You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ફિફા વર્લ્ડકપ મુસ્લિમ જગત માટે ખાસ કેમ છે?
- લેેખક, શાઈમા ખલીલ
- પદ, બીબીસી ન્યૂઝ, દોહા, કતાર
કતારની રાજધાની દોહાના ગીચ બજાર 'સૌક વકીફ'નો વૈભવ સ્પષ્ટપણે અનુભવી શકાય છે.
આ બજારમાં આંટો મારતા અનેક ભાષાઓના અવાજો તમારા કાને અથડાય છે. ફૂટબૉલ ચાહકો તેમની ફૅવરિટ ટીમના ઝંડા લહેરાવતા જોવા મળે છે.
ક્યારેક કોઈક ખૂણેથી ફૂટબૉલ ચાહકોનું જૂથ અચાનક તેમની ટીમના ઉત્સાહવર્ધન માટે કિકિયારીઓ કરવા લાગે છે અને તમે ચોંકી જાવ છો.
મૅક્સિકો, મોરોક્કો અને આર્જેન્ટીનાના ચહેરાઓ તેમના અલગ રંગ-ઢંગમાં જોવા મળે છે અને ડાઇનિંગ ટેબલ પર બેઠેલા લોકોની નજર પણ તેમના પર ચોંટેલી છે અને સાથે તેઓ તેમના ભોજનનો આનંદ લઈ રહ્યા છે.
આ બજારના એક ખૂણામાં એક કલાકાર ચારકૉલથી લિયોનેલ મેસ્સીનું પોટ્રેટ ચિતરી રહ્યો છે. કતારની જર્સી પહેરેલાં નાના બાળકો પણ પોતાની મસ્તીમાં ઝૂમી રહ્યાં છે.
આ બજારમાં જ મારી મુલાકાત નાસિર સાથે થઈ. તેણે પોતાની અટક ન કહીં. નાસિરે મને કહ્યું, "દુનિયાભરમાંથી લોકો અહીં આવ્યા છે. અમારા કતારવાસીઓ માટે આ ગર્વનો દિવસ છે."
અહીંના કૅફેમાં મોટી સ્ક્રીન લગાવવામાં આવી છે અને બધાની નજર ત્યાં ગઈ કારણ કે તે સમયે ઓપનિંગ સેરેમની શરૂ થવા જઈ રહી હતી.
નાજી રાશેદ અલ નાઈમી નામના એક વ્યક્તિએ મને કહ્યું, "મને કેવી અનુભૂતિ થઈ રહી છે તે હું બરાબર સમજાવી શકતો નથી. આખી દુનિયાની નજર મારા નાનકડા દેશ પર છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કતારનો ઇતિહાસ
અલ નાઈમી ‘સૌક વકીફ’ની કતાર ડામા ક્લબના વડા છે. ડામા એ કતારની સ્થાનિક રમત છે જેમાં ચેસ જેવા 64 ખાના હોય છે અને ખેલાડીઓ સફેદ અને કાળા પ્યાદા સાથે રમે છે.
અમારી મજલીસ પરંપરાગત બેઠકમાં જામી જેમાં ટીવી ચાલુ હતું અને નાઝી તેમના મિત્રો સાથે આવ્યા હતા. તેમણે કહ્યું, "અહીં સુધી પહોંચવા માટે અમે ઘણી મુશ્કેલીઓ અને પડકારોનો સામનો કર્યો છે."
અલ નાઈમી અને તેમના મિત્રો આ ઉદ્ઘાટન સમારોહને લઈને ખૂબ જ ઉત્સાહિત હતા, તેમના માટે આ એક મોટો દિવસ હતો. તેઓ આ બધી વાતો મારી સાથે શેર કરવા માંગતા હતા. તેઓ મને કતારના ઈતિહાસ વિશે જણાવી રહ્યા હતા.
તેમણે મને કહ્યું કે કેવી રીતે આ રણપ્રદેશ જૂના દિવસોને પાછળ છોડીને વર્લ્ડકપની યજમાની સુધી પહોંચ્યો હતો.
ઉદ્ઘાટન સમારોહમાં બેઠેલા લોકો ઉદ્ઘાટન સમારોહમાં આમિર તમીમ બિન હમાદ અલ થાની અને તેમના પિતા દેશના પૂર્વ આમિર હમાદ બિન ખલીફા અલ થાનીના આગમન સાથે જ ઉત્સાહમાં થનગનવા લાગે છે.
ત્યારબાદ ટીવી પર એક જૂનો વીડિયો બતાવવામાં આવે છે જેમાં ભૂતપૂર્વ આમિર હમાદ બિન ખલીફા અલ થાની તેમની યુવાની દરમિયાન રણમાં ફૂટબૉલ રમતા જોવા મળે છે.
વિવાદોના ઓછાયા હેઠળ...
કતારમાં યોજાઈ રહેલો ફિફા વર્લ્ડકપ અત્યાર સુધી વિવાદોથી ઘેરાયેલો રહ્યો છે. ટૂર્નામૅન્ટ શરૂ થવાના બે દિવસ પહેલાં સ્ટેડિયમમાં બીયરના વેચાણ પર પ્રતિબંધનો નિર્ણય એમાં વધુ એક ઉમેરો છે.
કતારમાં એલજીબીટી સમુદાયના ચાહકો સાથે કેવું વર્તન કરવામાં આવશે તે અંગે પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કતારમાં કડક શરિયા કાયદો છે અને સમલૈંગિકતા એ ગુનો છે.
દેશમાં પ્રવાસી મજૂરોની સ્થિતિ પર પણ લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે અને કતારને વિશ્વભરમાંથી ટીકાઓનો સામનો કરવો પડ્યો છે.
પરંતુ 'સૌક વાકીફ'ની આ મજલિસમાં બેઠેલા કતારી લોકો વચ્ચે તમને અંદાજ જ નથી આવતો કે આ વર્લ્ડકપ ફૂટબૉલ ઇતિહાસની સૌથી વિવાદાસ્પદ ટૂર્નામૅન્ટમાંની એક રહી છે.
આ બેઠકમાં સલેમ હસન અલ મોહાનાદીએ મને કહ્યું, "તે એક સપનું હતું જે હવે તમે તમારી સામે વાસ્તવિકતામાં પલટતું જોઈ રહ્યા છો. મને ખૂબ જ ગર્વ છે. જેમણે અમારી ટીકા કરી.... અમે કંઈ કહ્યું નહીં. આજે અમે તેમને આ કરી બતાવ્યું છે.”
કતાર સમક્ષ પડકાર
અહીં જ સાદ અલ બદ્રની નજર કતાર-ઇક્વાડોર મૅચ પર ટકેલી હતી. તેણે ટીવી સ્ક્રીન પરથી નજર હટાવ્યા વિના મને કહ્યું, "આ ટીકાઓ મને દુઃખી કરતી હતી. છેલ્લા 12 વર્ષથી અમે ચિંતિત હતા. અમને ખબર ન હતી કે તે વાસ્તવિકતામાં બદલાશે કે નહીં. અને હવે તે વાસ્તવિકતામાં ફેરવાઈ ગઈ છે."
ખાડીના નાના પરંતુ શ્રીમંત દેશોમાંના એક કતાર માટે આ બધું બહુ સરળ રહ્યું નથી. તેણે હજુ ઘણું સાબિત કરવાનું બાકી છે.
એક મહિના સુધી કતારને તેની સાંસ્કૃતિક, ધાર્મિક અને પરંપરાગત ઓળખ તેમજ વિશ્વની અપેક્ષાઓ વચ્ચે સંતુલન જાળવવું પડશે.
આ માત્ર કતાર માટે જ નહીં, પરંતુ સમગ્ર ખાડી ક્ષેત્ર માટે એક મોટી વાત છે. વિશ્વના આ પ્રદેશમાં પ્રથમ વખત ફીફા વર્લ્ડકપનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
સલેમ હસન અલ મોહાનાદી કહે છે તેમ, "આ વર્લ્ડકપ માત્ર કતાર માટે જ નહીં પરંતુ સમગ્ર આરબ વિશ્વ અને મુસલમાનો માટે વિશેષ છે."