You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતીય મૂળના ડૉ. સમીર શાહ બીબીસીના નવા ચૅરમૅન બનશે
બ્રિટનની સરકારે બીબીસીના ચૅરમૅનપદ માટે ડૉક્ટર સમીર શાહનું નામ નક્કી કર્યું છે. તેઓ રિચર્ડ શાર્પની જગ્યા લેશે જેમણે આ વર્ષે ઍપ્રિલ મહિનામાં તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું.
ડૉ. સમીર શાહ બીબીસીમાં અનેક મહત્ત્વપૂર્ણ પદો પર રહી ચૂક્યા છે જેમાં ન્યૂઝ ઍન્ડ કરન્ટ અફેયર્સનું પ્રમુખપદ પણ સામેલ છે. તેઓ છેલ્લાં 40 વર્ષથી ટીવી ક્ષેત્રમાં સક્રિય છે.
બીબીસીનાં ચૅરમૅનપદે પહોંચનાર તેઓ ભારતીય મૂળની પ્રથમ વ્યક્તિ છે. તેમનો જન્મ મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં થયો હતો. તેમણે ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ભૂગોળ વિષયમાં પીએચડી કર્યું હતું.
તેઓ હાલમાં જૂનિપર નામની એક ટીવી પ્રૉડક્શન કંપનીના વડા છે જે બ્રિટનની અનેક ટીવી ચેનલો માટે કાર્યક્રમો બનાવે છે, જેમાં બીબીસી પણ સામેલ છે.
71 વર્ષીય ડૉ. શાહે એક નિવેદન જાહેર કરીને આ સમાચાર પર પ્રસન્નતા વ્યક્ત કરી છે.
રિચર્ડ શાર્પ પર ચૅરમૅન બન્યા તે પહેલાં બોરિસ જ્હૉન્સન સાથે આર્થિક વ્યવહારોના મામલામાં નિયમો તોડવાનો આરોપ લાગ્યો હતો. ત્યારબાદ તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. રિચર્ડ શાર્પે બોરિસ જ્હૉનસનને લોન અપાવવામાં તેમની મદદ કરી હતી.
રિચર્ડ શાર્પના રાજીનામાં પછી બીબીસીની ડિરેક્ટર કમિટીના સદસ્ય ડૅમ ઇલેન ક્લોઝને કાર્યકારી ચૅરમૅન બનાવવામાં આવ્યા હતા.
બીબીસી પોતાના કામકાજના મામલે સરકારથી પૂર્ણપણે સ્વતંત્ર છે પણ તેના ચૅરમૅનની નિમણૂક સરકારની સલાહને આધારે કરવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સાંસ્કૃતિક મામલાના મંત્રી લૂસી ફ્રેઝરે કહ્યું છે કે, “આ પદ પર ડૉ. શાહનો સમૃદ્ધ અનુભવ ખૂબ કામ આવશે.”
લૂસી ફ્રેઝરે કહ્યું, “ડૉ. શાહ બીબીસીની સફળતાને લઇને ખૂબ મહત્ત્વાકાંક્ષી છે અને તેઓ જલદીથી બદલાતા મીડિયાના માહોલમાં બીબીસીને આગળ લઈ જશે. જેથી કરીને બીબીસી પડકારોનો સામનો કરી શકે અને અવસરોનો લાભ ઊઠાવી શકે.”
ડિજિટલ, કલ્ચર, મીડિયા ઍન્ડ સ્પૉર્ટ્સની સિલેક્ટ કમિટીમાં તમામ રાજકીય પક્ષોના સાંસદ હોય છે. આ કમિટી હવે ડૉ. શાહના નામ પર મંજૂરી આપશે. ત્યારબાદ તેને પ્રિવી કાઉન્સિલ અને કિંગ ચાર્લ્સ પાસે મોકલવામાં આવશે. કિંગ ચાર્લ્સની મંજૂરી પછી તેઓ બીબીસીના ચૅરમૅનપદે નિયુક્ત થશે.
ડૉ. શાહે કહ્યું, “એ વાતમાં કોઈ શક નથી કે બીબીસી ગ્લૉબલ કલ્ચરમાં મોટું યોગદાન આપે છે. સોફ્ટ પાવરના મામલામાં બીબીસી આપણી અગ્રણી બ્રાન્ડ છે.”
બીબીસીના ચૅરમૅનપદે ડૉ. શાહની જવાબદારી સંસ્થાની સ્વતંત્રતાની સુરક્ષા કરવાની હશે. એ સિવાય તેમણે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે બીબીસી માહિતી, શિક્ષણ અને મનોરંજન પૂરું પાડવાની પોતાની ભૂમિકા આસાનીથી નિભાવતું રહે.
આ સિવાય ટીવી લાઇસન્સ ફીના નિર્ધારણના મામલામાં પણ તેઓ આવનારા સમયમાં સરકાર સાથે વાતચીતમાં બીબીસીનું નેતૃત્વ કરશે.
બીબીસીના પ્રવક્તાએ કહ્યું, “અમે એ જાહેરાતનું સ્વાગત કરીએ છીએ કે સમીર શાહને સરકારે ચૅરમૅનપદ માટે તેમની પસંદગીના ઉમેદવાર બનાવ્યા છે. અમે ઔપચારિક પ્રક્રિયા પૂરી થયા બાદ તેઓ ચૅરમૅનનો કાર્યભાર સંભાળશે તેની રાહ જોઈ રહ્યા છીએ.”
તેમની નિયુક્તિ એવા સમયમાં થઈ રહી છે જ્યારે બીબીસીને મોંઘવારીને કારણે તેના બજેટમાં 50 કરોડ પાઉન્ડનો કાપ મૂકવાનો છે. આ સિવાય ટીવી લાઇસન્સ ફીમાં વધારા પર પણ બે વર્ષની રોક લગાવી દેવામાં આવી હતી જેના કારણે બીબીસી સામે રહેલા આર્થિક પડકારોનો પણ તેમણે સામનો કરવો પડશે.