વીરજી વોરા : એ ગુજરાતી શાહુકારો જે અંગ્રેજોને પણ નાણાં ઉછીનાં આપતા અને વેનિસના વેપારીઓને પાછળ છોડી દીધા હતા

બીબીસી ગુજરાતી, ગુજરાત, ભારતનો ઇતિહાસ, વીરજી વોરા, વીરજીની નાણાકીય સહાયે અંગ્રેજોને ભારત પર કબજો કરવામાં મદદ કરી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક
    • લેેખક, વકાર મુસ્તફા
    • પદ, પત્રકાર, સંશોધક

પશ્ચિમ ભારતમાં મુગલ શાસનથી સ્વતંત્ર મરાઠા સરકારની સ્થાપના કરનારા યોદ્ધા શિવાજીએ 1664માં ગુજરાતમાં સુરત પર આક્રમણ કર્યું અને ત્યાંના એક વેપારી-શાહુકાર વીરજી વોરાની સંપત્તિ લૂંટી લીધી, જેની કિંમત 50,000 બ્રિટિશ પાઉન્ડ અથવા તો 6,50,000 ચાંદી રૂપિયા હતી.

અર્થશાસ્ત્રી, પત્રકાર અને લેખક પ્રેમશંકર ઝા અનુસાર, 17મી અને 18મી સદીના વેપારીઓ-શાહુકારો, જેવા કે, સુરતના વીરજી વોરા, અમદાવાદના શાંતિદાસ અને બંગાળના જગતશેઠ પરિવારે એટલી સંપત્તિ એકઠી કરી હતી કે તેમણે ઇટાલીના સમુદ્રતટીય શહેર વેનિસના વેપારીઓ અને ભૂમધ્ય સાગરના બંદરીય શહેર જીનીવાના સાહુકારોને પાછળ કરી દીધા હતા.

ઝાએ પોતાના પુસ્તક 'ક્રાઉચિંગ ડ્રૅગન, હિડન ટાઇગર'માં લખ્યું છે કે, "તેઓ જેમના અધીન હતા એવા રાજાઓ અને નવાબો કરતાં વધારે અમીર થઈ ગયા હતા."

મરાઠા લૂંટ પછી વોરાને, જેમની અંગત માલિકીની સંપત્તિ એ સમયે લગભગ 80 લાખ રૂપિયા જેટલી હતી, ફરીથી બેઠા થવામાં વાર ન લાગી.

વોરા જથ્થાબંધ વેપાર, પૈસાની લેવડદેવડ અને બૅન્કિંગનું કામ કરતા હતા. સુરતમાં કેટલીક આયાત પર તેમનો એકાધિકાર હતો અને તેમણે અન્ય વસ્તુઓ ઉપરાંત મસાલા, સોના-ચાંદી, કોરલ, હાથીદાંત, સીસું અને અફીણનો વેપાર કર્યો.

મુગલકાળ દરમિયાન સુરતના સૂબેદાર સાથે વોરાના સંબંધ વધારે સૌહાર્દપૂર્ણ હતા.

જ્યારે વોરાની ધરપકડ થઈ

બીબીસી ગુજરાતી, ગુજરાત, ભારતનો ઇતિહાસ, વીરજી વોરા, વીરજીની નાણાકીય સહાયે અંગ્રેજોને ભારત પર કબજો કરવામાં મદદ કરી

ઇમેજ સ્રોત, Getty Images

મકરંદ મહેતાએ પોતાના પુસ્તક 'ઇન્ડિયન મર્ચન્ટ્સ ઍન્ડ ઑન્ટ્રપ્રિન્યર્સ ઇન હિસ્ટોરિકલ પર્સ્પેક્ટિવ'માં ભારતીય વેપારીઓની ઐતિહાસિક પૃષ્ઠભૂમિની સમીક્ષા કરતાં લખ્યું છે:

"સુરતના સૂબેદાર મુઅઝ-ઉલ-મુલ્ક મીર મૂસા અંગ્રેજો સાથે વેપાર કરતા હતા."

તેમના અનુસાર, "તેમની સાથે સારા સંબંધ જાળવી રાખવા વોરાએ અંગ્રેજો સાથે એવી વસ્તુઓનો સોદો ન કર્યો જેનો મીર મૂસા વેપાર કરતા હતા. પછીથી, 1642માં મીર મૂસાએ વોરાને કોરલનો જથ્થો ખરીદવામાં મદદ કરી હતી. 1643માં વોરાએ તેમની સાથેના સંબંધોનો લાભ લઈને કોરલ, મરી અને અન્ય વસ્તુઓ પર એકાધિકાર સ્થાપ્યો હતો.

પુસ્તકના ઉલ્લેખ અનુસાર, "એક વાર, મીર મૂસાની ગેરહાજરીમાં, સુરતના સૂબેદારે બધાં મરી જપ્ત કરી લીધાં અને વેપારીઓ પાસેથી બળજબરીથી પૈસા વસૂલ્યા, જેના કારણે વોરા સાથે તેમનો વિવાદ થયો હતો."

"1638માં 50 આરોપો સાથે વોરાને કેદ કરી લેવામાં આવ્યા હતા. વોરાએ શાહજહાંની અદાલતમાં પોતાના પરના બધા આરોપોનો ઇન્કાર કર્યો. બાદશાહે તેમને છોડી મૂક્યા અને સૂબેદારને બરખાસ્ત કરી દીધા."

વોરાએ શાહજહાંને ચાર અરબી ઘોડા આપ્યા હોવાનો ઉલ્લેખ પણ ઇતિહાસમાં કરવામાં આવ્યો છે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, ભારતનો ઇતિહાસ, વીરજી વોરા, વીરજીની નાણાકીય સહાયે અંગ્રેજોને ભારત પર કબજો કરવામાં મદદ કરી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સુરતમાં વેપારની મંજૂરી માટે મુગલોના દરબારમાં પહોંચેલા ઇસ્ટ ઇન્ડિયા કંપનીના પ્રતિનિધિ

બાલકૃષ્ણ ગોવિંદ ગોખલેએ 'મર્ચન્ટ પ્રિન્સ વીરજી વોરા'માં લખ્યું છે કે, ભારતનાં જુદાં જુદાં શહેરોની સાથોસાથ પર્શિયન ગલ્ફ, લાલ સાગર અને દક્ષિણપૂર્વ એશિયાનાં બંદરીય શહેરોમાં પણ વોરાની પેઢીની શાખાઓ હતી.

મહેતા અનુસાર, વોરા ઘણી વાર વિશેષ લવિંગની આખેઆખી ખેપ ખરીદી લેતા હતા અને પછી અન્ય ભારતીય અને વિદેશી વેપારીઓને પોતાની શરતે વેચી દેતા હતા.

તેમણે ડબ્લ્યુએચ મોરલૅન્ડના આધારે કહ્યું છે કે, વોરાના નેતૃત્વમાં વેપારી સમૂહ 50થી 10 લાખ રૂપિયામાં સંપૂર્ણ માલ ખરીદતા હતા.

18 જુલાઈ 1643ના એક અંગ્રેજી ફૅક્ટરી રેકૉર્ડમાં તેમને 'યુરોપીય વસ્તુઓના એકમાત્ર એકાધિકાર' તરીકે વર્ણવવામાં આવ્યા છે. રેકૉર્ડમાં આગળ કહેવાયું છે કે, વોરાએ યુરોપિયન વેપારીઓ અને સ્થાનિક નાના વેપારીઓ વચ્ચે આદાનપ્રદાનને સીમિત કરી દીધું અને 'સમય અને કિંમત'ને પોતાનાં ઇચ્છા અને ઇરાદા અનુસાર નક્કી કર્યાં.

બ્રિટિશરો અને ડચોએ લીધું ઉધાર

બીબીસી ગુજરાતી, ગુજરાત, ભારતનો ઇતિહાસ, વીરજી વોરા, વીરજીની નાણાકીય સહાયે અંગ્રેજોને ભારત પર કબજો કરવામાં મદદ કરી

ઇમેજ સ્રોત, Hulton Archive

ઇમેજ કૅપ્શન, 1850માં યમનના મોચા બંદરે કૉફી પીરસી રહેલો નોકર, વીરજી વોરાએ આ કૉફીનો સ્વાદ અંગ્રેજો અને ગુજરાતીઓને કરાવ્યો હતો
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ તેમની પાસેથી ઉધાર લીધું હતું.

મહેતાએ લખ્યું છે કે, વોરાએ ક્યારેય બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે હરીફાઈ ન કરી. પરંતુ, તેઓ સુરતમાં તેમના સૌથી મોટા ઋણદાતા અને ગ્રાહક પણ હતા.

બંને વચ્ચે ઘણી વાર ભેટ-સોગાદો અને પત્રોનું આદાનપ્રદાન થતું હતું. અંગ્રેજોએ વોરા દ્વારા લેવાતા ઊંચા વ્યાજદર વિશે પણ ઘણી વાર ફરિયાદ કરી હતી, જે માસિક 1થી 1.5 ટકા વચ્ચે હતો.

ગોખલે અનુસાર, એક અંગ્રેજી રેકૉર્ડ કહે છે, "સુરત શહેરમાં પૈસાની ભારે અછત છે. વીરજી વોરા એકમાત્ર માલિક છે." આ ઉપરાંત, મહેતાએ લખ્યું છે, "કોઈ નહીં, બલકે વીરજી વોરા ઉધાર આપી શકે છે અથવા તો ઉધાર આપવા ઇચ્છે છે."

આરજે બ્રાન્ડ્સે પોતાના પુસ્તક 'ધ અરેબિયન સીઝ : ધ ઇન્ડિયન ઓશન વર્લ્ડ ઑફ ધ સેવન્થ સેન્ચુરી'માં લખ્યું છે કે, ભારતમાં ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મોટા ભાગની પૂંજી પણ વીરજી વોરા અને તેમના નિકટના સહયોગી શાંતિદાસ ઝવેરી પાસેથી મળી હતી.

ગોખલે અનુસાર, વોરાએ ઘણા અંગ્રેજી વેપારીઓને તેમના અંગત વેપાર માટે પણ ઋણ આપ્યું હતું, જેના માટે કંપનીના લંડન કાર્યાલયે સખત અસ્વીકૃતિ વ્યક્ત કરી હતી.

ડચ અને અંગ્રેજ બંનેએ, સુરતથી આગરા સુધી મોટી રકમ મોકલવા માટે હૂંડી અથવા તો ડિમાન્ડ ડ્રાફ્ટ કે ટ્રાવેલર્સ ચેક જેવી વોરા સેવાઓ અને દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હતો.

ડચ વેપાર રિપોર્ટ અનુસાર, સુરતના વેપારમાં વોરાની નાણાકીય પકડે યુરોપીય વેપારીઓ માટે એક સ્થાયી અવરોધ ઊભો કરી દીધો હતો.

1670 સુધીમાં વોરા વૃદ્ધ થઈ ગયા હતા અને તે જ વર્ષે સુરત પર શિવાજીના બીજા આક્રમણે તેમને બીજું એક મોટું નુકસાન પહોંચાડ્યું. અંગ્રેજી અને ડચ અભિલેખોમાં 1670 પછીના સુરતના વેપારીઓ અને દલાલોમાં તેમનો ઉલ્લેખ નથી.

મહેતા અનુસાર, જો વોરા 1670 પછી પણ જીવિત હોત, તો તેમનો ઉલ્લેખ અંગ્રેજી દસ્તાવેજોમાં થયો હોત. તેથી તેમનું અનુમાન છે કે, સંભવતઃ 1670માં વોરાનું મૃત્યુ થયું હતું. પરંતુ ગોખલેનું માનવું છે કે, વોરાએ વ્યવસાયમાંથી સંન્યાસ લઈ લીધો હશે અને પોતાના પૌત્ર નનચંદને વ્યવસાય સોંપી દીધો હશે. તેમના મતે 1675માં તેમનું મૃત્યુ થયું.

શાંતિદાસ : શાહી ઝવેરી

બીબીસી ગુજરાતી, ગુજરાત, ભારતનો ઇતિહાસ, વીરજી વોરા, વીરજીની નાણાકીય સહાયે અંગ્રેજોને ભારત પર કબજો કરવામાં મદદ કરી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શાંતિદાસ ઝવેરી

હવે વાત કરીએ શાંતિદાસની.

મહેતા અનુસાર, શાહી ઝવેરી તરીકે મુગલ દરબાર અને શાહી પરિવારમાં તેમની ખાસ પહોંચ હતી.

શાંતિદાસે આભૂષણના વેપારમાં પ્રસિદ્ધિ મેળવી હતી. તેઓ મુગલ શાહી પરિવાર અને ભદ્ર વર્ગ સહિત અમીરોને આભૂષણ વેચતા હતા.

સમ્રાટ જહાંગીર અને દારા શિકોહનાં ફરમાન જણાવે છે કે, ખાસ કરીને શાહી પરિવારને ઘરેણાં આપવા માટે તેમની પસંદ કરવામાં આવ્યા હતા.

વિલિયમ ફોસ્ટરે અંગ્રેજી ફૅક્ટરી રેકૉર્ડ્સમાં લખ્યું છે કે, શાંતિદાસ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની, ડચ, પર્શિયન અને અરબ વ્યાપારીઓ સાથે પણ વેપાર કરતા હતા. તેમના વેપારના સામાનમાં લવિંગ સહિત વિવિધ વસ્તુઓ સામેલ હતી.

સપ્ટેમ્બર 1635માં શાંતિલાલ અને બીજા કેટલાક વેપારીઓના સામાન પર બ્રિટિશ ચાંચિયાઓએ હુમલો કર્યો અને લૂંટી લીધો.

જોકે, શાંતિદાસે અંગ્રેજોને તેમના નુકસાનની ભરપાઈ માટે પોતાના રાજકીય સંબંધો અને પ્રભાવોનો ઉપયોગ કર્યો.

બીબીસી ગુજરાતી, ગુજરાત, ભારતનો ઇતિહાસ, વીરજી વોરા, વીરજીની નાણાકીય સહાયે અંગ્રેજોને ભારત પર કબજો કરવામાં મદદ કરી

ઇમેજ સ્રોત, Getty Images

શાંતિદાસના પુત્ર વખતચંદ (1740-1814) અને પૌત્ર કૌશલચંદ (1680-1748)એ પણ વેપારમાં નામના મેળવી હતી. મરાઠાઓએ જ્યારે અમદાવાદને લૂંટવાની ધમકી આપી ત્યારે કૌશલચંદે પૈસા આપીને શહેરને વિનાશથી બચાવ્યું હતું.

આ જ રીતે જગતશેઠ એક ધનિક વેપારી, બૅન્કર અને શાહુકાર પરિવારનું નામ હતું, જે બંગાળના નવાબના સમયમાં જાણીતું હતું.

વિલિયમ ડેલરિમ્પલે પોતાના પુસ્તક 'ધ એનાર્કી'માં લખ્યું છે કે, તેમનો પ્રભાવ યુરોપના રોથ્સચાઇલ્ડ પરિવાર જેટલો નહોતો, પરંતુ 17મી અને 18મી સદીમાં મુગલ સામ્રાજ્યની નાણાકીય બાબતો પરના તેમના પ્રભાવની સરખામણી યુરોપીય નાણાકીય સિસ્ટમમાં રોથ્સચાઇલ્ડ પરિવારની ભૂમિકા સાથે કરી શકાય છે.

પરિવારના સંસ્થાપક હીરાનંદ શાહ, જેઓ રાજસ્થાનના નાગૌરના નિવાસી હતા, 1652માં પટણા આવેલા.

1707માં તેમના પુત્ર માણિકચંદે મુગલ રાજકુમાર ફારુખશાહને નાણાકીય સહાય કરી હતી, જેના બદલામાં તેમને જગતશેઠની ઉપાધિ મળી હતી, જેનો અર્થ થાય 'વર્લ્ડ બૅન્કર'.

માણિકચંદે બંગાળના પ્રથમ સૂબેદાર મુર્શિદ કુલી ખાનને ઢાકા છોડવા અને હુગલી નદીના તટ પર મુર્શિદાબાદમાં વસવાટ કરવાનું સૂચન કર્યું હતું. માણિકચંદ તેમના દીવાન બની ગયા.

રૉબર્ટ ઓરામે જગતશેઠ પરિવારને મુઘલ સામ્રાજ્યનો સૌથી અમીર અને સૌથી પ્રભાવશાળી હિન્દુ વેપારી પરિવાર ગણાવ્યો છે.

બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સત્તાવાર ઇતિહાસકાર

બીબીસી ગુજરાતી, ગુજરાત, ભારતનો ઇતિહાસ, વીરજી વોરા, વીરજીની નાણાકીય સહાયે અંગ્રેજોને ભારત પર કબજો કરવામાં મદદ કરી

ઇમેજ સ્રોત, Getty Images

જગતશેઠ પરિવારની સંપત્તિ અને પ્રભાવ એવાં હતાં કે તેમના વિના ન તો મુગલ સામ્રાજ્યની નાણાકીય નીતિ આગળ વધી શકતી હતી અને ન તો બંગાળની અર્થવ્યવસ્થા ચાલી શકતી હતી.

જગતશેઠની નાણાકીય ભૂમિકા બૅંક ઑફ ઇંગ્લૅન્ડ સમાન મનાતી હતી.

આ પરિવારે બંગાળ સરકારને જુદીજુદી નાણાકીય સેવાઓ આપી હતી. જેમાં આવક અથવા મહેસૂલનો સંગ્રહ, હૂંડી અને ઋણનો સમાવેશ થતો હતો.

બંગાળમાં સિક્કા બનાવવા પર તેમનો પૂર્ણ એકાધિકાર હતો અને મુગલ ખજાનાને વાર્ષિક મહેસૂલ ઉઘરાવી આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી.

પત્રકાર સહાય સિંહે એક લેખમાં લખ્યું છે કે, નવાબોથી માંડીને ફ્રેન્ચ, પોર્ટુગીઝ, ડચ અને બ્રિટિશ કંપનીઓઓ, આ બધાં જ તેમના દેવાદાર હતાં.

1714માં માણિકચંદનું મૃત્યુ થયું. ત્યાં સુધીમાં તેમણે ભારતનાં બધાં જ મુખ્ય શહેરોમાં પોતાની વ્યાવસાયિક પેઢીની શાખાઓ ઊભી કરી દીધી હતી.

સૈયદ આસિમ મહમૂદે એક અખબારમાં છપાયેલા પોતાના લેખમાં લખ્યું છે, "તેમનો કારોબાર મુગલ સમ્રાટ, બંગાળના નવાબ અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સાથોસાથ ફ્રેન્ચ અને પોર્ટુગીઝ વેપારીઓ સાથે પણ હતો. તેનાથી આ વણિક પરિવારનાં ધન, શક્તિ અને પ્રભાવ ખૂબ વધી ગયાં."

"માણિકચંદ નિઃસંતાન હતા. તેમના દત્તક પુત્ર ફતેહચંદે નાણાકીય વ્યવસાયને આગળ વધાર્યો અને શિખર સુધી પહોંચાડ્યો."

1722માં નવા મુગલ બાદશાહ મોહમ્મદશાહે તેમને 'જગતશેઠ'ની ઉપાધિ આપી હતી.

ફતેહચંદે મુર્શિદાબાદથી લઈને દિલ્હી અને ગુજરાત સુધી પોતાની પેઢીની શાખાનું એક નેટવર્ક બનાવ્યું હતું. રાજાઓ અને નવાબોથી માંડીને જમીનદારો, વેપારીઓ અને વિદેશી વેપારી કંપનીઓને પણ તેમણે વ્યાજે મોટી રકમ આપવાનું શરૂ કર્યું હતું.

ઇતિહાસકાર લખે છે કે, 1718થી 1730 સુધીમાં કંપનીએ તેમની પાસેથી દર વર્ષે 40 લાખ રૂપિયા ઉધાર લીધા હતા.

પ્લાસીના યુદ્ધ (1757)માં સિરાજ-ઉદ-દૌલા સાથે મતભેદ થયા પછી રૉબર્ટ ક્લાઇવે જગતશેઠ મહેતાબચંદના સમર્થનથી ભારતમાં બ્રિટિશ શાસનનું નેતૃત્વ કર્યું.

સુદીપ ચક્રવર્તીએ પોતાના પુસ્તક 'પ્લાસી : ધ બૅટલ ધૅટ ચેન્જ્ડ ધ કોર્સ ઑફ ઇન્ડિયન હિસ્ટરી'માં લખ્યું છે કે, "જગતશેઠ પરિવાર દાયકાઓથી એક સફળ ઘોડા પર દાવ લગાડવાની કલા જાણતો હતો, પરંતુ ઘણી વાર પોતાના જોરે પણ તેઓ સફળ ઘોડો જન્માવતા હતા."

ચક્રવર્તી એક ઘટના ટાંકે છે. જેમાં, નવાબ સિરાજ-ઉદ-દૌલાએ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને અન્ય વેપારીઓ પાસેથી 30 લાખ રૂપિયા એકઠા કરવામાં નિષ્ફળ રહેવા બદલ મહેતાબરાય જગતશેઠને થપ્પડ મારી દીધી હતી. આ એ જ ક્ષણ હતી જ્યારથી કાવતરાં શરૂ થયાં.

પત્રકાર મંદિરા નાયરે પોતાના એક લેખમાં લખ્યું છે કે, પ્લાસીનું યુદ્ધ વધુ લોહિયાળ નહોતું.

"આ યુદ્ધ પૂર્વઆયોજિત હતું. ક્લાઇવનો હેતુ સિંહાસન પર એક વધુ આજ્ઞાકારી નવાબ બેસાડવાનો હતો. સિરાજ-ઉદ-દૌલાએ મીર જાફરને પદ પરથી હટાવી દીધા હતા તે કારણે તેઓ સૌથી સારા ઉમેદવાર હતા."

પરંતુ, ક્લાઇવના બીજા એક શક્તિશાળી સહયોગી પણ હતા : બૅન્કિંગ પરિવારના વડા મહેતાબરાય 'જગતશેઠ', જેઓ તે સમયની અર્થવ્યવસ્થાને નિયંત્રિત કરતા હતા.

તેમણે કહ્યું, "મીર જાફરની ભૂમિકા જગજાહેર છે, પરંતુ, શાસકીય વર્તુળોને બાદ કરતાં સિરાજને હટાવવાના આ કાવતરામાં જગતશેઠની ભૂમિકાને મોટા ભાગે ભુલાવી દેવાઈ છે.

'સિયાર અલ-મુતખરીન' અનુસાર, જગતશેઠે સિરાજ વિરુદ્ધના અભિયાનમાં અંગ્રેજોને ત્રણ કરોડ રૂપિયા આપ્યા હતા. આ રકમ અતિશયોક્તિપૂર્ણ હોઈ શકે, પરંતુ, એ નિશ્ચિત છે કે તેમણે અંગ્રેજોને પૈસા આપ્યા હતા.

ચક્રવર્તીએ લખ્યું છે કે, સિરાજ-ઉદ-દૌલાના સહયોગી અને બંગાળમાં ફ્રેન્ચ મિલોના પ્રમુખ જીન લૉ અનુસાર, "આ એ લોકો છે, જેઓ આ ક્રાંતિના વાસ્તવિક પ્રેરક છે. જો તેઓ ન હોત તો અંગ્રેજ આ બધું ક્યારેય ન કરી શક્યા હોત.

આ સમર્થન પછી જગતશેઠ પરિવારના પતનનો પાયો નંખાયો.

1763માં, બંગાળના નવાબ મીર કાસિમ અલી ખાનના આદેશથી મહેતાબચંદ અને તેમના પિતરાઈ ભાઈ સ્વરૂપચંદની હત્યા કરી દેવામાં આવી હતી. ત્યાર પછી પરિવારનું નેતૃત્વ કુશલચંદે કર્યું, પરંતુ, તેમની લાપરવાહીના કારણે વેપાર પડી ભાંગ્યો.

1912માં જગતશેઠના અંતિમ ઉત્તરાધિકારીનું મૃત્યુ થયું અને એ પરિવાર બ્રિટિશ સરકારના પેન્શન પર જીવવા લાગ્યો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.