'શોલે'થી લઈને 'બરફી' સુધી : બોલીવૂડની સુપરહિટ ફિલ્મો પર નકલના આરોપ કેમ લાગે છે?

શોલે, બરફી, બોલીવૂડ ફિલ્મ, મનોરંજન, કોપીરાઇટ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, NH Studioz

    • લેેખક, મિર્ઝા એબી બેગ
    • પદ, બીબીસી સંવાદદાતા, દિલ્હી

“આ બે એવા લોકો છે જેમને આખી દુનિયા સલામ કરે છે, પરંતુ તેમણે આખી જિંદગી નકલ કરવા સિવાય કંઈ કર્યું નથી. સલીમ-જાવેદ કૉપીરાઇટર છે, તેઓ અસલી લેખક નથી."

આ શબ્દો છે લેખક અમિત આર્યનના, જેમણે તાજેતરમાં જ બોલીવૂડના બે વિખ્યાત સ્ક્રિપ્ટ રાઇટર સલીમ ખાન અને જાવેદ અખ્તર વિશે આવી વાતો કહી છે.

સલીમ ખાન અને જાવેદ અખ્તરની જોડીએ ભારતીય સિનેમાને ડઝનેક સુપરહિટ ફિલ્મો આપી છે, જેમાં 'જંજીર', 'દીવાર', 'શોલે', 'ત્રિશૂલ', 'ડોન', 'ક્રાંતિ', 'શક્તિ' અને 'મિસ્ટર ઇન્ડિયા' જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

આ આરોપ લગાવનાર અમિત આર્યને ‘એફઆઈઆર’, ‘એબીસીડી’, ‘યે ઉન દિન કી બાત હૈ’, ‘લાપતાગંજ’ અને ‘ડૂ નૉટ ડિસ્ટર્બ’ જેવી ફિલ્મો લખી છે.

અમિત આર્યને દાવો કર્યો છે કે સલીમ-જાવેદ દ્વારા લખાયેલી સુપરહિટ ફિલ્મ 'શોલે' વાસ્તવમાં રાજ ખોસલાની ફિલ્મ 'મેરા ગાંવ, મેરા દેશ'ની નકલ છે.

આ અગાઉ પણ ફિલ્મ 'શોલે' પર આરોપો લગાવાયા છે કે તે સર્જીવ લિયોનીની ફિલ્મ 'વન્સ અપોન અ ટાઇમ ઇન ધ વેસ્ટ'ની વાર્તાની ઉઠાંતરી કરીને બનાવાઈ છે.

બોલીવૂડ સાથે સંકળાયેલા ઘણા લોકોનું કહેવું છે કે 1975માં રિલીઝ થયેલી બ્લૉકબસ્ટર ફિલ્મ 'શોલે'માં જય એટલે કે અમિતાભ બચ્ચન અને મૌસી (લીલા મિશ્રા) વચ્ચેની વાતચીત જાણીતા ઉર્દૂ સાહિત્યકાર ઈબ્ને સફીની નવલકથા 'ખૌફનાક ઇમારત'ના ડાયલૉગ પર આધારિત છે.

કેટલાક લોકોના મતે આ ફિલ્મનું ગીત 'મહેબૂબા ઓ મહેબૂબા' એ અરબી ગીતની નકલ છે, જ્યારે અન્ય લોકોએ તેને અંગ્રેજી ફિલ્મ 'સે યુ લવ મી'ની નકલ ગણાવી છે.

જાવેદ અખ્તરે આરોપો વિશે શું કહ્યું?

શોલે, બરફી, બોલીવૂડ ફિલ્મ, મનોરંજન, કોપીરાઇટ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સલીમ-જાવેદની બેલડી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તાજેતરના આરોપો બાદ બીબીસીએ જાવેદ અખ્તરનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમનો જવાબ મળી શક્યો નથી.

જોકે, થોડા સમય અગાઉ નસરીન મુન્ની સાથેની વાતચીત પર આધારિત તેમના પુસ્તક 'ટૉકિંગ લાઇફ'માં તેમણે આવા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા.

જોકે, તેમણે સર્જીવ લિયોનથી પ્રભાવિત હોવાનું સ્વીકાર્યું હતું. એક મીડિયા હાઉસને આપેલી મુલાકાતમાં જાવેદ અખ્તરે એમ પણ કહ્યું હતું કે તેઓ ઈબ્ને સફીની નવલકથાઓ બહુ રસથી વાંચતા હતા.

તેમણે કહ્યું હતું કે તેમની ફિલ્મ 'જંજીર'ના કેટલાક ભાગોને ફિલ્મ 'ડર્ટી હેરી'ની નકલ કહેવામાં આવે છે, જે સાવ 'બકવાસ' છે.

તેણે કહ્યું કે 'જંજીર' એ સલીમ ખાનનો વિચાર હતો, જેના પર "અમે બંનેએ સાથે મળીને કામ કર્યું હતું."

તેમના કહેવા પ્રમાણે 'ડર્ટી હેરી' પરથી બીજી એક ફિલ્મ 'ખૂન ખૂન' જરૂર બની હતી, પરંતુ તે બીજા કોઈનું કામ હતું.

તેમણે આવા તમામ આરોપોને 'બકવાસ' ગણાવીને ફગાવી દીધા હતા. તેમણે કહ્યું કે મેં લખેલી કોઈ પણ ફિલ્મ એ અન્ય કોઈ ફિલ્મની નકલ કે ઉઠાંતરી નથી.

જોકે, ભારતીય સિનેમા માટે, ખાસ કરીને બોલીવૂડ અથવા હિન્દી સિનેમામાં બીજાની નકલ કે ઉઠાંતરી કરવાના આરોપો એ નવી વાત નથી. ઘણી જાણીતી ફિલ્મોની સ્ક્રિપ્ટથી લઈને તેનાં દૃશ્યો, સંવાદો, સંગીત અને ગીતો સહિતની ચીજો પર નકલના આરોપ લાગેલા છે.

ફિલ્મ ઉદ્યોગના નિષ્ણાતો શું માને છે?

શોલે, બરફી, બોલીવૂડ ફિલ્મ, મનોરંજન, કોપીરાઇટ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Sholay

બીબીસીએ પુણેની ડીવાય પાટીલ ઇન્ટરનેશનલ યુનિવર્સિટી ખાતે સ્કૂલ ઑફ મીડિયા ઍન્ડ જર્નલિઝમના ડાયરેક્ટર પ્રોફેસર અરવિંદ દાસને પૂછ્યું કે બોલીવૂડમાં કેટલી હદે ઉઠાંતરી થાય છે, ત્યારે તેમણે ગાલિબનો શેર ટાંકીને કટાક્ષમાં કહ્યું કે, "આગે આતી થી હાલ-એ-દિલ પે હંસી, અબ કિસી બાત પર નહીં આતી."

તેમણે કહ્યું કે ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નકલ બેશરમીની તમામ હદ વટાવી ગઈ છે અને તેની સામે કોઈ પગલાં પણ લેવાતાં નથી. તેમણે કહ્યું કે, "આવી વસ્તુઓને 'ઇન્સ્પાયર્ડ' કહીને સ્વીકારી લેવામાં આવે છે."

પ્રોફેસર દાસે કહ્યું કે, "તમે પશ્ચિમમાં જુઓ તો નકલના કારણે લોકોએ પોતાના હોદ્દા અને નોકરીઓ પણ ગુમાવ્યાં છે. લોકોઓ નકલ બદલ શરમમાં મુકાવું પડ્યું છે."

તેઓ કહે છે, "તમે ફરીદ ઝકરિયાનું ઉદાહરણ લઈ શકો છો, જેમને ન્યૂઝ વીકના ઍડિટોરિયલ બોર્ડમાંથી રાજીનામું આપવું પડ્યું હતું."

પ્રોફેસર દાસે દાવો કર્યો હતો કે ફિલ્મ 'શોલે'માં સિક્કો ઉછાળવાનું જે દૃશ્ય છે, તે પણ 'ગાર્ડન ઑફ ઈવિલ'ની નકલ હતું.

તેમના મતે, આ એક મોટી સમસ્યા છે, પરંતુ હવે તેના પર કોઈ ધ્યાન નથી આપતું.

તેમના મત પ્રમાણે શાહરુખ ખાનની 'બાજીગર' કે 'અગ્નિસાક્ષી' જેવી ફિલ્મો પણ 'સ્લીપિંગ વિથ ધ એનિમી'ની નકલ હોવાનો આરોપ છે. તેવી જ રીતે 'બરેલી કી બરફી' ફિલ્મ પણ 'ફ્રેન્ચ કિસ' પર આધારિત છે.

તેમણે કહ્યું કે, “હવે ઇન્ટરનેટનો જમાનો છે. તમે સર્ચ કરશો તો તમને કૉપી કરેલી ફિલ્મ અને તેની અસલ બંનેની લિંક્સ મળશે. તમે જાતે જ નક્કી કરી શકો છો કે ભારતીય સિનેમામાં 'ચોરી' કેટલા મોટા પાયા પર થાય છે."

દિલ્હીસ્થિત 'સેન્ટર ફૉર ધ સ્ટડી ઑફ ડૅવલપિંગ સોસાયટીઝ' (સીએસડીએસ) ખાતે ભારતીય ભાષાઓના પ્રોગ્રામના ઍસોસિયેટ પ્રોફેસર રવિકાંત કહે છે, "નકલ કરવી એ માનવ સ્વભાવમાં છે અને તે કોઈ પણ વસ્તુની પ્રગતિ અને પ્રમોશન માટે તે જરૂરી છે."

તેમણે કહ્યું, "લોકપ્રિય કલ્ચરને આગળ ધપાવવા માટે નકલ અથવા અનુકરણ જરૂરી છે."

તેમણે સવાલ કર્યો કે જે લોકો સલીમ-જાવેદ પર નકલ કે ચોરીનો આરોપ લગાવે છે, શું તે લોકો આવી કોઈ ચીજ લખી શકે છે?

પરંતુ, જ્યારે કોઈ અન્ય વ્યક્તિનું સર્જનાત્મક કાર્ય પોતાના નામે લઈ લે ત્યારે તેને ચોરી કહેવાય અને તે લાંબા સમયથી આખી દુનિયામાં ચાલી રહ્યું છે.

નકલ કોને કહેવાય?

શોલે, બરફી, બોલીવૂડ ફિલ્મ, મનોરંજન, કોપીરાઇટ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, લગાન

ઑક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસની ડિક્શનરીમાં 'પ્લેજરિઝમ' અથવા નકલની વ્યાખ્યામાં જણાવાયું છે કે કોઈ બીજાના કાર્ય અથવા વિચારને પોતાના કાર્ય કે વિચાર તરીકે રજૂ કરવું એ નકલ છે.

પછી તે મૂળ લેખકની સહમતિ વગર કરવામાં આવે કે સહમતિ વગર કરાયું હોય.

આમ તો નકલ કરવી એ પોતાની જાતે કોઈ ગુનો નથી, પરંતુ બનાવટની જેમ કૉપીરાઇટ અને નૈતિક અધિકારોના ઉલ્લંઘનને કારણે આ પ્રકારની છેતરપિંડી બદલ કોર્ટમાં સજા થઈ શકે છે.

શૈક્ષણિક ક્ષેત્રમાં અને ઉદ્યોગમાં આને એક ગંભીર નૈતિક અપરાધ ગણવામાં આવે છે.

દિલ્હીની આંબેડકર યુનિવર્સિટી ખાતે કાયદાના પ્રોફેસર અને કૉપીરાઇટ્સના નિષ્ણાત પ્રોફેસર લોરેન્સ લિયાંગ કહે છે, "સિનેમાનો પોતાનો એક લાંબો ઇતિહાસ છે, જેમાં કામ વ્યક્તિગત અને સામૂહિક બંને રીતે થાય છે."

તેઓ કહે છે, “કોઈ ફિલ્મના નિર્માણમાં કોણે કયું કામ કર્યું અને કયું ઇનપુટ આપ્યું તે તમે બહુ સ્પષ્ટતા સાથે અલગ કરી શકતા નથી. તેથી આ વિસ્તાર ખૂબ જ વિશિષ્ટ અને ખૂબ વિચિત્ર પણ છે.”

તેમણે કહ્યું, "પરિણામે કૉપીરાઇટ કાયદો આમાં વધુ દખલ કરતો નથી અને ફિલ્મમાં મૌલિકતાની બહુ જરૂર પણ નથી હોતી."

પ્રોફેસર લિયાંગે કહ્યું, “ભારતમાં ભાગ્યે જ એવી કોઈ ફિલ્મ છે જે બાઉન્ડ સ્ક્રિપ્ટ સાથે બનેલી હોય. જોકે, આમિર ખાનની ફિલ્મ 'લગાન' એ કદાચ પહેલી વાર બાઉન્ડ સ્ક્રિપ્ટ સાથે બનેલી ફિલ્મ હતી.

તેમણે કહ્યું, “નહીંતર સામાન્ય રીતે તે કોઈ આઇડિયા હોય છે જેના પર કામ કરવામાં આવે છે અને શૂટિંગ દરમિયાન ઘણા બધા પ્રયોગો કરવામાં આવે છે. આવી સ્થિતિમાં જે ચીજ સામે આવે છે તે નવી ચીજ હોય છે.”

પ્રોફેસર લિયાંગે કહ્યું, "કેટલીક ફિલ્મો એવી છે જેનાં ઘણાં વર્ઝન બહાર આવ્યાં છે અને તે તમામની પોતાની એક અલગ ઓળખ હોય છે."

તેમણે એક ઉદાહરણ આપતા કહ્યું, “અકીરા કુરોસાવાની 1954માં આવેલી ફિલ્મ 'સેવન સમુરાઈ'થી પ્રેરાઈને ભારતમાં 'સાત હિન્દુસ્તાની' ફિલ્મ બની હતી જેને ખ્વાજા અહમદ અબ્બાસે લખી હતી”.

કહ્યું, "હોલીવૂડે તેના પરથી 'ધ મેગ્નિફિસન્ટ સેવન' બનાવી છે, જ્યારે હોલીવૂડની ફિલ્મ 'બીટલ બિયોન્ડ સ્ટાર્સ'એ કહ્યું છે કે તેમણે તેમની સાયન્સ ફિક્શન ફિલ્મ માટે 'સેવન સમુરાઈ'માંથી પ્રેરણા લીધી છે.

પ્રોફેસર લોરેન્સ લિયાંગના જણાવ્યા અનુસાર, "જ્યારે ફિલ્મોની સીડી અને ડીવીડી ગેરકાયદેસર રીતે બનાવવામાં આવી અને વેચવામાં આવી ત્યારે કૉપીરાઇટનો મુદ્દો પેદા થયો."

તેમણે કહ્યું, "આજે તેમાં પણ છૂટ છે કે તમે કોઈ ફિલ્મને થિયેટરમાં ન જોઈ શકો તો તમે પૈસા ચૂકવીને તેને ઑનલાઇન જોઈ શકો છો, એટલે કે આઉટલેટ્સ ઉપલબ્ધ છે."

તેમણે એક પ્રસિદ્ધ વાતની નકલ કરતા કહ્યું, "ફિલ્મોમાં તમે વિચારની ઉઠાંતરી ક્યાંથી કરો છો તે મહત્ત્વનું નથી, પરંતુ તમે તેને ક્યાંથી પહોંચાડો છો તે મહત્ત્વનું છે."

એક વાર્તા પર બની ત્રણ અલગ-અલગ ફિલ્મો

શોલે, બરફી, બોલીવૂડ ફિલ્મ, મનોરંજન, કોપીરાઇટ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, UGC

ઇમેજ કૅપ્શન, ચોરી ચોરી

પ્રોફેસર લિયાંગે કહ્યું કે વર્ષ 1936માં રિલીઝ થયેલી ફિલ્મ 'ઈટ હેપન્ડ વન નાઇટ'ને લો. તમને ખબર છે કે રાજ કપૂરે તેના પરથી ફિલ્મ 'ચોરી ચોરી' બનાવી હતી. ત્યાર પછી મહેશ ભટ્ટે તેના પરથી 'દિલ હૈ કી માનતા નહીં' બનાવી હતી. તમે જોશો તો તમને લાગશે કે ત્રણેય ફિલ્મો પોતપોતાની રીતે અલગ છે.

સીએસડીએસના પ્રોફેસર રવિકાંત પણ કહે છે કે ભારતમાં વાર્તા કહેવાની પોતાની અલગ શૈલી છે અને તમે તેને 'મહાભારત' અને 'રામાયણ'માં જોઈ શકો છો.

તેમણે કહ્યું, "તમને 'રામાયણ'ની એટલી બધી આવૃત્તિઓ મળશે જેટલી આવૃત્તિઓ તમને 'મહાભારત'ની મળશે. તમે તેને ચોરી કે નકલ કહી શકતા નથી."

પ્રોફેસર લિયાંગ કહે છે કે આપણે ત્યાં અનુરાગ કશ્યપ અને સલીમ-જાવેદ જેવા ટોચના સ્ક્રિપ્ટ રાઇટર્સને બાદ કરતા બાકીના સ્ક્રિપ્ટ રાઇટર્સનું શોષણ થાય છે.

તેમને તેમના કામ બદલ મહેનતાણું નથી મળતું અને આ રાજકીય અર્થતંત્રમાં જે શોષણ છે એ કૉપીરાઇટનું ઉલ્લંઘન છે.

તેમણે કહ્યું કે ફિલ્મોની વાર્તા કરતાં ફિલ્મોનાં ગીતો અને સંગીતમાં નકલ વધુ જોવા મળે છે અને સંગીતકારો બપ્પી લહેરી અને અનુ મલિક આ મામલે ખૂબ જ 'કુખ્યાત' છે.

તેમણે કહ્યું, “આ બહુ સામાન્ય છે. રિમિક્સમાં તો આવું મોટા પ્રમાણમાં થાય છે.”

પ્રોફેસર લિયાંગે કહ્યું, "ફિલ્મ 'મધુમતી'નું ગીત 'દિલ તડપ તડપ કે કહ રહા' એ પોલૅન્ડના એક લોકગીતમાંથી લેવામાં આવ્યું છે અને તે સાંસ્કૃતિક અનુવાદ છે."

તેમણે કહ્યું, "હવે ઇન્ટરનેટના કારણે દુનિયાભરનાં ગીતો તમારી સામે છે, તેથી તમે અંદાજ મેળવી શકો છો કે સલિલ ચૌધરીથી લઈને આરડી બર્મન સુધી, ઘણા સંગીતકારો પર ગીતની ટ્યુન કૉપી કરવાનો આરોપ જોવા મળી શકે છે."

નકલ પર લખાયેલો લેખ

શોલે, બરફી, બોલીવૂડ ફિલ્મ, મનોરંજન, કોપીરાઇટ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, IMDB

પત્રકાર મોનોજિત લહેરીએ 'ચોરી મેરા કામ' શીર્ષકથી બોલીવૂડમાં ઉઠાંતરીના વિષય પર એક લેખ લખ્યો છે, જેમાં 'ચોરી ચોરી'થી લઈને ફિલ્મ 'ફેરબ' સુધીની દરેક બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેના માટે દાવો કરાય છે કે તે 'એન અનલોફુલ ઍન્ટ્રી'ની નકલ છે.

તમે ફિલ્મોની વેબસાઇટ 'આઈએમડીબી' પર જશો, તો તમને ડઝનેક એવી હિન્દી ફિલ્મોનો ઉલ્લેખ જોવા મળશે, જે હોલીવૂડની ફિલ્મોની રિમેક છે અથવા તેના પર આધારિત છે.

પ્રોફેસર રવિકાંત કહે છે કે વાસ્તવમાં માત્ર એવી વસ્તુઓની નકલ કરવામાં આવે છે જે સફળ હોય અથવા જે વસ્તુ સફળ થઈ હોય તેના પર જ નકલ કરવાનો આરોપ લગાવવામાં આવે છે.

તેમણે એક ફિલ્મની ચર્ચા કરી જેમાં ફિરાક ગોરખપુરીના શેરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ફિરાક ગોરખપુરીએ કોઈને કહ્યું હતું કે તેમને તેના માટે પૈસા મળવા જોઈએ.

તેના વિશે ફિલ્મ મૅગેઝિન 'શમા'માં લોકોએ તેમને કહ્યું કે આ સાબિત કરે છે કે તમારો શેર લોકપ્રિય છે, પરંતુ તમારા શેરના કારણે ફિલ્મ હિટ થઈ કે નહીં તે ખબર નથી. તેથી પૈસાની માગણી કરવી ક્યાંક વધુ પડતી તો ન હતી.

રવિકાંતના કહેવા પ્રમાણે, ઘણા ગાયકો મોહમ્મદ રફીની નકલ કરીને રોજીરોટી કમાઈ રહ્યા છે.

તેવી જ રીતે પ્રોફેસર લિયાંગે કુમાર શાનુ વિશે એક વાત કહી. કુમાર શાનુને કોઈએ પૂછ્યું કે તેઓ માત્ર કિશોર કુમારનાં ગીતો જ કેમ ગાય છે, તો તેમણે સંગીતને પોતાનો ધર્મ અને કિશોર કુમારને તેમના ભગવાન ગણાવ્યા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.