You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ડેટિંગ, સેક્સ અને બાળકો પેદા કરવાનો વિરોધ, દુનિયામાં ચાલતી 4B મૂવમેન્ટ
- લેેખક, રેચલ લી
- પદ, બીબીસી ન્યૂઝ, સિઓલ
અમેરિકાના રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ, દક્ષિણ કોરિયામાં શરૂ થયેલી 4B ચળવળમાં વિશ્વભરમાં રસ વધ્યો છે, પરંતુ સવાલ એ છે કે કેટલીક સ્ત્રીઓ સેક્સ નહીં, ડેટિંગ નહીં, લગ્ન નહીં અને બાળકો નહીં એવા આ ચાર સિદ્ધાંતો મુજબ શા માટે જીવવા ઇચ્છે છે?
મિન-જૂની સોશિયલ મીડિયા પરની એક પોસ્ટે વિશ્વભરની સ્ત્રીઓનું ધ્યાન ખેંચ્યું હતું. એ મિન-જૂને યાદ છે.
તેમણે લખ્યું હતું, "ટ્રમ્પના વિજય પછી પુરુષો કહે છે કે ગર્ભપાત એક પાપ છે. તેમ છતાં તેઓ ઇચ્છે છે કે મહિલાઓ તેમની સાથે સેક્સ કરે. વિધિની વક્રતા એ છે કે એ બંનેનું સહઅસ્તિત્વ શક્ય નથી."
અમે આ સ્ટોરી માટે વાત કરી હતી તેવી અન્ય અનેક સ્ત્રીઓની માફક 27 વર્ષનાં મિન-જૂએ પણ સતામણીના ભયને કારણે તેમનું અસલી નામ જાહેર ન કરવાની વિનંતી કરી હતી. મિન-જૂ સ્ત્રીઓ સેક્સ નહીં, ડેટિંગ નહીં, લગ્ન નહીં અને બાળકો નહીં એવા આ ચાર સિદ્ધાંતો મુજબ જીવન જીવે છે.
આ એક એવી ચળવળ છે જે દક્ષિણ કોરિયાના નારીવાદીઓ દ્વારા શરૂ કરવામાં આવી છે. સમાજમાં સ્ત્રી-દ્વેષના પ્રતિસાદમાં આ નારીવાદીઓ પુરુષના સંગાથ વિના જીવવાનું પસંદ કરે છે.
મિન-જૂ કહે છે, "ડેટિંગ વેળાની હિંસા અથવા સંબંધ સમાપ્ત કરવાના પ્રયાસ વખતે સ્ત્રીની હત્યા કરવામાં આવી હોય એવા સમાચાર આપણે સતત સાંભળતા રહીએ છીએ."
લિંગ આધારિત પરંપરાગત ભૂમિકા અને અપેક્ષાઓને પડકારતી આ ચળવળ હવે અમેરિકામાં વિસ્તરી રહી છે.
ડોનાલ્ડ ટ્રમ્પના વિજય બાદ તાજેતરનાં અઠવાડિયાંમાં 4B ચળવળ વિશેની ચર્ચા પશ્ચિમમાં રસ જગાડી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દક્ષિણ કોરિયાના નારીવાદીઓએ આ ચળવળના સિદ્ધાંતો વિકસાવ્યા છે અને તેનું પાલન કરી રહ્યા છે. આ ચળવળ પ્રત્યે વિશ્વનું ધ્યાન ખેંચાયું છે તેનાથી તેઓ પ્રોત્સાહન અને નિરાશા બંનેનો અનુભવ કરે છે.
શું છે 4B ચળવળ?
4B શબ્દ ચાર કોરિયન શબ્દસમૂહોમાંથી ઉદ્ભવ્યો છે. તે ચાર શબ્દસમૂહો એટલે Bi Yeon-ae (ડેટિંગ નહીં), Bi Sex (સેક્સ નહીં), Bi Hon (લગ્ન નહીં), અને Bi Chul-san (બાળજન્મ નહીં).
કોરિયન ભાષામાં Biનો અર્થ "ના" થાય છે.
જી-સુન (નામ બદલ્યું છે) કહે છે, "આ એક ખ્યાલ, એક ચળવળ અને સ્ત્રીઓ માટેની દૈનિક પ્રથા છે."
ગર્ભપાત અધિકાર જૂથ B-Wave (જેનું નામ ચળવળને પસંદ નથી)ના આ ભૂતપૂર્વ નેતા કહે છે કે 4Bની કલ્પના 2016ની આસપાસ ઘણાં કટ્ટરપંથી નારીવાદી જૂથો દ્વારા કરવામાં આવી હતી.
જી-સુનના જણાવ્યા મુજબ, લગ્ન સ્ત્રીને સંપૂર્ણ બનાવે છે એવા પિતૃસત્તાક વિચારને નકારી કાઢવા માટે Bi Hon (લગ્ન નહીં)નું સર્જન કરવામાં આવ્યું હતું.
સેક્સ, ડેટિંગ અને બાળજન્મના ઇનકારના ત્રણ અન્ય સિદ્ધાંતો સ્ત્રીની સ્વાયત્તતાના આગ્રહ માટે ઉમેરવામાં આવ્યા હતા.
જી-સુન કહે છે, "આ જવાબદારીનો અસ્વીકાર નથી, પરંતુ સ્ત્રીને આદર આપવાની પસંદગી છે."
જી-સુન માને છે કે 4B ચળવળ પિતૃસત્તાને વિખેરવા માટે છે, પુરુષોને નકારવા માટેની નથી.
"આ ચળવળ મહિલાઓ એક માનવી તરીકે જીવી શકે તેની ચળવળ છે."
"ડેટિંગ, સેક્સ, લગ્ન અને બાળજન્મ વાસ્તવમાં સ્ત્રીને નબળી બનાવે છે"
જી-સુન "6B"ના નવા વિચાર બાબતે પણ વાત કરે છે. આ વિચાર 4Bનું વિસ્તરણ છે. "6B"માં Bi So-bi (સ્ત્રીઓનું જાતીય શોષણ કરતાં ઉત્પાદનો ટાળવાં) અને Bi Dob-bi (અપરિણીત સ્ત્રીઓનો એકબીજાને ટેકો)નો સમાવેશ થાય છે.
ગોંગ યેઓન-વાએ આ ચળવળ વિશે અભ્યાસપત્રો લખ્યા છે. 4B સિદ્ધાંતો અપનાવવાનું પોતે ક્યારે નક્કી કર્યું હતું તે ગોંગ યેઓન-વાને બરાબર યાદ છે.
23 વર્ષીય યુવતીને તે માત્ર સ્ત્રી હોવાને કારણે ગંગનમ સ્ટેશન પર નિશાન બનાવાઈ હતી. ગુપ્ત કૅમેરા દ્વારા મહિલાઓના વીડિયો ઉતારવાનો રોગચાળો ફેલાયો હતો અને વેબહાર્ડ કાર્ટેલ એવી વીડિયોઝનું ઑનલાઇન વિતરણ કરતી હતી. એ સમયગાળાનો ઉલ્લેખ કરતાં ગોંગ યેઓન-વા કહે છે, "એ મહત્ત્વપૂર્ણ ઘટનાઓનો સમયગાળો હતો."
"ઘણી સ્ત્રીઓને ખ્યાલ આવવા લાગ્યો હતો કે ફક્ત લગ્ન જ નહીં, પરંતુ ડેટિંગ અને સેક્સ પણ તેમને જોખમમાં મૂકી શકે છે."
2016ના ગંગનમ હત્યા કેસમાં 34 વર્ષના એક પુરુષે જાહેર શૌચાલયમાં એક યુવતી પર છરા વડે જીવલેણ હુમલો કર્યો હતો. એ ઘટના સિઓલમાંના નારીવાદીઓ માટે એકઠા થવાનું બિંદુ બની હતી.
"માત્ર મહિલા હોવાને કારણે એ યુવતી હુમલાનો ભોગ બની હતી," એવા સૂત્રોચ્ચાર સાથે મહિલાઓ માર્ગો પર ઊતરી આવી હતી.
યેઓન-વા જાતિ સમાનતા અને પરિવાર મંત્રાલયના 2020ના એક અહેવાલને યાદ કરે છે. તેમાં જાણવા મળ્યું હતું કે પ્રતિસાદદાતાઓ પૈકીના 42 ટકા પુરુષોએ ઓછામાં ઓછા એક વખત સેક્સવર્કરની મુલાકાત લીધી હોવાની કબૂલાત કરી હતી.
યેઓન-વાના કહેવા મુજબ, આ ઘટસ્ફોટને પગલે તેઓ અને તેમની સખીઓ તેમના પુરુષ પાર્ટનર્સ પ્રત્યે વધુ શંકાશીલ બન્યાં હતાં.
તેઓ કહે છે, "હું પોતે પણ ક્યારેક એકલતા અનુભવું છું અને કોઈ પુરુષના સંગાથની ઝંખના કરું છું, પરંતુ મને સમજાયું છે કે જેટલા સમયનો ઉપયોગ અને શક્તિ હું અન્ય મહિલાઓને ટેકો આપવા માટે કરું છું તેના કરતાં શંકા અને ડરથી ભરપૂર સંબંધ એટલો મૂલ્યવાન નથી."
4B ચળવળમાં દક્ષિણ કોરિયન મહિલાઓ
મિન-જુ માને છે કે સંબંધમાં સ્ત્રીઓએ જે હિંસાનો સામનો કરવો પડે છે તેમાંથી ખુદને શારીરિક અને માનસિક બંને રીતે બચાવવાનો એક માર્ગ 4B છે.
તેઓ કહે છે, "ગુનેગારોને ઘણી વાર બહુ જ ઓછી સજા થાય છે. કોરિયામાં ડેટિંગ કરવાની વાત એવી લાગે છે કે જાણે મને નુકસાન પહોંચાડવાનો અથવા મારો જીવ લેવાનો અધિકાર કોઈ પુરુષને સોંપી દેવામાં આવ્યો હોય."
30 વર્ષનાં ગોમસે પોતાના હુલામણા નામથી જ ઓળખાવવાનું પસંદ કરે છે. તેમના જણાવ્યા મુજબ, અંડાશય દૂર કરવાનું ઑપરેશન કરાવવાને કારણે તેમને 4B જીવનશૈલી અપનાવવાની પ્રેરણા મળી છે.
તેઓ કહે છે, "ડૉક્ટરોનું ધ્યાન મારા અંડાશયને પુનઃસ્થાપિત કરવા પર કેન્દ્રિત હતું, પરંતુ તેમની મુખ્ય ચિંતા પ્રજનન હતું."
"ડૉક્ટર્સે મારા અંડાશયને કાઢી નાખવાને બદલે મારાં ઍગ્ઝ ફ્રીઝ કરવાની ઑફર કરી હતી, જેમાં હું બીમાર હોવા છતાં ઍગ્ઝ કાઢવાનો અને હોર્મોન્સ ઇન્જેક્ટ કરવાનો સમાવેશ થતો હતો."
"તેનાથી મને સમજાયું હતું કે ડૉક્ટર્સની ઑફરનું કારણ એ હતું કે સ્ત્રીના શરીરને પ્રજનનનું એક સાધન ગણવામાં આવે છે."
ગોમસેના જણાવ્યા મુજબ, 4B તે પ્રતિકારનું એક નિષ્ક્રિય સ્વરૂપ છે, જે સ્ત્રીઓ ખુલ્લેઆમ જાહેર કરતી નથી, પરંતુ પ્રજનનના નિયંત્રણનો નિર્ણય ચૂપચાપ કરે છે.
તેઓ કહે છે, "તે સ્ત્રીના અવાજને અવગણતા સમાજમાં ટકી રહેવાનો એક માર્ગ બની ગઈ છે."
"આ સ્ત્રી-દ્વેષ અને નારીવાદના વિરોધ સામેનો રાષ્ટ્રીય બહિષ્કાર છે."
મહિલાઓ સ્વીકારે છે કે દક્ષિણ કોરિયામાં 4B સિદ્ધાંતો મુજબ જીવવું પડકારજનક છે.
મીન-જુના કહેવા મુજબ, તેમણે તેમના આ નિર્ણય બાબતે પુરુષમિત્રો કે સહકાર્યકરોને કશું જણાવ્યું ન હતું.
તેઓ કહે છે, "મને લાગે છે કે 4Bના સમર્થક તરીકેની ઓળખ જોખમી છે. ઘણા નારીવાદીઓ અને Bi Hon (લગ્નસંબંધ તોડવા)ના હિમાયતીઓએ તેમનું વલણ ઑનલાઇન શૅર કર્યું એ પછી તેમને સાઇબર ધમકીઓનો સામનો કરતા મેં જોયા છે."
યેઓન-વા હવે ઑસ્ટ્રેલિયામાં રહે છે અને તેઓ માને છે કે તેમનું વતન તેમના માટે "અસલામત" છે.
તેઓ કહે છે, "લિંગસંબંધી ભેદભાવનો અનુભવ કરવા ઉપરાંત માત્ર મહિલા અધિકારોની હિમાયત કરવા બદલ અને નારીવાદને અનુસરવા બદલ મને ધમકીઓ આપવામાં આવી હતી. એ કારણે હું ખૂબ જ અસ્વસ્થ થઈ ગઈ હતી."
"હું જ્યારે પણ 4B ચળવળનું ખુલ્લેઆમ સમર્થન કરું છું ત્યારે મારા પર નારીવાદીનું લેબલ લગાવી દેવામાં આવે છે અને નારીવાદીનું લેબલ કોરિયન સમાજમાં શત્રુતાનું કારણ બની શકે છે."
"દક્ષિણ કોરિયા એ ચળવળોનું જન્મસ્થાન બન્યું તેનું કારણ એ છે કે અહીંના સમાજમાં સ્ત્રી-દ્વેષનાં મૂળિયાં ઊંડે સુધી વિસ્તરેલાં છે."
અન્ય દેશોમાં પણ 4B ચળવળનો વિસ્તાર
અમેરિકામાં ગર્ભપાત સંબંધી નિયમોના પાલન કરાવવાનું રાજ્યોની વિવેકબુદ્ધિ પર છોડવામાં આવ્યું છે ત્યારે અમેરિકાના નવનિર્વાચિત રાષ્ટ્રપતિના ગર્ભપાત વિશેના વલણને કારણે સરકાર દ્વારા ગર્ભપાત પર પ્રતિબંધ મૂકવામાં આવશે એવો ભય મહિલા અધિકાર જૂથોમાં ફેલાયો છે.
રિપબ્લિકન પક્ષ પાસે રાષ્ટ્રપતિપદ, સૅનેટ અને પ્રતિનિધિ ગૃહ પર નિયંત્રણ હોવાથી તેમજ સુપ્રીમ કોર્ટમાં રૂઢિચુસ્ત બહુમતીને લીધે તેઓ પ્રતિબંધક કાયદો પસાર કરવા માટે મજબૂત સ્થિતિમાં છે.
ડોનાલ્ડ ટ્રમ્પ પર ભૂતકાળમાં જાતીય શોષણના આરોપ લાગ્યા છે. તેમણે તેમનાં પ્રતિસ્પર્ધી કમલા હેરિસ બાબતે વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી છે. આ સંદર્ભમાં મહિલાઓ વિશેની તેમની ભૂતકાળની કૉમેન્ટ્સ બાબતે પુનર્વિચાર કરવામાં આવી રહ્યો છે.
તેના પ્રતિસાદમાં અમેરિકન મહિલાઓમાં પુરુષોના "બહિષ્કાર" અને 4B સિદ્ધાંતોને સ્વીકારવાનું વલણ વધી રહ્યું છે.
આ ચળવળ વિશેની સોશિયલ મીડિયા પરની પોસ્ટ્સ નોંધપાત્ર પ્રમાણમાં ધ્યાન આકર્ષી રહી છે ત્યારે સર્ચ એન્જિન ડેટા દર્શાવે છે કે ગર્ભપાતની બાબતમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં નાટકીય વધારો થયો છે.
ચેઓન-વા 4Bના વૈશ્વિક પ્રસારને સકારાત્મક અને નકારાત્મક એમ બંને રીતે જુએ છે.
તેઓ કહે છે, "એક તરફ મને ગર્વ છે કે કોરિયન મહિલાઓ દ્વારા શરૂ કરવામાં આવેલી આ ચળવળ હવે વૈશ્વિક નારીવાદી સંવાદનો એક હિસ્સો બની ગઈ છે."
"તે ઉત્સાહપ્રેરક પણ છે. નારીવાદી સંવાદમાં અમેરિકા કોરિયાથી 100 વર્ષ આગળ રહ્યું હોવા છતાં અમેરિકામાં 4Bનો સ્વીકાર મહિલાઓ માટે સલામત તથા સમાન રીતે જીવવું આજે પણ કેટલો મોટો પડકાર છે તે દર્શાવે છે. મહિલાઓ જે સાર્વત્રિક સંઘર્ષનો સામનો કરે છે તેને એ દર્શાવે છે."
જોકે, દક્ષિણ કોરિયામાં 4B વિશેની જાહેર જાગૃતિ અને ભાવના મર્યાદિત અથવા નકારાત્મક રહી છે.
કિમ હ્યુન-જુંગ ત્રણ વર્ષ પહેલાં ઑનલાઇન માધ્યમ મારફત આ ચળવળના સંપર્કમાં આવ્યાં હતાં.
30 વર્ષનાં કિમ હ્યુન-જુંગ કહે છે, "હું 4Bને અનુસરતા લોકો વિશે કશું ધારી લેતી નથી, પરંતુ મેં કેટલીક સ્ત્રીઓને સમાન મૂલ્યો અપનાવવા બદલ અન્ય મહિલાઓને દોષ આપતી જોઈ છે અને તે ખોટું છે."
અન્ય લોકો કબૂલ કરે છે કે તેમણે આ ચળવળ વિશે અગાઉ કશું સાંભળ્યું સુધ્ધાં નથી.
કિમ મી-રિમ કહે છે, "મને હમણાં જ ખબર પડી. કેટલીક સ્ત્રીઓ આવી જીવનશૈલી શા માટે પસંદ કરે છે, એ હું આંશિક રીતે સમજી શકું છું, પરંતુ મારા માટે તે આર્થિક પડકારોની વાત વધારે છે."
"જિંદગી જીવવાના વધતા ખર્ચ સાથે ઘનિષ્ઠ સંબંધમાં જોડાવાનું વધુને વધુ મુશ્કેલ લાગે છે."
તેમ છતાં 4Bએ કેટલીક કોરિયન મહિલાઓના જીવનની યોજનાઓને સંપૂર્ણપણે બદલી નાખી છે અને તેમના પરિવારના દૃષ્ટિકોણને પુનઃવ્યાખ્યાયિત કર્યો છે.
લગભગ આઠ વર્ષથી 4B જીવનશૈલીને અનુસરતા ગોમસે આ ચળવળના અમેરિકામાં ફેલાવાને પ્રોત્સાહક અને પીડાદાયક બંને માને છે.
તેઓ કહે છે, "4B એ સમાન કામ માટે સમાન વેતન જેવા લાભ માગવાની વાત નથી. તે નારીના દેહ પરના મૂળભૂત અધિકારોને પાછા મેળવવા વિશે છે. તે એવા અધિકારો છે, જેના માટે પુરુષોએ ક્યારેય લડવું પડ્યું નથી કે વિચારવું સુધ્ધાં પડ્યું નથી."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન