બેટ-દ્વારકામાં ફરી ડિમોલિશન: મસ્જિદો સહિત ધાર્મિક દબાણો તોડયાં, ખુલ્લી કરાયેલી જમીન પર હવે શું બનાવાશે?

બેટ-દ્વારકામાં ફરીથી ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને તેમાં તંત્રના કહેવા પ્રમાણે ફરીથી કેટલાંક દબાણો દૂર કરવામાં આવ્યાં છે. જેમાં કેટલાંક ધાર્મિક દબાણોનો સમાવેશ થાય છે.

બેટ-દ્વારકામાં ધાર્મિક દબાણો હઠાવવા સામે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવતા 11 જાન્યુઆરીથી શરૂ થયેલી ડિમોલિશનની કામગીરી અટકાવી દેવામાં આવી હતી.

ધાર્મિક દબાણો હઠાવવા મામલે 'ભડેલા મુસ્લિમ જમાતે' ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજી બાદ હાઇકોર્ટે સ્ટે ઑર્ડર આપ્યો હતો અને ડિમોલિશનની કામગીરી અટકાવી દેવાઈ હતી.

આ પહેલાં બેટ-દ્વારકામાં મસ્જિદો સહિત ઘરો અને બીજાં બાંધકામો તોડવામાં આવ્યાં હતાં અને તંત્રનું કહેવું હતું કે આ બાંધકામો ગેરકાયદે હતાં તથા કેટલાંક ઘરો અને બાંધકામો મંજૂરી વિના બનાવવામાં આવ્યાં હતાં.

જાન્યુઆરી મહિના દરમિયાન સરકારે કથિત ગેરકાયદેસર અને સરકારી જમીન પર દબાણ જાહેર કરાયેલાં રહેણાંક મકાન, દુકાન, ધાર્મિક બાંધકામો સહિત 525 જેટલી નાની-મોટી ઇમારતો તોડી પાડી 1.27 લાખ ચોરસ મીટર જમીન "દબાણમુક્ત" કરી હતી.

ડિમોલિશનમાં જે બાંધકામો તોડી પડાયાં તેમાં બેટ-દ્વારકાના બાલાપર, પાર અને ભીમસર વિસ્તારમાં આવેલ 300થી વધુ રહેણાંક મકાનોનો પણ સમાવેશ થતો હતો.

ગુજરાત હાઇકોર્ટે ધાર્મિક બાંધકામો ન તોડવાની અરજી કેમ ફગાવી?

ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવેલી અરજી મામલે નિર્ણય આવી ગયો છે, મંગળવારે એટલે કે 4થી ફેબ્રુઆરીના રોજ બેટ-દ્વારકામાં કથિત ધાર્મિક સ્થળોને ન હટાવવાની યાચિકાને હાઇકોર્ટે ફગાવી દીધી છે.

યાચિકામાં ઓખા નગરપાલિકા દ્વારા જાહેર થયેલી નોટિસને પડકારવામાં આવી હતી. નોટિસમાં ત્રણ દિવસોની અંદર અનધિકૃત નિર્માણ હઠાવવાનો અને અન્યથા તેને તોડી પાડવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.

જસ્ટીસ મૌના ભટ્ટે આદેશ સંભળાવતા કહ્યું કે, 'કોર્ટે ભૂમિના ઉપયોગ અંગે તમામ પાસાનો વિચાર કર્યો છે. વર્તમાન યાચિકા પર વિચાર કરવાની આવશ્યકતા નથી. આ માટે બધી જ રીટ યાચિકા ખારીજ કરવામાં આવે છે'

અદાલતે કહ્યું કે, યાચિકાકર્તા ટ્રસ્ટ પબ્લિક ટ્રસ્ટ રજીસ્ટરમાં નોંધાયેલું છે પણ સંબધિત ભૂમિની સર્વેક્ષણ સંખ્યા પીટીઆરમાં જોવા મળતી નથી'

દબાણ ન હટાવવાના સમર્થનમાં યાચિકાકર્તાઓ વકફ સંપતિ હોવાની દલીલ કરી હતી. હાઈકોર્ટે આ અંગે કહ્યું કે, ગામમાં ફોર્મ સંખ્યા 6માં દાખલ કરેલી મ્યૂટેશન એન્ટ્રી નંબર 219થી એ સ્પષ્ટ છે કે કલેકટરે એ જમીન ગ્રામ પંચાયતને ફાળવી હતી અને બદલામાં ગ્રામ પંચાયતે આ જમીનને કબ્રસ્તાન તરીકે ઉપયોગ કરવા માટે સીમાંકિત કરી હતી. એટલા માટે એ દલીલ સ્વીકારી ન શકાય કે આ સંપતિ યાચિકાકર્તા વક્ફનો હિસ્સો છે.

સંપતિનો વક્ફના રૂપમાં ઉપયોગ અંગે અદાલતે કહ્યું હતું કે, 'આ મામલે એવો કશો જ રેકૉર્ડ દર્જ નથી કે જે રેકૉર્ડથી આ ભૂમિ વક્ફ બોર્ડની હોય એવું સ્પષ્ટ થતું હોય'

હાઇકોર્ટે યાચિકા ખારીજ કરતાં યાત્રાધામ બેટ-દ્વારકામાં સરકારી જમીન પર ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ગેરકાયદેસર ધાર્મિક સ્થળોનાં બાંધકામો તોડી પાડવામાં આવ્યાં હતાં.

બેટ-દ્વારકામાં દબાણો તોડવા અંગે તંત્ર શું કહે છે?

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડેપ્યુટી કલેકટર, એસ.પી, ડીવાયએસપી સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્લા એસપી નીતેશ પાંડેએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યા પ્રમાણે બેટ-દ્વારકાના બાલાપર ગામના કબ્રસ્તાનમાં જેટલાં પણ ગેરકાયદેસર દબાણો છે એને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

પોલીસ, એસઆરપી, જીઆરડી, એસઆરડીના 800 જેટલા જવાનોના ચુસ્ત બંદોબસ્ત સાથે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું.

દ્વારકાના પ્રાંત અધિકારી નિવૃત્ત લેફ્ટ કર્નલ અમોલ આવટેએ મીડિયાને જણાવ્યા પ્રમાણે બાલાપર વિસ્તારમાં વીસેક દિવસો પહેલાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

તેમના કહેવા પ્રમાણે હાઇકોર્ટના સ્ટેને કારણે સરકારી જમીન પરનાં કેટલાંક દબાણો હટાવી શકાયાં ન હતાં પરંતુ હાઇકોર્ટનો સ્ટે ઓર્ડર હઠતા અહીં ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરીને ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યાં છે.

પ્રાંત અધિકારી અમોલ આવટેએ વધુમાં જણાવ્યું હતું કે, 'સાડા છ હજાર સ્કવેર ફૂટની સરકારી જમીન પર બાંધકામો કરવામાં આવ્યાં હતાં જેની માર્કેટ વેલ્યુ અંદાજે 1.75 કરોડ છે'

ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી તેનાં ફૂટેજ પ્રમાણે આ વિસ્તારોમાં બાંધવામાં આવેલી કેટલીક મસ્જિદોને તોડવામાં આવી છે. જે દરિયાકાંઠે હતી અને બાજુમાં કબ્રસ્તાન છે. તંત્રના કહેવા પ્રમાણે તે કબ્રસ્તાનની જમીન પર હતી.

બેટ-દ્વારકામાં ડિમોલિશન બાદ હવે ત્યાં શું બનશે?

બેટ-દ્વારકામાં બાંધકામો તોડાયા બાદ હવે ત્યાં "દેવભૂમિ દ્વારકા કૉરિડૉર" વિકસાવવામાં આવશે અને વિવિધ અધિકારીઓ સાથે બીબીસી ગુજરાતીએ વિવિધ તબક્કે કરેલી વાતચીત પ્રમાણે આ કોરિડૉર માટે જગ્યા કરવા માટે ગેરકાયદે બાંધકામો તોડવામાં આવ્યાં છે.

2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીત બાદ મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી સરકારના મંત્રીમંડળે તેની પહેલી જ મિટિંગ બાદ "દેવભૂમિ દ્વારકા કૉરિડૉર" વિકસાવવાની જાહેરાત કરી હતી.

સરકારી અધિકારીઓ અનુસાર યાત્રાળુઓ માટે સુવિધાઓ અને આકર્ષણો વધારવા દ્વારકા, બેટ-દ્વારકા અને નાગેશ્વર મંદિરોને સાંકળી લેતો એક કૉરિડૉર બનાવવાનું સરકારનું આયોજન છે.

દેવભૂમિ દ્વારકાના જિલ્લા કલેક્ટર જી. ટી. પંડ્યાએ બીબીસીને જણાવ્યું હતું કે જે કૉરિડૉર બનાવાનો છે તે પ્રોજેક્ટનું નિર્માણ ત્રણ તબક્કામાં કરવામાં આવશે.

તેમણે જણાવ્યું કે, "પ્રથમ તબક્કામાં દ્વારકામાં આવેલ દ્વારકાધીશ જગત મંદિરથી રુક્મણી મંદિર સુધીના વિસ્તારનો વિકાસ કરવામાં આવશે, બેટ-દ્વારકા પર આવેલ દ્વારકાધીશ મુખ્ય મંદિરથી હનુમાનદંડી સુધીના વિસ્તારનો વિકાસ બીજા તબક્કામાં કરવામાં આવશે અને ત્રીજા તબક્કામાં નાગેશ્વર મંદિરની આજુબાજુના વિસ્તારો અને ગોપી તળાવનો વિકાસ કરવાનું પ્રાથમિક આયોજન છે."

કલેક્ટરે વિગતવાર વાત કરતાં આગળ કહ્યું કે, "બીજા તબક્કામાં બેટ-દ્વારકામાં આવેલા મંદિર અને તેની આજુબાજુના વિસ્તારનો વિકાસ કરવાનું આયોજન છે. એવી વિચારણા છે કે મંદિરથી પશ્ચિમે સીધો સમુદ્ર દેખાય તે રીતે જગ્યા ખુલ્લી કરવી અને તેને ઘાટનો આકાર આપી છેક સમુદ્ર સુધી લંબાવવો અને યાત્રાળુઓને તડકામાં કતારમાં ઊભા રહેવું પડે છે તેનું નિવારણ કરવું."

"તે જ રીતે સુદર્શન સેતુનું ઉદ્ઘાટન થતા શ્રદ્ધાળુઓ વાહન લઈને બેટ-દ્વારકા જતા થયા છે. તેથી, બેટ-દ્વારકાના હનુમાન દંડી સુધી વાહનો જઈ શકે તે માટે હયાત રસ્તા ઉપરાંત દરિયાના કાંઠે કાંઠે એક વૈકલ્પિક રસ્તો બનાવવાની વિચારણા છે."

ઓખા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈ કોટકે બીબીસી ગુજરાતી સાથે 13 જાન્યુઆરીએ થયેલી વાતચીતમાં જણાવ્યું હતું કે બાલાપરની જમીન ટુરિઝમ કૉર્પોરેશન ઓફ ગુજરાતને(ટીસીજીએલ) સોંપવાનો પ્રસ્તાવ છે.

તેમણે આ અંગે વધુ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, "ગૌચર અને સરકારી જમીનો પર થયેલાં દબાણોને હઠાવવાનાં છે કારણ કે, ટુરિઝમ(કૉર્પોરેશન ઑફ ગુજરાત)માંથી માંગણી કરાઈ છે અને ભવિષ્યમાં બેટ-દ્વારકાના વિકાસ માટે કૉરિડૉર આવશે. સુદર્શન બ્રિજ બન્યો ત્યારથી બેટ-દ્વારકામાં ટ્રાફિક બહુ વધી ગયો છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.