્રેસ પરથી ગ્રેહામનાં વીર્યનાં નિશાન પણ મળી આવ્યાં હતાં. પરંતુ તેનો ગુનો સાબિત કરવા માટે ફોરેન્સિક પુરાવા અપૂરતા હતા.

"તમારી પાસે કયા ડીએનએ છે તેનાથી કોઈ ફરક નથી પડતો."

"તેને લાગ્યું હશે કે તે જેલમાં હોય તો તે હત્યા કરી શકે છે."

મેરીની હત્યા સમયે એડિનબર્ગ જેલ ફરીથી બનાવવામાં આવી રહી હતી. તે વખતે કમ્પ્યુટર ન હતાં તેથી દસ્તાવેજો શોધવા મુશ્કેલ હતા. પરંતુ કોઈ પણ ભોગે કેસ ઉકેલવાના મૅકકુબિનના નિર્ધારના કારણે તેઓ ઍડિનબર્ગના મધ્યમાં સ્કૉટલૅન્ડના નૅશનલ રેકૉર્ડ્સ સુધી પહોંચી ગયા. ત્યાં તેમને ઍડિનબર્ગ જેલનાં જરૂરી કાગળો મળ્યાં.

તેમાં એક નાનકડી ઍન્ટ્રીએ આખો મામલો ફેરવી નાખ્યો.

જી મૅકગિલના નામની આગળ 'ટીટીએફ'(ટ્રેનિંગ ફૉર ફ્રીડમ) લખેલું હતું. એટલે કે ઘરે જવા માટે સપ્તાહાંતની રજા અપાઈ હતી.

મૅરીની હત્યા થઈ ત્યારે ગ્રેહામ 5 દિવસની રજા પર હતો. તપાસ ટીમને જાણવા મળ્યું કે તે જે દિવસે મૅરીની હત્યા થઈ, તે જ દિવસે 27 સપ્ટેમ્બર 1984ની સાંજે તે જેલમાં પાછો ફર્યો હતો.

ભૂતપૂર્વ વરિષ્ઠ તપાસ અધિકારી માર્ક હેન્ડરસને જણાવ્યું હતું કે, "આ કોયડાને પૂર્ણ કરવા માટે અમે જે મહત્વપૂર્ણ ભાગ શોધી રહ્યા હતા તે અમને મળી ગયો છે."

37 વર્ષે સજા સંભળાવાઈ

આખરે 4 ડિસેમ્બર, 2019ના રોજ ગ્રેહામ મૅકગિલની ધરપકડ કરવામાં આવી. મૅરીનાં પુત્રી જિનીએ કહ્યું કે તેમણે ક્યારેય વિચાર્યું ન હતું કે પોતાના જીવનકાળમાં તેઓ આ કેસનો અંત જોઈ શકશે. તેમને ઘણી રાહત થઈ હતી.

એપ્રિલ 2021માં ચાર દિવસની કોર્ટ કાર્યવાહી પછી ગ્રેહામ મૅકગિલને દોષી ઠેરવવામાં આવ્યા અને 14 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી.

ગ્લાસગૉ હાઇકોર્ટના ન્યાયાધીશ લૉર્ડ બર્ન્સે ચુકાદો આપ્યો, "ગ્રેહામે જ્યારે હત્યા કરી ત્યારે તેમની ઉંમર 22 વર્ષની હતી, પરંતુ કોર્ટ સમક્ષ હાજર ગ્રેહામ આજે 59 વર્ષનો છે. મૅરીના પરિવારને આટલાં વર્ષો સુધી ન્યાય માટે રાહ જોવી પડી હતી. પરંતુ એક દિવસ મૅરીને ન્યાય મળશે એવી આશા તેમણે ખોઈ ન હતી."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.