ખ્યાતિકાંડ : મુખ્ય આરોપી કાર્તિક પટેલે જ્યારે કોરોનામાં 'બેડ ન મળતા' જાતે હૉસ્પિટલ ઊભી કરી દીધી

    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી સંવાદદાતા

અમદાવાદના ખ્યાતિ હૉસ્પિટલકાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલની શહેરના ઍરપૉર્ટ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓએ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ ખાતેથી ગત શુક્રવાર રાત્રે અટકાયત કરી હતી.

પાછલા 66 દિવસથી નાસતા ફરતા આરોપી કાર્તિક પટેલ સામે લુકઆઉટ નોટિસ કાઢવામાં આવી હતી.

લુકઆઉટ નોટિસના આધારે અમદાવાદ ઍરપૉર્ટ પોલીસે તેમની ફ્લાઇટ અમદાવાદ ઍરપૉર્ટ ખાતે લૅન્ડ થતાં જ કાર્તિક પટેલની અટકાયત કરી હતી. જે બાદ આરોપીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપી દેવાતાં તેમણે તેની ધરપકડ કરી હતી.

કાર્તિક પટેલે આગોતરા જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી. જોકે, કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી.

નોંધનીય છે કે ગત વર્ષે નવેમ્બર માસમાં ખ્યાતિ હૉસ્પિટલમાં 'પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના - આયુષ્માન ભારત' (પીએમજેએવાય-આયુષ્માન ભારત) સ્કીમ અંતર્ગત સાત લોકોની ઍન્જિયોપ્લાસ્ટી કરાયા બાદ તેમાંથી બે લોકોનાં મૃત્યુ નીપજ્યાં હતાં.

તપાસમાં બહાર આવ્યું હતું કે હૉસ્પિટલ દ્વારા આવી રીતે ઘણા લોકોને 'જરૂર વગર' સર્જરી કરીને આ યોજના અંતર્ગત પૈસા ક્લેઇમ કરીને 'લોકોના જીવના જોખમે છેતરપિંડી' આચરવામાં આવી રહી હતી.

પોલીસે આ મામલામાં ભારતીય ન્યાય સંહિતાની 105, 110, 336 (2) ,340(1), 340 (2), 318, 61 મુજબ ગુનો નોંધ્યો હતો.

એક અહેવાલ અનુસાર આ મામલામાં ત્રણ ફરિયાદ નોંધાઈ હતી, આ મામલામાં અન્ય આરોપીઓ ડૉ. પ્રશાંત વજીરાણી, હૉસ્પિટલના સીઇઓ રાહુલ જૈન, માર્કેટિંગ ડિરેક્ટર ચિરાગ રાજપૂત અને માર્કેટિંગ ઍક્ઝિક્યુટિવ મિલિંદ પટેલ અને તેમના બે આસિસ્ટન્ટ, પંકિલ પટેલ અને પ્રતીક ભટ્ટ સહિત ડાયરેક્ટર રાજશ્રી કોઠારી અને સંજય પટોળિયાની પોલીસ પહેલાં ધરપકડ કરી ચૂકી છે.

તપાસ મુજબ ખ્યાતિ હૉસ્પિટલની 70 ટકા આવક આવી રીતે 'સરકારી યોજનાઓના દુરુપયોગ' થકી થતી હતી.

જ્યારે આ કેસમાં આરોપી બનાવાયેલા લોકોની એક બાદ એક ધરપકડ કરાઈ રહી હતી, ત્યારે ઘણાના મનમાં એ સવાલ આવી રહ્યો હતો કે આખરે સમગ્ર મામલનો 'મુખ્ય આરોપી' એવો કાર્તિક પટેલ પાછલા બે મહિના કરતાં પણ વધુ સમયથી ક્યાં છે? અને કેવી રીતે આ આરોપી આટલા સમય સુધી પોલીસની પહોંચથી બહાર રહી શક્યો?

આરોપી કાર્તિક પટેલ કેવી રીતે પકડાયો?

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત પટેલે શનિવારે પત્રકારપરિષદમાં કાર્તિક પટેલ અંગે વિસ્તારપૂર્વક માહિતી આપી હતી.

તેમણે કહ્યું, "આરોપી કાર્તિક પટેલ સામે લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી હતી. લુકઆઉટ સર્ક્યુલરને આધારે ઍરપૉર્ટ પોલીસે તેમની અટકાયત કરી હતી, જે બાદ તેમને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપાયા છે. ક્રાઇમ બ્રાન્ચે તેમની ધરપકડ કરી છે. ધરપક઼ડ કરવામાં આવી તે સમયે તેમની પાસેથી કોઈ પુરાવા મળી આવ્યા નથી."

ભરત પટેલે વધુમાં જણાવ્યુ હતુ કે "કાર્તિક પટેલે પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે તેમનાં પત્નીની તબિયત વધારે ખરાબ હતી. તેમને સારવારની જરૂર હોવાથી તેઓ ભાગતાં ફરી શકે તેમ ન હતાં, જેને કારણે તેઓ અમદાવાદ પરત ફર્યા હતા."

એસીપી પટેલે કેસ વિશે વધુ વિગત આપતા કહ્યું હતું કે, "કાર્તિક પટેલ ખ્યાતિ હૉસ્પિટલમાં ચૅરમૅન હતા. કાર્તિક પટેલ વિરુદ્ધ ચાર ફરિયાદ દાખલ થઈ છે. ખ્યાતિ હૉસ્પિટલમાં બે દર્દીઓનાં મોત બાદ ત્રણ ફરિયાદ દાખલ થઈ હતી. આ ઉપરાંત તેઓ પીએમજેએવાયનાં કાર્ડ બારોબાર બનાવતા હોવા અંગેની પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે."

તપાસ અંગે પોલીસે શું કહ્યું?

પોલીસ અનુસાર, ખ્યાતિ હૉસ્પિટલમાં દર્દીઓના મૃત્યુની ઘટના બની એ પહેલાં જ કાર્તિક પટેલ તેમનાં પત્ની સાથે ઑસ્ટ્રેલિયા ફરવા ગયા હતા.

જોકે, ત્યાર બાદ નાસતા ફરતા હતા. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તે દરમિયાનના ઘટનાક્રમ આપેલી માહિતી અનુસાર 3 નવેમ્બર, 2024ના રોજ તેઓ તેમનાં પત્ની સાથે અમદાવાદથી ઑસ્ટ્રેલિયા ગયા હતા. ત્યાં મેલબર્ન, સિડની તેમજ અલગઅલગ શહેરમાં બંને ફર્યાં હતાં.

ત્યાંથી તેઓ તેમનાં પત્ની સાથે 11 નવેમ્બરના રોજ ન્યૂઝીલૅન્ડ ગયા હતા. ન્યૂઝીલૅન્ડના ક્રાઇસ્ટર્ચમાં બંને 18 નવેમ્બર સુધી રોકાયાં હતાં. તેમણે ન્યૂઝીલૅન્ડથી અરજી કરીને દુબઈ માટે ત્રણ મહિનાના વિઝા મેળવ્યા હતા.

18 નવેમ્બરના રોજ તેઓ ન્યૂઝીલૅન્ડથી દુબઈ પહોંચ્યા હતા. ત્યાર બાદ 17 જાન્યુઆરી 2025 સુધી તેઓ દુબઈમાં હોટલમાં રોકાયા હતા.

ત્યાર બાદ તેઓ 17 જાન્યુઆરીના રોજ રાત્રે દુબઈથી ફ્લાઇટમાં બેસીને અમદાવાદ ઍરપૉર્ટ ખાતે પહોંચ્યા, જ્યારે તેમને પકડી લેવાયા.

એસીપી ભરત પટેલે જણાવ્યું હતું કે "તમામ નાણાકીય વ્યવહારો તેમની સહીથી જ કરવામાં આવતા હતા. ખ્યાતિ હૉસ્પિટલના આર્થિક વ્યવહારોની ચકાસણી હાથ ધરવામાં આવી છે."

તેમણે તપાસમાં બહાર આવેલી માહિતી અંગે વધુ વિગતો જાહેર કરતાં કહ્યું કે, "અગાઉ આરોપીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર ખોટી રીતે નુકસાન બતાવવામાં આવતું હતું, તેમજ લોન પણ લેવામાં આવી છે. જે અંગે પૂછપરછ કરવામાં આવશે અને પુરાવા એકઠા કરવામાં આવશે."

ખ્યાતિ હૉસ્પિટલના ભૂતકાળની તપાસ અંગે તેમણે કહ્યું હતું કે, "ખ્યાતિ હૉસ્પિટલમાં અગાઉ 3,800 જેટલા દર્દીઓએ સારવાર લીધી હતી. તેમની સારવારમાં કોઈ ગેરરીતિ થઈ છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવશે. ખ્યાતિ હૉસ્પિટલના નાણાકીય વ્યવહારોની તપાસ માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (સીએ)ની નિમણૂક કરવામાં આવી છે. તેમજ તેમનાં તમામ બૅંક અકાઉન્ટની ફોરેન્સિક તપાસ પણ હાથ ધરાઈ રહી છે."

વીડિયો કૅસેટ ભાડે આપનાર કાર્તિક પટેલ હૉસ્પિટલનો માલિક કેવી રીતે બન્યો?

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આપેલી માહિતી અનુસાર કાર્તિક પટેલે વર્ષ 1985માં વીડિયો કૅસેટની લાઇબ્રેરી બનાવી હતી. તેમજ ઘરેથી જ વીડિયા કૅસેટ ભાડે આપવાનો વ્યવસાય કરતા હતા.

તેમણે 1987માં બાંધકામના વ્યવસાયમાં ઝંપલાવ્યું હતું. શાહીબાગ વિસ્તારમાં રેસિડેન્સિયલ અને કૉર્મશિયલ સ્કીમો બનાવી હતી.

આ સિવાય તેમણે ખાનગી શાળા તેમજ કૉલેજો ખોલ્યાં છે.

પોલીસના જણાવ્યા અનુસાર, "ભૂતકાળમાં કાર્તિ પટેલને કોરાના વાઇરસનો ચેપ લાગ્યો હતો. તે સમયે તેમને હૉસ્પિટલમાં જગ્યા ન મળતાં તેમણે હૉસ્પિટલ બનાવવાનો નિર્ણય કર્યો હતો."

વર્ષ 2021માં એશિયન બેરિયાટિક ઍન્ડ કૉસ્મેટિક હૉસ્પિટલમાં ભાગીદાર તરીકે જોડાયા હતા.

આજે એ જ હૉસ્પિટલ ખ્યાતિના નામે કાર્યરત્ છે.

આરોપી કાર્તિક પટેલ નરોડા ગેલેક્ષી ચાર રસ્તા પાસે નવી મલ્ટિ સ્પેશિયાલિટી હૉસ્પિટલ બનાવડાવી રહ્યા હોવાનું પોલીસતપાસમાં ખબર પડી છે.

ખ્યાતિ હૉસ્પિટલનો શું હતો સમગ્ર મામલો?

11 નવેમ્બર, 2024ના રોજ ખ્યાતિ હૉસ્પિટલમાં ઍન્જિયોપ્લાસ્ટી સર્જરી દરમિયાન કડી તાલુકાના બે લોકોનાં મોત થયાં હતાં. આ દર્દીઓની સારવાર પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ કરવામાં આવી રહી હતી.

બે દર્દીઓનાં મોત બાદ પરિવારજનોએ હોબાળો કરતાં સમગ્ર મામલાની તપાસ માટે સરકારે સાત નિષ્ણાતોની કમિટી બનાવી હતી.

કમિટીએ રજૂ કરેલા રિપોર્ટમાં હૉસ્પિટલ દ્વારા ગેરરીતિ આચરવામાં આવતી હોવાનું જાણવા મળ્યું હતું. જેને આધારે ખ્યાતિ હૉસ્પિટલના માલિક, સંચાલકો તેમજ સર્જરી કરનાર ડૉક્ટર સહિત પાંચ લોકો સામે ત્રણ ફરિયાદો નોંધવામાં આવી છે. જેમાં બે મૃતકોના પરિવારની તેમજ સરકાર તરફથી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

ખ્યાતિ હૉસ્પિટલ કેસની તપાસ પોલીસ કમિશનર દ્વારા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે નવેમ્બર મહિનામાં આ કેસમાં હૉસ્પિટલના સીઈઓ ચિરાગ રાજપૂત સહિત ચાર આરોપીઓની ખેડા જિલ્લાના એક ગામમાંથી ધરપકડ કરી હતી. જેમાં પ્રતીક ભટ્ટ અને પંકિલ પટેલ હતા જેઓ ચિરાગ રાજપૂત માટે માર્કેટિંગનું કામ કરતા હતા. તેમજ મિલિન્દ પટેલ કમિશન પર કામ કરતા હતા.

આ કેસમાં હૉસ્પિટલના સીએ રાહુલ જૈનની રાજસ્થાનના ઉદયપુરથી ધરપકડ કરી હતી.

તેમજ ડિસેમ્બર 2024માં ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનથી હૉસ્પિટલના પાર્ટનર રાજશ્રી કોઠારીની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ ડૉ. સંજય પટોળિયાની અમદાવાદ ગોતાથી ધરપકડ કરવામાં આવી હતી. આ બન્ને આરોપીઓ હૉસ્પિટલમાં ભાગીદાર હતા.

તપાસ દરમિયાન હૉસ્પિટલની કઈ બેદરકારીઓ સામે આવી હતી?

તપાસ અનુસાર, આ પ્રકારના કેસોમાં ઍન્જિયોગ્રાફી કે ઍન્જિયોપ્લાસ્ટી કરવા માટેનું સ્પષ્ટ કારણ દેખાયું નથી. ખ્યાતિ હૉસ્પિટલે આ દર્દીઓની ઍન્જિયોગ્રાફી અને ઍન્જિયોપ્લાસ્ટી કરેલી છે.

જે દર્દીઓને સ્ટૅન્ટ મૂકવામાં આવ્યાં છે તે દર્દીના ઍન્જિયોગ્રાફીના હૉસ્પિટલ દ્વારા તૈયાર કરવામાં આવેલા રિપોર્ટના કાગળોમાં અને દર્દીઓના ઍન્જિયોગ્રાફીની સીડીમાં વિસંગતતા જોવા મળી હતી. હૉસ્પિટલે રિપોર્ટમાં જે દર્દીઓની ધમનીઓ બ્લૉકેજ બતાવેલી છે તેવું બ્લૉકેજ ઍન્જિયોગ્રાફીની સીડીમાં જોવા મળ્યું ન હતું.

નિષ્ણોતોની કમિટીએ દર્દીઓના ઍન્જિયોગ્રાફીનો હૉસ્પિટલે તૈયાર કરેલા રિપોર્ટ, દર્દીઓના ઍન્જિયોગ્રાફીના રિપાર્ટની સીડી, દર્દીઓના ઈસીજીના રિપોર્ટ તેમજ દર્દીઓના ઇકોકાર્ડીઓગ્રાફીના રિપોર્ટની તપાસ કરી હતી. તપાસ કમિટીને રિપોર્ટમાં વિસંગતતા જોવા મળી હતી.

આ દર્દીઓનાં ઑપરેશન પછીની સારવારમાં સ્ટાન્ડર્ડ મેડિકલ પ્રોટોકૉલ અનુસરવામાં આવેલ નથી.

દર્દીઓને દાખલ કરતી વખતે કે ઍન્જિયોગ્રાફી કે ઍન્જિયોપ્લાસ્ટી કરતી વખતે મેડિકલ પ્રોટોકૉલ પ્રમાણે દર્દી કે દર્દીનાં સગાંના સંમતિપત્ર લેવાયેલા નથી.

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook , Instagram , YouTube, TwitterઅનેWhatsAppપર ફૉલો કરી શકો છો.