You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'મારી સામે જ મારું ઘર પડી ભાંગ્યું, પરિવાર વિખેરાઈ ગયો', હિમાચલમાં આવેલી હોનારતના પીડિતોની આપવીતી
- લેેખક, અરવિંદ છાબરા
- પદ, બીબીસી પંજાબી સંવાદદાતા, શિમલાથી આવીને
“મેં મારું ઘર પત્તાના મહેલની માફક અમુક સેકંડોમાં જ પડી જતા જોયું. તમે કલ્પના ન કરી શકો કે એ દૃશ્ય જોઇને મારી માનસિક પરિસ્થિતિ કેવી હશે!”
આ ઘટનાને વર્ણવતાં 45 વર્ષીય સુમનના અવાજમાં ધ્રુજારી અનુભવાતી હતી. તેમનું પારિવારિક ઘર પડી ગયું હતું. એ દિવસ 15મી ઑગસ્ટનો હતો.
“હું જોરદાર ચીસો પાડી રહી હતી પરંતુ હું કંઈ જ કરી શકી નહીં.” આ વર્ણન કરતી વખતે આંસુઓ તેમની આંખોમાંથી દડદડ વહી રહ્યાં હતાં.
નિરવ શાંતિ માટે જાણીતા અને શિમલાની મધ્યમાં આવેલા એક નાનકડા વિસ્તારમાં સુમનના પરિવારે વર્ષોના અતૂટ પ્રયાસો થકી ‘ઘર’ બનાવ્યું હતું. જોકે, મુશળધાર વરસાદ અટક્યો નહીં અને તેમની વર્ષોની મહેનતનું ફળ એક જ ઝાટકે ધોવાઈ ગયું.
આજે તેઓ રાજ્ય સરકાર દ્વારા સ્થાપિત કામચલાઉ કૅમ્પમાં રહે છે જે કુદરતના પ્રકોપથી ઘરવિહોણા બનેલા લોકો માટે હવે એકમાત્ર આશ્રય છે.
ખાસ કરીને સુમનનાં માતા માટે આ આઘાત જીરવાય એવો નથી. આફત પછી નોંધારાં થઈ ગયાં હોય એવું તેમને લાગે છે.
"અમારાં માતા-પિતાએ આ ઘર બનાવવા માટે તેમનાં જીવનની સમગ્ર બચત લગાવી દીધી હતી. આ બધું જોવું અસહ્ય છે." સુમને દુ:ખી થઈને કહ્યું.
“એ ઘર ઊભું કરવા માટે અમે કરેલું આયોજન અને સંસાધનો એકત્ર કરવામાં વિતાવેલી નિંદ્રાવિહિન રાતો અમને હજુ પણ યાદ આવે છે. અમે હવે કોઈ પણ ઘર બાંધવા માગતાં નથી. અમે આશા છોડી દીધી છે." સુમનના અવાજમાં જીવનમાં સ્થિરતાની ઝંખના પ્રબળ રીતે દેખાતી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સુમનની કહાણી એ હિમાચલ પ્રદેશના હજારો લોકોની આપવીતીનું પ્રતિબિંબ છે. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી હજારો લોકોને ભારે નુકસાન થયું છે. અતિશય ભારે વરસાદ અને તેની અસરથી થયેલ ભૂસ્ખલન જેવી ઘટનાઓથી સેંકડો લોકો મૃત્યુ પામ્યા છે. અનેક પરિવારો શોકમાં ગરકાવ છે. હિમાચલ પ્રદેશના લોકો આ આફત સામે ઝઝૂમી રહ્યા છે.
348નાં મૃત્યુ, હજારો લોકો બેઘર
દુર્ઘટનાની વચ્ચે આંકડાઓ એક ભયાનક ચિત્ર રજૂ કરે છે. રાજ્ય સરકારના અહેવાલો દર્શાવે છે કે જૂનના છેલ્લા સપ્તાહમાં ચોમાસાની શરૂઆત થઈ ત્યારથી લઈને અત્યાર સુધીમાં વરસાદના કારણે ભૂસ્ખલન અને અચાનક પૂર જેવી ઘટનાઓમાં કુલ 348 લોકોનાં મૃત્યુ થયાં છે. રાજ્યની રાજધાની શિમલા એ સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર ગણાય છે. શિમલામાં લગભગ 80 લોકોનાં મૃત્યુ થયાં હતાં. મુખ્ય મંત્રી સુખવિન્દર સુક્ખુની રૂ. 10,000 કરોડથી વધુના નુકસાનની જાહેરાત એ વિનાશની પરાકાષ્ઠાને આપોઆપ રેખાંકિત કરે છે.
આંકડાઓ ઉપરાંત માનવજીવન પર થયેલી અસર પણ ભયાનક છે. કુલ 336 લોકો ઘાયલ થયા છે, 2220 ઘરો નાશ પામ્યાં છે, અને લગભગ 10,000 ઘરોને આંશિક નુકસાન થયું છે. 300 દુકાનો અને 4600થી વધુ ગૌશાળાઓની હાલત હવે ભંગાર કે કાટમાળ જેવી થઈ ગઈ છે. 9930 મરઘાં, 6085થી વધુ ઢોરઢાંખર અને અન્ય પ્રાણીઓ કુદરતના આ પ્રકોપનો ભોગ બન્યાં છે. આમ, પશુધન માટે પણ આ હોનારત એટલી જ વિનાશકારી નીવડી છે.
હિમાચલ પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોમાં જ કુલ 131 ભૂસ્ખલન અને ભારે વરસાદથી આવેલાં 60 જેટલાં આકસ્મિક પૂરનાં નિશાન દેખાય છે, એવું કહીએ તો ખોટું નહીં ગણાય, કેમ કે તેણે પ્રદેશની ભૂગોળને જ બદલી નાખી છે. અહીં દર સોએક મીટરના અંતરે તમને રસ્તાઓ પર લૅન્ડસ્લાઇડના અવશેષો કે પડી ગયેલાં વૃક્ષો દેખાશે.
'પુત્ર હવે ક્યાંય નથી...'
14 ઑગસ્ટના રોજ જ્યાં 20 લોકો મૃત્યુ પામ્યા એ શિવમંદિરની દુર્ઘટના કુદરતના પ્રકોપનો એક બોલતો પુરાવો છે. મંદિરની આસપાસનો વિસ્તાર એ અચાનક આવેલા પૂરમાં ડૂબી ગયો હતો અને અહીં એક જ પરિવારે તેના સાત સભ્યો ગુમાવ્યા હતા.
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફૉર્સ (NDRF) અને અન્ય એજન્સીઓએ મંદિરની દુર્ઘટના બાદ મૃતદેહોની શોધખોળ હાથ ધરી હતી. અવિરત વરસાદને કારણે તેઓ પણ શોધખોળનું કામ નિર્ધારિત સમયમાં કરી શકતા નથી.
પોતાના 17 વર્ષના પુત્ર સૌરભને ગુમાવનાર શોકગ્રસ્ત પિતા સંજય ઠાકુરે આ હૃદયદ્રાવક ક્ષણોનું વર્ણન કરતાં કહ્યું કે, “એ ભયંકર સવાર હતી. અમે એક મોટો અવાજ સાંભળ્યો અને મારી પત્નીએ કહ્યું, ‘સૌરભ ક્યાં છે?’ હું મંદિર તરફ દોડ્યો અને જોયું તો તે આંશિક રીતે પડી ભાંગ્યું હતું. કાટમાળમાં ફસાયેલ એક વ્યક્તિ મદદ માટે બૂમો પાડી રહી હતી. અમે તેને બચાવવા માટે ઝડપથી દોડી ગયા. જોકે, એ પછી વધુ એકવાર ભૂસ્ખલન થયું અને મંદિરની ઉપરથી પસાર થનારા રેલવે ટ્રેક નીચેથી જમીન ખસકીને નીચે આવી ગઈ. એ રીતે આખું મંદિર પડી ભાંગ્યું. પછી કંઈ બચ્યું ન નહીં..."
પરિવાર અને સ્થાનિક લોકો સૌરભને શોધી રહ્યા હતા પણ તેમને બીજા દિવસે મૃતદેહ મળ્યો. “સ્વાભાવિક છે કે મને મારા પુત્રની યાદ આવે! આ પીડા અસહ્ય છે. જુઓ, તેનાં પુસ્તકો અહીં પડ્યાં છે. તેનાં કપડાં પણ છે, બસ એ જ ક્યાંય નથી. હવે કોઈ શું કરી શકે!"
નાજુક 'ઇકૉલૉજી'નો અનાદર
આ ઘટનાઓ પછીની અસરો મર્યાદિત નથી. સંજય ઠાકુર 120 વર્ષ જૂની 'યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ' એવી 'ટૉય ટ્રેન'ના સસ્પેન્ડેડ રેલવે ટ્રૅકનો ઉલ્લેખ કરી રહ્યા હતા. રેલવેના આ પાટા પણ હવે કુદરતની શક્તિ સામે વામણા બનીને ઊભા છે. એ પાટાઓ એક સમયે પ્રવાસીઓ માટે આ પ્રદેશની સુંદરતાને અનુભવવાનો માર્ગ હતો પણ નુકસાનને કારણે એને હવે અનિશ્ચિત સમય માટે બંધ કરી દેવામાં આવ્યા છે.
માનવજીવનને થયેલી અસર માળખાગત નુકસાનથી ઘણી વધારે છે. આકાશ કુમારના પરિવારની જેમ ઘણા લોકાની આજીવિકા હવે નથી રહી. પેઢીઓથી તેમનો પરિવાર તેમની માંસની દુકાન પર નિર્ભર હતો, પરંતુ રાજ્યની માલિકીનાં કતલખાનાંના થયેલા પતનથી તેઓ હવે કામ અને ઘર બંનેથી વંચિત છે.
"અમે ત્યાંથી અમારો પુરવઠો મેળવતા હતા અને પછી તેને અમારી દુકાન પર વેચતા હતા. પરંતુ કતલખાનાં ખાલી થઈ ગયાં હતાં અને જે વિસ્તારમાં અમારું ઘર આવેલું છે તે વિસ્તારને પણ ભયજનક વિસ્તારની યાદીમાં મૂકવામાં આવ્યો હતો. અમને ખબર નથી કે હવે અમે ક્યાંથી કમાણી કરીશું. અમે શું ખાઈશું." આકાશ કુમારે ભારે અવાજમાં વ્યથા રજૂ કરી. એમને માતાપિતા, ચાર ભાઈઓ અને તેમની પત્નીઓ અને બાળકોવાળો મોટો પરિવાર છે. સમગ્ર પરિવારે હવે શિમલાની પુનર્વસન-શિબિરમાં આશ્રય લીધો છે.
નુકસાનની આ કહાણીઓ વચ્ચે એક સત્ય ઊભરીને સામે આવે છે - હિમાલયના પ્રદેશની નાજુક 'ઇકૉલૉજી'નો આપણે જરા પણ આદર કરતા નથી. આ વિનાશ અનિયંત્રિત વિકાસ અને પહેલાંથી જ અનિશ્ચિત એવા પહાડી ઢોળાવો પર પડેલા ભારે વરસાદની થયેલી અસરને દર્શાવે છે. આ આપત્તિ આપણા માટે એક કરુણ ચેતવણી છે કે કુદરત સાથે સુમેળ જ સર્વોપરી છે. આ બાબત મુખ્ય મંત્રીએ પણ રેખાંકિત કરી છે.
તેમણે કહ્યું કે, “ખામીયુક્ત માળખાકીય ડિઝાઇનો અને આડેધડ બાંધકામ વિનાશ તરફ દોરી જનારાં મુખ્ય પરિબળો છે. આ નુકસાનમાંથી બહાર આવતાં એક વર્ષ લાગશે.”
ફરીથી બેઠા થવાનો પ્રયાસ
જોકે, ચોમાસાની ઋતુમાં આવેલી આ આફત કોઈ નવી ઘટના નથી. હિમાચલ પ્રદેશ સ્ટૅટ ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ ઑથોરિટીએ 24 જૂનથી 22 જુલાઈ વચ્ચે ભારે વરસાદને કારણે 150થી વધુ લોકોનાં મૃત્યુ થયાં હોવાનું સ્વીકાર્યું હતું. 14 અને 15મી ઑગસ્ટના ભૂસ્ખલનમાંથી બહાર આવવાના પ્રયાસો ચાલી રહ્યા હતા ત્યાં જ 24 ઑગસ્ટના રોજ કુલ્લુ જિલ્લામાં અન્ય એક ભારે ભૂસ્ખલનની ઘટના નોંધાઈ.
કૅમેરામાં કેદ અને સૉશિયલ મીડિયા પર વાયરલ થયેલાં આ દૃશ્યો દર્શાવતાં હતાં કે વરસાદથી સર્જાયેલ ભૂસ્ખલનને કારણે ઘરો પત્તાના મહેલની માફક તૂટી પડ્યાં. જોકે, નુકસાનનો સંપૂર્ણ તાગ હજુ સુધી મેળવી શકાયો નથી પણ અધિકારીઓ એ વાતની પુષ્ટિ કરે છે કે ઇમારતો થોડા દિવસો પહેલાં ખાલી કરાવી દેવામાં આવી હતી. હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાના બજારવિસ્તાર અન્નીમાં વિનાશક ભૂસ્ખલન થયું હતું, જે કુલ્લુ જિલ્લાના મુખ્ય મથકથી 76 કિમી દૂર છે.
અહીંના રહેવાસીઓ સતત ચિંતામાં જીવે છે. 23 ઑગસ્ટની વહેલી સવારે શિમલામાં ભારે વાવાઝોડું આવ્યું હતું અને તેના કારણે સ્થાનિકોની ઊંઘ હરામ થઈ ગઈ છે અને તેઓ હજુ પણ ભયભીત છે.
હોટલના કામદાર રાજેશ નેગીએ જણાવ્યું કે, "અમે આ પહેલાં ક્યારેય આવું જોયું નથી. સવારે 3 વાગ્યાની આસપાસ વીજળી ચાલુ રહી. અમે અમારાં ઘરો છોડી દીધાં કારણ કે અમને ડર હતો કે તેઓ કોઈ પણ ક્ષણે તૂટી શકે છે. ડર અને તણાવે જાણે કે અમારા પર કબજો કરી લીધો છે."
રાજ્ય ફરીથી બેઠા થવાનો પ્રયાસ કરી રહ્યું છે. આવી પ્રતિકૂળતામાં સંઘર્ષની વાર્તાઓ ચમકે છે. સ્થાનિકો સાથેની વાતચીતો એક એવા પ્રદેશને આપણી સમક્ષ રજૂ કરે છે કે જેણે એવો નિર્ધાર કરી લીધો છે કે ટકાઉ વિકાસની પરિકલ્પનાને આધાર બનાવીને તેઓ ફરીથી બેઠા થશે અને માણસ અને પર્યાવરણનું નાજુક સંતુલન જાળવવાનો પ્રયત્ન કરશે.
આ હોનારતો વચ્ચે સુમન અને આકાશ જેવાં બેઘર અને બેરોજગાર થઈ ગયેલા હવે લોકો સહાય માટે સરકાર તરફ મીટ માંડીને બેઠાં છે.
સુમન કહે છે, "સરકારે અત્યાર સુધી ઘણી મદદ કરી છે. તેઓ અમને રહેવા માટે એક રૂમ આપશે તો પણ અમને સંતોષ મળશે."