ચૅમ્પિયન્સ ટ્રૉફી 2025: જ્યારે શોએબ અખ્તરે સચીનની માગી માફી, શું હતી એ ઘટના જેમાં મેદાન વચ્ચે માગી માગવી પડી

ઇમેજ સ્રોત, Getty Images
ક્રિકેટ ભારતમાં સૌથી લોકપ્રિય રમત છે. તેમાં પણ જો મૅચ ભારત અને પાકિસ્તાન વચ્ચે હોય તો તેનાથી મોટો ઉત્સવ જેવો માહોલ બીજો કોઈ ન હોઈ શકે.
આઈસીસી ચૅમ્પિયન્સ ટ્રૉફી 2025 ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મૅચ 23મી ફેબ્રુઆરીએ એટલે કે રવિવારે દુબઈ ખાતે રમાવાની છે.
વિશ્વભરના ક્રિકેટ ચાહકો આ મૅચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કારણ કે, પરંપરાગત હરીફો આમને-સામને હશે.
બંને દેશો વચ્ચે તણાવને કારણે, ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મૅચ બહુ વધારે થતી નથી. પરંતુ આ બંને ટીમો આઈસીસી દ્વારા આયોજીત શ્રેણી અને એશિયા કપ જેવી ટુર્નામેન્ટમાં આમને-સામને આવે છે.
ભૂતકાળમાં ભારત અને પાકિસ્તાનની ટીમો ઘણાં વર્ષોથી મોટા પાયે એકબીજા સામે મૅચો રમી છે. આ મૅચોમાં બંને ટીમોની એકબીજા સાથેની યાદો અને કહાણીઓ આજે પણ ચર્ચામાં છે.
ઘણા વિશ્લેષકો કહે છે કે જ્યારે પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે મૅચ રમાય છે ત્યારે જાણે કે યુદ્ધ જેવું વાતાવરણ હોય છે. આથી જ બંને ટીમો વચ્ચે અનેક રસપ્રદ કિસ્સાઓ બન્યા છે જે આજે પણ લોકમુખે ચર્ચાય છે. આવા જ કેટલાક કિસ્સાઓની આપણે ચર્ચા કરીએ.
ઇજાગ્રસ્ત સચીને મૅચ બચાવી

ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાન સામે સચીનની શરૂઆતના દિવસનો બહુ જાણીતો કિસ્સો છે. નવજોતસિંહ સિદ્ધુએ ઘણી વખત સચીનનો આ કિસ્સો સંભળાવીને સચીનની પ્રશંસા કરી છે.
1989માં, પાકિસ્તાનના સિયાલકોટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની શ્રેણીની ચોથી ટેસ્ટમૅચ રમાઈ રહી હતી. ભારતીય ટીમ શરૂઆતમાં પાંચ વિકેટ ગુમાવીને મુશ્કેલીમાં હતી. તે સમયે સચીન બેટિંગ કરવા માટે આવ્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સચીન તેંડુલકરનો આ પહેલો પાકિસ્તાન પ્રવાસ હતો. તે પ્રવાસ દરમિયાન તેઓ માત્ર 16 વર્ષની ઉંમરના હતા.
સચીને વકાર યુનૂસ, વસીમ અકરમ, ઇમરાન ખાન અને આકિબ જાવેદ જેવા ઝડપી બૉલરોનો સામનો કર્યો.
જ્યારે, સચીન બેટિંગ કરવા આવ્યા ત્યારે વસીમ અકરમ 150-160ની સ્પીડે બૉલિંગ કરતા હતા. આવા જ એક બૉલને હૂક કરવા જતા સચીનને નાક પર બૉલ વાગ્યો. સચીન નીચે પડી ગયા.
સિદ્ધુ કહે છે, "પહેલા તો મારા મનમાં એ વિચાર આવ્યો કે આ મરી ગયો કે શું?"
સચીનના નાકમાંથી લોહી વહી રહ્યું હતું.
તેમનાં કપડાં લોહીથી ખરડાયેલાં હતાં. ડૉક્ટરો મદદ માટે દોડી ગયા. લોહી સાફ કરીને તેમની સારવાર શરૂ કરી.
સિદ્ધુને લાગ્યું કે હવે નવો બૅટ્સમૅન આવશે. તેથી તેઓ પેવેલિયન તરફ જોઈ રહ્યા હતા.
સિદ્ધુએ ત્યાં અચાનક પાછળથી અવાજ સંભળાયો. સચીન કહી રહ્યા હતા, "હું રમીશ...".
સચીનનો નાજુક અવાજ સાંભળીને સિદ્ધુ સચીન પાસે ગયા અને તેની પ્રશંસા કરી.
સિદ્ધુ કહે છે કે "સચીને તે ઓવરમાં બે બાઉન્ડ્રી મારી. દિવસના અંતે સચીન 67 રને અણનમ હતા અને હું 97 રને અણનમ હતો. ભારતે તે દિવસે એક પણ વિકેટ ગુમાવી નહીં અને મૅચ બચાવી લીધી."
સિદ્ધુ કહે છે કે તેમને ત્યાંથી જ ખ્યાલ આવી ગયો કે સચીન એક મહાન બૅટ્સમૅન બનશે. આ જ શ્રેણીમાં સચીનની અબ્દુલ કાદીરને છક્કા મારવાની કહાણી પણ જાણીતી છે. કાદીરે સચીનને છક્કા મારવાનો પડકાર ફેંક્યો હતો અને સચીને તેની બૉલિંગમાં સતત ત્રણ છક્કા માર્યા.
ગાંગુલી વિશે સક્લેન મુશ્તાકની ગેરસમજ

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય અને પાકિસ્તાની ક્રિકેટરો વચ્ચે મેદાન પર દુશ્મનાવટ જાણીતી હોવા છતાં બંને ટીમોના ખેલાડીઓ ઘણી વખત મેદાનની બહાર સારા મિત્રો તરીકે જોવા મળે છે.
પાકિસ્તાનના સ્પિનર સક્લેન મુશ્તાક ઘણી વખત સૌરવ ગાંગુલી વિશે આવી જ એક વાત શૅર કરે છે. બધા લોકો ગાંગુલીને પ્રેમથી દાદા કહે છે.
સક્લેન અને ગાંગુલી જ્યારે પણ રમતા હતા ત્યારે શરૂઆતમાં સક્લેને ગાંગુલીને જોયો ત્યારે લાગ્યું કે આ કાં તો ગુસ્સામાં છે અથવા તો નમ્ર છે. તેથી તેઓ ગાંગુલી સાથે બહુ વાતચીત નહોતા કરતા.
ઘણાં વર્ષો સુધી આમ જ ચાલ્યું. પછી ઇજાને કારણે સક્લેને ઘૂંટણની સર્જરી કરાવી. સ્વસ્થ થતા સક્લેન સસેક્સ કાઉન્ટી માટે મૅચ રમવા ગયા. તેઓ ત્યાં ભારતીય ટીમ સાથે મૅચ રમવાના હતા.
તે સમયે સૌરવ ગાંગુલી પોતે સક્લેન માટે કૉફી લાવ્યા અને લગભગ અડધો કલાક સુધી વાતચીત કરી. તેમણે ખુબ જ મૈત્રીપૂર્ણ રીતે તેમની પૂછપરછ કરી. બીમારી વિશે ખબરઅંતર વિશે પૂછ્યું. તે વખતે સક્લેનને ખરાબ લાગ્યું કે તેઓ સૌરવ વિશે બહુ ખોટું વિચારી રહ્યા હતા.
શોએબે માફી માગી...

ઇમેજ સ્રોત, Getty Images
એક વખત વીરેન્દ્ર સેહવાગે શોએબ અખ્તરનો એક કિસ્સો કહ્યો હતો. એક વખત લખનઉમાં ભારત-પાકિસ્તાનની ટીમો માટે એક કાર્યક્રમનું આયોજન થયું હતું. તે સમયે શોએબ પણ ત્યાં હતા.
સેહવાગ કહે છે કે શોએબે ઇવેન્ટમાં થોડો વધારે દારૂ પીધો હતો. શોએબે મજાકમાં સચીન તેંડુલકરને ખભા પર ઉઠાવવાનો પ્રયાસ કર્યો. પણ તે સચીનને સરળતાથી ઉઠાવી ન શક્યો.
તે સમયે સચીન અને શોએબ બંને પડી ગયા. સચીન પડી જવાને કારણે સેહવાગે શોએબને ડરાવી દીધો.
સેહવાગે શોએબને કહ્યું, "તમે ભારતના મહાન ક્રિકેટરને નીચો દેખાડ્યો છે. હવે સચીન બીસીસીઆઈને કહેશે અને બીસીસીઆઈ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને ફરિયાદ કરશે. જેનો અર્થ એ કે તમારી કૅરિયર સમાપ્ત થઈ જશે."
સેહવાગ કહે છે તે પ્રમાણે શોએબ ડરી ગયા હતા. તેઓ સચીનને મળ્યા અને પછી માફી માગી. તેમણે તેને ફરિયાદ ન કરવા પણ કહ્યું. પરંતુ પછી પાછળથી તેને સમજાયું કે સેહવાગ તેની મજાક ઉડાવી રહ્યા હતા.
યુનિસ ખાન દ્રવિડ પાસે બેટિંગની ટીપ્સ લેવા ગયા

ઇમેજ સ્રોત, Getty Images
2004માં ચૅમ્પિયન્સ ટ્રૉફી ઇંગ્લૅન્ડમાં યોજાઈ રહી હતી. તે સમયે, પાકિસ્તાની બૅટ્સમૅન યુનિસ ખાન રાહુલ દ્વવિડ પાસે બેટિંગ અંગે ટીપ્સ લેવા ગયા હતા.
તે સમયે રાહુલ દ્વવિડ યુનિસ ખાન કરતાં ઘણા સિનિયર ખેલાડી હતા.
વધુમાં યુનિસ પાકિસ્તાનની ટીમનો ભાગ હતા. છતાં રાહુલ દ્વવિડે આવું વિચાર્યા વગર તેમને બેટિંગની ટીપ્સ આપી.
યુનિસ ખાને પોતે આ વાત એક કાર્યક્રમમાં કહી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે દ્વવિડે આપેલી ટીપ્સને કારણે તેની બેટિંગમાં સુધારો થયો હતો.
મિંયાદાદની રમૂજી સ્લૅજિંગ

ઇમેજ સ્રોત, Getty Images
સુનીલ ગાવસ્કર ઘણી વખત પાકિસ્તાની ક્રિકેટર જાવેદ મિંયાદાદના વિશે એક રમૂજી વાત કહે છે.
બૅંગ્લોરમાં એક મૅચમાં જાવેદ મિંયાદાદ એક ભારતીય સ્પિનર સામે બેટિંગ કરી રહ્યા હતા. જાવેદ મિંયાદાદનો પ્લાન બૉલરને ચીડવીને તેનું ધ્યાન ભંગ કરવાનો હતો.
આ જ મૅચમાં બૉલર જ્યારે બૉલ ફેંકતા હતા ત્યારે મિંયાદાદ તેમને ચીડવવા માટે પૂછતા કે "તારો રૂમ નંબર કયો છે?"
તેનો ઉદ્દેશ બૉલરને તકલીફ આપવાનો હતો.
અંતે બૉલર કંટાળી ગયો અને ગુસ્સામાં પૂછ્યું, "તમને રૂમ નંબરની શી જરૂર છે?"
મિંયાદાદે તેને વધારે ઉશ્કેરવા માટે કહ્યું કે "હું તારા રૂમ નંબરમાં છક્કો મારવા માગુ છું."
ગાવસ્કરે કહ્યું કે મિંયાદાદ આ પ્રકારે તેમને હેરાન કરતા હતા.
"બાપ તો બાપ હોય છે..."

ઇમેજ સ્રોત, Getty Images
ભારત અને પાકિસ્તાનની મૅચોમાં સ્લૅજિંગ એક અભિન્ન ભાગ છે. આવી જ એક મૅચમાં સેહવાગ બેટિંગ કરી રહ્યા હતા.
ત્યારે શોએબ તેમને સ્લૅજ કરી રહ્યા હતા.
2003ના વિશ્વકપ દરમિયાન શોએબ અખ્તર સેહવાગને બાઉન્સર ફેંકીને તેને હૂક મારવા માટે ચીડવી રહ્યા હતા.
થોડા સમય પછી સેહવાગે કંટાળીને કહ્યું, "તારી સામે ઊભેલી વ્યક્તીને બાઉન્સર ફેંક પછી તે તને ફટકારશે."
સામેની ક્રિઝ પર સચીન તેંડુલકર બેટિંગ કરી રહ્યા હતા.
બીજી જ ઓવરમાં શોએબે સચીનને બાઉન્સર માર્યો. સચીને તેને સિક્સર ફટકારી. પછી સેહવાગે તેને ઉશ્કેરતા કહ્યું કે "બાપ બાપ હોય છે."
સેહવાગે આ કહાણી ઘણી વખત સંભળાવી છે પરંતુ શોએબે આવું કંઈ બન્યાનો ઇન્કાર કર્યો છે. તેઓ કહે છે, "જો આવું હોત તો શું હું ચૂપ બેસી રહ્યો હોત?"
( આ બધી કહાણીઓ સંબંધિત ક્રિકેટરોએ વિવિધ કાર્યક્રમોમાં અને ઇન્ટરવ્યૂમાં કહી છે.)
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












