હર્ષ સંઘવી અને અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં ગુજરાત પોલીસની તહેનાતી અંગે સામસામે કેમ આવ્યા?

આવતા મહિને દેશના પાટનગર દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી યોજાશે. એ પહેલાં દિલ્હીના પૂર્વ મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે આરોપ મૂક્યા છે, જેના પડઘા દિલ્હી ઉપરાંત ગુજરાતમાં સંભળાયા છે.

અરવિંદ કેજરીવાલનો આરોપ છે કે દિલ્હી વિધાનસભાની ચૂંટણી દરમિયાન ચૂંટણીપંચે પંજાબ પોલીસની ડ્યૂટી હઠાવીને ગુજરાત પોલીસને તહેનાત કરવાનો નિર્ણય લીધો છે.

જેની સામે ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કેજરીવાલને ઍક્સ પર સાર્વજનિક રીતે જવાબ આપ્યો હતો અને તેમના પૂર્વ મુખ્ય મંત્રી હોવા વિશે પણ સવાલ ઉઠાવ્યા હતા.

ભાજપે દિલ્હીની ચૂંટણી દરમિયાન પંજાબ સરકારનાં સંસાધનોના ઉપયોગનો આરોપ મૂક્યો છે. આ પહેલાં દિલ્હીના પૂર્વ મુખ્ય મંત્રી તથા આમ આદમી પાર્ટીના નેતાઓ ભાજપ તથા કેન્દ્ર સરકારના મંત્રીઓ અને ઇલેક્શન કમિશન ઑફ ઇન્ડિયાની તટસ્થતા વિશે સવાલ ઉઠાવી ચૂક્યા છે.

ભાજપનો વળતો વાર

અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "ગુજરાત પોલીસનો આ આદેશ વાચો. ચૂંટણીપંચે દિલ્હીમાંથી પંજાબ પોલીસને હઠાવીને ગુજરાત પોલીસને તહેનાત કરી દીધી છે. આ બધું શું ચાલી રહ્યું છે?"

એ પછી ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તેના જવાબમાં લખ્યું, "મને હવે સમજાયું કે લોકો તમને કપટી કેમ કહે છે. કેજરીવાલજી મને તો આશ્ચર્ય થાય છે કે પૂર્વ મુખ્ય મંત્રી હોવા છતાં તમને ચૂંટણીપંચની પ્રક્રિયા વિશે ખબર નથી."

"તેમણે માત્ર ગુજરાત જ નહીં, અનેક રાજ્યોમાંથી પોલીસ ફોર્સની માગ કરી હતી. ભારતના ચૂંટણીપંચે અલગ-અલગ રાજ્યોમાંથી એસઆરપીની (સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ) તહેનાતીના આદેશ આપ્યા હતા."

"આ વિનંતીના આધારે ગુજરાત પોલીસની આઠ કંપનીઓ 11 જાન્યુઆરીના રોજ દિલ્હી મોકલવામાં આવી હતી. કેજરીવાલજી, શા માટે માત્ર ગુજરાતનો જ નામોલ્લેખ કરી રહ્યા છો."

હર્ષ સંઘવીએ પોતાની ઍક્સ પોસ્ટમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ફેક્સની કૉપી પણ મૂકી હતી. જેમાં ગુજરાત સિવાય બિહાર, ઝારખંડ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર તથા કર્ણાટક જેવાં સાત અન્ય રાજ્યોની પોલીસની તહેનાતી વિશે વિવરણ છે.

આ સિવાય સીઆરપીએસ (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ), બીએસએફ (બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ), આઈટીબીપી (ઇન્ડો તિબેટ બૉર્ડર પોલીસ ફોર્સ) તથા એસએસબી (સશસ્ત્ર સીમાબળ) જેવાં અર્ધલશ્કરી દળોની ટુકડીઓ વિશે વિવરણ છે.

દિલ્હીમાં પાંચમી ફેબ્રુઆરીના રોજ વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થશે. આ માટે ચૂંટણીપ્રચાર ચાલી રહ્યો છે.

ભાજપની આઈટી (ઇન્ફર્મેશન ટેકનોલૉજી સેલના વડા અમિત માલવિયાએ સોશિયલ મીડિયા હેન્ડલ ઍક્સ પરની પોસ્ટમાં લખ્યું, "આ તમારી પહેલી ચૂંટણી છે કે હાર અંગે નર્વસ છો? પંજાબ પોલીસને તમારી વ્યક્તિગત સુરક્ષામાંથી હઠાવવામાં આવી છે."

"એ કોઈ મોટી વાત નથી, તમે (કેજરીવાલ) અને દિલ્હી એકબીજાના પર્યાય નથી."

પંજાબ પોલીસની પ્રતિક્રિયા

અરવિંદ કેજરીવાલની સુરક્ષામાં તહેનાત પંજાબ પોલીસને હઠાવવા અંગે રાજ્યના પોલીસ મહાનિદેશક ગૌરવ યાદવ અગાઉ નિવેદન આપી ચૂક્યા છે. તેમણે કહ્યું હતું :

"અમને પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માન તથા અરવિંદ કેજરીવાલ પર જોખમ વિશે સતત રિપોર્ટ મળી રહ્યા છે. જે અમે સંબંધિત એજન્સીઓને મોકલી રહ્યા છીએ."

"ચૂંટણીપંચના નિર્દેશ બાદ અમે કેજરીવાલની સુરક્ષામાં તહેનાત પંજાબ પોલીસના જવાનોને હઠાવી લીધા છે. અમે અમારી ચિંતા વ્યક્ત કરી છે. અમને જે ઇનપુટ્સ (ગુપ્ત માહિતી) મળે છે, તે દિલ્હી પોલીસને મોકલતા રહીશું."

દિલ્હી ઉપરાંત પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે અને પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માન પણ દિલ્હી વિધાનસભા માટે ચૂંટણીપ્રચાર કરી રહ્યા છે.

ગત અઠવાડિયે દિલ્હી વિધાનસભાની બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્માએ આરોપ મૂક્યો હતો કે દિલ્હીમાં પંજાબની નંબરપ્લેટવાળી અનેક ગાડીઓ ફરી રહી છે. જેમણે નવી દિલ્હી વિધાનસભા વિસ્તારની તમામ હોટલો બૂક કરાવી લીધી છે.

પ્રવેશ વર્મા દિલ્હીના પૂર્વ મુખ્ય મંત્રી સાહિબસિંહ વર્માના પુત્ર છે. તેઓ નવી દિલ્હીની બેઠક પરથી દિલ્હીના પૂર્વ મુખ્ય મંત્રી કેજરીવાલ સામે ઉમેદવાર છે.

દિલ્હીનાં પૂર્વ મુખ્ય મંત્રી શીલા દીક્ષિતના પુત્ર સંદીપ આ બેઠક પરથી કૉંગ્રેસના ઉમેદવાર છે.

પ્રવેશ વર્માએ આરોપ મૂક્યો હતો કે પંજાબથી આવેલા લોકો ઝૂપડપટ્ટીઓમાં મંજૂરી વગર સીસીટીવી (ક્લૉઝ્ડ સર્કિટ ટેલિવિઝન) કૅમેરા લગાડી રહ્યા છે, જે નવી દિલ્હીની સુરક્ષા માટે જોખમરૂપ છે.

પ્રવેશ વર્માનું કહેવું છે કે તેમણે આ અંગે કેન્દ્રીય ચૂંટણીપંચને ફરિયાદ કરી છે.

પ્રવેશ વર્માના નિવેદનને ભગવંત માને 'પંજાબીઓનું અપમાન' ગણાવ્યું હતું.

બીજી બાજુ, રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના સંસદસભ્ય સંજયસિંહે માગ કરી હતી કે પ્રવેશ વર્માના નિવેદન અંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ માફી માગે

આરોપ-પ્રતિઆરોપનું રાજકારણ

પ્રવેશ વર્મા ઉપરાંત કૉંગ્રેસના ઉમેદવાર સંદીપ દીક્ષિતે પણ આરોપ મૂક્યો હતો કે પંજાબના નંબરપ્લેટવાળી ગાડીઓનો દિલ્હી વિધાનસભામાં ઉપયોગ થઈ રહ્યો છે, જે સરકારી સંસાધનોનો દુરુપયોગ છે.

આ પહેલાં અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહ સહિતના આમ આદમી પાર્ટીના નેતાઓ કેન્દ્રીય ચૂંટણીપંચની ઉપર ગંભીર આરોપ લગાવી ચૂક્યા છે.

આ નેતાઓનો આરોપ છે કે દિલ્હીના અનેક જૂના વોટરોનાં નામ મતદારયાદીમાંથી હઠાવવામાં આવ્યાં છે.

જોકે, દિલ્હી વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરતી વેળાએ મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે આ આરોપોને નકારી કાઢ્યા હતા.

તેમનું કહેવું હતું કે મતદાર યાદીમાંથી કોઈપણનું નામ હઠાવતી વખતે નિર્ધારિત પ્રક્રિયાનું પાલન કરવામાં આવે છે.

સંજયસિંહે ભાજપના નેતાઓ તથા કેન્દ્રીય મંત્રીઓ ઉપર આરોપ મૂક્યા છે. તેમનું કહેવું છે કે આ નેતાઓએ પોતાના સરનામે ડઝનબંધ મતદારોને સામેલ કરવા માટે અરજી આપી છે.

સંજયસિંહે પોતાના આરોપમાં પ્રવેશ વર્માના નામનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.