You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બંગાળની ખાડીમાં બનશે નવી વરસાદી સિસ્ટમ, ગુજરાતમાં ક્યારે વરસાદ આવશે?
બંગાળની ખાડી આવનારા દિવસોમાં એક સિસ્ટમ બનવાની શક્યતા છે અને તેના કારણે ચોમાસું ફરી સક્રિય થાય તેવી શક્યતા દેખાઈ રહી છે.
ઑગસ્ટ મહિનામાં નહિવત્ જેવા વરસાદ બાદ હવે સપ્ટેમ્બર મહિનામાં ફરી વરસાદી ગતિવિધિ શરૂ થાય તેવી સંભાવના દેખાઈ રહી છે.
ગુજરાતમાં જૂન અને જુલાઈ મહિનામાં ખૂબ સારો વરસાદ થયો, જેનું મુખ્ય કારણ બંગાળની ખાડીમાં સતત બનેલી સિસ્ટમો હતી. જૂનમાં વહેલા વરસાદનું કારણ કચ્છ પર ત્રાટકેલું બિપરજોય વાવાઝોડું પણ હતું.
ગુજરાતમાં સામાન્ય રીતે ચોમાસામાં જુલાઈ અને ઑગસ્ટ મહિનામાં વધારે વરસાદ પડે છે પરંતુ આ વર્ષે વરસાદની સ્થિતિ ઑગસ્ટમાં ખૂબ જ ખરાબ રહી હતી. આ મહિનામાં રાજ્યમાં ભાગ્યે જ કોઈ જગ્યાએ થોડો સારો વરસાદ થયો હતો. અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છતાં વરસાદ થયો ન હતો.
હવે ચોમાસાનો છેલ્લો મહિનો બાકી છે અને રાજ્યમાં જે જિલ્લાઓમાં જુલાઈમાં સરેરાશ કરતાં વધારે વરસાદ હતો ત્યાં પણ હવે વરસાદની ઘટ દેખાઈ રહી છે.
બંગાળની ખાડીમાં સિસ્ટમ ક્યારે બનશે?
બંગાળની ખાડીમાં ઑગસ્ટ મહિનામાં એકાદ સિસ્ટમ સિવાય સ્થિતિ સાવ નિષ્ક્રિય રહી છે અને તેના કારણે દેશના અનેક વિસ્તારોમાં વરસાદી ગતિવિધિ બંધ થઈ છે.
ભારતની ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટના અહેવાલ અનુસાર 4 સપ્ટેમ્બરની આસપાસ બંગાળની ખાડીમાં ફરી સિસ્ટમ બને તેવી શક્યતા છે. હવામાનનાં વિવિધ મૉડલ પણ દર્શાવી રહ્યાં છે કે બંગાળની ખાડીમાં સિસ્ટમ બનવાની શક્યતા છે.
મધ્ય ભારત, પશ્ચિમ ભારત અને ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં વરસાદનો આધાર બંગાળની ખાડીમાં બનતી સિસ્ટમો પર જ છે. એવી રીતે ગુજરાતમાં પણ ચોમાસાનો સારો વરસાદ જ્યારે બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ બને અને તે મધ્ય ભારત સુધી આવે ત્યારે જ પડે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સ્કાયમેટ વેધરના અહેવાલ મુજબ બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બનશે તે કદાચ લૉ-પ્રેશર એરિયા બને તેવી શક્યતા છે. લૉ-પ્રેશર એરિયા મજબૂત બને તો તે ભારતના અનેક વિસ્તારોમાં સારો વરસાદ આપે તેવી શક્યતા છે.
આ સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદ થશે?
આ વરસાદી સિસ્ટમ હજી બંગાળની ખાડીમાં બનવાની છે તેથી હાલ તે કઈ તરફ આગળ વધશે, કેટલી મજબૂત બનશે તે વિશે આગાહી કરવી મુશ્કેલ છે.
જોકે, સિસ્ટમ બન્યા બાદ પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ, પૂર્વ મધ્ય પ્રદેશના વિસ્કારોમાં તેની અસર થવાની શરૂ થઈ જશે અને આ વિસ્તારોમાં વરસાદી ગતિવિધિઓ ફરી શરૂ થવાની શક્યતા છે.
ગુજરાતમાં હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 4 સપ્ટેમ્બર સુધી વરસાદની શક્યતા ખૂબ ઓછી છે અને મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી ગતિવિધિ જોવા નહીં મળે. કોઈ વિસ્તારમાં કદાચ છુટોછવાયો હળવો વરસાદ થાય તેવી સંભાવના છે.
હવામાનનાં વિવિધ મૉડલો દર્શાવે છે એ પ્રમાણે હાલની સ્થિતિ મુજબ આ સિસ્ટમ મધ્ય ભારત તરફ આગળ વધે તેવી સંભાવના છે પરંતુ તે ગુજરાત કે રાજસ્થાન તરફ આવશે કે નહીં તે અંગે સ્પષ્ટતા સિસ્ટમ બન્યા બાદ થશે.
આ સિસ્ટમ પશ્ચિમ મધ્ય પ્રદેશ સુધી આવે અને તે મજબૂત હોય તો પણ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે, એટલે કે હાલ ફરી રાજ્યમાં વરસાદની આશા જાગી છે અને તેનો આધાર બંગાળની ખાડીમાં બનનારી સિસ્ટમ પર છે.
ગુજરાતમાં હાલ વરસાદ કેમ નથી પડી રહ્યો?
ગુજરાતમાં ઑગસ્ટ મહિનામાં વરસાદ ન થવાનાં ઘણાં કારણો છે અને તેમાં સૌથી મોટું કારણે નિષ્ણાતો અલ નીનોને માને છે. પ્રશાંત મહાસાગરમાં અલ નીનોની સ્થિતિ વધારે મજબૂત થઈ છે અને તેની અસર ભારતના ચોમાસા પર થઈ રહી છે.
બીજી તરફ મૉન્સૂન ટ્રફ પણ ઉત્તરમાં તેની સામાન્ય સ્થિતિ પર છે એટલે કે તે ઘણા સમયથી હિમાલયની તળેટીના વિસ્તારોમાં સ્થિર થઈ ગઈ છે. જ્યારે આ મૉન્સૂન ટ્રફ નીચે આવે છે ત્યારે રાજ્યમાં વરસાદ થાય છે.
આ ઉપરાંત ભારતથી સેંકડો કિલોમિટર દૂર આવેલા પ્રશાંત મહાસાગરમાં એક બાદ એક વાવાઝોડાં સર્જાઈ રહ્યાં છે અને તેની અસર ભારતના ચોમાસા પર થઈ રહી છે.
દક્ષિણ ચીની સમુદ્ર, ફિલિપાઇન્સ સમુદ્ર અને પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાં સતત સર્જાતાં વાવાઝોડાં ભેજ ખેંચીને તેની સાથે લઈ જાય છે અને એના કારણે ભારતમાં વરસાદી ગતિવિધિ ધીમી પડી જાય છે.
આ ઉપરાંત ગુજરાતની આસપાસ લોકલ વેધર એક્ટિવિટી પણ જોવા મળી નથી, એટલે કે રાજ્યની આસપાસ પણ કોઈ મજબૂત સિસ્ટમ બની નથી. આ કારણોને લીધે ગુજરાતમાં ઑગસ્ટ મહિનામાં વરસાદ અટકી ગયો હતો.