You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઉન્ની મુકુંદન: મલયાલમ ફિલ્મોના સુપરસ્ટાર, જેમનું બાળપણ અમદાવાદમાં વીત્યું
- લેેખક, આશિષ વશી
- પદ, બીબીસી ગુજરાતી માટે
"મારી શાળાની સામે આવેલી અનુપમ-અપ્સરા (અમદાવાદ) જેવાં થિયેટરમાં ટિકિટની લાઇનમાં ઊભા ના રહેવું પડે એ માટે હું ઊલટીની ઍક્ટિંગ કરતો. અને લોકોનું ધ્યાન મારા તરફ જતું ત્યારે મારો દોસ્તાર સિફતથી ટિકિટ લઈ લેતો. આમ હું ઍક્ટિંગનો પ્રથમ પાઠ ટિકિટની લાઇનમાં જ શીખ્યો હતો."
આ શબ્દો છે દેશભરમાં વિવિધ ભાષામાં ધૂમ મચાવતી ફિલ્મ માર્કોના હીરો ઉન્ની મુકુંદનના. 37 વર્ષીય ઉન્ની મુકુંદને તેમના જીવનનાં 23 વર્ષ અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી ધીરજ હાઉસિંગ સોસાયટીમાં જ વિતાવ્યા હતા.
સામાન્ય મધ્યમવર્ગીય એવી આ સોસાયટીમાં રહેલા મુકુંદન કડકડાટ ગુજરાતી બોલે છે. 1987માં ત્રિચુરમાં જન્મેલા ઉન્ની ત્યાર બાદ તરત જ અમદાવાદ આવી ગયા હતા. તેમના પિતા પહેલાંથી જ અહીંયાં નોકરી કરતા હતા.
માર્કો ફિલ્મની વાત કરતા તેઓ કહે છે કે, "આ ફિલ્મ આખા ભારતના લોકોને પસંદ પડી રહી છે. હવે આ ફિલ્મને અમે તેલગુ અને તમિલમાં પણ રિલીઝ કરી છે. આ ઉપરાંત કોરિયામાં પણ રિલીઝ થવા જઈ રહી છે. ટૂંક સમયમાં સો કરોડનો બિઝનેસ આ ફિલ્મ પાર કરી લેશે."
મલયાલમ ભાષાની સૌથી હિંસક ફિલ્મ બનાવવાનો પ્રયત્ન હતો, પરંતુ હવે તેની ગણના દેશની સૌથી હિંસક ફિલ્મોમાં થાય છે.
ઉન્નીએ જૂના દિવસો યાદ કરતા ભાવુક થઈને ઉમેર્યું કે, "હું ગુજરાતી ફિલ્મ પ્રોડ્યૂસ કરવા માગું છું. મને એ દિવસો હજુ પણ યાદ છે કે જ્યારે નરેશ કનોડિયાનાં ગીતો સાંભળીને હું નાચવા માંડતો. તેમની હેરસ્ટાઇલ મને ખૂબ ગમતી. મારે ગુજરાતી ભાષામાં જરૂરથી કામ કરવું છે.''
''આ માટે મારાથી જે થાય તે હું કરીશ. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ ઘણી શક્યતાઓ રહેલી છે. આપણે બધા સાથે મળી કામ કરીશું તો જરૂરથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઊંચી આવશે."
'કારકિર્દી બનાવવી હોય તો કેરળ જા'
ઉન્નીના પિતા મુકુંદન વર્ષ 1985માં તેમનો બિઝનેસ ઠપ થઈ જવાથી અમદાવાદ આવ્યા હતા. તેઓ વટવામાં નોકરી કરતા હતા અને ઉન્નીનાં માતા ગૂડ શેફર્ડ શાળામાં ટીચર હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉન્ની અમદાવાદના દિવસો યાદ કરતા કહે છે કે, "હાટકેશ્વર પાસેની કૉલોનીમાં અમારું ઘર હતું. પહેલાં હું પ્રગતિ હાઇસ્કૂલમાં ભણતો અને ત્યાર બાદ બેસ્ટમાં દાખલ થયો હતો. કારકિર્દીની શરૂઆતથી જ મને કળા પ્રત્યે લગાવ હતો. શરૂઆતમાં મેં આશ્રમરોડ અને શિવરંજની પરના કસ્ટમરકૅરમાં નોકરી પણ કરી હતી."
અમદાવાદ આવી કચોરી ખાવાના શોખીન ઉન્નીને ફિલ્મોનો શોખ પહેલેથી જ હતો. કવિતાનો પણ શોખ હતો. અમદાવાદમાં દુર્ગાપૂજામાં નાનાંમોટાં નાટકોમાં પણ ભાગ લેતા. પરંતુ એક દિવસ તેમનાં માતાપિતાએ તેમને કહ્યું કે, "તારે ફિલ્મક્ષેત્રે કારકિર્દી બનાવવી હોય તો કેરળ જા."
તો ઉન્ની 2008માં કેરળ જવા નીકળી ગયા. પહેલાં તો ત્યાં રહેવાની કોઈ જગ્યા ના થઈ.
ઉન્ની કહે છે કે, "એક-બે વર્ષ સુધી તો મેં ઓખા ઍક્સપ્રેસમાં અપડાઉનમાં કાઢ્યાં. કેરળ-ગુજરાત વચ્ચે આવજા કરી. પછી એક ડિરેક્ટર સાથે ત્રણ વર્ષ આસિસ્ટન્ટ રહ્યો. ફિલ્મ કેમ બને તે શીખતો રહ્યો."
અનુપ હાલમાં અમદાવાદમાં જ રહે છે અને ટાયર કંપનીમાં કામ કરે છે.
એ સમયને યાદ કરતા અમદાવાદના તેમના મિત્રા અનુપ નાયર કહે છે કે, "અમે પહેલાં સમાજમાં ભેગા થતા. ત્યારે ક્રિકેટ રમવા તે મને પ્રેરિત કરતો હતો. તેનામાં એક પ્રકારની પૉઝિટિવ વાઇબ હતી. હું તેનાથી ત્રણ-ચાર વર્ષ મોટો હતો, 2007-2008માં મેં સેલ્સ વિભાગમાં કોચીમાં નોકરી શરૂ કરી. ઉન્ની એ વખતે મારી સાથે જ રહેતો. તે સતત મહેનત કરતો રહેતો."
તેમના મિત્રો કહે છે કે, ઉન્ની નાનપણથી જ મક્કમ મનોબળનો માલિક હતો. પહેલેથી જ પહેલવાન હતો. જિમમાં તે નિયમિત રીત જતો.
ઉન્ની તેમના શરૂઆતના કામ અંગે કહે છે કે, "2011માં મારી તેલગુ ફિલ્મથી શરૂઆત થઈ. મને વિલેન તરીકેના નાનામોટા રોલ મળવા લાગ્યા. પરંતુ ધીમે ધીમે હું અભિનેતા તરીતે ગોઠવાઈ ગયો અને મને હીરો તરીકે પણ કાસ્ટ કરવામાં આવ્યો."
ત્યાર બાદ ઉન્નીને આ જ વર્ષમાં મલયાલમ ઇન્ડસ્ટ્રીમાં મામુટી સાથે એક રોલ મળ્યો. પરંતુ તેમની કિસ્મત 2012થી બદલાઈ જ્યારે તેમની ફિલ્મ મલ્લુ સિંગ હિટ ગઈ. ત્યાર પછી તેમણે પાછું વળીને જોયું નથી.
'અમદાવાદ અમને ખૂબ આપ્યું છે'
ઉન્નીએ તેમની ફિલ્મ કંપની પણ શરૂ કરી છે. તેમની મેપાડિયન ફિલ્મને નૅશનલ ઍવૉર્ડ પણ મળ્યો છે. હાલમાં તરખાટ મચાવતી ફિલ્મ માર્કોનો પણ તેઓ સહનિર્માતા છે.
વચ્ચે ઉન્ની પત્રકારત્વનો અભ્યાસ પણ કરતા હતા, પરંતુ કામની વ્યસ્તતાના કારણે તેમણે તેને પડતો મૂકવો પડ્યો. ત્યાર બાદ ઉન્ની અમદાવાદનું ઘર વેચી ત્રિચુર જતા રહ્યા.
આ અંગે તેઓ કહે છે કે, "મારી મમ્મી હજુ પણ અમદાવાદ રહેવા જવાની વાત કરતી હોય છે. આ શહેરે અમને ખૂબ આપ્યું છે. મારા પિતાના ખરાબ સમયમાં આ શહેર અને તેના લોકોએ મદદ કરી હતી. અમે આ શહેર પાસે જે કંઈ પણ લીધું છે તે પાછું આપવું છે."
ઉન્નીનાં એક બહેન રાજકોટમાં રહે છે અને બૅન્કમાં કામ કરે છે.
ઉન્નીને યાદ કરતા તેમના પડોશી 64 વર્ષીય ગોપાલ નાયર કહે છે કે, "ઉન્ની નાનપણથી જ ખૂબ મિલનસાર અને મદદ કરવાની ભાવના રાખતો. સમાજનાં કામ અને ફાળો ઉઘરાવવામાં તે હંમેશાં અગ્રેસર રહેતો. કોઈ દિવસ કોઈ કામની ના નહોતો પાડતો. અમને એના પર ખૂબ ગર્વ છે. આગામી સમયમાં એ હજુ મોટો સુપરસ્ટાર બનશે એમાં કોઈ શંકા જ નથી. આટલો મોટો સ્ટાર બની ગયો હોવા છતાં આજે પણ તે અમદાવાદ આવે ત્યારે બધાને પ્રેમપૂર્વક મળે છે અને યાદ કરે. તે હજુ પણ તેનાં મૂળને ભૂલ્યો નથી."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન