ચૅમ્પિયન્સ ટ્રૉફી 2025: આ મૅચમાં જો પાકિસ્તાન હારશે તો તે લગભગ ચૅમ્પિયન્સ ટ્રૉફીમાંથી બહાર થઈ જશે

ઇમેજ સ્રોત, ANI
દુબઈના ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે 'મહામુકાબલો' ચાલી રહ્યો છે.
બાંગ્લાદેશ સામેની જીત પછી એક તરફ ભારતની ટીમ ઉત્સાહિત છે, જ્યારે ન્યૂઝીલૅન્ડ સામે પહેલી મૅચમાં મળેલી હાર પછી પાકિસ્તાન માટે આ મૅચ જીતવી ફરજિયાત બની ગઈ છે.
આ મૅચમાં જો પાકિસ્તાન હારશે તો તે લગભગ ચૅમ્પિયન્સ ટ્રૉફીમાંથી બહાર થઈ જશે.
વરિષ્ઠ ખેલ પત્રકાર વિમલકુમાર કહે છે તેમ પાકિસ્તાનની ટીમ કાગળ પર તો સાધારણ દેખાય છે, પરંતુ શું તે કોઈ ઊલટફેર સર્જી શકે છે.
એ સિવાય આ મૅચ બંને ટીમોના મોટા ખેલાડીઓનું ભવિષ્ય પણ નક્કી કરી શકે છે.
એક તરફ રોહિત-કોહલી માટે આ ચૅમ્પિયન્સ ટ્રૉફી મહત્ત્વની છે, તો બીજી તરફ પાકિસ્તાનના ખેલાડી બાબર આઝમ માટે પણ પોતાને પુરવાર કરવાનો મોકો છે. પાકિસ્તાનમાં તેમના પ્રદર્શન પર સવાલો ઉઠી રહ્યા છે.

ભારત-પાકિસ્તાન મૅચ : પાકિસ્તાને ટૉસ જીત્યો, પ્રથમ બેટિંગ પસંદ કરી
ભારતીય ટીમના પ્લેઇંગ ઇલેવનની વાત કરીએ તો ભારતીય ટીમના 11 ખેલાડીઓની યાદીમાં રોહિત શર્મા (કપ્તાન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકકીપર), હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, મોહમ્મદ શમી અને કુલદીપ યાદવને જગ્યા મળી છે.
તેમજ પાકિસ્તાની ટીમના પ્લેઇંગ ઇલેવનમાં ઇમામ-ઉલ-હક, બાબર આઝમ, સાઉદ શકીલ, મોહમ્મદ રિઝવાન (કપ્તાન અને વિકેટકીપર), સલમાન અલી આગા, તૈય્યબ તાહિર, ખુશદિલ શાહ, શાહીન આફ્રીદી, નસીમ શાહ, હૈરિસ રઉફ અને અબરાર અહમદને જગ્યા અપાઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દુબઈની પીચ કેવી છે?

ઇમેજ સ્રોત, Getty Images
દુબઈમાં ભારત પોતાની પહેલી મૅચમાં બાંગ્લાદેશ સામે પહેલાં ફિલ્ડિંગ કરવા ઇચ્છતું હતું. પરંતુ પછી પીચ ધીમી પડી ગઈ અને ઝાકળનો જરા પણ પ્રભાવ દેખાયો ન હતો.
ઈએસપીએન ક્રિકઇન્ફો અનુસાર, આવી પરિસ્થિતિને કારણે બંનેમાંથી કોઈ ટીમ પહેલી ફીલ્ડિંગ કરવા નહીં ઇચ્છે. બંને ટીમોની નજર પાવર-પ્લેમાં વધુને વધુ ફાયદો ઉઠાવવાની રહેશે.
દુબઈની પીચનો આ ટ્રેન્ડ બદલાય તેવું પ્રતીત થતું નથી, કારણ કે પહેલાં પણ અહીં આખી ટી-20 ટુર્નામેન્ટ્સ રમાઈ ચૂકી છે.
શુભમન ગિલે પણ મૅચ પહેલાં કહ્યું છે કે, "અહીંની પીચમાં ઝાકળનો કોઈ પ્રભાવ દેખાતો નથી આથી મને એવું લાગે છે કે ટોસ કોણ જીતશે તેનાથી કોઈ જાજો ફર્ક નહીં પડે. સામાન્ય રીતે દરેક મોટી મૅચમાં જો ઝાકળ ન હોય તો બીજી ઇનિંગમાં બેટિંગ કરનારી ટીમ પર દબાણ સર્જાય છે. જે ટીમ વધુ સારી રીતે દબાણ હૅન્ડલ કરે એ જીતે છે."
બંને ટીમોની પ્લૅઇંગ-11 પર પણ રહેશે નજર

ઇમેજ સ્રોત, Getty Images
બાંગ્લાદેશ સામેની મૅચમાં જીત પછી ભારતની ટીમ પોતાની પ્લૅઇંગ-11માં ફેરફાર કરે તેવી શક્યતા દેખાતી નથી.
ઈએસપીએન ક્રિકઇન્ફો પ્રમાણે, ભારત તેના ટીમ કૉમ્બિનેશનમાં કોઈ ફેરફાર નહીં કરે. બૉલિંગ આક્રમણનું નેતૃત્ત્વ શમી અને બેટિંગ આક્રમણનું નેતૃત્વ રોહિત અને ગિલ કરશે.
પાકિસ્તાનની ટીમમાં ફખર ઝમાનને બદલે ઇમામ-ઉલ-હકનું પુનરાગમન થશે એ નિશ્ચિત મનાઈ રહ્યું છે.
ટીમના બૉલિંગ આક્રમણનું નેતૃત્ત્વ શાહીન શાહ આફ્રિદી અને નસીમ શાહ કરશે જ્યારે બેટિંગમાં સૌની નજર બાબર આઝમ પર રહેશે.
ન્યૂઝી લૅન્ડ સામેના મુકાબલામાં પાકિસ્તાનના બૉલરો નિષ્ફળ રહ્યા હોવાથી તેમની બૉલિંગ લાઇનઅપ પર દબાણ રહેશે.
ભારતની વાત કરીએ તો સ્ટાર ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલી પર પણ સારું પ્રદર્શન કરવાનું દબાણ છે.
પાકિસ્તાનના બૉલરો સામે ભારતની ટીમ ભૂતકાળમાં ઘણીવાર ધરાશાયી થતી જોવા મળી છે. આથી, આ મુકાબલામાં ભારતના ટોપ-ઑર્ડર પર પણ નજર રહેશે.
ભારત અને પાકિસ્તાન: ઇતિહાસમાં કોનું પલડું ભારે?

ઇમેજ સ્રોત, Getty Images
બંને દેશો વચ્ચેના તમામ મુકાબલા પર નજર કરીએ તો ઇતિહાસમાં પાકિસ્તાનનું પલડું ભારે દેખાય છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી છેલ્લી 135 મૅચમાં ભારત 57 મૅચમાં જ જીત મેળવી શક્યું છે.
પરંતુ છેલ્લા બે દાયકાની રમત પર નજર ફેરવીએ તો એવું લાગે છે કે પાકિસ્તાન અતિશય સાધારણ ટીમ છે.
ભારતે છેલ્લી 11 વન-ડેમાંથી પાકિસ્તાન સામે નવ મૅચ જીતી લીધી છે. આ રેકૉર્ડમાં એશિયા કપ, વર્લ્ડકપ અને ચૅમ્પિયન્સ ટ્રૉફી સામેલ છે.
પરંતુ જો માત્ર ચૅમ્પિયન્સ ટ્રૉફીની વાત કરીએ તો પાંચ મૅચમાંથી ત્રણ મૅચમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













