You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બંધારણ : દક્ષાયની વેલાયુધન – ભારતની બંધારણ સભામાં સામેલ એકમાત્ર દલિત મહિલાની કહાણી
- લેેખક, પ્રિયંકા જગતાપ
- પદ, બીબીસી મરાઠી
સંસદમાં હાલમાં બંધારણ પર ચર્ચા ચાલી રહી છે, ત્યારે આપણે ભારતની બંધારણ સભાના એકમાત્ર દલિત મહિલા સભ્ય દક્ષાયની વેલાયુધનનાં યોગદાનને યાદ કરીએ છીએ.
સામાજિક ન્યાય માટે એક પથપ્રદર્શક એવા વેલાયુધનનો વારસો, ખાસ કરીને કચડાયેલા દલિત સમુદાય માટે સમાનતા અને માનવીય ગૌરવ પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.
ભારતીય બંધારણમાં અસ્પૃશ્યતાને અપરાધ જાહેર કરવાની તેમની હિંમતભરી દરખાસ્ત એક નિર્ણાયક ઘડી હતી, જે સામાજિક સુધારણા પ્રત્યે તેમની હિંમત અને ઊંડી પ્રતિબદ્ધતા દર્શાવે છે.
બંધારણ સભાના 284 સભ્યોમાં માત્ર 15 મહિલાઓ હતી. દક્ષાયની વેલાયુધન માત્ર મહિલા હોવાના કારણે જ નહીં, પરંતુ તેમની જાતિના કારણે પણ બધાં કરતાં અલગ હતાં.
એક દલિત મહિલા તરીકે તેમણે પોતાના સમગ્ર જીવન દરમિયાન ભયંકર ભેદભાવ અને બહિષ્કારનો સામનો કર્યો હતો. આમ છતાં તેમણે હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોના અધિકારો માટે અથાક લડત આપી, જેથી તેઓ ભારતીય ઇતિહાસની સૌથી નોંધપાત્ર વ્યક્તિઓ પૈકી એક બન્યાં.
પ્રારંભિક જીવન અને સંઘર્ષ
દક્ષાયની વેલાયુધનનો જન્મ 4 જુલાઈ, 1912ના રોજ કોચિન રજવાડાના અર્નાકુલમ જિલ્લાના મુલાવુકડના નાના ગામે થયો હતો. તેઓ કુંજન અને મણિનાં પુત્રી હતાં. તેઓ એવા સમયમાં મોટાં થયાં જ્યારે દલિતો, ખાસ કરીને પુલયા જાતિના લોકો, ભયંકર અપમાન અને અકલ્પનીય ભેદભાવનો સામનો કરી રહ્યા હતા. નાની વયથી જ તેમણે પોતાના સમુદાય પર ગંભીર સામાજિક અન્યાય થતા જોયા હતા.
વર્ણવ્યવસ્થાએ તેના જીવનના દરેક પાસા પર અસર કરી અને તેમણે અપમાનજનક પ્રતિબંધો સહન કરવાની ફરજ પડી હતી. તેમના ગામમાં જ્ઞાતિ આધારિત ભેદભાવ મોટા પાયે પ્રચલિત હતો. પુલયા જાતિના લોકોને જાહેર સ્થળો પર મુક્તપણે ફરવાની કે ઉચ્ચ જાતિના લોકો જેવાં કપડાં પહેરવાની મંજૂરી ન હતી. રોજેરોજના આ અપમાને તેના પર અમીટ છાપ છોડી.
દક્ષાયની ત્રણ વર્ષનાં હતાં ત્યારે તેમના પિતાનું અવસાન થયું. તેથી દક્ષાયની અને તેમનાં ભાઈ-બહેનોને ઉછેરવાની જવાબદારી તેમનાં માતા પર આવી પડી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમનાં માતા મણિ એક મજબૂત મહિલા હતાં. સામાજિક અવરોધોનો સામનો કરવા છતાં તેમણે પોતાનાં બાળકોને ભણાવ્યાં અને તેમને તેમના અધિકારો પ્રત્યે જાગૃત કર્યાં.
દક્ષાયણીના પરિવારમાં તેમના ભાઈ જ્ઞાતિ પ્રથાના ધોરણોની ખુલ્લેઆમ અવગણના કરનારી વ્યક્તિઓ પૈકી એક હતા. તેમણે પોતાના વાળ કપાવી નાખ્યા અને શર્ટ પહેર્યો. આ એવું કૃત્ય હતું જેનાથી ઉચ્ચ જાતિના લોકો ગુસ્સે થયા અને આવી હિંમત કરવા બદલ તેમને હેરાન કર્યા.
દમનકારી વ્યવસ્થા સામેના આ બળવાને કારણે તેમના પરિવારને સામાજિક રીતે બહિષ્કૃત કરવામાં આવ્યો, જેથી તેમણે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો. આ સાથે જ જાતિ આધારિત ભેદભાવ સામે દક્ષાયનીના પ્રતિકારની શરૂઆત થઈ.
તમામ અવરોધો વચ્ચે શિક્ષણ મેળવ્યું
દક્ષાયની વેલાયુધનને અનેક અવરોધોનો સામનો કરવો પડ્યો હોવા છતાં તેમનામાં શિક્ષણ પ્રત્યે ઉત્સાહ હતો. જે સમયે દલિતો માટે શિક્ષણની તક મર્યાદિત હતી, ત્યારે તેમણે અભ્યાસને ચાલુ રાખવા માટે સતત લડત આપી હતી.
શાળાએ જવાનું મુશ્કેલ હતું. ઘણીવાર તેમણે હોડીમાં મુસાફરી કરવી પડતી, પરંતુ તેમણે મહેનત ચાલુ રાખી.
તેઓ અર્નાકુલમની મહારાજા કૉલેજમાં પ્રવેશ લેનારાં અસ્પૃશ્ય પુલયા જ્ઞાતિનાં પ્રથમ મહિલા બન્યાં. ત્યાં તેમણે રસાયણશાસ્ત્રમાં બીએસસીની ડિગ્રી મેળવી હતી.
આ એક ઐતિહાસિક ઘટના હતી અને સ્થાનિક અખબારોમાં તેની હેડલાઈન બની હતી. એક અસ્પૃશ્ય સમુદાયની છોકરીને ઉચ્ચ શિક્ષણના દ્વારમાં પ્રવેશતા જોવા માટે ઘણા લોકો એકઠા થયા હતા.
તેમની શૈક્ષણિક સફરમાં પણ ઘણા પડકાર આવ્યા. વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી બંને તરફથી તેમણે ભારે ભેદભાવનો સામનો કરવો પડ્યો, પરંતુ તેઓ વિચલિત ન થયાં.
1935માં તેઓ સેકન્ડ ક્લાસની ડિગ્રી સાથે સ્નાતક થયા અને થ્રિસુર જિલ્લામાં શિક્ષક બન્યાં. જોકે, તેમની જાતિની ઓળખના કારણે વ્યવસાયિક જીવનમાં કાયમ ભેદભાવ સહન કર્યા. આવી મુશ્કેલીઓ છતાં જાતિ વ્યવસ્થાને પડકારવાનો દક્ષાયનીનો નિર્ધાર વધુ મજબૂત બન્યો.
રાજકીય કારકિર્દી અને દલિતોની હિમાયત
મહાત્મા ગાંધીના આદર્શોથી પ્રભાવિત થઈને દક્ષાયની વેલાયુધને ભારતની સ્વતંત્રતા ચળવળમાં સક્રિય રીતે ભાગ લીધો. સામાજિક ન્યાય માટેની તેમની મહેચ્છા બ્રિટિશ શાસનમાંથી આઝાદીની લડાઈ કરતા પણ આગળ હતી.
તેઓ જાતિ પ્રથાને નાબૂદ કરવા અને દલિતોને સમાન અધિકારો અપાવવા માટે પ્રતિબદ્ધ હતાં.
1945માં દક્ષાયની કોચિન રાજ્યની વિધાનસભામાં ચૂંટાઈ આવ્યાં અને 1946માં તેમને ભારતની બંધારણ સભા માટે નામાંકિત કરવામાં આવ્યાં હતાં. આ એક મોટી સિદ્ધિ હતી કારણ કે તેઓ માત્ર 34 વર્ષની વયે વિધાનસભામાં સામેલ થનારા સૌથી નાની વયનાં અને એકમાત્ર દલિત મહિલા હતાં.
બંધારણ સભામાં તેમના કાર્યકાળ દરમિયાન દક્ષાયની વેલાયુધને ભારતીય બંધારણ ઘડવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. તેમણે કરેલી સૌથી નોંધપાત્ર દરખાસ્ત આભડછેટના અપરાધીકરણની હતી.
તેમણે દૃઢ નિર્ધાર સાથે આ વલણને ટેકો આપ્યો હતો. પોતાના ભાષણોમાં તેમણે દલીલ કરી કે દલિતો માટે માત્ર નામ બદલવાથી, જેમ કે મહાત્મા ગાંધી તેમને "હરિજન" તરીકે સંબોધતા હતા, તેનાથી મૂળ સમસ્યાનો હલ નહીં આવે. તેઓ માનતા હતા કે કાનૂની પગલાં દ્વારા અસ્પૃશ્યતાને નાબૂદ કરવાથી જ દલિત સમુદાયો ખરેખર ગૌરવ અને સમાનતા મેળવી શકે છે.
અસ્પૃશ્યતા વિશે તેઓ અત્યંત હિંમતભર્યું વલણ ધરાવતાં હતાં. તેમણે વિખ્યાત રીતે કહ્યું હતું કે "અસ્પૃશ્યોને હરિજન કહેવાનો કોઈ અર્થ નથી. માત્ર અલગ-અલગ નામે બોલાવવાથી તેમની વાસ્તવિક સ્થિતિ બદલાશે નહીં. આ માત્ર દેખાડો છે. તેમને ગૌરવ અપાવવા માટે અસ્પૃશ્યતાને સૌપ્રથમ કાયદા દ્વારા નાબૂદ કરવી જોઈએ. નહિંતર તે માત્ર પોલો દેખાડો બની રહેશે."
ઉપેક્ષિત વર્ગનાં પ્રખર હિમાયતી
બંધારણ સભામાં દક્ષાયની વેલાયુધનનું યોગદાન અસ્પૃશ્યતાના મુદ્દાથી આગળ હતું. તેઓ નીચલી જાતિના અધિકારો, મહિલાઓની સુરક્ષા અને બળપૂર્વક મજૂરીને નાબૂદ કરવાના પ્રખર હિમાયતી હતી.
તે સમયમાં બળજબરીથી મજૂરી અથવા બંધુઆ મજૂરી સામાન્ય પ્રથા હતી, જેમાં દલિતોને મારવાની અથવા સામાજિક બહિષ્કારની ધમકી આપીને વેતન વગર કામ કરવા માટે દબાણ કરવામાં આવતું હતું.
વેલાયુધને આ પ્રથાનો ઉગ્ર વિરોધ કર્યો અને દલિત સમુદાયની આર્થિક સ્વતંત્રતા અને ગૌરવને સુનિશ્ચિત કરવા માટે કાયદાકીય પગલાં લેવા હાકલ કરી હતી.
તેમણે નીચલી જાતિઓમાં પ્રચલિત માનવ તસ્કરીની પ્રથા સામે પણ કડક વલણ અપનાવ્યું. તેમાં ઘણા લોકોને ફરજિયાત મજૂરી માટે લઈ જવાતા હતા.
તેમણે બંધારણ સભામાં માગણી કરી કે આ અમાનવીય પ્રથાઓને ખતમ કરવા અને દલિતોને આર્થિક પ્રગતિની તકો પૂરી પાડવા માટે કાયદો ઘડવામાં આવે.
તેમણે જણાવ્યું હતું કે, "નીચલી જાતિના લોકોને આર્થિક ગુલામ બનાવવામાં આવી રહ્યા છે. નીચલી જાતિના લોકોની તકલીફોનું મુખ્ય કારણ તેમનું આર્થિક શોષણ છે. આ શોષણને અટકાવવા અને આર્થિક પ્રગતિની સમાન તકો પૂરી પાડવા માટે કડક કાયદા ઘડવા જોઈએ."
દક્ષાયનીએ પોતાનાં ભાષણોમાં જ્ઞાતિના ભેદભાવને લીધે પડેલા ઊંડા ડાઘોને ઉજાગર કરવા પોતાનાં જીવનનાં વ્યક્તિગત કિસ્સા પણ વર્ણવ્યાં હતાં. તેમણે પોતાની શાળામાં સહન કરેલાં અપમાન વિશે વાત કરી, જ્યારે ઉચ્ચ જાતિના વિદ્યાર્થીઓ અને શિક્ષકો તેમણે જે કપમાં ચા પીધી હોય તેમાં ચા પીવાનો ઇનકાર કરતા હતા.
તેમણે કહ્યું, "જાહેર જગ્યાઓ પર મારી સાથે જાતિના આધારે ભેદભાવ કરવામાં આવતો હતો. ચાની ચુસ્કી લેતી વખતે પણ મને જાતિના ભેદભાવનો અનુભવ થયો હતો. ઉચ્ચ જાતિના લોકોએ અમને તેમની નજીક આવવા દેતા ન હતા. મેં મારા આખા જીવનમાં જાતિગત ભેદભાવ અને અસ્પૃશ્યતાની પ્રથાનો વિરોધ કર્યો છે."
ભારતીય બંધારણ પર અસર
ભારતીય બંધારણ પર દક્ષાયની વેલાયુધનનો ઊંડો પ્રભાવ હતો. બંધારણમાં ખાસ કરીને દલિતો અને અન્ય ઉપેક્ષિત સમુદાયોને સમાનતા મળે તે તેમણે સુનિશ્ચિત કર્યું.
તેમના પ્રયાસો એ સુનિશ્ચિત કરવા માટે હતા કે ભારતનું બંધારણ માત્ર રાજકીય સ્વતંત્રતાની બાંયધરી નહીં આપે, પરંતુ જાતિ પ્રથા દ્વારા થતા સામાજિક અન્યાયને પણ ધ્યાનમાં લેશે.
બંધારણમાં જાતિ આધારિત ભેદભાવને પ્રતિબંધિત કરતી જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવ્યો ત્યારે અસ્પૃશ્યતાની કાનૂની નાબૂદી માટેની તેમની હિમાયત અંતે સાકાર થઈ.
1950માં ભારતીય બંધારણ અમલમાં આવ્યું, ત્યારે તેમાં તમામ નાગરિકોને મૂળભૂત અધિકારો મળ્યા એટલું જ નહીં, અસ્પૃશ્યતાને સજાપાત્ર ગુનો પણ પણ બનાવવામાં આવ્યો.
ડૉ. આંબેડકરના વિશે તેમના વિચારો
ડૉ. બાબાસાહેબ આંબેડકર પ્રત્યે દક્ષાયની અપાર સન્માન ધરાવતાં હતાં.
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી ખાતે પોતાના ભાષણમાં તેમણે ડૉ. આંબેડકરને તેમના મૃત્યુ પર શ્રદ્ધાંજલિ આપવા માટે મુંબઈની સફરને યાદ કરી હતી.
આંબેડકર જયંતિ નિમિત્તે દક્ષાયનીએ કહ્યું હતું, "બાબાસાહેબ આંબેડકર કાયદામંત્રી હતા, ત્યારે મને વચગાળાની સંસદમાં કામ કરવાની તક મળી હતી. તેમણે હિંદુ કોડ બિલ દ્વારા હિંદુ મહિલાઓને તેમના પિતાની સંપત્તિમાં અધિકાર આપ્યો હતો."
"તેમણે દત્તક લેવાના કાયદામાં સુધારો કર્યો અને વિધવાઓને દત્તક સંતાનો દ્વારા થતી હેરાનગતિથી બચાવવા માટેની જોગવાઈઓ રજૂ કરી હતી. તેનાથી એ સુનિશ્ચિત થયું કે મહિલાના મૃત્યુ પછી જ દત્તક બાળક તેમની સંપત્તિમાં વારસો મેળવી શકશે."
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "હું ભાગ્યશાળી છું કે હું આ દેશના એક મહાન સપૂત અને અસ્પૃશ્ય સમુદાયના વિરાટ નેતાની સાક્ષી રહી છું. અસ્પૃશ્ય માતાપિતાને ત્યાં આવા નેતા હજાર વર્ષમાં માત્ર એક જ વાર જન્મતા હોય છે."
વારસો
દક્ષાયની વેલાયુધનનું જીવન અને તેમના કાર્યો સમાજ સુધારકોની પેઢીઓને પ્રેરણા આપતા રહે છે. ખાસ કરીને દલિતો અને મહિલાઓના અધિકારો માટે લડનારા લોકોને પ્રેરણા આપે છે.
જુલાઈ 1978માં તેમના નિધન પછી તેમના યોગદાનની મોટાભાગે ઉપેક્ષા કરાઈ હતી, પરંતુ તાજેતરનાં વર્ષોમાં તેમના વારસામાં નવેસરથી રસ જોવા મળ્યો છે.
2019માં કેરળ સરકારે દક્ષાયની વેલાયુધન પુરસ્કારની સ્થાપના કરી, જે રાજ્યમાં મહિલાઓના સશક્તિકરણમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનાર મહિલાઓને આપવામાં આવે છે.
તેમનાં બાળકોએ સામાજિક ન્યાય અને કાર્યના તેમનાં વારસાને આગળ ધપાવ્યો છે. દક્ષાયનીનાં પુત્રી ડૉ. મીરા વેલાયુધન અને તેમના પુત્ર ભગીરથ વેલાયુધને પોતાની માતાના અથાક પરિશ્રમ અને તેમણે શીખવેલા બોધપાઠ વિશે ઉત્સાહપૂર્વક વાત કરી છે.
દક્ષાયની વેલાયુધનનો પ્રભાવ રાજકારણની બહાર પણ ફેલાયો હતો, કારણ કે તેઓ એક સમર્પિત માતા પણ હતાં. તેમણે એ સુનિશ્ચિત કર્યું કે તેમનાં બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે અને સમાનતા, ન્યાય અને ગૌરવના મૂલ્યો સાથે તેઓ મોટાં થાય.
દક્ષાયની વેલાયુધનનું જીવન પ્રણાલીગત અત્યાચારને પડકારવા અને ઇતિહાસની દિશા બદલવા માટે એક વ્યક્તિની શક્તિનો પુરાવો છે. અસ્પૃશ્યતા નાબૂદી અને દલિતો અને મહિલાઓના ઉત્થાન માટેની તેમની લડત આજે પણ યથાવત છે.
આપણે બંધારણ દિવસની ઉજવણી કરીએ છીએ, ત્યારે તેના યોગદાનનું સન્માન કરવામાં આવે, અને તેઓ સમાનતા, ગૌરવ અને બધા માટે ન્યાયના જે સિદ્ધાંતો ખાતર લડ્યા છે, તેને જીવંત રાખવામાં આવે તે જરૂરી છે.
અંતમાં દક્ષાયની વેલાયુધનનો વારસો તેમની હિંમત, લવચિકતા અને સામાજિક ન્યાય માટે તેમની અડગ પ્રતિબદ્ધતા છે. દર વર્ષે બંધારણ દિવસે આપણે માત્ર આપણા બંધારણની રચનાની ઉજવણી નથી કરતા, પરંતુ દક્ષાયની જેવી વ્યક્તિઓના યોગદાનનું પણ સન્માન કરીએ છીએ.
તેમણે આજે આપણે જેને ઓળખીએ છીએ તેવા ભારતને આકાર આપવામાં મદદ કરી. એક ન્યાય આધારિત અને સમાન સમાજનો તેમનો દૃષ્ટિકોણ આપણને બધાને પ્રેરણા આપતો રહે છે.
તે આપણને યાદ અપાવે છે કે સમાનતા માટેની લડાઈ હજુ ચાલુ છે અને દરેક નાગરિકના સહિયારા પ્રયાસની જરૂર છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન