નાગિન ડાન્સની ધૂનમાં એવો શું જાદુ છે કે સાંભળતાં જ લોકો નાચવા માંડે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, પ્રદીપ સરદાના
- પદ, વરિષ્ઠ પત્રકાર અને ફિલ્મ-સમીક્ષક
'મન ડોલે મેરા તન ડોલે, મેરે દિલ કા ગયા કરાર રે, યે કૌન બજાયે બાંસુરિયા…'
ઈ.સ. 1954માં સિનેમાઘરોમાં આવેલી ફિલ્મ 'નાગિન'ના આ ગીતમાં અભિનેતા પ્રદીપકુમાર જ્યારે બીન વગાડે છે, ત્યારે આ બીનની ધૂન પર અભિનેત્રી વૈજયંતીમાલા સૂધબૂધ ગુમાવીને નાચવા લાગે છે.
બીનની આ ધૂને લાખો-કરોડો લોકો પર પણ એવો જાદૂ કર્યો હતો કે આજે પણ તે એવો ને એવો જળવાયેલો છે; એ પણ ત્યારે, જ્યારે ફિલ્મ 'નાગિન, આ ગીત અને ગીતની ધૂન બન્યે 71 વર્ષ જેટલો સમય થઈ ગયો છે. પરંતુ, આજ સુધી આ બીનનો બીજો કોઈ આવો મધુર તોડ નથી આવ્યો.
આજે પણ ઘણી બધી ફિલ્મો અને ગીતોમાં મદારીની આ જ જૂની બીન ધૂનનો ઉપયોગ કરવામાં આવે છે.
આ બીનવાળી ધૂનને સંગીતકાર કલ્યાણજી-આણંદજીની એ સંગીતકાર જોડીએ બનાવી હતી, જેણે આગળ જતાં 1960થી 1990ના ત્રણ દાયકામાં સંગીતરસ પીરસતી એક એકથી ચડિયાતી કર્ણપ્રિય ધૂન આપીને સિને-સંગીતને ચાર ચાંદ લગાડ્યા.
ફિલ્મ-સંગીતની દુનિયાની આ સુપર હિટ જોડીના કલ્યાણજી તો છેલ્લાં 24 વરસથી આ દુનિયામાં નથી.
'નાગીન'ની બીન ધૂન

ઇમેજ સ્રોત, Twitter@NFAIOfficial
કલ્યાણજીના જોડીદાર અને નાના ભાઈ આણંદજી 2 માર્ચ 2020એ 92 વર્ષના થઈ ગયા છે. ફિલ્મોમાં સંગીત આપવાનું તો તેમણે વરસો પહેલાં જ બંધ કરી દીધું હતું, તેમ છતાં, આણંદજી આજે પણ સંગીત માટે સમર્પિત છે.
થોડા મહિના પહેલાં, મુંબઈના પૅડર રોડ સ્થિત તેમના ઘરે તેમની સાથે મુલાકાત થઈ ત્યારે ઘણી બધી જૂની વાતોનો લાંબો ઇતિહાસ ખંગોળાયો. પોતાની વાતચીતમાં તેઓ હંમેશા પોતાના મોટા ભાઈ કલ્યાણજીને ખૂબ જ માનસન્માન આપે છે. સાથે જ, તેમને તમામ જૂની વાતો આજે પણ એવી ને એવી જ યાદ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Twitter@NFAIOfficial
જો 'નાગિન'ની ધૂનની વાત કરીએ તો… આણંદજીએ જણાવ્યું, "નાગિન ફિલ્મ પહેલાંની ફિલ્મોમાં બીન માટે મદારીની અસલી બીન જ વગાડવામાં આવતી. પરંતુ, તેમાં ખાસ મજા નહોતી આવતી. ત્યારે, ભાઈસાહેબ કલ્યાણજી લંડનથી એક નવું સંગીતયંત્ર કલ્વાયલિન લઈ આવ્યા. તેમાં અલગ અલગ પ્રકારના ઘણા બધા ધ્વનિઓ નીકળી શકતા હતા."
તે વાદ્યયંત્ર કી-બોર્ડનું જૂનું રૂપ છે. અને ધૂન, ફૂંક મારીને નહીં, બલકે, આંગળીઓથી વગાડવામાં આવી છે.
"કલ્યાણજીએ એ જ ધ્વનિઓના માધ્યમથી બીનની આ ધૂન બનાવી. ત્યારે 'નાગિન'નું સંગીત હેમંતકુમાર આપી રહ્યા હતા. કલ્યાણજી હેમંતદાના સહાયક હતા. હું પણ ભાઈસાહેબની સાથે મળીને કામ કરતો હતો. પરંતુ, શરૂઆતમાં જ્યારે 'સમ્રાટ ચન્દ્રગુપ્ત'થી ભાઈસાહેબે ફિલ્મમાં પૂર્ણ સંગીત આપ્યું, ત્યારે સંગીતકાર તરીકે કલ્યાણજી વીરજી શાહનું નામ આવ્યું. તેમાં વીરજી અમારા પિતાજીનું નામ હતું."
મનમોહન દેસાઈની પહેલી ફિલ્મ

ઇમેજ સ્રોત, Twitter@NFAIOfficial
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તો પછી તમારું નામ તેમની સાથે જોડીમાં ક્યારથી અને કઈ રીતે આવ્યું?
એવું પૂછતાં, આણંદજીએ જણાવ્યું, "'સમ્રાટ ચન્દ્રગુપ્ત' પછી માત્ર કલ્યાણજીના નામથી અમારી થોડી વધારે ફિલ્મો આવી ગઈ હતી. ત્યારે આ ફિલ્મના નિર્માતા સુભાષ દેસાઈએ પોતાના ભાઈ મનમોહન દેસાઈને નિર્દેશક બનાવવા માટે એકસાથે ત્રણ ફિલ્મો બનાવવાનો નિર્ણય કર્યો. જેમાંની એક રાજ કપૂર સાથે હતી, 'છલિયા'. રાજ કપૂર સાથે સંગીતકાર શંકર-જયકિશન રહેતા હતા. તેમણે ભાઈસાહેબને કહ્યું, તમે 'છલિયા'નું સંગીત આપો અને પોતાની સાથે આણંદનું નામ જોડીને કલ્યાણજી-આણંદજીની જોડી તરીકે સંગીત આપો. અમે કહ્યું કે, હવે તો કલ્યાણજી નામ સ્થપાઈ ગયું છે, બદલીએ કઈ રીતે? તો તેમણે કહ્યું, તમે એ બધું છોડો. એ મારી જવાબદારી છે. ત્યારે એમની સલાહને લીધે અમે 'છલિયા' ફિલ્મથી કલ્યાણજી-આણંદજીના નામથી સંગીત આપવાનું શરૂ કરી દીધું."
'છલિયા'માં ગીતકાર તરીકે કમર જલાલાબાદીને લેવામાં આવ્યા અને આ ફિલ્મનું ગીત 'ડમ ડમ ડિગા ડિગા' એવું સુપર હિટ થયું કે ફિલ્મ અને ફિલ્મ સાથે સંકળાયેલા બધા જ લોકોનાં નસીબ ઊઘડી ગયાં. ત્યાર પછી તેમની પાસે ફિલ્મોનો ઢગલો થઈ ગયો.
મનમોહન દેસાઈની એ પહેલી ફિલ્મ હતી. ત્યાર પછી તેમણે તેમની સાથે 'બ્લફ માસ્ટર' અને 'સચ્ચા જૂઠા' જેવી ફિલ્મો પણ કરી. એમાં પણ તેમનું સંગીત અને ફિલ્મનું બધું જ હિટ રહ્યું. 'સચ્ચા જૂઠા'નું 'મેરી પ્યારી બહનિયાં, બનેગી દુલ્હનિયાં' તો ભાઈ-બહેનના પ્રેમનું એક અમર ગીત છે.
'દિલ ભી તેરા હમ ભી તેરે'

ઇમેજ સ્રોત, Twitter@NFAIOfficial
કલ્યાણજી-આણંદજીની જોડીની જો કોઈ ખાસ વાત જોઈએ તો તેમાં એક એ પણ છે કે, ઘણા બધા નિર્દેશકોએ પોતાની પ્રથમ ફિલ્મ આ જ જોડી સાથે બનાવી અને એ બધા જ નિર્દેશકોની તે પ્રથમ ફિલ્મ એક મ્યૂઝિકલ હિટ સાબિત થઈ. એટલે સુધી કે, ઘણા સ્ટાર્સની પ્રથમ હિટ પણ તેમની જ સાથે રહી.
ઉદાહરણ તરીકે, અર્જુન હિંગોરાનીની ધર્મેન્દ્ર સાથેની પહેલી ફિલ્મ 'દિલ ભી તેરા હમ ભી તેરે' (1960), જેના ગીત 'મુઝકો ઇસ રાત કી તન્હાઈ મેં આવાઝ ન દો', કે પછી મનોજકુમારની નિર્માતા-નિર્દેશક તરીકેની પહેલી ફિલ્મ 'ઉપકાર' (1967), જેણે 'મેરે દેશ કી ધરતી સોના ઉગલે'થી એક તરફ દેશભક્તિનાં અમર ગીતોનાં નવાં વ્યંજન પીરસ્યાં, તો બીજી તરફ, 'કસમે વાદે પ્યાર વફા, સબ બાતેં હૈ બાતોં કા ક્યા' જેવાં ભાવુક ગીત પણ.
પછી તો મનોજકુમારની સાથે કલ્યાણજી-આણંદજીએ 'પૂરબ ઔર પશ્ચિમ' ફિલ્મ પણ કરી, જેનું ગીત-સંગીત બધાને હલબલાવી દે છે. ભલે ને પછી તે 'દુલ્હન ચલી' હોય કે 'ભારત કા રહને વાલા હૂં' અને 'પુરવા સુહાની આઈ રે' અને 'ઓમ જય જગદીશ હરે'ની આરતી, જે આજે પણ બધાં મંદિરો અને ધાર્મિક સમારંભોમાં એ જ ધૂન પર ગાવામાં આવે છે, જે આ ફિલ્મમાં હતી. તેની સાથે જ મુકેશના સ્વરમાં કાલજયી ગીત – 'જબ કોઈ તુમ્હારા હૃદય તોડ દે' પણ.
પ્રકાશ મહેરા સાથે

ઇમેજ સ્રોત, Twitter@NFAIOfficial
'જબ કોઈ તુમ્હારા હૃદય તોડ દે' ગીત અંગે આણંદજીએ જણાવ્યું, "આ ગીત માટે મનોજકુમારે અમને કહ્યું, આમાં નાયક એકાંતમાં આ ગીત ગાઈ રહ્યો છે. તેથી એમાં ખૂબ ઓછા સાજનો ઉપયોગ કરો. અમે એવું જ કર્યું. માત્ર ત્રણ સાધન રાખ્યાં, પરંતુ, જ્યારે અમે રેકૉર્ડિંગ કરતા હતા ત્યારે અમને વિચિત્ર લાગતું હતું, કેમ કે, અમે અમારા સંગીત માટે મોટા ઑર્કેસ્ટ્રાનો ઉપયોગ કરવા માટે અભ્યસ્ત હતા. તે કારણે, આ ગીત અમારે 40 વાર રેકૉર્ડ કરવું પડ્યું, છેક ત્યારે એ ગીત બન્યું જે મનોજકુમારના મનમાં હતું, અમે ઇચ્છતા હતા."
મનોજકુમાર, અર્જુન હિંગોરાની અને મનમોહન દેસાઈ ઉપરાંત, પ્રકાશ મહેરા, સુભાષ ઘઈ, ફિરોઝ ખાન, ચંદ્રા બારોટ અને સુલતાન અહમદ જેવા બીજા ઘણા નિર્દેશકોએ પણ પોતાની પ્રથમ ફિલ્મ કલ્યાણજી-આણંદજી સાથે કરી.
તેમાં પ્રકાશ મહેરાની સાથે તો તેમની પહેલી ફિલ્મ 'હસીના માન જાએગી'થી 'જંજીર', 'હાથ કી સફાઈ', 'હેરાફેરી', 'મુકદ્દર કા સિકંદર', 'લાવારિસ' જેવી સુપર હિટ ફિલ્મો સાથે 'ઘુંઘરૂ', 'ઇમાનદાર' અને 'જાદૂગર' જેવી ફિલ્મો પણ છે જે ચાલી ન શકી. પરંતુ, મહેરાની બીજી ફિલ્મોમાં 'વાદા કરલે સાજના', 'મેરે અંગને મેં તુમ્હારા ક્યા કામ હૈ' જેવાં સદાબહાર ગીતો છે. અને, 'મુકદ્દર કા સિકંદર'નાં તો લગભગ બધાં જ ગીત સુપર હિટ રહ્યાં.
'રોતે હુએ આતે હૈં સબ', 'દિલ તો હૈ દિલ', 'સલામ-એ-ઇશ્ક મેરી જાન જરા કુબૂલ કર લો', 'પ્યાર જિંદગી હૈ' અને 'ઓ સાથી રે તેરે બિના ભી ક્યા જીના'.
'ઓ સાથી રે તેરે બિના ભી ક્યા જીના' ગીત અંગે આણંદજીએ જણાવ્યું, "આ ગીતની શરૂઆત પહેલાં 'તેરે બિના ક્યા જીના'થી થઈ રહી હતી, પરંતુ, પ્રકાશજીએ કહ્યું, તેમાં શરૂઆતમાં 'ઓ સાથી રે' જોડી દો. અમે એમ જ કર્યું. ત્યાર પછી અમે જ્યારે તેની ધૂન બનાવી ત્યારે 'ઓ સાથી રે'ને લાંબું ખેંચીને અમે એમાં એવું દર્દ ઉમેર્યું કે એ જ આ ગીતનો પ્રાણ બની ગયું."
ગીતોમાં દાર્શનિકતા હોય છે

ઇમેજ સ્રોત, Twitter@NFAIOfficial
આણંદજીએ જણાવ્યું, "અમારો એવો પ્રયાસ રહ્યો છે કે અમારી ફિલ્મોમાં એવાં ગીતો જરૂર રાખીએ જેમાં કોઈ સંદેશ હોય, જીવનની સચ્ચાઈ હોય, દાર્શનિકતા હોય. જેમ કે, 'સમજૌતા ગમોં સે કર લો', 'મેરા જીવન કોરા કાગજ કોરા હી રહ ગયા', 'મેરે દેશ કી ધરતી સોના ઉગલે', 'હર કિસી કો નહીં મિલતા', 'દિલ કો દેખો ચહેરા ન દેખો', 'આવો તુમ્હેં મૈં પ્યાર સિખા દૂં', 'પરદેસીઓં સે ન અંખિયાં મિલાના' અને 'જિંદગી કા સફર હૈ યે કૈસા સફર કોઈ સમજા નહીં કોઈ જાના નહીં' જેવાં ઘણાં બધાં ગીત. કેમ કે, હું સમજું છું કે, જે બગડેલું છે તેને સંગીત હસતાં હસતાં સુધારવામાં પણ મોટી ભૂમિકા નિભાવી શકે છે. સાથે જ, સંગીત જીવનની ઘણી બધી મુશ્કેલીભરી વાતોને પણ સહજતાથી સમજાવવાની તાકાત ધરાવે છે."
આ જોડીએ ઘણા બધા ગીતકારો સાથે કામ કર્યું. ઘણા ગીતકારોને પ્રથમ તક પણ તેમણે જ આપી. પરંતુ, કયા ગીતકારો સાથે તમે વધુ સહજ હતા?
એમ પૂછતાં આણંદજીએ કહ્યું કે, "અમે સહજ તો બધા સાથે હતા; પરંતુ, જો એમ કહીએ કે સૌથી વધુ ટ્યૂનિંગ કોની સાથે હતું, તો અંજાન, ઇન્દીવર, આનંદ બક્ષી, ગુલશન બાવરા, કમર જલાલાબાદી અને રાજેન્દ્ર કૃષ્ણ જેવા ગીતકારો સાથે પરસ્પર સારી સમજ હોવાના લીધે તેમની સાથે ઘણું કામ કર્યું."
ઘણાં બધાં ગાયક-ગાયિકાઓને તક આપી

કલ્યાણજી-આણંદજીની જોડીને ફિલ્મસંગીતમાં જે બીજા એક યોગદાન માટે યાદ કરવામાં આવે છે તે એ છે કે, તેમણે ઘણા નવા સિંગરને પહેલી તક આપી. જેમ કે, કુમાર સાનુ, અલકા યાજ્ઞિક, મનહર, સાધના સરગમ, કંચન અને સપના મુખર્જી, વગેરે.
સાથે જ સુનિધિ ચૌહાણ અને જાવેદ અલી જેવાં ઘણાં સિંગર એવાં પણ છે, જેમને તેમણે ટ્રેનિંગ આપી. આ રીતે, કલ્યાણજી-આણંદજીભાઈએ લતા, આશા, રફી, કિશોર, મુકેશ અને મહેન્દ્ર કપૂર સહિત પોતાના સમયનાં લગભગ દરેક મોટાં ગાયક-ગાયિકાઓ સાથે કામ કરીને બધાં માટે ઘણા હિટ નંબર આપ્યા.
રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો

કલ્યાણજી-આણંદજીને પોતાનાં કામ માટે અનેક પુરસ્કાર મળ્યા. જેમાં ફિલ્મ 'સરસ્વતીચંદ્ર' (1968) માટે તેમને સર્વશ્રેષ્ઠ સંગીતકારનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો અને ફિલ્મ 'કોરા કાગજ' (1974) માટે ફિલ્મફેર પુરસ્કાર પણ.
એટલે સુધી કે, તેમની ફિલ્મ 'અપરાધ' માટે આશા ભોંસલેએ ગાયેલા ગીત 'ઐ નૌજવાં સબ કુછ યહાં' અને તેમની એક બીજી ફિલ્મ 'ડૉન'ના 'યે મેરા દિલ પ્યાર કા દીવાના'ની ધૂનનો જ્યારે એક આફ્રિકન બૅન્ડ બ્લૅક આઇડે પોતાના આલ્બમ 'મંકી બિઝનેસ'માં ઉપયોગ કર્યો, તો તેના માટે આફ્રિકન બૅન્ડને પણ ગ્રેમી એવૉર્ડ મળ્યો.
એ બૅન્ડે એ માટે આ જોડીને ક્રૅડિટ આપી અને તેમને એવૉર્ડ સમયે અમેરિકામાં આમંત્રિત પણ કર્યા હતા.
જીવનમાં આનંદ જ આનંદ

લગભગ 250 ફિલ્મોનાં આશરે 1,200 ગીતોની યાદગાર-શાનદાર ધૂનો બનાવી, તેમ છતાં માત્ર એક જ ફિલ્મફેર પુરસ્કાર મળ્યો, એ બાબત શું થોડાક દુઃખી નથી કરતી?
એમ પૂછ્યું ત્યારે આણંદજીએ કહ્યું, "ના, બિલકુલ દુઃખ નથી. હું એમ માનું છું કે ઇચ્છાઓ ક્યારેય ખતમ નથી થતી. ભાગ્યમાં જે હોય છે, તે મળે જ છે. મને જે મળ્યું, તેનાથી હું ખૂબ ખુશ છું, સંતુષ્ટ છું, મારા જીવનમાં આનંદ જ આનંદ છે. આજે પણ સંગીતના કાર્યક્રમ માટે દેશ-વિદેશમાં જતો હોઉં છું. પોતાના પરિવાર સાથે રહેવાનું, તેમની સાથે વાતો કરવાનું મને ગમે છે. બાકી રહ્યું પુરસ્કાર મળવાનું; તો અમે હંમેશા પોતાના કામ ઉપર ફોકસ કર્યું છે. જે પુરસ્કાર આપમેળે મળ્યો તે ખુશ થઈને સ્વીકાર્યો. પુરસ્કાર લેવા માટેની જોડ-તોડ અને જુગાડમાં અમે ક્યારેય પડ્યા નથી; કેમ કે, પુરસ્કારમાં કોને શું મળ્યું તે યાદ નથી રહેતું, પરંતુ, કોણે કયાં કયાં ગીતો બનાવ્યાં એ બધા સદીઓ સુધી યાદ રાખશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












